ગતાંકથી આગળ :
‘તારા કુટુંબની સમસ્યાઓનું સમાધાન કરીને પછી મારી પાસે આવ. તને સમાધિ કરતાં પણ ઉચ્ચતર અવસ્થા પ્રાપ્ત થશે.’ શ્રીરામકૃષ્ણનું આ સૂચન ધ્યાનમાં રાખીને પછીના દિવસે સવારે નરેન્દ્ર ઘરે ગયા. ‘કાયદાની પરીક્ષા નજીક આવી ગઈ છે અને તે અભ્યાસમાં ધ્યાન આપતો નથી’ એમ કહીને ઘરનાં બધાં વડીલ સગાંવહાલાંએ તેમને ખૂબ ઠપકો આપ્યો. પરિતપ્ત નરેન્દ્ર પોતાનાં નાનીના ઘરે અભ્યાસ કરવા ગયા. એમણે વાંચવાનો ઘણો પ્રયત્ન કર્યો પણ કોણ જાણે કેમ આ અભ્યાસ કોઈ ભયંકર વસ્તુ છે એવો ભય એમના મનમાં છવાઈ ગયો. તેઓ જોરથી રડી પડ્યા. આ પહેલાં જીવનમાં ક્્યારેય આટલું રડ્યા નહોતા. તેમણે ચોપડીઓ ત્યાં ને ત્યાં મૂકી રાખી અને શેરીઓમાં વિલાપ કરતાં કરતાં દોડ્યા. એમના પગમાંથી જોડાં નીકળી ગયાં. તેઓ ઘાસની ગંજી વટાવીને દોડ્યા અને આખા શરીરે ઘાસ છવાઈ ગયું. આમ તેઓ દોડતાં દોડતાં કાશીપુર આવી પહોંચ્યા અને ઠાકુર સમક્ષ એમણે પોતાના હૃદયની વેદના ઠાલવી. એમના હૃદયની ભીતર ત્યાગ વૈરાગનો ગહન અગ્નિ ભભૂકી ઊઠ્યો હતો, એ વાત નિ :શંક હતી.
બપોર પછી ચાર વાગે નરેન્દ્ર ફરીથી ઠાકુરને મળ્યા. ઠાકુરે પૂછતાં નરેન્દ્રે કહ્યું કે આવા વિદ્યાકીય અભ્યાસ માટે તેમને સખત નફરત ઊભી થઈ છે અને હવે તેમણે જે કાંઇ પણ વાંચ્યું છે એ બધું ભૂલી જાય તેવી કોઈ દવા એમને જોઈએ છે. સાંજે ઠાકુરે ભક્તોને કહ્યું કે નરેન્દ્ર ઈશ્વર દર્શન ઝંખે છે અને તે થોડા જ સમયમાં પોતાના ધ્યેયને આંબી લેશે. દૂર ક્ષિતિજ પર છવાયેલો કેસરીયો રંગ બતાવે છે કે થોડી જ વારમાં સૂર્યનો ઉદય થશે. ઠાકુરની રજા લઈને નરેન્દ્ર ધ્યાન સાધના માટે દક્ષિણેશ્વર ગયા. તેઓ પંચવટીમાં ધૂણી ધખાવીને ધ્યાન ધરવા ઈચ્છતા હતા. એમાના બે ગુરુબંધુ મોટા ગોપાળ અને શરત્ સાથે હતા.
