(શ્રીમત્ સ્વામી પ્રભાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના આસિ. સેક્રેટરી છે. તાજેતરમાં કલકત્તામાં યોજાયેલ વિશ્વધર્મપરિષદમાં ૧૯મી સપ્ટેમ્બરે તેમણે જે ભાષણ આપ્યું હતું તે વાચકાના લાભાર્થે અહીં આપી રહ્યા છીએ.)

આપણામાંના ઘણાને ખબર નહિ હોય કે સ્વામી વિવેકાનંદ પોતાને ‘કલકત્તા બૉય’ (કલકત્તા શહેરનો છોકરો) તરીકે ઓળખાવવામાં ગૌરવ અનુભવતા હતા. આ કલકત્તાના છોકરાએ ૧૮૯૩ની સાલમાં અમેરિકાના શિકાગો શહેરમાં વિશ્વના ધર્મોની સંસદને ઐતિહાસિક સંબોધન કર્યું હતું. તે પ્રસંગના શતાબ્દી ઉત્સવ માટે કલકત્તા શહેરમાં સૌથી મોટી એવી વિશ્વના ધર્મોની સંસદની બેઠક યોજાઈ રહી છે. એ ધર્મસંસદમાં સ્વામીજીએ અદ્રિતીય સ્થાન પ્રાપ્ત કર્યું હતું. સોળ ધર્મોના પ્રતિનિધિઓ સમક્ષ સ્વામીજીએ સંવાદિતાના સૂત્રનો ઉદ્ઘોષ કર્યો હતો. આજે એ બધું તમારા મનમાં ફરી તાજું થશે, એમ હું માનું છું. એક સો વર્ષ પહેલાં સ્વામી વિવેકાનંદે ‘હિન્દુધર્મ’ વિષે એક વિદ્વત્તાપૂર્ણ નિબન્ધનું વાંચન કર્યું હતું. હિન્દુધર્મની દૃષ્ટિએ સંવાદિતાનો ખ્યાલ આપતો તે નિબંધ હતો. સ્વામીજીના ગુરુ શ્રીરામકૃષ્ણ કહેતા કે વિવેકાનંદ એક એવો સાચો પુરુષ છે કે જેણે દરેક બાબતમાં સંવાદિતા સાધી છે. વિવેકાનંદ ખરેખર જ એક એવા સાચા પુરુષ હતા. વિવેકાનંદની સર્જનાત્મક પ્રતિભાને શ્રી રોમાં રોલાંએ ખૂબ જ યોગ્ય રીતે આ બે શબ્દોમાં વર્ણવી છે : ‘સમતુલન’ અને ‘સંયોજન’. સંવાદિતા એ એમના જીવનનું મુખ્ય ધ્યેય હતું; એ એમનો જીવનમંત્ર હતો. એના એક સો વર્ષ પછી શિકાગો શહેરમાં, ૧૯૯૩ની સાલમાં ૨૮મી ઑગસ્ટથી ચોથી સપ્ટેમ્બર સુધી બીજી વિશ્વધર્મસંસદની બેઠક યોજાઈ ગઈ. ૧૨૫થી વધુ ધાર્મિક સમૂહોના પ્રતિનિધિઓએ તેમાં હાજરી આપી હતી. સ્વામી વિવેકાનંદે સંવાદિતા અને શાંતિ માટે જે ઉદ્ઘોષણા કરી હતી તેની આ સંસદે ભારપૂર્વક પુનરુક્તિ કરી. શ્રીરામકૃષ્ણે પોતાની સાધના દ્વારા એ સાબિત કર્યું કે દરેક ધર્મ સત્ય છે, દરેક ઈશ્વર તરફ લઈ જાય છે. આ અદ્વિતીય સિદ્ધિએ વિવિધ ધર્મોની સંવાદિતા સાબિત કરી. તેઓશ્રીએ ગૂઢ વિધાન કર્યું: “જેટલા ધર્મો, તેટલા માર્ગો.” ધાર્મિક સંવાદિતાના પ્રગાઢ વિચારનું ઉદ્ગમસ્થાન દક્ષિણેશ્વર હતું અને એ વિચારે સમગ્ર ભારતમાં સદીના અંત સુધીમાં એક શાંત ક્રાંતિને જન્મ આપ્યો. બધા ધર્મો વિશે ફરીથી નવી રીતે વિચારવાનો એ સાદ હતો; કોઈ ખાસ એક ધર્મ માટે એ સાદ ન હતો પરંતુ બધા ધર્મોની સંવાદિતા માટે એ સાદ હતો. એ મોજું પ્રથમ વિશ્વધર્મસંસદ ઉપર ફરી વળ્યું જ્યારે વિશ્વ હજુ સંવાદિતાના ભવ્ય સંદેશનો ઉપયોગ કરવા માટે તૈયાર ન હતું, પરંતુ તેણે એક સબળ આશાવાદને ઉત્પન્ન કર્યો; સંવાદ દ્વારા ધાર્મિક ઝઘડાઓનો કાયમી ઉકેલ લાવવાનું આશ્વાસન પૂરું પાડયું; ધર્મ ધર્મ વચ્ચે વિચારોના આદાન-પ્રદાનનો માર્ગ મોકળો કર્યો.

