ગીતા કરતાં વધુ સારી ટીકા વેદો પર કોઈ જ લખાઈ નથી કે લખી શકાય નહીં. આપણે જ્યારે જોઈએ છીએ કે શ્રુતિઓ ઉપર કે ઉપનિષદો ઉપર ઘણા ભાષ્યકારો છે અને દરેક પોતાની રીતે એનો અર્થ બેસાડવાનો પ્રયાસ કરી રહ્યા છે, ત્યારે તેમનો સાર સમજવો કઠિન થઈ પડે છે.
એટલે શ્રુતિઓનો અર્થ બતાવવા સારુ, ગીતાના ઉપદેશકરૂપે, શ્રુતિઓના પ્રેરક ભગવાન સ્વયં અવતરે છે અને આજે ભારતને, અરે આખી દુનિયાને પણ શ્રુતિનો અર્થ કરવાની એ પદ્ધતિ સિવાય અન્ય કશાની આવશ્યકતા નથી. એ એક નવાઈની વાત છે કે શાસ્ત્રોની વ્યાખ્યા કરનારા પાછળના લોકો ગીતા ઉપર ટીકા લખતી વખતે સુધ્ધાં, ઘણી વાર અર્થને પકડી ન શક્યા, તો ઘણી વાર એના વલણને પકડી ન શક્યા…..
ગીતામાં એમાંના એકેયને મરડવાનો કશો જ પ્રયાસ નથી. ભગવાન કહે છે કે એ બધાં બરાબર છે; કારણ કે ધીમી ધીમે અને ક્રમે ક્રમે માનવાત્મા ઉપર ને ઉપર ચડતો હોય છે; પગલે પગલે સ્થૂળમાંથી સૂક્ષ્મમાં, સૂક્ષ્મમાંથી વધુ સૂક્ષ્મમાં એમ ઉપર જતો જતો અંતે એ કૈવલ્યરૂપી ધ્યેયે પહોંચે છે. ગીતામાં જે છે તે આ છે. કર્મકાંડ સુધ્ધાં ચર્ચાયું છે અને ત્યાં બતાવાયું છે કે એ સીધે-સીધી રીતે મુક્તિ ન આપતાં માત્ર ગૌણ નિમિત્ત બને છે, છતાં એ પણ સાચું છે; પ્રતિમાઓ પણ ગૌણ રીતે સાચી છે. ક્રિયાકાંડ, મૂર્તિઓ એ બધાં સાચાં છે; શરત માત્ર એક જ કે હૃદય સાફ હોવું જોઈએ, કારણ કે જો હૃદય સાફ હોય અને સચ્ચાઈથી ભર્યું હોય તો ઉપાસના સાચી છે અને ધ્યેય પ્રત્યે દોરી જાય છે, વળી આ બધી ઉપાસના પદ્ધતિઓ આવશ્યક છે, નહિતર એ શા માટે હોય? આપણા થોડાક આધુનિક માણસો ધારે છે તેમ ધર્મો અને સંપ્રદાયો દંભીઓ અને દુષ્ટ લોકોએ થોડાક પૈસા કમાવા સારુ શોધી કાઢેલા નથી…..
