(શ્રીમત્ સ્વામી રંગનાથાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ છે.)

પૂર્વ અને પશ્ચિમ – બંનેના લોકોને સ્વામી  વિવેકાનંદના માનવતાવાદનો આ વિષય ખૂબ આકર્ષક લાગે છે એમ મને જણાયું છે. દર્શન તરીકે માનવતાવાદનો ઉદ્ભવ પ્રાચીન ગ્રીક સ્રોતોમાંથી થયો છે. ખ્રિસ્તી વિચારણાના સમાવેશ સાથે, એ દર્શન અનેક તબક્કાઓમાંથી પસાર થયું છે. પછી એ ખ્રિસ્તી માનવતાવાદ બન્યું. પરંતુ, ટોયન્બી જણાવે છે તે પ્રમાણે, ત્રીસ વર્ષમાં જર્મનીમાંના પ્રોટેસ્ટંટ-કેથલિક યુ પછીથી, પાશ્ચાત્ય જગતમાં આ દર્શન સ્વીકૃતિ પામ્યું. ધર્મને નામે, ભગવાનને નામે, ખરેખરનું ખેલાયેલું એ યુદ્ધ હતું. કટાક્ષ કરતાં ટોયન્બી કહે છે કે, સ્વર્ગના રાજ્યના સ્વરૂપ વિશે સંપ્રદાયો એકમત ન થઈ શક્યા ત્યારે, યુરોપિયન ચિત્તને લાગ્યું કે, ભગવાનને પોતાને ભરોસે જ છોડી દો અને, સ્વર્ગમાં ભગવાનનું રાજ્ય સ્થાપવાની ચિંતા કરવાને બદલે ધરતી પર માનવીનું રાજય સ્થાપીએ. અર્વાચીન માનવતાવાદી ફિલસૂફીનો એ આરંભ. આપણી ચોમેર મનુષ્યો છે તો, ચાલો આપણે તેમની સ્થિતિ સુધારવા પ્રયાસ કરીએ. સ્વર્ગ કેન્દ્રિત ફિલસૂફીમાંથી માનવકેન્દ્રિત ફિલસૂફીમાંના પરિવર્તનથી યુરોપની ધાર્મિક સુધારણાનો આરંભ થયો અને સમય જતાં, અર્વાચીન ભૌતિક વિજ્ઞાનશાખાઓની સહાયથી એનો વિકાસ થવા લાગ્યો.

આધુનિક યુગમાં આ માનવતાવાદ ‘વૈજ્ઞાનિક માનવતાવાદ’ના નામે ઓળખાવા લાગ્યો. જુલિયન હકસલે જેવાઓ વૈજ્ઞાનિક માનવતાવાદને નામે કસમ ખાતા થયા. વિજ્ઞાન અને યંત્રવિદ્યાની પ્રગતિ વડે  આપણે માનવપરિસ્થિતિ સુધારી શકીએ અને માનવ-જીવનને સુખી અને પરિપૂર્ણ બનાવી શકીએ – વૈજ્ઞાનિક માનવતાવાદની આ નેમ હતી. ગ્રીક યુગમાં આપણે માનવતાવાદનો ઉલ્લેખ કરીએ અને ગ્રીક લોકો સાચા અર્થમાં માનવતાવાદી હતા, તે એ અર્થમાં કે તેઓ માનવપરિસ્થિતિની સુધારણા ચાહતા હતા. રાજ્ય શાસ્ત્ર અને સમાજશાસ્ત્ર જેવાં મનુષ્યને લગતાં શાસ્ત્રો એમણે વિકસાવ્યાં તે છતાંયે એ માનવતાવાદને પોતાની મુશ્કેલીઓ હતી જ. પછી ખ્રિસ્તી ધર્મ આવ્યો. પરંતુ આ સૌમાં આપણને મર્યાદાઓ જોવા મળે છે, ગ્રીક માનવતાવાદ મર્યાદિત હતો. એ માનવતાવાદી ફિલ – સૂફીમાં સ્ત્રીઓને કોઈ ચોક્કસ સ્થાન ન હતું તેમજ, ગુલામોને પણ ન હતું – એ માણસો ન હતાં. પછી મહાન આધ્યાત્મિક સંદેશ સાથે ખ્રિસ્તી ધર્મ આવ્યો. ધાર્મિક મર્યાદાઓને લઈને, એ પણ ખ્રિસ્તી માનવતા વાદ જ રહ્યો, કેથલીક કે પ્રોટેસ્ટંટ, પણ બિન ખ્રિસ્તીઓને એ માનવતાવાદ લાગુ પડતો નહીં. ખ્રિસ્તી ધર્મનિન માનવતાવાદની પણ એ મર્યાદા રહી.

