રામકૃષ્ણ મિશન આશ્રમ, નરેન્દ્રપુર દ્વારા પ્રકાશિત ‘સ્વામી વિવેકાનંદઝ વિઝન ઓફ રૂરલ ડેવલપમેન્ટ’ પુસ્તકમાંથી પ્રો. ચંદુભાઈ ઠકરાલે કરેલ ગુજરાતી અનુવાદના થોડા અંશો અહીં પ્રસ્તુત છે.
સ્વાતંત્ર્ય પૂર્વેના ભારતમાં ગ્રામ વિકાસ
ગ્રામ વિકાસનું લક્ષ્ય હોય છે પરિણામાત્મક અને ગુણાત્મક રીતે ઇચ્છિત પરિવર્તનો – બધાં જ ઘટકોમાં, દા.ત. સામાજિક, સાંસ્કૃતિક, આર્થિક, પ્રૌદ્યોગિક, નૈસર્ગિક અને રાજકીય. તેની પાસેથી ગ્રામ જીવનની ગુણવત્તામાં સુધારાની ખાતરી મળી રહેવી જોઈએ. આમ ગ્રામ વિકાસનો અર્થ થાય છે ગ્રામ વિસ્તારનો વિકાસ. આ પ્રક્રિયા એવી રીતે થવી જોઈએ કે જેથી ગ્રામ જીવનનું પ્રત્યેક ઘટક અન્ય ઘટકો સાથે ઇચ્છિત દિશામાં અને સુસંવાદિતાથી વિકાસ પામે. એ બાબતમાં કોઈ શંકા નથી કે આ વિકાસનાં મૂળિયાં દેશની ભૂમિમાં હોવાં જોઈએ અને તેમાં રાષ્ટ્રનાં જીવનદર્શનનું પ્રતિબિંબ પડવું જોઈએ.
આર્થિક વિકાસને લીધે લોકોની બચત કરવાની ક્ષમતા ઊંચી જવી જોઈએ અને સાથો સાથ વરસો વરસ વૃદ્ધિ સંતોષકારક રીતે થતી રહેવી જોઈએ અને વળી સામાજિક ન્યાય અને માનવીય મૂલ્યોનાં પરિમાણોનું ગુણાત્મક રીતે જતન થવાની ખાતરી મળી રહેવી જોઈએ. આત્મ નિર્ભરતાના વિકાસમાં એ કેટલી પ્રેરણા પૂરી પાડે છે, તેના પરથી આ વૃદ્ધિની કાર્યસાધકતાનો નિર્ણય કરી શકાય. એ પણ દેખીતું છે કે આ પરિવર્તન યંત્રશાસ્ત્રના ક્ષેત્રમાં, માનવ-પર્યાવરણ સંબંધો, વસ્તી વધારો વગેરે ક્ષેત્રોમાં જરૂરી એવાં પરિવર્તનોને પોતાની અંદર સમાવી લે તેવાં સક્ષમ હોવાં જોઈએ.
અનુભવ એક સાદું સીધું સત્ય દર્શાવે છે કે મૂળભૂત રીતે આ વિકાસ માનવનો છે અને માનવ માટે છે અને માણસ દ્વારા જ એને સાધવાનો છે એ વાત ઘણીવાર ધ્યાન બહાર રહી જાય છે. માનવ પરિબળનાં બધાં જ ભૌતિક, માનસિક અને આધ્યાત્મિક પાસાં પર તેને યોગ્ય ભાર ન મૂકવામાં આવે ત્યાં સુધી કાયમી સુખ અને શાંતિ તરફ દોરી જતા વિકાસના આયોજનનાં ઉદ્દેશ્યો સારી રીતે હાંસલ કરી શકાય એમ કોઈ અપેક્ષા ન રાખવી જોઈએ.
