૧૮ ડિસેમ્બર, ૧૯૨૭ના રોજ કાળકોટડીનો દરવાજો ખુલ્યો. જેલનો અધિકારી તેને લેવા આવ્યો હતો. તેણે કહ્યું, ‘હું તૈયાર છું.’ કુરાને શરીફની કલમા પઢતો તે ફાંસીના માચડા પાસે આવ્યો. જેલના અધિકારીઓને કહ્યંુ, ‘મારી મા અને ભાઈ મારી પાછળ પડ્યાં હતાં કે તું શાદી કરી લે. મને કોઈ વહુ પસંદ આવતી ન હતી. મને આજે મનપસંદ વહુ મળી છે. આ ફાંસીનો ફંદો જ મારી વહુ છે. એને જરા ચૂમી તો લઉં’. ફાંસીના ફંદાને ચૂમીને તેણે કહ્યું, ‘મારા પર જે આરોપ મૂકવામાં આવ્યા છે તે તદ્દન ખોટા છે. ખુદાને ત્યાં અવશ્ય ન્યાય મળશે.’ તેણે ત્રણ વખત ૐ નું ઉચ્ચારણ કર્યું અને માતૃભૂમિ માટે પ્રાણ ન્યોચ્છાવર કર્યા.
અંગ્રેજોએ હિંદુ મુસલમાન વચ્ચે ઘણો ખટરાગ ઊભો કર્યો હતો. અશફાકના બાળમાનસમાં હિંદુ મુસલમાનના ભેદભાવ વિશે કેટલાય પ્રશ્નો ઊઠતા. તે માને પૂછતો, ‘અમ્મા, આપણે કોણ છીએ ?’ મા, ‘ઇન્સાન.’ અશફાક, ‘તો પછી હિન્દુ કોણ છે ?’ મા, ‘ઇન્સાન.’ આ સાંભળીને અશફાક વિચારમાં પડી જતો. માએ કહ્યું, ‘અશફાક, તેં કોઈ ઇન્સાનના લોહીનો રંગ તપાસ્યો છે ? કોઈના લોહીનો રંગ જુદો જણાયો છે ?’ અશફાક વિચારમાં પડીને કહેતો, ‘ના’. વળી પૂછતો, ‘તો અમ્મા, ‘પાક’ (પવિત્ર) કોને કહેવાય ?’
માએ કહ્યું, ‘દેશને ખાતર શહાદત વહોરે તેને.’
અશફાકે માના મુખેથી આ શબ્દો સાંભળીને નવમા ધોરણ સુધીનું શિક્ષણ મેળવ્યું અને પછી દેશભક્તિના રંગે રંગાઈ ગયો.
Your Content Goes Here




