સ્વામી વિવેકાનંદજી સાથે શ્રી ઝંડુ ભટ્ટની મુલાકાત સ્વામી અખંડાનંદજીનાં લખાણ પ્રમાણે જુનાગઢમાં થઈ હતી. તે સપ્ટેમ્બર ૧૮૯૧થી માર્ચ ૧૮૯૨ દરમિયાનના સમયગાળામાં થઈ હશે. સ્વામી વિવેકાનંદજીના મુખે  “દયાનિધે તેરી ગતિ લખિ ના પરે”—‘હે ઈશ્વર, તમે દયાવાન છો. તમારી દયાની કોઈ સીમા નથી, તમારી કરુણાનું કોઈ વર્ણન ન કરી શકે’  આ ભજન સાંભળીને ભટ્ટજી રડી પડ્યા હતા. પછીથી સ્વામી વિવેકાનંદજીએ કહ્યું હતું, “હું અનેક સ્થાનોસ્વામી નિખિલેશ્વરાનંદ પર ગયો છું, મેં અનેક દાતાઓ જોયા છે, પરંતુ ઝંડુ ભટ્ટ વિઠ્ઠલજી જેવી દયાળુ વ્યક્તિ બીજે ક્યાંય મેં જોઈ નથી.”

વૃદ્ધ ભટ્ટજી વારંવાર એક શ્લોક બોલ્યા કરતા. એ શ્લોક સંભવતઃ આ હતો—

न त्वहं कामये राज्यं न स्वर्गं नाऽपुनर्भवम् ।
कामये दुःखतप्तानां प्राणिनामार्तिनाशनम् ।।

તેનો અર્થ છે, ‘હું કોઈ રાજ્ય, સ્વર્ગ કે મોક્ષની કામના કરતો નથી. મારી એક જ કામના છે કે દુઃખથી પીડિત પ્રાણીઓનાં કષ્ટોનો મારા દ્વારા નાશ થાય.’

એક બીજા શ્લોકની પણ શ્રી ઝંડુ ભટ્ટજી પ્રતિદિન આવૃત્તિ કર્યા કરતા—

को नु स स्यादुपायोऽत्र येनाहं सर्वदेहिनाम् ।
अन्तःप्रविश्य सततं भवेयं दुःखभारभाक् ।।

‘આ સંસારમાં શું એવો કોઈ ઉપાય છે કે જેથી હું સમસ્ત દુઃખી પ્રાણીઓનાં શરીરમાં પ્રવિષ્ટ થઈ સ્વયં તેમનાં દુઃખો ભોગવી શકું?’

સ્વામી અખંડાનંદજી ભટ્ટજીના આ શ્લોકોને પોતાના જીવનનો આદર્શ બનાવી વારંવાર આવૃત્તિ કર્યા કરતા. આ બન્ને શ્લોકો સ્વામી અખંડાનંદજી મહારાજના મુખેથી સાંભળી સ્વામી વિવેકાનંદની આંખોમાં આંસુ આવી ગયાં હતાં.

ભટ્ટજીનું જીવનદર્શન અને તેમની વાતચીત સાંભળીને સ્વામી અખંડાનંદજી સ્પષ્ટપણે સમજી ગયા હતા કે મનુષ્યોની સેવા કરવી અને તેમની સાથે પ્રેમભાવ રાખવો એ જ સહુથી શ્રેષ્ઠ ધર્મ છે. તેમણે કહ્યું હતું, ‘તેમની આ ભાવનાનાં જે  બીજ મારામાં રોપાયાં, એ હું કોઈને બતાવી શકું તેમ નથી.’ અને એ જ કારણે સ્વામી અખંડાનંદજીએ રામકૃષ્ણ મિશનના પ્રારંભ (૧લી મે, ૧૮૯૭) પછી ૧૫મી મે, ૧૮૯૭થી મોટા પાયે સૌથી પહેલું રાહતકાર્ય મુર્શિદાબાદમાં આરંભ્યું. આ જોઈને ત્યાંના બ્રિટિશ અફસરો પણ આશ્ચર્યચકિત થઈ ગયા કે શું એક એકલો સંન્યાસી આટલું કાર્ય કરી શકે! જે બીજ ઝંડુ ભટ્ટના સેવાકાર્યથી તેમનામાં રોપાયાં હતાં તે સેવાકાર્યની શરૂઆત થઈ ખેતડીથી અને પરિણતિ થઈ મુર્શિદાબાદમાં.