ત્યારથી માંડીને નરેન્દ્ર ઘણી કઠિન તપશ્ચર્યાઓ કરવા લાગ્યા અને ઘણું ધ્યાન પણ ધરવા લાગ્યા. ધૂણીના અગ્નિની સામે પંચવટીમાં એક પછી એક રાત્રીઓ આવાં ધ્યાન અને તપમાં પસાર થઈ ગઈ. પોતાની ચેતના ઉચ્ચતર કક્ષાએ આવી અને તેમને ઘણા રસપ્રદ અનુભવો થવા લાગ્યા. એક દિવસ નરેન્દ્ર અને શરત્ ધ્યાનમાં લીન હતા ત્યારે આ પહેલાં તોતાપુરી અને શ્રીરામકૃષ્ણદેવે જોયેલ ભૈરવ એમની સામે પ્રગટ થયો, પરંતુ નરેન્દ્રે તેને હાંકી કાઢ્યો. (શ્રીમત્ શારદાનંદ-સ્વામીજીર જીવનેર ઘટનાવલી : મહેન્દ્રનાથ દત્તના બંગાળી પુસ્તક પૃ. ૪૧-૪૨). ધ્યાનાવસ્થામાં નરેન્દ્ર અવાર-નવાર પોતાની ભૃકૂટિમાં ત્રિકોણાકાર તેજસ્વિતાથી સભાન થઈ જતા. ઠાકુરે આ અવસ્થાને બ્રહ્મયોનિ કહી છે. વળી ઘણી વખત ધૂણીની આસપાસ ઘણાં દેવદેવીઓ એકઠાં થયાં છે એવું તેઓ અનુભવતા. આવી આધ્યાત્મિક ઉત્તેજનાઓથી પ્રબળ બનીને નરેન્દ્રનાથે પોતાના હૃદયની ભીતર ઊંડી ડૂબકી મારી. તેમના ત્યાગની ભાવનાના તેજના બાહ્ય પ્રગટીકરણથી એમના ગુરુભાઈઓ આશ્ચર્યચકિત થઈ ગયા. ૬ જાન્યુઆરી, ૧૮૮૫ના રોજ આ બધા શિષ્યોએ ઠાકુર સમક્ષ નરેન્દ્રનાથને આવા ઉદ્ગાર કાઢતાં સાંભળ્યા, ‘સંસારનો સંપૂર્ણપણે ત્યાગ કરવો જોઈએ. મનમાં છવાયેલી સાંસારિક ભાવનાને ખૂણેખૂણેથી કાઢી નાખવી જોઈએ. લાખે એકાદ-બે વ્યક્તિ આવો સાચો ત્યાગ કરી શકે.’ એ વાત સ્પષ્ટ છે કે નરેન્દ્ર હવે આ ‘ભવ્ય ત્યાગ’ માટે પોતાની જાતને તૈયાર કરી રહ્યા હતા.
દક્ષિણેશ્વરની જેમ કાશીપુરમાં પણ ઠાકુર કાળજીપૂર્વક નરેન્દ્રના આધ્યાત્મિક જીવનનું ઘડતર કરી રહ્યા હતા. આધ્યાત્મિકતાથી તરબોળ એવા ઠાકુર પોતાના પટ્ટશિષ્ય નરેન્દ્ર સાથે પોતાના આધ્યાત્મિક અનુભવોની વાતો કરતા. ૭ જાન્યુઆરીના બપોર પછીના સમયે નરેન્દ્રનાથે પ્રેમથી ઠાકુરને પૂછ્યું, ‘આજે મારે શું કરવું જોઈએ, એનું મને સૂચન કરો. દરરોજ મારે શું કરવું જોઈએ એ તમે મને કહેતા રહેજો.’ શ્રીરામકૃષ્ણે કહ્યું, ‘ત્યાં પંચવટીમાં?’ નરેન્દ્રનાથે કહ્યું, ‘હા, આજે મારે શું કરવું જોઈએ તે મને કહો.’ શ્રીરામકૃષ્ણે કહ્યું, ‘આજે તું ‘રામ’ વિશે ચિંતન કરજે.’ નરેન્દ્રે કહ્યું, ‘હા, એ હું કરી શકીશ. મારા બાળપણમાં પણ મેં રામને ખૂબ ચાહ્યા છે. હું ભાવભક્તિથી એમના જીવનની વાતો સાંભળતો.’ તે દિવસથી તેમણે શ્રીરામ સાથે એકાત્મતા સાધવા સઘન તપશ્ચર્યા આદરી.