આ સો વર્ષના ગાળામાં આપણા આ વિશ્વમાં ખૂબ જ ધરખમ ફેરફાર થયા છે. બાહ્ય પ્રકૃતિ ઉપર માણસે લગભગ વિજય મેળવ્યો છે; માણસ લગભગ તેનો સ્વામી બની ચૂક્યો છે, પરંતુ તેની આંતરિક પ્રકૃતિનો માણસ હજુ ગુલામ જ રહ્યો છે. જેનું દર્શન ખૂબ જ મર્યાદિત છે એવા નાના ક્ષુદ્ર અહમ્નો માણસ હજુ કેદી જ રહ્યો છે. ખરેખર! માણસ આજે બહુ નાનો દેખાય છે, એક સાચા માણસનું જીવન કેવી રીતે જીવવું તે તેણે હજુ શીખવાનું છે, તેના પાડોશીઓ સાથે, વ્યક્તિઓ સાથે, અને સમૂહો સાથે સુલેહ શાંતિથી કેવી રીતે જીવવું એ તેણે હજુ શીખવાનું છે, એક તરફ વિશ્વ બહુ જ નાનું બની ગયું છે. એને એક “વિશ્વગ્રામ” કહી શકાય; બીજી તરફ ભયંકર આઘાત પહોંચાડનાર બે વિશ્વયુદ્ધના અનુભવો, અણુયુદ્ધનો ભય, પર્યાવરણની અસમતુલા, શ્રીમંતો અને ગરીબો વચ્ચે વધતું અંતર, વગેરે બાબતોએ માણસને આજે બેચેન બનાવી દીધો છે. U.N.O.નો ૧૯૯૩નો ‘માનવવિકાસ અહેવાલ માહિતી આપે છે કે આજના વિશ્વમાં બજારલક્ષી અર્થતંત્રને અનુકૂળ એવા ફેરફાર થવા છતાં, બહુપક્ષીય લોકશાહીનો વિકાસ થવા છતાં અને માનવ-સ્વભાવને લગતી પાયાની પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હોવા છતાં વિશ્વના ૯૦% લોકોને પોતાની જિંદગી ઉપર અંકુશ નથી. સમગ્ર વિશ્વમાં માનવના ચહેરાઓ ઉપર નિરાશા અને ચિંતા જોવા મળે છે. માણસની આંતરિક પ્રકૃતિનું નિયમન કરવું અને માર્ગદર્શન આપવું એ કાર્ય ધર્મનું છે, પરંતુ આ બધાં વર્ષો દરમ્યાન માણસે ભાગ્યે જ ધર્મને તેનું યોગ્ય કાર્ય કરવા દીધું છે. એથી પણ વધારે ખરાબ, સ્થાપિત હિતો પોતાના રાજકીય હેતુઓ માટે ધર્મનો દુરુપયોગ કરે છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખતાં આપણે સ્વામી વિવેકાનંદના સંવાદિતાના ખ્યાલને વિચારવાનો છે. અહીં સંવાદિતાનો અર્થ ‘સંબંધમાં સુમેળ’ એમ થાય છે. હરીફ જણાતા ધર્મો વચ્ચે સંવાદિતા લાવવાના ઘણા પ્રયત્નો ઇતિહાસે જોયા છે. ધર્મોનું દમન કરીને અથવા સંપૂર્ણપણે ધર્મોની અવગણના કરીને અમુક રાજ્યોએ ધાર્મિક મતભેદો ટાળવા પ્રયત્નો કર્યા. ધર્મમાં ન માનનાર લોકોને કોરાણે મૂકી દઈને બાકીના લોકોના ધર્મપરિવર્તનમાં માનનાર ધર્મોએ વિશ્વધર્મનો દરજજો મેળળવા પ્રયત્નો કર્યા. આવા પ્રયત્નો નિષ્ફળ ગયા છે. ભિન્ન-ભિન્ન ધાર્મિક પ્રણાલિકાઓનું મિશ્રણ કરવું એવો સિદ્ધાંત સફળ થયો નથી, ભિન્ન-ભિન્ન ધાર્મિક વિધિઓનો સિદ્ધાંત પણ સફળ થયો નથી. સ્પષ્ટપણે, આવાં સાહસોના પ્રણેતાઓ વિશ્વ-યોજનામાં સમાયેલ બહુવિધતાનું મહત્ત્વ સમજવામાં નિષ્ફળ ગયા છે; અને એ સમજવામાં પણ નિષ્ફળ ગયા છે કે માનવજાતના વિકાસમાં જેટલી એકતા અગત્યની છે તેટલી જ અગત્યની વિવિધતા પણ છે.