એ બાબતમાં કોઈ શંકા નથી કે વિકાસ અને તેમાં ય ગ્રામ વિકાસ એ કાંઈક આધુનિક વિભાવના છે. ભારતમાં, તેના સુવર્ણકાળ દરમ્યાન શહેરી જીવન ગ્રામીણ જીવન માટે બહારનું ન હતું, અને માનવજીવન ગરીબી, અસમાનતા, સામાજિક અન્યાય વગેરેનો ભોગ બનેલું ન હતું. વળી લોકોમાં એક સામાન્ય સમૃદ્ધિ હતી કે લોકો તેના સભ્યોની યોગ્ય ચિંતા કર્યા કરતા હતા. આને લગતાં ઘણાં ઉદાહરણો છે, પણ મહાભારતના સભાપર્વમાંથી હું એક ટાંકુ છું. તેમાં નારદમુનિ રાજા યુધિષ્ઠિરને પૂછે છે : ‘તમારા રાજ્યમાં ખેતીવાડીવાળા લોકો સંતુષ્ટ છે ને? શું તમારા આખાય રાજ્યમાં યોગ્ય અંતરે તળાવો અને સરોવરોની રચના કરવામાં આવી છે કે જેથી કૃષિને સંપૂર્ણ રીતે વરસાદ ઉપર આધાર ન રાખવો પડે? ખેડૂતોની માલિકીનાં ધાન્ય અને બિયારણનો નાશ તો કરવા દેવામાં આવતો નથી ને? શું તમે ઓછામાં ઓછા સોના એક ભાગ જેટલું વ્યાજ લઈને તેમને ઉદારતાથી લોન (ધિરાણ) આપો છો ને? હે તાત! કૃષિ, પશુપાલન અને વેપાર ઉદ્યોગ – એ ત્રણેયનો કારભાર પ્રમાણિક માણસ દ્વારા જ કરવામાં આવે છે ને? હે રાજન્, તેના પર તમારા પ્રજાજનોનું સુખ આધાર રાખે છે.’ (સભાપર્વ, અ.૮, શ્લોક,૭૭-૮૦) આ પંક્તિઓ ભારતના મનીષીઓ માનવની સમૃદ્ધિ, પ્રગતિ અને શાંતિ માટે કેવો પ્રગતિકારક દૃષ્ટિકોણ ધરાવતા હતા, તે તરફ આંગળી ચીંધે છે, તેની ઝાંખી કરાવે છે.
માનવ પ્રગતિ અને વિકાસની દરેક વિભાવના ધર્મથી પ્રેરિત હતી. પણ એ ધર્મ કયા પ્રકારનો હતો? એક વાત ચોક્કસ છે કે આજે સમાજની જુદી જુદી જાતિઓ અને સમુદાયો જેને આચરે છે, તે સાંકડો અને તળપદો ધર્મ તો ન જ હતો. માનવ સમાજને એકતાના બંધનમાં સાથે રાખે, તે જ સાચો ધર્મ છે. મહાભારત કહે છે કે ધર્મેણ વિધૃતા: પ્રજા: – ધર્મનાં બંધન દ્વારા લોકસમાજનું સંરક્ષણ થાય છે. મહાભારતના સભાપર્વમાં વ્યાસજી ઘોષણા કરે છે-
પ્રભવાર્થાયભૂતાનાં ધર્મપ્રવચનં કૃતમ્ ।
ય: સ્યાત્ પ્રભવસંયુક્ત: સ ધર્મ ઈતિ નિશ્ચય: ॥
(સભાપર્વ શ્લોક ૧૦૯-૧૦)
ધર્મ માણસના વિકાસ અને પ્રગતિ માટે છે જે કોઈ વસ્તુ સાચી રીતે માણસના સંવર્ધન અને વિકાસ સાથે સંકળાયેલી છે, તે ધર્મનો અવિભાજ્ય ભાગ છે, રાષ્ટ્રના હૃદયની ધોરી નસ જ આ પ્રકારનો ધર્મ છે. આ બધાંની સાથે આપણે એ નિરીક્ષણ ચોક્કસપણે કરવું જોઈએ કે માનવનું અસ્તિત્વ અને તેની સાથે સાથે સુખ અને શાંતિને સમગ્ર અર્થ – તંત્ર સાથે સુસંવાદિત રીતે જોડાયેલાં માનવામાં આવતાં હતાં. આવો સર્વગ્રાહી અભિગમ વેદના ઋષિની ભક્તિમય પ્રાર્થનામાં જોઈ શકાય છે –
દ્યૌ: શાન્તિરન્તરિક્ષં શાન્તિ: પૃથિવી શાન્તિરાપ: શાન્તિરોષધય: શાન્તિ: । વનસ્પતય: શાન્તિર્વિશ્વે દેવા:શાન્તિ બર્રહ્મ શાન્તિ: સર્વં શાન્તિ: શાન્તિરેવ શાન્તિ: સા મા શાન્તિરેધિ ॥
ઋષિની પ્રાર્થના છે – ‘જુદાં જુદાં સ્વર્ગોમાં, પૃથ્વી પર, પાણીમાં, વાર્ષિક પાકોમાં, જંગલની લક્ષ્મીમાં, દેવોમાં, બ્રહ્મમાં, વિશ્વમાં જે શાન્તિ છે તે અને જે શાન્તિનું સર્વસ્વ છે, તે શાન્તિ મને મળો.’
