સ્વામી પૂર્ણાત્માનંદ દ્વારા સંકલિત ‘સ્મૃતિર્ આલોયે સ્વામીજી’ નામના બંગાળી પુસ્તકમાંથી સ્વામી વિવેકાનંદ વિશેનાં કેટલાંક મધુર સંસ્મરણોનો બ્ર.બોધિચૈતન્યે કરેલ ગુજરાતી અનુવાદ વાચકો સમક્ષ પ્રસ્તુત છે. – સં.
સ્વામી શુદ્ધાનંદ દ્વારા કથિત :
(પ્રથમ વાર વિદેશથી આવ્યા પછી સ્વામીજી ગોપાલલાલ શીલની ઉદ્યાનવાડીએ કેટલાક દિવસ રહ્યા હતા, એ સમયની આ વાત છે)ે એક દિવસ હું સ્વામીજીને મળવા ગયો હતો. જોયું કે અનેક લોકો બેઠા છે અને એક યુવકની સામે જોઈને સ્વામીજી વાતો કરે છે. યુવક બેંગાલ થિયોસોફિકલ સોસાયટીની ઓફિસમાં રહેતો હતો. એણે કહ્યું,‘હું કેટલાક ગુરુઓ પાસે જાઉં છું પણ સત્ય શું છે, એ નક્કી કરી શક્યો નથી.‘
સ્વામીજી ખૂબ જ સ્નેહભાવ સાથે કહ્યું,’જો બેટા, મારી પણ જ્યારે એક દિવસ તારા જ જેવી પરિસ્થિતિ હતી. તારે ચિંતા કરવાની જરૂર નથી. વારુ, એ બધાએ તને શું શું કહ્યું છે અને એમના કહેવા પ્રમાણે તેં શું શું કર્યું, એ મને કહેે.’ યુવકે કહ્યું,‘મહારાજ, અમારી સોસાયટીમાં ભવાનીશંકર નામે એક પ્રચારક પંડિત છે. તેમણે મને મૂર્તિપૂજા આધ્યાત્મિક ઉન્નતિ માટે ઘણી સહાયક છે, એ સારી રીતે સમજાવી દીધું છે. મેં પણ એ પ્રમાણે કેટલાક દિવસ ઘણી પૂજાઅર્ચના કરી, પરંતુ એનાથી મને શાંતિ મળી નહિ. ત્યાર પછી એક માણસે મને ઉપદેશ આપ્યો કે મનને એકદમ શૂન્ય કરી દેવાનો પ્રયત્ન કરી જો, એનાથી તને પરમ શાંતિ મળશે. મેં પણ કેટલાક દિવસ સુધી એમ કરવાનો પ્રયત્ન કર્યો. પણ મારું મન શાંત થયું નહિ. મહારાજ, હું હજુ પણ એક ઓરડાના દરવાજા બંધ કરીને શક્ય હોય ત્યાં સુધી શાંત મને બેસી રહેવાનો પ્રયત્ન કરું છું. એ કશાથી શાંતિ મળતી નથી. મને કેવી રીતે શાંતિ મળે એ તમે કહિ શકશો?’
સ્વામીજી સ્નેહપૂર્ણ સ્વરે કહ્યું,‘બેટા, જો મારી વાત સાંભળ તો તારે પહેલાં તો તારા ઓરડાનાં બારણાં ખોલી નાખવાં જોઈએ. તારા ઘર પાસે જેટલા ગરીબ લોકો રહે છે એમની તારે થાય એટલી સેવા કરવી જોઈએ. જે બિમાર છે એમના માટે દવાની વ્યવસ્થા અને સેવા-ચાકરી કરવી જોઈએ. જેમને ખાવાનું નથી મળતું એમને ભોજન કરાવવું જોઈએ. તું તો આટલો ભણેલ છે, તો જે અભણ છે એમને લખતાંવાંચતાં શિખવાડવું જોઈએ. મારું માન તો બેટા, આ રીતે લોકોની સેવા કરવાથી તું મનની શાંતિ મેળવી શકીશ.’ સાંભળીને યુવકે કહ્યું,‘ મહારાજ, ધારો કે હું એક રોગીની સેવા કરવા ગયો, પરંતું એના માટે રાતે જાગવાથી અને સમયસર ભોજન ન મળવાથી હું પોતે જ બિમાર પડી જાઉં તો?’ સ્વામીજી અત્યાર સુધી યુવાનની સાથે ખૂબ સ્નેહ અને સહાનુભૂતિપૂર્વક વાત કરતા હતા. એની આ વાત સાંભળીને તેઓ ખૂબ નારાજ થયા હોય એમ લાગ્યું. તેઓ બોલી ઊઠ્યા,‘જો બેટા, રોગીઓની સેવા કરતાં કરતાં તને પોતાને રોગ લાગી જવાનો ભય છે. તારી આ બધી વાતો સાંભળીને મને અને અહીં ઉપસ્થિત આ બધા લોકોને પણ લાગે છે કે આવી રીતે તું પોતે બિમાર પડી જઈશ એ ભયથી કે દુ :ખથી તું ક્યારેય કોઈની સેવા કરવાનો નથી.’
એક દિવસ ગોપાલલાલ શીલની ઉદ્યાનવાડીમાં માસ્ટર મહાશય (કથામૃતના લેખક – શ્રી મ’) ની સાથે વાતો થતી હતી. માસ્ટર મહાશયે કહ્યું, ‘તમે જે દયા-પરોપકાર અને જીવસેવાની વાતો કરો છો, એ તો માયાના રાજ્યની વાત. જ્યારે વેદાંતના મતે માનવનું પરમ લક્ષ્ય મોક્ષ, સમસ્ત બંધનો કાપી નાખવાં. સાથે આ બધી માયાની જાળમાં ફસાવાનો ઉપદેશ લોકોને આપવાથી શું વળશે?’ સ્વામીજી ક્ષણભર પણ ચિંતન કર્યા વિના બોલી ઊઠ્યા,‘મુક્તિ પણ માયાના રાજ્યમાં આવેલી નથી? આત્મા તો નિત્યમુક્ત છે અને વળી મુક્તિ માટેનો પ્રયાસ કરવો?’ આ સાંભળીને માસ્ટર મહાશય ચૂપ થઇ ગયા.
Your Content Goes Here