સામાન્ય સિદ્ધાંતો અને નિયમો અનુસાર વિજ્ઞાન અને તત્ત્વજ્ઞાન વસ્તુઓની વિવિધતા સમજવાના પ્રયત્નમાં એકતા માટે પ્રયત્ન કરે છે. આ શોધમાં અમુક લોકો વસ્તુઓની બહુવિધતા નકારવાની હદ સુધી ગયા અને એક પ્રકારની ઈશ્વરરૂપ એકવિધતા લાદવાનો પ્રયત્ન કર્યો. આવા લોકોની વિરુદ્ધ અમુક વિચારકોએ બતાવ્યું કે વસ્તુઓની બહુવિધતા અને વિભિન્નતા એકતા કરતાં વધારે સ્વાભાવિક અને અગત્યની છે. રસપ્રદ રીતે ઇશોપનિષદનો નવમો શ્લોક કહે છે કે: “જેઓ અવિઘાને અનુસરે છે તે લોકો એક પ્રગાઢ અંધકારમાં દાખલ થાય છે; પરંતુ જે લોકો વિદ્યાને અનુસરે છે તે લોકો વધારે મોટા અંધકારમાં દાખલ થાય છે.” શંકરાચાર્ય તેઓની સમાલોચનામાં ‘વિદ્યા’ અને ‘અવિદ્યા’નાં ચાર અર્થઘટનો આપે છે. સામાન્ય રીતે વિદ્યાનો અર્થ બ્રહ્મનું જ્ઞાન એમ થાય છે, કે જે એકત્વનું દર્શન પૂરું પાડે છે; જ્યારે અવિદ્યાનો અર્થ થાય છે અશાન, કે જે બહુવિધતા, વિવિધતા, વિભેદ વગેરે સૂચવે છે. આ મંત્ર એવું સૂચવતો જણાય છે કે વિવિધતાના ભોગે એકત્વ ઉપર બહુ ભાર મૂકવો ન જોઈએ; આર્ષદ્રષ્ટાઓએ શોધી કાઢયું હતું કે સર્જનમાં વિવિધતા એ માત્ર હકીકત જ નથી પરંતુ વ્યક્તિના વિકાસ અને સ્વતંત્રતા માટે જરૂરી બાબત છે; હકીકતમાં, તેઓએ એકતા અને વિવિધતા એમ બન્ને પર સરખી શ્રદ્ધા રાખી. પરિણામે, તેઓએ એકરૂપતા (uniformity) અને સરખાપણું (homogeneity) એવી વિચારધારાનો અસ્વીકાર કર્યો અને વિવિધતામાં એકતાની હિમાયત કરી કે જેથી દરેક વ્યક્તિનો વિકાસ થાય અને ફૂલે ફાલે. આદિ વેદોએ ભારતીય જીવનપ્રણાલી આ પ્રમાણે નક્કી કરી – “સત્ય એક છે; જ્ઞાની પુરુષો તેને ભિન્ન-ભિન્ન નામોથી બોલાવે છે.” ગીતાએ આમ કહીને માણસોને ખાતરી આપી, “જે કોઈ વ્યક્તિ મારી પાસે આવે છે, કોઈ પણ સ્વરૂપ દ્વારા, હું તેનો સ્વીકાર કરું છું; બધા માણસો ભિન્ન-ભિન્ન માર્ગો દ્વારા સંઘર્ષ કરે છે અને અંતે તે માર્ગો દ્વારા મારી પાસે આવે છે.” આ આદર્શનો પૂરેપૂરો સાક્ષાત્કાર આપણે શ્રીરામકૃષ્ણના જીવનમાં જોઈ શકીએ છીએ. ભારતીય સંસ્કૃતિનું આ આગળ પડતું પાસું રવીન્દ્રનાથે પોતાના કાવ્ય, “ભારત-તીર્થ” માં સુંદર રીતે બતાવ્યું છે.

