(૨ ફેબ્રુઆરી, ૨૦૨૫ના રોજ સ્વામી ત્રિગુણાતીતાનંદજી મહારાજની જન્મજયંતી નિમિત્તે આ લેખ અહીં પ્રસ્તુત છે. – સં.)

શ્રીરામકૃષ્ણના સંદેશનો પ્રચાર બંગાળીમાં કરવા માટે સ્વામી ત્રિગુણાતીતાનંદ ૧૮૯૬માં જે વિચારતા હતા, તે સામયિક શરૂ કરવા સ્વામીજીએ સ્વામી ત્રિગુણાતીતાનંદને કહ્યું. જોસેફાઈન મેક્લાઉડે આપેલા એક હજાર રૂપિયા તેમણે આપ્યા અને હરમોહન મિત્રે બીજા એક હજારનું દાન કર્યું. આ ફાળાની સહાયથી સ્વામી ત્રિગુણાતીતાનંદે છાપખાનું ખરીદ્યું અને ઉદ્‌બોધનના પ્રકાશનનો આરંભ કર્યો. કંબુલિયાટોલા લેનમાં બે’ક ઓરડાઓ સ્વામી ત્રિગુણાતીતાનંદે ભાડે રાખ્યા અને કશા જ અનુભવ વગર એકલે હાથે સામયિક માટે ખૂબ શ્રમ કર્યો. નિષ્ઠા, ધીરજ, ખંત અને એથી વિશેષ તો, આદર્શ માટેનો પ્રેમ એમની મૂડી હતાં. એમને કોઈ સાધુ મદદનીશ નહીં હોઈ, સ્વામી ત્રિગુણાતીતાનંદ તંત્રી, પ્રૂફ તપાસનાર, મૅનેજર અને પ્રેસ સુપરવાઇઝર હતા અને બીબાં ગોઠવનાર ગેરહાજર હોય ત્યારે, એ બીબાં પણ ગોઠવતા.

જુદા જુદા લેખકો પાસે જઈ લેખો ઉઘરાવવા ઉપરાંત એ ઘેર ઘેર ફરીને લવાજમ પણ ઉઘરાવતા. મૂડી ખૂબ મર્યાદિત હોઈ એ ટ્રામમાં ન જતા; એ રોજ દસ માઈલ ચાલતા જતા, કોઈ ભક્તને ત્યાં એક વાર જમી લેતા અને સવારે ને સાંજે થોડા પૌંઆથી ચલાવી લેતા. મધરાત પછીના ૩-૦૦ થી ૪-૦૦ સુધીની એક કલાકની ઊંઘ એ કરતા. નિદ્રા દૂર કરવા માટે આંખો પર એ પાણી છાંટતા અને ઊભા ઊભા જ પ્રૂફ તપાસતા. આ સર્વ ઉપરાંત, પ્રેસનો કોઈ કર્મચારી માંદો પડે તો, એની સારવાર એ કરતા. પોતે માંદા પડે તો, એ ધાબળો ઓઢીને થોડી વાર સૂઈ જતા ને પછી, સવારથી પોતાના કામે લાગતા.

આમ ૧૮૯૯માં એ દ્વૈમાસિક (પછીથી એ માસિક થયેલું) અસ્તિત્વમાં આવ્યું. સ્વામીજીએ એને ઉદ્‌બોધન નામ આપ્યું. સ્વામીજીના એક શિષ્ય શરતચંદ્ર ચક્રવર્તીએ, સ્વામી વિવેકાનંદ સાથેના વાર્તાલાપોમાં નીચે પ્રમાણે વિગતો નોંધી છે :

શિષ્ય: ‘મહાશય, સ્વામી ત્રિગુણાતીતાનંદ સામયિક માટે કરે છે, એટલું કામ કરવું બીજા કોઈ માટે અશક્ય છે.’

સ્વામીજી: ‘ઝાડ નીચે ધૂણી લગાવીને માત્ર ધ્યાનમાં બેસવા માટે જ શું શ્રીરામકૃષ્ણનાં સંન્યાસી બાળકો અવતર્યા છે એમ તને લાગે છે? એ લોકો કંઈ પણ કામ ઉપાડશે ત્યારે, એમની શક્તિ જોઈને લોકો અચરજ પામશે. કામ કેમ કરવું તે એમની પાસેથી શીખ. તું જો કે, મારી આજ્ઞાથી સ્વામી ત્રિગુણાતીતાનંદે પોતાની આધ્યાત્મિક સાધના, પોતાનું ધ્યાન અને બધું જ છોડી દીધું છે અને એ કામે લાગી ગયો છે. એ તે શું નાનો ત્યાગ છે? સફળતા વિના એ અટકશે નહીં.’

સ્વામી ત્રિગુણાતીતાનંદે ઉદ્‌બોધનનું સંપાદન કાર્ય ચાર વર્ષ સુધી કર્યું. પછીથી સ્વામી શુદ્ધાનંદ એમના સહાયક તરીકે જોડાયા.

Total Views: 129

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.