તલસાટ અને ઝંખનાભર્યા હૃદયે નરેન્દ્રે શ્રીરામ પર ચિંતન કરવાનું શરૂ કર્યું. ૮મી જાન્યુઆરીએ તેઓ શ્રીરામકૃષ્ણની સામે બેઠા હતા. ઠાકુરની વિનંતીથી નરેન્દ્રનાથે ભજન શરૂ કર્યું, ‘શ્યામનું નામ રટી રટીને હું મારો આ દેહ ત્યજીશ.’ ભક્તિભાવથી ભરાઈ જઈને તેમણે એક બીજું ભજન ગાયું, ‘જે દિન મેં જોયા જમુના કિનારે નાથને, મારા જીવનની ઓટ શમી.’ અને ત્રીજું ગીત હતું, ‘શ્રીરામનું પવિત્રનામ જપીને’. ઠાકુરની આજ્ઞાથી દિવ્યપ્રેમમાં લીન બનીને નરેન્દ્રનાથે એક બીજું ભજન ગાયું, ‘હે પ્રભુ હરિ! તવ દર્શને મારા હૃદય ચેતનાનું ઝરણું સરવળે’. આટલાં ભજનો પછી તેઓ અટક્યા નહીં. શ્રી‘મ’ની વિનંતીથી એમણે હવે એક નવું ભજન શરૂ કર્યું, ‘હે પ્રભુ! એ અમૃતનું પ્રભાત ક્યારે ઊઘડશે? એ સચ્ચિદાનંદ ક્યારે મારા હૃદય મંદિરમાં પ્રકાશી ઊઠશે?’ ઓરડાનું સમગ્ર વાતાવરણ દિવ્ય આનંદથી ઝંકૃત થઈ ઊઠ્યું. ત્યાં ઉપસ્થિત સૌ કોઈ મુગ્ધ બની ગયા અને દિવ્યભાવના ભવ્ય ઉછાળને સૌએ અનુભવ્યો. પરંતુ એ બધા બાહ્યભાનમાં આવે એ પહેલાં નરેન્દ્રનાથના આ કથનને સાંભળીને સૌ ચમકી ઊઠ્યા, ‘તમારા આ જ્ઞાન અને અમીકૃપામાં ધૂળ પડી! બ્રહ્મજ્ઞાનીનું દર્શન પણ નિરર્થક છે!’ આ સાંભળીને ઠાકુર માત્ર આછું હસ્યા અને સમસંવેદનાની સમજણ સાથે નરેન્દ્ર તરફ નજર કરી. થોડી વાર પછી વળી પાછું નરેન્દ્રના મુખે એક ભજન સરી પડ્યું, ‘હું ભગવાં ધારણ કરીશ અને શંખલાં
છીપલાંની વાળી કાને પહેરીશ.
આમ, મારો એ નિર્દયનાથ મને ન મળે ત્યાં સુધી,
યોગિનીના વેશે સ્થળે સ્થળે હું ભમતો રહીશ.’
થોડીવાર પછી નરેન્દ્રે શ્રી‘મ’ને ખાનગીમાં કહ્યું, ‘તેમણે મને રામનામનો મંત્ર આપીને દીક્ષા આપી છે. એ એમના કુટુંબનો ઈષ્ટમંત્ર છે.’