બીજા દૃષ્ટિબિંદુથી જોતાં, અમુક ધર્મોએ એકાકીપણાની તરફેણ કરી હોય તેમ જણાય છે. દાખલા તરીકે, જસસનાં કથનમાંથી સૂચન લેતાં “ગમે તે પિતા પાસે આવી ન શકે, સિવાય કે મારા દ્વારા.” (જહૉન ૧૪ : ૬) “ચર્ચથી બહાર, મોક્ષ નથી.” આવો અંધવિશ્વાસ ત્રીજી સદીમાં ખ્રિસ્તી ધર્મમાં પેસી ગયો હતો. જ્યારે બીજા અમુક ધર્મોએ બધાનો સમાવેશ કરવાની વૃત્તિને ઉત્તેજન આપ્યું છે. હિન્દુ ધર્મ, દાખલા તરીકે, એમ માને છે કે બીજા ધર્મો પણ એક જ દિવ્ય સત્ય તરફ લઈ જનારા માર્ગો છે, અને વ્યક્તિના આધ્યાત્મિક વિકાસના ભિન્ન-ભિન્ન સ્તરે સહાય કરનારા છે. વળી, બીજા કેટલાક ધર્મોએ પણ વિવિધતાની સર્વગ્રાહિતાની તરફેણ કરી છે અને જુદી જુદી જણાતી ધાર્મિક બહુલતા ધાર્મિક વિધિઓનું વિશાળ કાર્યક્ષેત્ર અને, તેમાં સ્પષ્ટ દેખાતી મતભેદોની જટિલતાનો સ્વીકાર કરે છે, તેમ જ તેની સાથે સાથે ધાર્મિક અનુભવો અને વિચારોના મુખ્ય પ્રવાહોને સ્વીકારવા માટે કોઈ પણ વ્યક્તિને પ્રોત્સાહિત પણ કરે છે, કારણ કે આ અનુભવો અને વિચારો એક જ અંતિમ સત્યની જુદી જુદી સભાનતાને સમાવિષ્ટ કરે છે. શ્રીરામકૃષ્ણે ધાર્મિક બહુલતાને આવકારી છે. શ્રીરામકૃષ્ણ તેઓની ધાર્મિક સાધનાનું સુંદર અર્થઘટન કરનાર હતા અને તેઓએ દરેક ધાર્મિક પ્રણાલિકાનું મૂલ્ય અને તેની પવિત્રતા સાચી ઠેરવી. તેમણે શોધી કાઢ્યું કે ઈશ્વર એક સોનાના દોરા જેવા છે કે જે વિભિન્ન ધર્મોને એક ફૂલના હારની માફક એક સૂત્રમાં બાંધે છે. તેમણે જોયું કે ઘણા માર્ગો દ્વારા આધ્યાત્મિક જીવનના પર્વત પર ચઢી શકાય પરંતુ સર્વોચ્ચ શિખર પર બધા માર્ગો એકમાં ભળી જાય છે. પરંતુ ધાર્મિક વિધિઓ, પૌરાણિક કથાઓ, શાસ્ત્રો વગેરે ગભરાટ ઊભો કરતા જણાય છે. ધાર્મિક અનેકવિધતા ધરાવતા સમાજમાં ધાર્મિક સંવાદિતા વધારવા માટે તેઓ દરેક વ્યક્તિને એક બીજા સાથે ખુલ્લા મનથી ભળવા માટે આગ્રહપૂર્વક કહેતા; જ્યારે તેઓની સાથે હો ત્યારે તેઓની સાથે એકરૂપ બની જાઓ અને તેઓ પ્રત્યે દ્વેષભાવ ન રાખો. તેમ છતાં, દરેક વ્યક્તિએ તેના માટે નક્કી કરવામાં આવેલી આધ્યાત્મિક સાધના નિષ્ઠાપૂર્વક કરવી જોઈએ. શ્રીરામકૃષ્ણ એ વાત ગોવાળ અને તેનાં પ્રાણીઓની રૂપકકથા દ્વારા સમજાવતા.