જામનગરના રાજવૈદ્ય શ્રી વિઠ્ઠલજીભાઈ ભટ્ટના જ્યેષ્ઠ પુત્ર હતા શ્રી કરુણાશંકર. નાનપણમાં બાધાને કારણે વાળ કપાવવાના ન હતા તેથી માથા પર વાળનું ઝુંડ થયું. આથી બધા લોકો તેમને ઝંડુ કહેતા અને આમ નામ પડ્યું ઝંડુ ભટ્ટ. તેમનો જન્મ વિ.સં. ૧૮૮૭ના વૈશાખ સુદિ ૫,  રવિવારે થયો હતો.

તેમનું વ્યક્તિત્વ એકદમ સરળ, સ્વભાવે અત્યંત દયાળુ, પરોપકારી અને ભલા. તેમણે સાંભળ્યું હતું કે કોલકાતામાં ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર માત્ર વિદ્યાના જ નહીં પરંતુ દયાના પણ સાગર છે. સ્વામી અખંડાનંદજી જ્યારે જામનગરમાં શેઠજીને ત્યાં રહેતા ત્યારે શ્રી ઝંડુ ભટ્ટના કહેવાથી તેમણે ઈશ્વરચંદ્ર વિશેનું પુસ્તક મંગાવ્યું. તે પુસ્તકમાંથી સ્વામી અખંડાનંદજી વાંચતા અને ભટ્ટજી તલ્લીનતાથી સાંભળતા. સમયનું ભાન ન રહેતું. પરોપકારની વાતો તેમને સાંભળવી ખૂબ ગમતી. ઈશ્વરચંદ્રની પરોપકારની વાતો સાંભળતાં સાંભળતાં ભટ્ટજી રડી પડતા.

બાળપણમાં એક વખત તેમણે શાળાના એક વિદ્યાર્થીને જોયો, જેનું શર્ટ ફાટેલું હતું. ભટ્ટજીએ તે બાળકને પોતાનું શર્ટ આપી દીધું હતું. આમ બાળપણથી જ તેમનામાં લોકો પ્રત્યે દયાભાવ હતો. તેઓ કોઈના દુઃખે દુઃખી થતા, અને કાયમ સહાય કરવા તત્પર રહેતા. પિતાના પગલે તેઓ પણ વખત જતાં જામનગરના રાજવૈદ્ય બન્યા. જામનગરના તે વખતના મહારાજ જામજી વિભાજીને શ્રી ઝંડુ ભટ્ટ પર બહુ જ વિશ્વાસ અને પ્રેમ હતો.

ઉદાર હૃદયી ભટ્ટજી પૈસા લીધા વગર અનેક દરદીઓના ઘેર જતા અને ગરીબોને અનેક રીતે મદદ કરતા તથા ઘણાને પોતાના ઘરમાં રાખીને તેમની સારવાર પણ કરતા. શ્રી ઝંડુ ભટ્ટનું એકમાત્ર લક્ષ્ય હતું કોઈ પણ વ્યક્તિને આ પૃથ્વી પર કોઈ દુઃખ ન રહે, દુઃખી લોકોનું દુઃખ દૂર કરવું. તેઓ બહુ પ્રસિદ્ધ વૈદ્ય હતા તેથી દૂર-દૂરથી લોકો તેમને સારવાર માટે બોલાવતા. તેઓ કોઈ પાસેથી સારવાર પેઠે પૈસા ન લેતા, જે કોઈ ખુશીથી જે કંઈ આપે તે લઈ લેતા. પણ ગરીબો પાસેથી ક્યારેય એક પણ પૈસો ન લેતા. એટલું જ નહીં ઊલટાનું ગરીબ દરદીને બેસાડી ચા-નાસ્તો તથા ભોજન કરાવતા અને પોતે જ બનાવેલી મોંઘી દવાઓ પણ મફતમાં આપતા. આવા પરોપકારી અને દયાવાન તેઓ હતા.