પછી અદ્યતન માનવતાવાદ આવ્યો. આ અદ્યતન પ્રકાર એના વ્યાપમાં ખૂબ વધારે વિસ્તૃત હતો અને અમલી બનવા માટે એને કેટલોક સમય લાગ્યો હતો. ગુલામોનો વેપાર થતો હતો. પરંતુ, સદ્ભાગ્યે, પાશ્ચાત્ય સંસ્કૃતિમાં જ, સ્વયં નવા વિચારો ખીલ્યા હતા અને ગુલામીનો અંત આવ્યો. ગુલામોના મનુષ્યત્વને લોકોએ સ્વીકાર્યું અને એ રીતે પાશ્ચાત્ય સંસ્કૃતિ વધારે વ્યાપક હતી. સામ્રાજ્યો છતાંયે એ ચાલુ રહી હતી, સંસ્થાનોની પ્રજાઓના શોષણ છતાંયે એ ચાલુ રહી હતી. આ બધા માનવતાવાદ છતાં, માનવીય પરિસ્થિતિ સુધરી નહીં. હિંસા થતી, યુદ્ધો થતાં, ખાસ કરીને પ્રથમ વિશ્વયુદ્ધ. એણે માનવતાવાદમાંનો યે માણસનો વિશ્વાસ હચમચાવી નાખ્યો. પછી બે વિશ્વયુદ્ધો વચ્ચેનો કટોકટીનો કાળ આવ્યો. તે પછી બીજો ધડાકો થયો, બીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું, જેમાં માણસ માણસને ધિક્કારતો અને મારતો. સાઠ લાખ યહુદીઓનો નાશ કરવામાં આવ્યો. ટોયન્બીના મત અનુસાર, હવે ઉપરના ભગવાનમાં તો ઠીક, અહીંના માણસમાંયે માનવીએ શ્રદ્ધા ગુમાવી દીધી હતી. પરસ્પરમાં મનુષ્યોએ વિશ્વાસ ગુમાવ્યો હતો. આ છે આધુનિક યુગની પરિસ્થિતિ. માનવતાવાદ અને વૈજ્ઞાનિક માનવતાવાદની બધી વાતો છતાં, માનવસ્વભાવમાં શ્રદ્ધા મૂકવાની વાતને જબરજસ્ત આંચકો લાગ્યો.

શિકાગોની ધર્મપરિષદમાંના સ્વામી વિવેકાનંદના અમેરિકામાંના પહેલા વ્યાખ્યાન દ્વારા, પશ્ચિમે ભારતનો મહાન સંદેશ, આ સંદર્ભમાં જ, સાંભળ્યો; એ વ્યાખ્યાનમાં મનુષ્યને જોવાના વેદાન્તી દૃષ્ટિબિંદુનો, માનવીય પરિસ્થિતિનો તેમણે ઉલ્લેખ કર્યો હતો. માનવતાવાદની આ રજૂઆતની વિશેષતા શી છે? ગ્રીક કે ખ્રિસ્તી માનવતાવાદમાં કે અર્વાચીન વૈજ્ઞાનિક માનવતાવાદમાં જોવા ન મળતા આધ્યાત્મિક પરિમાણને તેમણે રજૂ કર્યું. ઉપનિષદોમાં સાંપડતા, માનવ ઊંડાણનાં ગહન દર્શન ઉપર વેદાન્તી માનવતાવાદ આધારિત છે. અને આ માનવતાવાદનો સંદેશ સ્વામી વિવેકાનંદે માત્ર પશ્ચિમને જ નહિ પરંતુ, આપણા દેશને પણ આપ્યો છે. ભારત પાસે ગહન માનવતાવાદી ફિલસૂફી હોવા છતાં, અહીં માનવ પરિસ્થિતિને સ્વામીજીએ અતિ કંગાલ જોઈ. પોતાના પત્રોમાં અને વ્યાખ્યાનોમાં આ માનવ પરિસ્થિતિનો અને એની કંગાલ દશાનો સ્વામીજીએ ખૂબ ઉલ્લેખ કર્યો,