તેમના ગુરુના ઉપદેશ અનુસાર સ્વામી વિવેકાનંદે સંવાદિતાના સિદ્ધાંતનો ઉપદેશ આપ્યો પરંતુ એક વિશાળ દૃષ્ટિકોણથી:

(અ) સ્વામીજીએ સમગ્ર અસ્તિત્વમાં રહેલી એકતાનો અદ્વૈત – અનુભવ કર્યો હતો અને તે અનુભવ પર તેમનો સંવાદિતાનો સિદ્ધાંત રચાયેલો હતો. સપાટી ૫૨ નાનાં મોજાંઓ હોય પરંતુ સપાટીની નીચે ગહન સમુદ્ર અપરિવર્તિત રહે છે. માણસમાં રહેલી દિવ્યતા સમગ્ર માનવજાતની એકતા માટે મજિયારો પાયો છે, પછી ભલે તેઓ હિન્દુ હોય, મુસલમાન હોય, ખ્રિસ્તી હોય, શીખ હોય, આદિવાસી હોય, અથવા અસ્પૃશ્યો હોય.

 

(બ) માણસ એક મજબૂત સ્પ્રિન્ગની માફક હંમેશાં ગૂંચળાંમાંથી બહાર નીકળવા પ્રયત્ન કરે છે, તેનામાં રહેલી સહજ દિવ્યતાને પ્રગટ કરવા પ્રયત્ન કરે છે. પોતાની ઉચ્ચતર આંતરિક પ્રકૃતિ અને બાહ્ય પ્રકૃતિ સાથે સંવાદિતા અને શાંતિથી કેમ જીવવું તે માણસે શીખવું જોઈએ. સ્વામીજીના મંતવ્ય પ્રમાણે કળાઓ, વિજ્ઞાન અને ધર્મ વચ્ચે સંવાદિતા રહેલી છે. તેઓની સંવાદિતા સર્જનાત્મક અને વ્યાપક હતી.

(ક) અંધ વિશ્વાસ, સંપ્રદાયો, મંદિરો વગેરે ધર્મના તત્ત્વની સાથે સરખામણીમાં અગત્યના નથી. માણસમાં રહેલી દિવ્યતાનું પ્રગટીકરણ એ ધર્મનું તત્ત્વ છે. દિવ્યતાનું પ્રકટીકરણ એ ઈશ્વરસાક્ષાત્કાર છે. પ્રામાણિકપણે પાલન કરવાથી દરેક માર્ગ લક્ષ્ય સુધી લઈ જાય છે. અને ભિન્ન-ભિન્ન સમુદાયો તે લક્ષ્યને જુદા જુદા નામથી બોલાવે છે.