એક વાર વઢવાણના મહારાજાની તેઓ સારવાર કરી રહ્યા હતા. આ કારણે કેટલાયે મહિનાઓ સુધી તેમણે વઢવાણમાં રહેવું પડ્યું હતું. અનેક ઉપાયો અને બહુ પ્રયત્ન પછી પણ અસાધ્ય એવા રોગની સારવાર કામયાબ ન નીવડી અને મહારાજાનું સ્વાસ્થ્ય બગડતું ચાલ્યું. અંતે ભટ્ટજીએ કહ્યું, ‘મારાથી બનતી બધી સારવાર મેં કરી, હું બહુ દુઃખી છું કે રાત-દિવસ પ્રયત્ન કરવા છતાં આપને હું સ્વસ્થ ન કરી શક્યો.’ મહારાજાએ તેમને કહ્યું, ‘તમારા પરિશ્રમનું મહેનતાણું તો એટલું બધું છે કે ન ચૂકવી શકાય, પરંતુ દવાના ખર્ચ માટે હું આપને કશું આપવા માગું છું.’ આમ કહી ૭૦૦૦ રૂપિયા આપ્યા. ભટ્ટજી તો જોરથી રડવા લાગ્યા અને કહ્યું, ‘અમારા આયુર્વેદશાસ્ત્ર પ્રમાણે નૈતિક રીતે સારવાર કારગત નથી નીવડી એટલે આમાંથી એક પણ પૈસો હું ન લઈ શકું.’ આ સમયે તેમની ઉપર મફતમાં સારવાર કરવા માટે દવા બનાવવાના ખર્ચ પેઠે એક લાખ રૂપિયાનું દેવું થઈ ગયું હતું.

વધારેને વધારે લોકોને દવાઓ મળતી રહે તે માટે છેવટે તેમણે એક રસશાળા—આયુર્વેદિક દવા બનાવવાની પ્રયોગશાળા શરૂ કરી હતી. આ પહેલાં વૈદ્ય જરૂર પ્રમાણે પોતે જ દવા બનાવતા કારણ કે એ દવાઓ બજારમાં નહોતી મળતી. શ્રી ઝંડુ ભટ્ટે સુશ્રુત-શાસ્ત્રનું ગહન અધ્યયન કરી લોકોને બજારમાંથી સહેલાઈથી દવાઓ મળે તે માટે નવીન વિચાર સાથે આ રસશાળા શરૂ કરી. પાછળથી એ જ રસશાળા ઝંડુ ફાર્મસી રૂપે પ્રસિદ્ધ થઈ. આમ પોતાનું સમગ્ર જીવન તેમણે આયુર્વેદિક દવાઓ દ્વારા લોકોનાં દુઃખ દૂર કરવા સમર્પિત કરી દીધું હતું. આ બધો ખર્ચ કરવા, પહેલાં જણાવ્યું તેમ તેમના પર એક લાખ રૂપિયાનું દેવું થઈ ગયું હતું. મહારાજા જામજી વિભાજીએ આ દેવું ભરપાઈ કરવા માટે તૈયારી બતાવી, પરંતુ ભટ્ટજીએ તેનો પણ સાદર અસ્વીકાર કર્યો. કેટલા સિદ્ધાંતવાદી!

ભટ્ટજીનું ઘર જાણે કે એક અસ્પતાલ હતું. ખાંસી, શ્વાસ અને તાવના રોગીઓથી તેમનું ઘર ભરેલું રહેતું. તે લોકોની દવા અને ખોરાકની વ્યવસ્થા પણ તેમના તરફથી જ કરવામાં આવતી.

એક દિવસ ભટ્ટજીના ઘેર એક બ્રાહ્મણ ‘જય રઘુનાથજી’ કહીને ભિક્ષા લેવા આવ્યો. ભટ્ટજીના ઘરના આંગણામાં એઠાં વાસણોનો ઢગલો પડ્યો રહેતો હતો. બ્રાહ્મણે જોયું કે આસપાસ કોઈ નથી. તેણે ચૂપચાપ એક વાટકી ઉઠાવીને પોતાના થેલામાં નાખી દીધી. હવે બ્રાહ્મણને જવાની ઉતાવળ હતી, પરંતુ ભટ્ટજીએ ઉપરથી બધું જોઈ લીધું હતું. તેમણે તાત્કાલિક તે બ્રાહ્મણને ઉપર બોલાવ્યો અને કહ્યું, ‘મહારાજ, થેલો ત્યાં જ રાખી દો અને આપ આ ગાદલા પર બેસો.’ બ્રાહ્મણ ભયથી સંકોચાઈને બેસી ગયો. ભટ્ટજીએ એક નોકરને બોલાવીને કહ્યું, ‘એક નવાં થાળી-કટોરીમાં સીધું લઈ આવો અને તે સાથે એક નવો લોટો અને એક પ્યાલો પણ લઈ આવો.’ નોકર તે બધું લાવ્યો.