માનવતાવાદના આ સુંદર ખ્યાલને પશ્ચિમમાં ઘણાં સ્થાનોએ તેમણે પ્રથમ રજૂ કરવાની શરૂઆત કરી. મનુષ્ય પ્રાણી પોતાનામાં દેવતત્ત્વનો સ્કુલિંગ ધારણ કરે છે. મનુષ્ય તત્ત્વત: દિવ્ય છે. વિવેકાનંદના બધા બોધનો અભ્યાસ કર્યા પછી, મોં. રોમાં રોલાંએ દર્શાવ્યું છે કે ધર્મ પરિષદમાંના સ્વામીજીનાં બધાં વ્યાખ્યાનોનો કેન્દ્રવર્તી વિચાર મનુષ્યની તાત્ત્વિક દિવ્યતા અને અનંત વિકાસની એની શક્તિ છે. પાશ્ચાત્ય જગતને આ બોધ પહેલીવાર સ્વામીજીએ આપ્યો. મનુષ્ય નબળો હોય, કે તે ગુનેગાર પણ ભલે હોય કે એ પાપી હોય, પરંતુ આ બધાની પાછળ એનામાં એક ઊંડું પરિમાણ છે. એ પરિમાણને આપણે જાગ્રત કરવું પડશે પછી, એક નવો માનવ સમાજ આપણને ઉપલબ્ધ થશે. અને જગતના બધા ભાગમાં એક નવીન સંસ્કૃતિ પ્રગટ થશે. આમ ધર્મ પરિષદમાં સ્વામીજીએ આ ખ્યાલ રજૂ કર્યો. મનુષ્ય પાપી હોવાના ખ્રિસ્તી ખ્યાલની એમણે ટીકા કરી. વેદાંત અનુસાર માણસને પાર્ટી કહેવો એ મોટામાં મોટું પાપ છે. “શ્વેતાશ્વતર ઉપનિષદ” (૨.૫,૩.૮,)ની આ પ્રખ્યાત પંક્તિઓ એમણે ટાંકી:

શ્રૃણ્વંતુ વિશ્વે અમૃતસ્ય પુત્રા આયે ધામાનિ દિવ્યાનિ તસ્થુ:

વેદાડહમેતં પુરુષં મહાનતમ્ આદિત્યવર્ણં તમસ: પરસ્તાત્। તમેવ વિદિત્વાડતિ મૃત્યુમેતિ નાન્ય: પન્થા વિદ્યતે અયનાય॥

સ્વામીજીએ આ ઉદાત્ત શ્લોકોનો અનુવાદ કર્યો. એમણે કહ્યું કે પ્રાચીન ભારતમાં એક મહર્ષિએ આત્મા પોતાનામાં જ વસે છે – દૈવી સ્ફલિંગ પોતાનામાં જ છે – તે ગહન સત્ય શોધીને તેની જાણ આખા જગતને કરી. “વિશ્વ”(બધાં) આ ભાષા વપરાયેલી છે. એ કોઈ ધર્મ નથી. એ કોઈ સંપ્રદાય નથી. એ કોઈ વાડો નથી. એ મનુષ્ય વિશેનું વિજ્ઞાન છે, મનુષ્યના અંતરનાં ઊંડાણમાં સંશોધન કરી પ્રાપ્ત કરેલું વૈજ્ઞાનિક સત્ય છે. એટલે, એમણે કહ્યું કે આ સંદેશો સમગ્ર માનવજાત માટે છે. (શ્રુણ્વન્તુ વિશ્વે), “ઓ અમૃતના બાળકો સાંભળો મને.” એના દર્શન અનુસાર મનુષ્ય પાપનું, માયાનું કે મૃત્યુનું બાળક નથી પણ, અમરતાનું બાળક છે. મનુષ્ય ભગવાનનો બાળક છે. મને સાંભળો. આખા જગતના બધા ભાગમાં વસતા તમારા સૌને માટે મારી પાસે ગહન સંદેશ છે. માત્ર ભારતમાંના લોકો માટે નહીં, માત્ર હિન્દુ માટે નહીં. “વિશ્વે અમૃતસ્ય પુત્રા.” તો એ સંદેશો શો હતો?