(ડ) વિવેકાનંદ માનતા હતા કે ધર્મો એક બીજાના વિરોધી નથી, પણ એક બીજાના પૂરક છે. સ્વામીજીના મત પ્રમાણે દરેક ધર્મ મહાન વિશ્વવ્યાપક સત્યનો એક ભાગ છે અને તે ભાગને મૂર્તિમંત કરવા માટે તેની સમગ્ર શક્તિનો ઉપયોગ કરે છે.

(ઈ) કોઈ એક વ્યક્તિની માન્યતાઓ માટે બીજી કોઈ ક્ત એને નભાવવા પૂરતી સહિષ્ણુતા બતાવતી હોય તો તેવા વલણને સ્વામીજી વખોડી કાઢતા. પૅરૅડિના (pasadena) ખાતેના તેમના વક્તવ્યમાં સ્વામીજીએ કહ્યું, “હું સ્વીકૃતિમાં માનું છું, મારે શા માટે નભાવી લેવું? સહિષ્ણુતાનો અર્થ થાય છે કે હું વિચારું છું કે તમે ખોટા છો અને હું તમને જીવવાની છૂટ આપું છું. તમે અને હું બીજાઓને જીવવાની છૂટ આપીએ એ શું દેવનિંદા નથી? હું બધા ધર્મોનો સ્વીકાર કરું છું કે જે ભૂતકાળમાં હતા અને તે બધાની પૂજા કરું છું; તેઓ ગમે તે સ્વરૂપમાં ભગવાનની પૂજા કરતા હોય તે દરેકની સાથે હું ભગવાનની પૂજા કરું છું. તેથી માત્ર સહિષ્ણુતા એ પૂરતું નથી. કોઈ પણ વ્યક્તિએ માન આપવાનું છે, અનુમોદન આપવાનું છે અને આખરે બીજા ધર્મો સાચા છે એ વાતનો સ્વીકાર કરવાનો છે.”

(ફ) સ્વીકારનો અર્થ ધર્માન્તર નથી. ધર્મોની વિશ્વસંસદ સમક્ષ સ્વામીજીએ ભારપૂર્વક કહ્યું, “કોઈ પણ ખ્રિસ્તીએ હિન્દુ કે બૌદ્ધ બનવાનું નથી, અને કોઈ પણ હિન્દુ કે બૌદ્ધધર્મીએ ખ્રિસ્તી બનવાનું નથી. દરેક વ્યક્તિએ બીજાઓની ભાવનાને આત્મસાત્ કરવી જોઈએ અને છતાં પોતાની વિશિષ્ટતા જાળવી રાખવી જોઈએ અને પોતાના સ્વભાવ પ્રમાણે પોતાનો વિકાસ કરવો જોઈએ.” વિશ્વના ધર્મો વચ્ચે હરીફાઈને બદલે સહકાર માટે સ્વામી વિવેકાનંદે જુસ્સાદાર અને લાગણીવશ અપીલ કરી. વિચારશીલ લોકોને એ વાતની ખાતરી થઈ ચૂકી હતી કે સ્વામીજીના સંવાદિતાના સિદ્ધાંતમાં માનવજાતનું ભાવિ બદલવા માટેની અમાપ શક્યતા રહેલી હતી. ઘણા ધર્મો ધરાવતા સમાજમાં કોઈ પણ વ્યક્તિએ બીજા ધર્મોની ભાવનાને આત્મસાત્ કરવી જોઈએ અને તેનું પોષક પદાર્થમાં રૂપાંતર કરવું જોઈએ. જેમ એક છોડ, હવા-પાણી અને ખાતરનું છોડ-તત્ત્વ તરીકે રૂપાંતર કરે છે અને પોતાના વિકાસક્રમ મુજબ પોતાનો વિકાસ કરે છે, એવું જ આ છે. એક સાચી ધાર્મિક વ્યક્તિ હઠાગ્રહી ન હોઈ શકે. તે પોતાની ધાર્મિક જીવનની બારીઓ ખુલ્લી રાખે છે, બીજા ધર્મોની હવાને મુક્તપણે આવવા દે છે પરંતુ પોતે પોતાની વિશિષ્ટ પદ્ધતિ ચોક્કસપણે જાળવી રાખે છે. આ અભિગમ એક હિન્દુને વધારે સારો હિન્દુ થવા સહાય કરે છે, એક મુસ્લિમને વધારે સારો મુસ્લિમ થવા સહાય કરે છે અને એક ખ્રિસ્તીને વધારે સારો ખ્રિસ્તી થવા સહાય કરે છે