જેમ જેમ આ નવો ભાવ વિકસતો ગયો તેમ તેમ એણે પોતાની અસર એવી તો પ્રસરાવી દીધી કે ધીમે ધીમે નરેન્દ્રના મનમાંથી બધા વિરોધાભાસી વિચારો દૂર થઈ ગયા. આ ભાવ પર આતુરતાથી પકડાઈ જઈને નરેન્દ્રે એનાથી પણ વધારે ઉચ્ચતર ઉન્નતિનો અનુભવ કરવા માટે સખત મથામણ કરી. પોતાની આ મહામથામણમાં વાસ્તવિક રીતે તે બીજું બધું ભૂલી ગયા. ૧૨ જાન્યુઆરી બપોર પછી શ્રી ‘મ’ એ જોયું કે તેઓ ‘દાના’ના ખંડમાં માળાજપ કરી રહ્યા હતા, એ વાત કરવામાં તેઓ મગ્ન બની ગયા. મજાકમાં યુવક સંન્યાસીઓએ પોતાને નામ આપેલું, ‘‘શિવના ભૂત’ અથવા તો ‘દાના’. આ જ ઓરડાના બીજા ભાગમાં ભૂપતિ ભક્તમાળામાંથી શ્રીરામ સાથેના ગુહકના પ્રેમાળ સંબંધની વાર્તા મોટેથી વાંચતા હતા.
મોટા ગોપાલ યાત્રાએથી પાછા ફર્યા હતા. ૮મી જાન્યુઆરીએ સાંજે તેમણે એક મિજબાની આપી હતી. તેમણે કોલકતાથી ગંગાસાગર જતાં કેટલાક સંન્યાસીઓને ભગવાં વસ્ત્રો અને માળા આપવાની ઇચ્છા વ્યક્ત કરી. ઠાકુરે આ બધું તેમના સંસારત્યાગ કરનાર બધા શિષ્યોને આપવા વિનંતી કરી. એક દિવસ મોટા ગોપાલે ૧૨ ભગવાં વસ્ત્રો અને ૧૨ માળા ઠાકુર સમક્ષ મૂક્યાં. ઠાકુરે તેમનો સ્પર્શ કર્યો અને કેટલાક મંત્રો બોલ્યા. આ બંને વસ્તુઓ મેળવનારમાં સર્વત્યાગ કરનારા એ ૧૧ શિષ્યોમાં નરેન્દ્રનો પણ સમાવેશ થાય છે.
એક રાત્રે ૯ કે ૧૦ વાગે નરેન્દ્ર મહાવીર હનુમાનજીના ભાવમાં આવી ગયા અને ઓરડામાંથી ‘જયરામ જયરામ’ એમ મોટે અવાજે બોલતાં બોલતાં બહાર ધસી આવ્યા. નાના ગોપાલ એમની પાછળ પાછળ ગયા. નરેન્દ્ર કાશીપુર અને વરાહનગરથી પસાર થયા અને તેઓ દક્ષિણેશ્વર તરફ આગળ ધપતા હતા ત્યારે નાના ગોપાલ એમનાથી આગળ નીકળી જઈને પાછળથી પકડી લીધા. નરેન્દ્રે દેહભાન ગુમાવ્યું. તેમના મોં પર પાણી છાંટીને ગોપાલ એમને ફરીથી ભાનમાં લાવ્યા. પછી તેઓ કાશીપુર પાછા ફર્યા અને ઠાકુર સમક્ષ હાજર થયા.
૧૩મી જાન્યુઆરીએ બુધવાર હતો. નરેન્દ્રે આખો દિવસ ઉપવાસ કર્યો અને સાંજે પોતાના ઉપવાસને છોડવા પોતાને હાથે થોડી રોટલી બનાવી.