શું એ કોઈ ફળદ્રુપ ભેજાંની પેદાશ હતી? કે કોઈ શાસ્ત્રમાંથી એ ઉતારેલ હતો? નહીં. તેઓ કહે છે, આ સત્યને હું પામ્યો છું. મનુષ્યના ઇતિહાસમાં પ્રથમવાર પ્રગટ થતું આ એક અદ્ભુત વાક્ય છે. – માનવ અંતરના ઊંડાણમાં વેધક દૃષ્ટિ દ્વારા પોતાની દિવ્ય પ્રકૃતિ અંગેનું મનુષ્ય શોધેલું આ સત્ય છે. એથી એ કહે છે વેદાડહમેતમ્ – હું એ જાણું છું, મેં એ સિદ્ધ કર્યું છે. એણે સિદ્ધ કરેલી એ શી વસ્તુ છે! “પુરુષમ્ મહાનતમ્” – આ મર્યાદિત મનુષ્ય પાછળનો અનંત મનુષ્ય, ઈન્દ્રિયજન્ય દૃષ્ટિએ મનુષ્ય સાન્ત છે – નબળાઈઓથી ભરેલો છે, અનિષ્ટોથી ભરેલો છે. બાહ્ય જગતમાં તમારી આંખો વડે તમે જેને જુઓ છો અને જેની સાથે કામ પાડો છો તો એ મનુષ્ય છે. પરંતુ એનામાં તમે ઊંડા ઊતરો છો ત્યારે, તમને નવું પરિમાણ લાધે છે. ઋષિએ આ શોધ કરી હતી. એની ભાષા છે “પુરુષં મહાનતમ્” સંસ્કૃતમાં મહાનતનો અર્થ (મોટું) અનંત થાય છે બીજી બાજુએ, સ્થૂળ દૃષ્ટિએ નજરે પડે છે તે સૂક્ષ્મ, નાનું છે – નવજાત શિશુનું ઉદાહરણ લો. એ કેટલું નબળું છે – કેટલો કુમળો જીવ છે, કે એક થોડી વધારે ગરમી અથવા ઠંડી તેનો નાશ કરી શકે છે. પરંતુ બાળક વિશે શું આજ સત્ય છે? બાળકમાં સુષુપ્ત રહેલાં બીજાં ઊંડા પરિમાણો નથી? આ ગુપ્ત પરિમાણોને શોધવાં તે વિજ્ઞાનનો હેતુ છે અને તેના પડ ઉખેડવાને માટે સહાય રૂપ થતી ટેક્નૉલોજી પણ છે. તમે સૌ દરરોજ તે કરો છો. પોતાના પગપર આજે સ્થિર ઊભું નહીં રહી શકતું બાળક આગળ જતાં ઑલિમ્પિક દોડવીર, મહાન વૈજ્ઞાનિક કે કોઈ બુદ્ધ બને છે. આ બધું એ અદ્ભુત બાળકમાં ગોપિત હતું. આ સમજણ તે સાન્ત મનુષ્ય પાછળ રહેલી અનંતતાનું ધ્યાન છે.

