માદામ કાલ્વેએ લખેલી પોતાની આત્મકથા, ‘માઈ લાઈફ’માંથી આ અહેવાલ લેવામાં આવ્યો છે., (સ્વામી વિવેકાનંદ ઈન ધ વેસ્ટ – ન્યૂ ડિસ્કવરિઝ, વૉ.૧, પૃ.૪૮૪-૮૬.)

એક વર્ષે સ્વામી વિવેકાનંદ શિકાગોમાં પ્રવચનો આપતા હતા ત્યારે હું તે શહેરમાં હતી; અને મનથી તથા દેહથી હું ખૂબ ખિન્ન બની ગઈ હોઈ, મેં એમની પાસે જવાનું નક્કી કર્યું.

સ્વામીજી ન બોલાવે ત્યાં સુધી કશું બોલવું નહીં, એમની પાસે જતાં પહેલાં એમ મને કહેવામાં આવ્યું હતું. એમના ઓરડામાં દાખલ થઈને એક ક્ષણ એમની સમક્ષ હું શાંતિથી ઊભી રહી. તેઓ ધ્યાનની ઉદાત્ત મુદ્રામાં બેઠા હતા. એમનો કેસરી ઝબ્ભો સીધો જમીનને સ્પર્શતો હતો. સાફો પહેરેલ એમનું મસ્તક આગળ નમેલું હતું. એમની આંખો જમીન પર મંડાયેલી હતી. થોડીક વાર પછી ઊંચે જોયા વગર એમણે કહ્યું:

‘બેટા, તારી ચોમેર કેવું વ્યથાનું વાતાવરણ છે! શાંત થા; એ આવશ્યક છે.’ જે વ્યક્તિ મારું નામ પણ જાણતી ન હતી તેમણે પછી નિર્મળ અને સ્થિર-શાંત અવાજે મારી અંગત મૂંઝવણો અને ચિંતાઓ વિશે વાત કરી. મારા નિકટના મિત્રો ન જાણતા હોય તેવી બાબતો વિશે તેમણે મને વાત કરી. એ બધું મને નિસર્ગાતીત અને એક ચમત્કારિક અને અદ્‌ભુત લાગ્યું. આખરે મારાથી પુછાઈ ગયું: ‘આપે આ બધું શી રીતે જાણ્યું? મારે વિશે આપને આ બધી વાત કોણે કરી છે?’

મૂર્ખામીભર્યો પ્રશ્ન પૂછનાર બાળકની સામે કોઈ જુએ તેવી રીતે મૂક હાસ્ય સાથે તેમણે મારી સામે જોયું.

મૃદુતાથી ઉત્તર આપતાં એમણે કહ્યું: ‘કોઈએ મને આ બધું કહ્યું નથી. તને એમ લાગે છે કે કોઈએ મને આવું કહેવું જરૂરી છે? તારામાં એ બધું હું એક ખુલ્લી કિતાબની જેમ વાંચી શકું છું.’

આખરે મારા જવાનો સમય થયો.

હું જેવી ઊભી થઈ કે એમણે કહ્યું: ‘તારે બધું ભૂલી જવું જોઈએ. ફરીથી આનંદપૂર્ણ અને પ્રસન્ન બન. તારી તબિયત સુધાર. તારાં દુ:ખો પર એકાંતમાં વિચાર ન કર. બાહ્ય અભિવ્યક્તિના રૂપે તારી લાગણીઓને વહેવા દે. તારા આત્માના સ્વાસ્થ્ય માટે એ જરૂરી છે. તારી કલા એ માગે છે.’

એમના શબ્દો અને એમના વ્યક્તિત્વથી ખૂબ અભિભૂત થઈ મેં એમની પાસેથી વિદાય લીધી. મારા મિત્રની બધી માંદલી સંકુલતાઓને કાઢી નાખી તેને સ્થાને એમના સુરેખ અને પ્રસન્ન ચિંતનને એમણે મૂકયું હોય એમ લાગ્યું. હું ફરીથી સ્ફૂર્તિવાળી અને આનંદી બની ગઇ એનો યશ એમના સમર્થ સંકલ્પને જાય છે. મૂઠ નાખવાની કે સંમોહનની કોઈ શક્તિ એમણે વાપરી ન હતી. એમનું ચારિત્ર્ય બળ, એમના હેતુની પવિત્રતા અને તીવ્રતા જ અસર કરી ગઈ હતી. પછીથી એમના વધારે સંપર્કમાં આવતાં મેં જાણ્યું કે, કોઈના અસ્તવ્યસ્ત વિચારોને એ શાંત સમાધાનની સ્થિતિમાં એવા તો મૂકી દેતા કે, એમના બોલને સંપૂર્ણ અને અવિભક્ત ધ્યાન આપવું જ પડે.

Total Views: 165

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.