આપણી અપેક્ષાઓ અને સમસ્યાઓ વિષે વિચાર કરીએ તો, પહેલો મુદ્દો એ યાદ રાખવાનો છે કે ધર્મ એ માણસની પ્રાકૃતિક (constitutional) જરૂરિયાત છે. માત્ર ધર્મ જ માણસના મનનું રૂપાંતર કરી શકે, અને માણસનું મન ધિક્કાર, ધર્મઝનૂન અને અસહિષ્ણુતાનું ઉદ્ગમસ્થાન છે. બીજું, વિશાળ દૃષ્ટિ ધરાવનાર ઇતિહાસકારોના મત પ્રમાણે હજુ સુધી કોઈ પણ સમાજ ધર્મની સહાય વિના નૈતિક જીવન જાળવી શક્યો નથી. ત્રીજું, સ્વામીજીએ શોધ્યું હતું કે આધ્યાત્મિકતા દરેક ધર્મનું તત્ત્વ છે, એકત્રિત થવા માટેનું બિંદુ ધર્મ જ બની જ શકે, ભારતના જુદા જુદા ધાર્મિક સમુદાયો માટે એ જ એકતાની કડી બની શકે. ચોથું, ઘણા ધર્મો ધરાવતા સમાજમાં જે ધર્મને ટકી રહેવું હોય તો સાચા ધર્મનું પ્રમાણિક પાલન અનિવાર્ય છે. ધર્મોના તત્ત્વ ઉપર સતત ભાર મૂકવો જોઈએ. એ ઉત્સાહવર્ધક છે કે છેલ્લા થોડા દશકાઓમાં ધર્મ-ધર્મ વચ્ચેનું આદાન-પ્રદાન ગતિશીલ બન્યું છે. ધર્મોનો તુલનાત્મક અભ્યાસ લોકપ્રિય બન્યો છે. એવી વ્યકિઓ અને સમૂહો અસ્તિત્વમાં આવ્યા છે અને તેઓએ સંવાદિતાને જીવનના આદર્શ તરીકે સ્વીકાર્યો છે. બીજી વેટીકન સમિતિએ પ્રથમ વાર બીજા ધર્મોને માન્યતા આપી. એક બીજા સાથે વિચારોની આપ લે કરવા ઉપરાંત, અમુક દેવળોએ બીજા ધર્મના અનુયાયીઓને તેઓની વ્યાસપીઠ પરથી બીજા ધર્મના વિચારો વ્યક્ત કરવાની છૂટ આપી, અને બીજા ધર્મોની પૂજાવિધિ બતાવવા માટે પણ છૂટ આપી. તેમ છતાં, જ્યાં સુધી ધાર્મિક નેતાઓ તેઓની સામુહિક ઈચ્છા શક્તિનો વિકાસ નહિ કરે અને તેઓના જીવનની અનેકવિધ પ્રવૃત્તિઓ દ્વારા તેને વ્યક્ત નહિ કરે અને ધર્મ-ધર્મ વચ્ચેના સંઘર્ષો નિવારવા પ્રામાણિક પ્રયત્નો નહિ કરે ત્યાં સુધી ઈચ્છવા જોગ એવું કશું બની નહિ શકે. ધર્મની અંદરના પ્રશ્નો ઉકેલવા માટે તેઓએ પોતાના ધર્મની વિધિઓ અને માન્યતાઓની અમુક સમયના અંતરે સમીક્ષા કરવી જોઈએ અને ગેરસમજણ ઊભી કરતા કારણને દૂર કરવું જોઈએ, નહીંતર વિવિધ ધર્મોને નજીક લાવવાના સંમેલનો યોજીને પણ કાયમી ઉકેલ હાથ લાગશે નહીં. ધર્મનાં જરૂરી અને બિનજરૂરી તત્ત્વોને જુદાં પાડવાં જોઈએ કે જેથી ધર્મને ભેગા થઈ ગયેલા કાલગ્રસ્ત રિવાજોમાંથી, હાનિકારક વહેમોમાંથી અને અર્થહીન માન્યતાઓમાંથી મુક્ત કરી શકાય અને તેથી ધર્મને વધુ ગતિશીલ અને બીજા ધર્મોના અનુયાયીઓ દ્વારા સરળતાથી સ્વીકાર્ય બનાવી શકાય. જીવનની ગુણવત્તા સુધારવા માટેનો નૈતિક સહકાર અને એકબીજાની માન્યતાઓની સમજણ વડે જુદી જુદી માન્યતાઓ અને ઇતિહાસ ધરાવતા લોકોને વધુ નજીક લાવી શકાય. ધર્મ-ધર્મ વચ્ચેના આદાન-પ્રદાનની પ્રગતિને સુદ્રઢ બનાવવા માટે સહકાર અને સમજણનો મહાવરો સાથે સાથે રહેવો જોઈએ. ધાર્મિક રીતે અજ્ઞાની લોકોનું સ્થાપિત હિતો દ્વારા બહુજ સરળતાથી શોષણ થતું હોય છે, તેથી એ ખૂબજ અગત્યનું છે કે આવા લોકોને સાચું ધાર્મિક શિક્ષણ આપવા માટે ખાસ કાર્યક્રમો ઘડવામાં આવે. ભિન્ન-ભિન્ન ધર્મોમાં સમાન વિચાર ધરાવતા લોકોના સહિયારા પ્રયત્નો દ્વારા ધર્મ-ધર્મ વચ્ચેના આદાન-પ્રદાનને સુદૃઢ બનાવી શકાય અને કાયમી સંવાદિતા અને શાંતિ તરફ જઈ શકાય.