ગઈ સદીને અંતે રૉકફૅલેર ઈન્સ્ટિટ્યુટ ફૉર મેડીકલ રીચર્સ (તબીબી સંશોધન માટેનું રોકફૅલેર કેન્દ્ર)માં પોતાના જીવનનો મોટો ભાગ વ્યતીત કરનાર ફેંન્ચ વૈજ્ઞાનિક અલેકસી(સ) કરેલે (Alexis Carell) એક ખૂબ જાણીતું પુસ્તક લખ્યું છે: મેન ધ અનનોન (અજ્ઞાત મનુષ્ય). જ્ઞાત મનુષ્ય શરીરશાસ્ત્ર, દેહ પૃથક્કરણ શાસ્ત્ર, તંતુ વિજ્ઞાન અને વર્તનવાદી માનસશાસ્ત્રનો વિષય છે. સહેલાઈથી નાશ કરી શકાય તેવો એ તકલાદી છે. આ જ્ઞાત મનુષ્યની પાછળ અજ્ઞાત મનુષ્ય રહેલો છે. એ પુસ્તક બહુ સૂચક હતું અને ઉપનિષદોનું, ભારતના મહાન સંદેશનું એ જ મુખ્ય વસ્તુ હતું, જેને સ્વામીજી અર્વાચીન જગત સમક્ષ લઈ ગયા. જ્ઞાત પુરુષ પાછળ રહેલા અજ્ઞાત પુરુષના સત્યને, પેલા મહર્ષિએ કહ્યું કે, પોતે જોયું છે, પોતે પ્રાપ્ત કર્યું છે.

આ માનવું એ પૂરતું નથી. તમારે એ જાતે સિદ્ધ કરવાનું છે. એ અનુભૂતિનો વિષય છે. સાન્ત પુરુષની પાછળ રહેલા આ અનંત પુરુષને, સૂર્યની માફક પ્રભાવાળા પુરુષને, તમારી જાતમાં રહેલો તમે અનુભવો. “આદિત્યવર્ણ તમસઃ પરસ્તાત્” – બધા અંધકાર અને માયાથી પર – આ છે મનુષ્યની સાચી પ્રકૃતિ. ભારતના સંતોએ આપેલો આ અદ્ભુત સંદેશ છે. માત્ર સિદ્ધાંતની અને માત્ર ફિલસૂફીની નહીં પણ, વેદાંત આમ મનુષ્ય જીવનની અગત્યની વસ્તુ બની રહી. માણસ પોતાની જાતને ઓળખે તે વાત છે. પછી ઋષિ અંતે કહે છેઃ