જુદા જુદા વર્ગોના મનુષ્યોની આંતરિક આકાંક્ષાઓ અને ઝંખનાઓને સંતોષવા સારુ એ બધાં થયાં છે; તમારે એની વિરુદ્ધમાં પ્રચાર કરવાની જરૂર નથી. જે દિવસે એમની જરૂર નહીં રહે તે દિવસે જરૂરિયાતના અંતની સાથે તેમનો પણ અંત આવી જશે. પણ જ્યાં સુધી એ જરૂરિયાત ઊભી રહેશે ત્યાં સુધી તમે વિરુદ્ધમાં ગમે તેટલો પ્રચાર કરશો, ગમે તેટલી ટીકાઓ વરસાવશો, પણ એ રહેવાનાં જ છે. તમે ભલે તલવાર અને તોપ ચલાવો, તમે ભલે માનવરુધિરથી દુનિયાને તરબોળ કરી નાખો, પરંતુ જ્યાં સુધી મૂર્તિઓની આવશ્યકતા છે ત્યાં સુધી એ રહેવાની જ. આ કર્મકાંડ અને ધર્મની અંદરનાં વિવિધ પગલાં રહેશે જ; એ શા માટે રહેવાં જોઈએ એ આપણે ભગવાન શ્રીકૃષ્ણ પાસેથી જાણ્યું છે. (સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા, ૪.૧૪૬)
શ્રીકૃષ્ણ ગીતા (અધ્યાય ૭, શ્લોક ૧૬)માં કહે છેઃ
चतुर्विधा भजन्ते मां जनाः सुकृतिनोऽर्जुन।
आर्तो जिज्ञासुरर्थार्थी ज्ञानि च भरतर्षभ॥
‘દુઃખી, સાંસારિક પદાર્થની ઇચ્છાવાળા, જિજ્ઞાસુઓ અને સત્યને જાણનારા—આ ચાર પ્રકારના લોકો મને ભજે છે.’ દુઃખી લોકો દુઃખ નિવારણ સારુ ઈશ્વરને ભજે છે. તેઓ જો માંદા હોય તો સાજા થવા માટે તેને ભજે છે; જો ધન ગુમાવ્યું હોય તો તે પાછું મેળવવા ઈશ્વરની પ્રાર્થના કરે છે. અન્ય લોકો બીજા બધા પ્રકારની વસ્તુઓ ઈશ્વર પાસે માગે છે; કારણ કે તેઓ નામ, કીર્તિ, સંપત્તિ, મોભો ઈત્યાદિ કામનાઓથી ભરપૂર છે. તેઓ પ્રાર્થનામાં કહેશેઃ ‘હે કુમારી મેરી! હે મારી માતા! મારી મનમાં ધારેલી વસ્તુ મને મળશે તો હું તને નૈવેદ્ય ધરીશ. મારી મનોકામના પૂરી કરો તો હું જરૂર તમારી પૂજા કરીશ અને તમને બધી વસ્તુનો થોડો થોડો અગ્ર ભાગ આપીશ.’ જેઓ સંસારમાં તેમના જેટલા અતિશય આસક્ત ન હોય પરંતુ હજી જેમને ઈશ્વરમાં ખાસ શ્રદ્ધા પણ ન હોય, એવા માણસો ઈશ્વર વિશે જાણવાની વૃત્તિ સેવતા હોય છે; તેઓ ફિલસૂફીનો અભ્યાસ કરે છે, શાસ્ત્રો વાંચે છે, વ્યાખ્યાનો સાંભળે છે, ઈત્યાદિ; તેઓ જિજ્ઞાસુ છે. જેઓ છેલ્લા પ્રકારમાં આવે છે તેઓ ઈશ્વરની ઉપાસના કરે છે અને ઈશ્વરને ઓળખે છે. આ ચારે પ્રકારના લોકો સારા છે, ખરાબ નથી; તેઓ બધા ઈશ્વરની ઉપાસના કરે છે. (સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા, ૩.૪૮૯)
સારો રસોઇયો પોતાથી બનતી ખાદ્ય-સામગ્રીઓમાં પોતાનું સમગ્ર મન પરોવે છે; તેટલા પૂરતો તે બીજું બધું ભૂલી જાય છે. પરંતુ આ રીતે તેઓ જેનાથી ટેવાયા હોય છે તે એક જ કામ સંપૂર્ણપણે કરવાને શક્તિમાન બને છે. ગીતા એમ શીખવે છે કે બધાં કામો આ રીતે જ કરવાં જોઈએ. યોગ દ્વારા જે ઈશ્વર સાથે એકરૂપ થયેલ છે, તે પોતાનાં સઘળાં કામો યોગસ્થિતિમાં કરે છે અને કશા અંગત લાભની અપેક્ષા રાખતો નથી. આવાં કર્મનું અનુષ્ઠાન જગતનું કેવળ મંગલ જ કરે છે; એમાંથી કશુંય અનિષ્ટ થઈ શકે નહિ.