ઠાકુરની માંદગી થોડી વધારે બગડી. આ બધું હોવા છતાં પણ નરેન્દ્ર પોતાના ભાવમાં તણાઈને ઘરની ફરતે વિહ્વળતાથી ચાલવા લાગ્યા અને મોટે અવાજે શ્રીરામનામ રટવા લાગ્યા. દેખીતી રીતે તેમણે બાહ્યભાન ગુમાવી દીધું હતું. જેમ જેમ રાત વધતી ગઈ તેમ તેમ તેમનો અવાજ મોટો થતો ગયો. કેટલાક સંન્યાસી બંધુઓએ એમને રોકવાનો પ્રયત્ન કર્યો પણ સફળ ન થયા. ચિંતા સેવતા શ્રીરામકૃષ્ણે કાલીપ્રસાદને એમને પોતાની સમક્ષ લાવવા મોકલ્યા. ઠાકુરનો સંદેશ ભાગ્યે જ નરેન્દ્રના કાનમાં પડ્યો હશે, પરંતુ કાલી તેમને બળપૂર્વક ઠાકુરની સમક્ષ લાવ્યા. ઠાકુરે પ્રેમથી નરેન્દ્રને કહ્યું, ‘જો ભાઈ! તું આ રાત જે રીતે વિતાવે છે એવી રીતે મેં મારું જીવન બાર બાર વરસ સુધી વિતાવ્યું છે. એ બધાં વર્ષો વાવાઝોડાની જેમ ચાલ્યાં ગયાં. અને બેટા! તું આ એક રાતમાં શું મેળવવાની અપેક્ષા રાખે છે!’ ધીમે ધીમે એમનો આ ભાવવંટોળ શાંત થયો. અને તેઓ પહેલાંના જેવા જ બની ગયા. જો કે નરેન્દ્ર પોતાની આધ્યાત્મિક યાત્રામાં જેમ જેમ ઉન્નત થતા ગયા તેમ તેમ તેમના ત્યાગ-વૈરાગ્ય વધારે ને વધારે પ્રગટ થતા જોઈને ઠાકુરને ઘણો આનંદ થયો. બે દિવસ પછી શ્રી ‘મ’એ જોયું કે તેઓ (નરેન્દ્ર) એક વૃક્ષ નીચે બપોરે ભોજન લેતા હતા.
૧૬મી જાન્યુઆરીએ ડૉ.મહેન્દ્રલાલ સરકારે ઠાકુરને તપાસ્યા અને આવું તારણ કાઢ્યું, ‘દુનિયામાં કોઈ એવો ઈલાજ નથી કે જે આ રોગને વધતો અટકાવી શકે.’ ભક્તજનો પણ જોઈ શકતા હતા કે ઠાકુરની માંદગી વધારે ને વધારે વણસતી જતી હતી. પરંતુ બીજાના કલ્યાણની ગહન ચિંતા સેવતા ઠાકુર ડાૅક્ટરની સલાહને અવગણીને ક્યારેક કાનમાં કહેતા હોય તેવા અવાજે તો ક્યારે સંકેતોથી ભક્તજનો સાથે વાતચીત કરતા રહ્યા. જો કે વાતાવરણ ગમગીન હતું પણ એક આનંદની વાત પણ હતી કે નરેન્દ્ર ઠાકુરની નિશ્રા હેઠળ આધ્યાત્મિક જ્યોતિની દિશામાં આગળને આગળ વધી રહ્યા હતા. તે આધ્યાત્મિક ઉત્તેજનાની સમાધિ અવસ્થામાં રહેતા હતા. ઈશ્વર દર્શન માટે તેઓ ઘેલા બન્યા હતા. એટલે જ જ્યારે નરેન્દ્રે તેમની સમક્ષ અને શ્રી ‘મ’ સમક્ષ પોતાના મનની વાત કરી કે એક વખત તેમને એક સંન્યાસીના વેશમાં શ્રીરામનાં દર્શન થયાં હતાં. એ સાંભળીને ઠાકુરને આશ્ચર્ય થયું ન હતું. નરેન્દ્રના હૃદયમાંથી ઊઠતો આધ્યાત્મિક ઝંઝાવાત નિહાળીને ઠાકુરે બીજે દિવસે કહ્યું, ‘એક પાગલની જેમ મેં વૃક્ષો નીચે છ થી સાત વર્ષ વિતાવ્યાં છે. મને એ વાતની અવાર નવાર નવાઈ લાગે છે કે નરેન્દ્રે આ અગ્નિપરીક્ષામાંથી પસાર થવું નહીં પડે; શ્રીમા કાલી એના દ્વારા એ બધું પૂરું કરી દેશે.
(ક્રમશ 🙂
Your Content Goes Here