તમેવ વિદિત્વાડતિ મૃત્યુમેતિ નાન્ય: પન્થા વિદ્યતે અયનાય

આ સત્યને પામીને જ મનુષ્ય મૃત્યુને અને માયાને પાર કરી શકે. બીજો માર્ગ નથી, બીજો માર્ગ નથી. પોતાની દિવ્ય પ્રકૃતિ જાણવા પર મનુષ્ય જાતિનો પોતાને પામવાનો આધાર રહેલો છે. એમાં જ સુખ અને પૂર્ણતા રહેલાં છે, અન્ય કોઈ માર્ગ નથી. શિકાગોની પરિષદના વ્યાખ્યાનોમાં સ્વામીજીએ આ પડકાર ફેંક્યો. એમણે કહ્યું કે તમને પાર્ટી કહેવાની હિન્દુ ના પાડે છે. તમે અમર આત્માઓ છો. પદાર્થ તમારો દાસ છે. તમે પદાર્થના દાસ નથી. લોકોના ચિત્તને આકર્ષતી એક ગહન માનવતાવાદી ફિલસૂફી માટેનો આ પાયો છે. અમેરિકા, ઈંગ્લેન્ડ અને પછીથી આપણા પોતાના દેશમાં આપેલા વાર્તાલાપોની હારમાળા દ્વારા સ્વામીજીએ આપણને મનુષ્યની ફિલસૂફીની ભેટ ધરી અને એનામાં રહેલી સુષુપ્ત શક્તિઓને ખીલવવાની યુક્તિ પણ દર્શાવી. કેળવણી અને ધર્મ બન્ને ઉપર આ ફિલસૂફીની ઘેરી અસર છે. અને ધર્મ પોતે જ સતત કેળવણી બની રહેલ છે. એનાં થોડાંક પડને તમે ઉકેલો એ કેળવણીનો પ્રદેશ થશે તો એના ઊંડેરા પડને ઉકેલવાની વાત ધર્મ થશે. આ સુંદર વિચારોને સ્વામીજીએ પોતાનાં વ્યાખ્યાનો અને પત્રોની હારમાળા દ્વારા વિકસાવ્યા. આપણા દેશમાં આવીને, ઉપનિષદોના તત્ત્વજ્ઞાન અને વાસ્તવિક માનવ પરિસ્થિતિ વચ્ચેનો મહા વિરોધ સ્વામી વિવેકાનંદે જોયો. પોતાના જ જીવનમાં એમણે ભારતની મહત્તા જોઈ હતી. શ્રીરામકૃષ્ણમાં તેમણે માનવ આત્માનું સાચું ગૌરવ અને માનવીની અનન્ય આધ્યાત્મિકતાનું પ્રાગટ્ય તેમણે જોયું હતું. પરંતુ તેઓ ઉત્તરથી દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમ એમ ચોમેર ભારતમાં ભમ્યા ત્યારે, તેમને ઘણો દુ:ખદ અનુભવ થયો. પોતાની આસપાસનાં લાખો લોકોમાં ઉપનિષદે પ્રબોધેલું અને તેમના ગુરુમાં તેમને સાંપડેલું માનવગૌરવ તેઓ જોઈ શક્યા નહીં. એકતરફનો આ વાસ્તવિક અને સાચો અનુભવ અને બીજી તરફનો આદર્શ અને સત્ય અનુભવ આ બન્ને વચ્ચેના વિરોધે વિવેકાનંદમાં એક મહાન આવેગને – માનવીય આવેગને – જન્મ આપ્યો; માણસજાત માટેની અનંત કરુણાનો આવેગ. કન્યાકુમારીને લોકો આજે યાદ કરતા હોય તો કેવળ આને માટે જ. ભારતના વિવિધ પ્રદેશોમાં માણસની પીડાના સંપર્કમાં તેઓ ખરેખરી રીતે આવ્યા ત્યારે, શ્રીરામકૃષ્ણને ચરણે બેસીને લીધેલો બધો બોધ, અને યુનિવર્સિટીમાં પોતે કરેલો બધો અભ્યાસ એમના મહાન માનવીય આવેગમાં એકરૂપ બની ગયા. એમણે પછીથી અમેરિકાથી લખેલા પત્રો આપણે વાંચીએ છીએ ત્યારે આપણે એમ કહી શકીએ કે એ પત્રો એમણે કલમ શાહીમાં બોળીને લખ્યા નથી પરંતુ પોતાના હ્રદયના લોહીમાં બોળીને લખ્યા છે. એક વાક્ય લઈએ. ભારત શું છે? અને તેઓ ઉત્તર આપે છે. ભારતની સુંદર ધરતી ઉપર પેટે ચાલતાં અને એકબીજાને ત્રાસ આપવાનો યત્ન કરતાં ત્રીસ કરોડ અળસિયાં (કમ્પલીટ વર્કસ, વોલ્યુમ. ૫. પૃ. ૧૫) ભારતના નરનારીઓ પોતાના ગૌરવને પ્રાપ્ત કરતાં ન હતાં. – ઉચ્ચ વર્ણના લોકો નહીં તેમજ હલકા વર્ણના પણ નહીં. હલકાં વર્ણોના લોકોનો માનવી વિશે ખ્યાલ હતો તેવો જ ખ્યાલ ઉચ્ચ વર્ણોના લોકોનો હતો. તો એમણે જોયેલું ભારત તે આ હતું. એક તરફ ઊંચી ફિલસૂફી હતી અને બીજી તરફ મનુષ્યની બીજા મનુષ્ય પ્રત્યે અમનુષ્યતા હતી. એ જ પત્રમાં એમણે લખ્યું છે, પૃથ્વી પરનો કોઈ ધર્મ માનવીની મહત્તાનું, હિન્દુ ધર્મ જેવું ગૌરવ ગાન ગાતો નથી અને, હલકા કહેવાતા વર્ણના લોકોનાં ગળાં” ઉપર જગતનો બીજો કોઈ ધર્મ આવી રીતે ભાર મૂકી ચાલતો નથી (એજન).પોતાના અંતરના ઊંડાણમાં આ વિરોધની ઊંડી અસર તેમને થઈ અને કોલંબોથી આલ્મોડા સુધીના પોતાના પ્રવાસ દરમ્યાનનાં પ્રવચનોમાં તેમણે પોતાની આ લાગણીને ચિત્ત જકડી રાખે એવા શબ્દોમાં વહેતી મૂકી. હકીકતમાં, કલકત્તા, લાહોર, અને મદ્રાસમાંના પોતાનાં વ્યાખ્યાનોમાં આ એક પ્રશ્નપર તેમણે પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. આ બધી ફિલસૂફીની, આ બધી પારલૌકિક ચર્ચાનું કામ શું છે જ્યારે તમે સહાનુભૂતિ અને સમજણ વિના લોકોને જંતુઓની કક્ષાએ સરી પડેલા જુઓ છે? માનવ પરિસ્થિતિ તરફ આપણું ધ્યાન ખેંચનાર પ્રથમ તેઓ હતા.