દરેક કર્મનું ફળ સારા અને નરસાનું મિશ્રણ હોય છે. એવું એકેય શુભ કર્મ નથી કે જેમાં અશુભનો અંશ સરખોય ન હોય. ધુમાડાથી જેમ અગ્નિ ઘેરાયેલો હોય, તેમ કર્મની સાથે કંઈક અનિષ્ટ વળગેલું હોય જ છે. આપણે એવાં કર્મોમાં લાગવું જોઈએ કે જેનાથી વધુમાં વધુ શુભ અને ઓછામાં ઓછું અશુભ થાય. અર્જુને ભીષ્મ અને દ્રોણનો વધ કર્યો, જો આ ન થયું હોત તો દુર્યોધનને જીતી શકાત નહિ, મંગલ તત્ત્વ પર અમંગલ તત્ત્વનો વિજય થયો હોત અને દેશ પર મહાન આફત આવી પડી હોત. દેશની રાજસત્તા ઉદ્ધત અને અધર્મી રાજાઓની ટોળકીએ પચાવી પાડી હોત અને લોકોને માથે કમનસીબી આવી પડી હોત. એ જ પ્રમાણે શ્રીકૃષ્ણે કંસ, જરાસંઘ અને બીજા જુલમીઓનો વધ કર્યો ખરો, પરંતુ તેમનું એક પણ કાર્ય તેમના પોતાના માટે થયું ન હતું; દરેક કાર્ય બીજાના ભલાને માટે હતું. આપણે મીણબત્તીના પ્રકાશમાં ગીતા વાંચીએ પણ તે સાથે અસંખ્ય જીવડાં એ દીવામાં બળીને ખાખ થઈ જાય છે. આથી દેખાય છે કે કર્મની સાથે કંઈક ને કંઈક પાપ વળગેલું જ હોય છે. જેઓ પોતાના ક્ષુદ્ર અહંભાવનો લેશ પણ ખ્યાલ વિના કર્મ કરે છે તેમને એ પાપ લાગતું નથી, કારણ કે તેઓ જગતના કલ્યાણને માટે કર્મ કરે છે. નિષ્કામ કર્મ કરવાથી, અનાસક્ત ભાવે કર્મ કરવાથી સર્વોચ્ચ આનંદ અને મુક્તિ મળે છે. કર્મયોગનું આ રહસ્ય ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણે શીખવ્યું છે. (સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા, ૧.૩૫૮)
બધા સંજોગોમાં શાંત અને દૃઢ રહેવું તથા શરીર, મન અને આત્મા ઈશ્વરના ચરણોમાં સમર્પિત કરી દેવાં, આ જ છે ગીતાનો મુખ્ય ભાવ. (સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા, ૯.૫૮)
ગીતામાં અપાયેલો શ્રીકૃષ્ણનો ઉપદેશ તો જગતે ભાગ્યે જ જાણ્યો હોય તેવો બધામાં સર્વોત્તમ છે. જેણે તે અદ્ભુત કાવ્ય રચ્યું તે એક એવા વિરલ આત્માઓ માંહેનો હતો કે જેમના જીવને, જગતભરમાં નવજીવનના તરંગો ઉત્પન્ન કર્યા. ગીતા જેણે રચી, તેના જેવું મસ્તિષ્ક માનવજાત ફરીથી કદાપિ નહીં જુએ. (સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા, ૩.૨૬૭)
આ એક શ્લોકને જ કોઈ વાંચેઃ
क्लैब्यं मा स्म गमः पार्थ नैतत्त्वय्युपपद्यते।
क्षुद्रं हृदयदौर्बल्यं त्यक्त्वोत्तिष्ठ परन्तप॥
તો આખીય ગીતા વાંચ્યાનું પુણ્ય તે મેળવે કારણ કે આ એક શ્લોકમાં ગીતાનો સમગ્ર સંદેશ ભર્યો છે. (સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા, ૫.૧૨૭)
Your Content Goes Here