બ્રાહ્મણે વિચાર્યું કે ચાલો જીવ બચી ગયો, ભટ્ટજીએ કશું જોયું નથી. તે પોતાની થેલીમાં એ બધું મૂકવા ઊભો થઈ ગયો કે ભટ્ટજી બોલ્યા, ‘થેલીની કોઈ જરૂર નથી. આ બધાં વાસણ આપના માટે જ છે. મહારાજ, આપને ત્યાં ચોક્કસ વાસણોનો અભાવ હશે, નહિ તો કટોરી શા માટે લેત? અપરાધ અમારા લોકોનો જ છે કે અમે આપના અભાવનું ધ્યાન નથી રાખતા. આપ આ બધું લઈ જાઓ.’ ત્યારે બ્રાહ્મણે રડતાં રડતાં ભટ્ટજીના પગ પકડી લીધા અને કહ્યું, ‘આપ મનુષ્ય નહીં દેવતા છો.’ ત્યારથી તે બ્રાહ્મણનું જીવન સદંતર બદલાઈ ગયું.

એક વાર તેઓ બીમાર હતા. સ્વામી અખંડાનંદ તેમની સેવા કરી રહ્યા હતા. અચાનક એક વ્યક્તિનો લાકડાની ભારી તેના માથે મૂકવાની મદદ માટે અવાજ આવ્યો. શ્રી ઝંડુ ભટ્ટ પોતે બીમાર હોવા છતાં એકદમ ઊભા થઈ ગયા અને દોડીને તેને મદદ કરી. તેમની લોકો પ્રત્યેની કરુણા અને પરોપકારનાં આવાં તો અનેક ઉદાહરણો તેમના જીવનમાં જોવા મળે છે.

તેમની આ ભલમનસાઈ જોઈને ઘણા લોકો તેમને આટલા ભલા ન થવાનું કહેતા અને કહેતા કે તમારે આની ભારે કીમત ચૂકવવી પડશે, આ દુનિયા ભલા માણસ માટે નથી. ત્યારે ભટ્ટજી ઉત્તર આપતા, ‘મને પૂરો વિશ્વાસ છે, ઈશ્વર મારી સાથે છે. ભગવાન શ્રીકૃષ્ણે ગીતામાં કહ્યું છે કે …न हि कल्याणकृत्‌ कश्चिद् दुर्गतिं तात गच्छति (ગીતા ૬/૪૦). ….કલ્યાણ કરવાવાળાની ક્યારેય દુર્ગતિ થતી નથી.’ ઈશ્વરમાં આટલો અટલ વિશ્વાસ!

જ્યારે લોકો તેમની અતિ ઉદારતા અને અતિ ભલાઈ હાનિકારક છે એમ ભટ્ટજીને કહેતા ત્યારે ભટ્ટજી ઘણી વાર આ પ્રસંગે એક વાર્તા કહેતા:

એક શહેરમાં એક ભલો માણસ રહેતો હતો. એ એટલો ભલો હતો કે એનું પોતાનું નામ ‘ભલો’ પડી ગયું હતું; એટલું જ નહિ પણ એ શહેર જ ભલાનું શહેર એ નામથી ઓળખાતું.