સાચું કહીએ તો વેદના ઋષિને આધ્યાત્મિક અને પાર્થિવ, પવિત્ર અને બિન-સાંપ્રદાયિક વચ્ચે કાંઈ મૂળભૂત અસંગતતા દેખાતી ન હતી. તેમને મન તો વિશ્વવ્યાપી આત્મતત્ત્વનું પ્રકટ સ્વરૂપ એ જ અસ્તિત્વ છે. આ આત્મતત્ત્વ જ બધી શક્તિનું ઉદ્ભવસ્થાન છે તેથી સ્વામી વિવેકાનંદ જોરદાર રીતે પ્રતિપાદન કરતા કે દેશમાં સામાજિક અને રાજકીય વિચારોનાં પૂર આવે તે પહેલાં ભારતના લોકોમાં આધ્યાત્મિક આદર્શોનો પ્રાણ ફૂંકવાની જરૂર છે. આ જ સત્યનું અર્થઘટન વ્યવહારુ રીતે ઉપયોગી થાય તે રીતે મહાત્મા ગાંધી જુદા સ્વરૂપમાં કહેતા : હું માનતો નથી કે આધ્યાત્મિક કાનૂન માત્ર પોતાના જ ક્ષેત્રમાં કામ કરે છે. ઊલટાનું એ જીવનની સામાન્ય પ્રવૃત્તિઓ દ્વારા પોતાની જાતને વ્યક્ત કરે છે. આ રીતે તે આર્થિક, સામાજિક અને રાજકીય ક્ષેત્રોને અસર પહોંચાડે છે. (યંગ ઈન્ડિયા, મે ૨૮, ૧૯૩૧, પૃ. ૧૨૬)
માનવબંધુઓને મદદરૂપ થવાની સેવાભાવનાથી ભારોભાર ભરેલી ભારતીય સંસ્કૃતિ પ્રાચીન કાળથી, બેનમૂન છે. બધી જ પ્રવૃત્તિઓની પાછળ અસ્તિત્વમાં રહેલી આધ્યાત્મિક એકતાનું સત્ય રહેલું હોય છે. અને સાથે એક સમાજશાસ્ત્રીય સત્ય પણ રહેલું છે કે સમાજમાં માણસોને એક સાથે જકડી રાખવાનું કામ સતત આપ-લે કર્યા કરવાની પ્રવૃત્તિ અને ત્યાગનાં નાનાં મોટાં કાર્યો સિવાય શક્ય નથી. ગીતામાં આપણનેે એક શ્લોક જોવા મળે છે : ‘પ્રજાપતિ બ્રહ્માએ કલ્પની શરૂઆતમાં સૃષ્ટિના આરંભમાં યજ્ઞસહિત પ્રજાઓનું સર્જન કરીને તેમને કહ્યું કે તમે આ યજ્ઞ દ્વારા વૃદ્ધિ પામો અને આ યજ્ઞ તમને બધાને ઇચ્છિત ભોગો આપનાર થાઓ. (ગીતા ૩.૧૦) આ યજ્ઞો તેમને ઇચ્છિત બધા પદાર્થો આપનારી કામદુધા ગાય બની રહેનારો હતો. દેખીતું છે કે યજ્ઞ એટલે ગમે તે સામાજિક, રાષ્ટ્રીય અથવા વૈયક્તિક પ્રવૃત્તિ જેને તે વ્યક્તિ સમર્પિત થયેલી હોય.
વિચિત્ર લાગે તેવું એ છે કે જ્યારે આયોજિત ગ્રામ વિકાસ કાર્યક્રમ સ્વતંત્ર ભારતમાં પહેલી વખત દાખલ કરવામાં આવ્યો ત્યારે દેશની પોતાની પરંપરા અને સંસ્કૃતિ તથા દેશના પોતાના ગ્રામ પુન: રચનાના ક્ષેત્રના અનુભવને ગંભીર રીતે ધ્યાનમાં લેવામાં આવ્યાં ન હતાં. આ વિકાસના કામમાં જોડાયેલા સામાન્ય સભ્યોમાં મોટા પાયે માન્યતા પ્રવર્તેલી હતી ગ્રામ પુન: રચના પ્રત્યેનો અભિગમ જે વિકાસ કોમ્યુનિટી ડેવલમેન્ટ કાર્યક્રમ લાવવાનો હતો, તે આ દેશને માટે જાણીતો ન હતો.