આપણું લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે આપણી પાસે સ્પષ્ટ દર્શન હોવું જરૂરી છે, એ જીવનદર્શન, ડૉ. રાધાકૃષ્ણનના મત પ્રમાણે સમકાલીન જીવન માટે પર્યાપ્ત થવું જોઈએ, વિજ્ઞાનના એકતરફી વિકાસ સાથે અને યુદ્ધખોર સ્વદેશભક્તિ અને બીજા વ્યવહારુ જીવનદર્શનો, અને તેમાંનું દરેક જીવનદર્શન જયારે માનવતાવાદના એક માત્ર સાચા સ્વરૂપનો દાવો કરતું હોય, ત્યારે આવી પરિસ્થિતિમાં એ સંવાદી જીવનદર્શનને સર્વોચ્ચ આધ્યાત્મિક સિદ્ધાંતના માર્ગદર્શન નીચે બધાં ઘટકોનાં સત્યોને મેળ બેસાડીને આવરી લેવાં જોઈએ અને પોતાનામાં ભેળવી દેવાં જોઈએ. સ્વામી વિવેકાનંદે આ જીવનદર્શનની ભેટ ધરી છે.

જો કે સમસ્યાઓ પડકાર કરનાર છે, છતાં આશાઓ ઊજળી જણાય છે. સંવાદિતાનો સિદ્ધાંત બધા ધાર્મિક સમુદાયોને એક માત્ર ઉકેલ તરીકે સ્વીકાર્ય હોય તેવું માનવામાં આવે છે. વિશેષ, આ સિદ્ધાંત તેના અભિ ગમમાં અર્વાચીન છે. સંવાદિતાની ભાવનાથી વ્યાપ્ત, સ્વામી વિવેકાનંદનું જીવનદર્શન આજના પડકારો ઝીલવા માટે ઉપયુક્ત છે, અને નાસ્તિકો તેમજ વિવિધ ધર્મોના સિદ્ધાંતોમાં માનનાર લોકોને સંવાદિતા અને શાંતિ પ્રાપ્ત કરવા માટે સહાયરૂપ થાય છે. હું પ્રામાણિકપણે માનું છું કે તે માર્ગદર્શન નીચે આપણે સફળ થઈશું અને સ્વામી વિવેકાનંદે આશીર્વાદ સાથે એનું વચન પણ આપ્યું હતું.

ભાષાંતર: સી. એમ. દવે

Total Views: 92

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.