ઈશ્વરને કેવી રીતે પ્રાપ્ત કરવો, દૂર-દૂર રહેતા ઈશ્વરને બધાની પાર રહેતા ઈશ્વરને, આકાશમાં વસતા ઈશ્વરને કેવી રીતે પ્રાપ્ત કરવો તેની જ વાત આપણા મોટા ભાગના ધર્મગુરુઓ કરતા ઈશ્વરની મરણોત્તર તપાસની પણ વાત તેઓ કરતા. આવો ધર્મ પુષ્કળ છે. પરંતુ અહીં પહેલીજ વાર આપણને માનવીમાં ભગવાન જોવા મળે છે અને પોતાના અંતરમાં સત્યને શોધવાનું માણસ જાતને કહેવાતું જોવા મળે છે.

ઉપનિષદોમાં આપણને આ જ આધ્યાત્મિક માનવતાવાદ જોવા મળે છે. “ગીતા”માં આપણને આ વધારે જોરદાર રીતે જોવા મળે છે. ભક્તિના મહાગ્રંથ “શ્રીમદ્ ભાગવત્”માં પ્રભુભક્તિ તરીકે મનુષ્યની સેવાનો અને મનુષ્યનો ખ્યાલ આપણને ઘણી સ્પષ્ટ રીતે જોવા મળે છે. પરંતુ આ બધું પોથીઓમાં હતું, આપણે એ વાંચતા અને એનો અમલ કેમ કરવો તે આપણે જાણતા ન હતા; આ ગહન સત્ય આપણે આ અર્વાચીન આઘાતથી શીખ્યા. છેલ્લાં દોઢસો વર્ષોમાં એ અર્વાચીન આઘાતે આધ્યાત્મિકતા, બૌદ્ધિકતાના, સામાજિક સુધારાના વિરાટ પુરુષો ઉત્પન્ન કર્યા છે. આ માનવતાવાદી ફિલસૂફીએ અને આ માનવતાવાદી વલણે તે દરેકને પ્રેરણા આપી છે.

(ક્રમશ:)

અનુવાદક: શ્રી દુષ્યંત પંડ્યા

(શ્રીરામકૃષ્ણ મિશન ઈન્સ્ટિટયૂટ ઑફ કલ્ચર (કલકત્તા)માં ૨૩ જુલાઈ, ૧૯૮૧ને દિવસે એ ઈન્સ્ટિટયૂટના ભૂતપૂર્વ મંત્રી સ્વામી રંગાનાથાનંદજીએ આપેલું વ્યાખ્યાન)

Total Views: 120

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.