સામાજિક વિકાસ (કોમ્યુનિટી ડેવલપ્મેન્ટ)ની ફિલસૂફી સ્વાવલંબન, આયોજિત સામાજિક પરિવર્તન અને વ્યવસ્થિત રીતે ગ્રામીણ સમસ્યાઓને સમજવાની; આ બધું વિકસતાં જતાં વિજ્ઞાન અને યંત્રશાસ્ત્રના જ્ઞાન પર અવલંબતું હતું. એવો દાવો કરવામાં આવતો હતો કે આ કંઈક નવું છે. પરંતુ આપણે ગ્રામીણ ઉત્થાનના કાર્યક્રમના પ્રયોગોનું કાળજીપૂર્વક અધ્યયન કરીએ તો સમાજ વિકાસની પૂર્વેના યુગમાં આપણા દેશમાં થયેલાં ગ્રામીણ ઉત્થાનના કાર્યક્રમના પ્રયોગો જે અત્રતત્ર કરવામાં આવ્યા હતા તેનું અધ્યયન કરીએ તો દેખાઈ આવશે કે આવી ધારણાઓ ભૂલ ભરેલી છે.
સ્વામી વિવેકાનંદનો વ્યવહારુ અભિગમ
યુગનાયક સ્વામી વિવેકાનંદે ભારતીય જીવનની આધ્યાત્મિક અને બિન-સાંપ્રદાયિક ગૂંચવાડા ભરેલી સમસ્યાઓ પર પ્રકાશ પાડ્યો છે. પરંતુ સ્વામીજી પોતે અર્થશાસ્ત્રી ન હોવાથી પોતાની પાછળ દેશની આર્થિક સમસ્યાઓ ઉપર કોઈ વ્યવસ્થિત વિચારધારા છોડી ગયા નથી. દેશના આર્થિક પુનર્નિર્માણ માટે કોઈ વિગતવાર મુસદ્દો તૈયાર કરવાનો તેમને અવસર જ મળ્યો ન હતો. આનું કારણ તરત જ જોઈ શકાય તેવું છે. તેમને ખાતરી હતી કે જો એક વખત ભારતનો આધ્યાત્મિક આત્મા જાગી ઊઠશે તો બીજાં બધાં પરિવર્તનો સહેલાઈથી કરી શકાશે. આથી જો કે તેમણે કાંઈ વિગતો તૈયાર ન કરી, પણ એવી સાબિતી મળી રહે છે કે તેમણે ઈહલોકની સમસ્યાઓ વિશે ઊંડી વિચારણા કરી હતી. પરિણામો સોનાની લગડી જેવાં છે. જો તેમનો કાળજીપૂર્વક નિચોડ કાઢવામાં આવે તો ગ્રામ વિકાસ વિશેના તેમના અમૂલ્ય વિચારો મળી રહે.
સ્વામીજીના ગુરુ શ્રીરામકૃષ્ણ વારંવાર કહેતા કે કોઈ માણસ ખાલી પેટે ધર્મનું આચરણ કરી શકે નહિ. ઘણીવાર જ્યારે શ્રીરામકૃષ્ણ ગરીબી અને યાતના જોતા ત્યારે તેઓ હચમચી ઊઠતા અને તેમની આંખોમાં આંસુ ઊભરાઈ આવતાં અને દાન આપવા માટે સક્રિય બની ઊઠતા હતા. એક વખત જ્યારે તેઓ વૈદ્યનાથની (દેવઘર) યાત્રા કરી રહ્યા હતા ત્યારે ત્યાંના સાંથાલોમાં જે દુકાળ અને ભૂખમરાની કરુણ સ્થિતિ પ્રવર્તતી હતી તેને જોઈને તેઓ ઊકળી ઊઠ્યા હતા. તેમણે મથુરબાબુને કહ્યું કે જ્યાં સુધી તમે આ લોકોને ખોરાક અને કપડાં આપવાની જવાબદારી માથે ન લો ત્યાં સુધી હું તેમને આ કરુણ સ્થિતિમાં છોડીને એક ડગલું પણ આગળ નહિ ચાલું. અને તેમની સાથે યાતના સહન કરતાં કરતાં મરી જઈશ. બીજા એક પ્રસંગે તેઓ મથુરાનાથની જમીનદારીના એક ભાગ કાલીઘાટની મુલાકાતે ગયા હતા. ત્યાં તેઓ ભૂખે મરતા લોકોના એક ટોળા પાસે આવી ચડ્યા. તેમની આંખમાં આંસુ ધસી આવ્યાં, આનાકાની કરી રહેલા મથુરાનાથને તેમણે આ ૭૦૦ માણસોને એક અઠવાડિયા સુધી દરરોજ જમાડવા, અને કપડાનો એક ટુકડો આપવા અને દરેકને ચાર આના આપવા સમજાવ્યા.