એ નગરના રાજાને કોઈ હલકા માણસોની શિખવણીથી આ ભલા માણસની અદેખાઈ આવી કે હું આ શહેરનો રાજા હોવા છતાં જેટલી મારી કીર્તિ નથી એટલી આ સાધારણ માણસની છે, માટે એને કેદ કરીને કે મારીને પણ કોઈ રીતે આ શહેરમાંથી દૂર કરવો જોઈએ. આ વિચારથી રાજાએ એ ભલાને પકડી લાવવા પોતાના માણસો મોકલ્યા પણ ભલા ઉપર સર્વ લોકોની એટલી પ્રીતિ હતી કે કોઈએ એને ચેતવી દીધો અને એ ગામમાંથી ભાગી ગયો. રાજાએ એને પકડવા મોકલેલા માણસો એને પકડ્યા વગર પાછા આવ્યા એટલે રાજાએ એક જાહેરખબર છપાવી કે જે કોઈ એ ભલાને પકડી લાવશે તેને રૂપિયા પાંચ હજારનું ઇનામ આપવામાં આવશે. રાજાના નોકરોએ તથા બીજા માણસોએ પણ પ્રયત્ન કર્યો પણ લોકોનો એના ઉપર ઘણો જ પ્રેમ હોવાથી તથા એ જાતે હોશિયાર હોવાથી ત્રણેક વર્ષ સુધી કોઈના હાથમાં આવ્યો નહિ. પણ એક દિવસ ઉનાળાના સખત તાપમાં મધ્યાહ્ને એક કબાડી અને તેની સ્ત્રી લાકડાં કાપી આવી એક વડ નીચે વાવ હતી તેમાંથી પાણી પી વડની છાયામાં વિસામો ખાવા બેઠાં હતાં. તેમાંથી કબાડીની સ્ત્રીએ કહ્યું, ‘આપણા આ દુ:ખનો તો આરો આવ્યો જ નહિ. આવા તડકામાં આટલી આટલી મહેનત કરી પણ કાલે પાછી એની એ મહેનત કરીશું ત્યારે રોટલો મળશે. ભગવાન કરે અને પેલો ભલો હાથમાં આવી જાય તો નિરાંત થઈ જાય!’ તેના ધણીએ કહ્યું, ‘એવાં આપણાં ભાગ્ય ક્યાંથી! માટે એવા નકામા વિચારો ન કરતાં ભગવાને જે વખત આપ્યો એ ભોગવવો.’ આ બે જણાં આ પ્રમાણે પોતાના દુઃખની વાતો કરતાં હતાં ત્યારે જ એક માણસ એ જ વડના છાયામાં માથે ઓઢીને સૂતો હતો, તે માથેથી કપડું ઉતારીને બેઠો થઈ આ કબાડી પાસે આવીને બોલ્યો, ‘તમને ભલાને પકડવાની ઇચ્છા છે?’ કબાડીએ કહ્યું, ‘મોટા મોટા ફોજદારો જેને પકડી ન શક્યા એ અમારા હાથમાં ક્યાંથી આવે?’ ત્યારે પેલા માણસે કહ્યું, ‘જો તમને પાંચ હજાર રૂપિયા મળવાની ખાત્રી હોય તો હું ભલાને બતાવું.’ કબાડીએ કહ્યું, ‘ઇનામ તો જગજાહેર છે.’ ત્યારે પેલો માણસ કહે, ‘હું જ ભલો છું. મને પકડીને તમે લઈ જાઓ.’ કબાડી કહે, ‘જો તમે જ ભલા હો તો તમે અહીંથી ચાલ્યા જાઓ, અમારે તમને પકડવા નથી. અને તમને કોઈ બીજો દેખશે તો પકડી જશે.’ ભલાએ આ બેયને સમજાવ્યા, ‘તમે મારી ચિંતા કરો મા, તમારા જેવાં ગરીબ માણસને રૂ. ૫૦૦૦ હજાર મળશે, એથી જ મને ઘણું સુખ થશે.’ આ કબાડીને પણ હવે લાલચ થઈ અને ભલાને પકડીને રાજા પાસે લઈ જવાનો નિશ્ચય કર્યો, પણ બાંધવો શાથી? ભલાએ પોતાને બાંધવા માટે પોતાની પાઘડી આપી. એટલે એના બે હાથ એની જ પાઘડીથી બાંધી કબાડી અને એની સ્ત્રી ભલાને લઈને ભલાના શહેર તરફ ચાલ્યાં. શહેરના દરવાજામાં સિપાઈઓએ ભલાને જોયો એટલે પકડી લીધો. લોકોનાં મોટાં ટોળાં સાથે ભલાને લઈને સિપાઈઓ રાજા પાસે ગયા. રાજાએ ‘કોણે પકડ્યો?’ એમ પૂછતાં બધા પોતપોતાનું નામ લેવા મંડ્યા. પણ ભલાએ રાજાને કહ્યું, “એ ખોટી વાત છે. ‘મને પોતે પકડ્યો’ એમ જે કહેતો હોય તેને હું ક્યાં હતો એ પૂછો.” જ્યારે કોઈ આ ખુલાસો ન કરી શક્યું ત્યારે રાજાએ ભલાને જ પૂછ્યું. એટલે એણે કબાડી તરફ આંગળી કરી.

રાજાએ કબાડીને પાસે બોલાવી બધી વાત પૂછી, કબાડીની વાત સાંભળી રાજાના મનમાંથી અદેખાઈ નીકળી ગઈ અને એને બદલે ભલા માટે ખરા માનની લાગણી ઉત્પન્ન થઈ. એટલે રાજાએ કબાડીને ૫૦૦૦ રૂપિયાનું ઇનામ આપી રવાના કર્યો અને પછી મોટો દરબાર ભરી ભલાનું સન્માન કરી એને રાજ્યની મોટી પદવી આપીને કહ્યું કે આવા માણસથી જ આપણું શહેર ઊજળું છે. એના નામથી આપણું શહેર ઓળખાય છે એમાં તો આપણી શોભા છે.

ઉપરોક્ત વાર્તા ભલા લોકો માટે અત્યંત પ્રેરણાદાયી છે. શ્રી ઝંડુ ભટ્ટજીના જીવનની ઝાંખી એમાં આપણને મળે છે.

અંતિમ સમયમાં શ્રી ઝંડુ ભટ્ટ જુનાગઢના દીવાન શ્રી હરિદાસ વિહારીદાસ દેસાઈના કુટુંબમાં કોઈ બીમાર હોવાથી નડિયાદ ગયા. ભટ્ટજી આવ્યા છે એ ખબર મળતાં જ લોકોનાં ટોળેટોળાં એમની પાસે આવ્યા કરતાં. પોતાની તબિયતની અસ્વસ્થતા પોતે જાણતા હોવા છતાં ગામના દરદીઓ ઉપરની દયાથી તેઓ દરદીઓની સારવાર કરતા રહ્યા. ૧૦મી મે, ૧૮૯૮ના દિવસે પણ આ જ રીતે દરદીઓની સારવાર કરતા હતા. આ સમયે તેમને છાતીમાં દુઃખાવો ઊપડ્યો. આ પહેલાં પણ તેમને આવો દુઃખાવો થયો હતો. પોતે દવા ખાધી અને પગે તેલ ઘસાવ્યું. જરા આરામ જણાયો. થોડી વાર પછી ફરી દુઃખાવો ઊપડ્યો, અને પોતે આરામ ખુરશીમાં બેઠા હતા ત્યાં જ દેહ છૂટી ગયો.

આ રીતે જ જે કર્તવ્યમાં એમણે પોતાનું આખું આયુષ્ય ગાળ્યું હતું તે જ કર્તવ્ય કરતાં કરતાં એમનો પ્રાણ ચાલ્યો ગયો. સ્વામી વિવેકાનંદના જીવન સાથે કેટલું સામ્ય હતું શ્રી ઝંડુ ભટ્ટના જીવનનું! બન્નેનો એક જ ભાવ હતો—સમસ્ત જગતનાં દુ:ખ દૂર થાય તે માટે પ્રાર્થના કરવી અને જગતના લોકોનાં દુ:ખ દૂર કરવા માટે પોતાનું જીવન સમર્પિત કરી દેવું. સ્વામી વિવેકાનંદજીએ ૯મી જુલાઈ, ૧૮૯૭ના રોજ અલમોડાથી મિસ મેરી હેલને પત્રમાં લખ્યું હતું,

‘સૌથી વિશેષ તો… જે મારો ઈશ્વર દુઃખી નારાયણ રૂપે છે, જે મારો ઈશ્વર સર્વ પ્રજાઓના અને સર્વ જાતિઓના દરિદ્ર-નારાયણ રૂપે છે, જે મારી પૂજાનું ખાસ પાત્ર છે, તેનું પૂજન કરવા સારુ હું વારંવાર જન્મ ધારણ કરું અને હજારો કષ્ટ વેઠું..’ (સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા, 7.181)

આ બંને મહાત્માઓનું જીવન આપણા સૌ માટે ચિર પ્રેરણાદાયી છે.

Total Views: 6

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.