શ્રીરામકૃષ્ણનું કહેવું મથુરબાબુને માનવું પડ્યું. તેમણે કહ્યું કે તમે મોટા જમીનદાર, સંપત્તિના ટ્રસ્ટી છો, તેનાથી વધુ કશું નહિ, સાચી માલિકી તો શ્રીશ્રીમાની છે. અને તેથી તમને માએ સોંપેલી ફરજ બજાવવી જોઈએ. ગાંધીજીએ પોતાનો ટ્રસ્ટીશિપનો સિદ્ધાંત રજૂ કર્યો તેની દશકાઓ પહેલાં ઉચ્ચારી દીધો હતો.
પોતાના ગુરુના ઉપદેશ અને આચરણ સાથે પોતાનો સૂર મિલાવતાં સ્વામી વિવેકાનંદે રાષ્ટ્રબાંધવોને હાકલ કરી : ‘જે દેશના લોકોના મનમાં ભોગોની કામનાઓ જરા પણ સંતુષ્ટ ન થતી હોય, ત્યાં વૈરાગ્ય ક્યાંથી આવી શકે? આને માટે સૌથી પહેલાં સાધનો ને યુક્તિઓ શોધી કાઢો, જેથી લોકોને પૂરું ખાવાનું મળે અને તેઓ જરાક જીવનનો આનંદ માણી શકે એમને પૂરતાં એશઆરામ મળી રહે; અને પછી ક્રમશ: વૈરાગ્ય આવી રહેશે; અને તેઓ જીવનમાં ધર્મનો સાક્ષાત્કાર કરવા માટે લાયક અને તત્પર બની જશે. સાચું કહીએ તો સ્વામીજી ભલામણ કરતા કે દેશમાં થોડાંક એશઆરામ પણ હોવાં જોઈએ કે જેથી બધાને પૂરતા વ્યવસાયો મળી રહે. સ્વામીજીનું હૃદય ગરીબ, દુ:ખી અને દલિત ગ્રામજનો માટે વ્યથા અનુભવતું હતું. સાધુઓ અને ભક્તોને ગામડાના ગરીબ લોકો ખાતર સમર્પિત થવા માટે પ્રેરણા મળતી હતી. તેઓની કેટલીક આકર્ષક વાતો આપણે અહીં રજૂ કરીશું.
૧૮૯૪માં સ્વામીજીના એક ગુરુબંધુ સ્વામી અખંડાનંદ રાજસ્થાનમાં ગામડે ગામડે ફરી રહ્યા હતા. ત્યાં તેમને ધનિક સરદારો અને ગરીબ ગણોતિયાઓની સ્થિતિનો સીધો પરિચય થતો હતો. તેમણે અત્યંત ગરીબ ગણોતિયાઓની યાતનાઓનું શમન કરવા માટે માર્ગો વિચારવા લાગ્યા. ગરીબ અને નિ:સહાય લોકોની સેવા કરવા માટેની ઇચ્છાથી બળબળતા હૃદયે, તેમણે અમેરિકામાં રહેલ સ્વામી વિવેકાનંદની અનુમતિ માગતો પત્ર લખ્યો. સ્વામીજીએ પ્રત્યુત્તરમાં લખ્યું: ‘ગરીબ, અજ્ઞાન, મંદબુદ્ધિ, વ્યથિતો – આ બધા તમારા દેવો બની રહો; તેમની સેવા તમારા માટે શ્રેષ્ઠ ધર્માચરણ બની રહો.’ તેમણે અખંડાનંદજીને સલાહ આપી: ‘ખેતડી ગામના દલિત લોકોની ઝૂંપડીએ જાઓ, તેમને ધર્મનો બોધ આપો અને તેમને ભૂગોળ વગેરે વિષયોનું શાબ્દિક રીતે જ્ઞાન આપો. અન્ય જગ્યાએ જવાની તકો ઝડપી લો, લોકોને સૂચન કરો, ભણાવો.’ આ રીતે પ્રેરણા મેળવીને સ્વામી અખંડાનંદે ગરીબી અને અજ્ઞાન સામે ઝૂંબેશ શરૂ કરી. તરત જ તેમને ભાન થયું કે લોકોને નક્કર શિક્ષણ આપીને જ સમસ્યઓ ઉકેલી શકાય. તેમણે શિક્ષણને સર્વોચ્ચ પ્રાધાન્ય આપવા માંડ્યું. તેમનો અભિગમ હતો બારણે બારણે ફરીને લોકોનો સંપર્ક સાધવાનો. ખેતડીના મહારાજાની સહાયથી સ્થાનિક હાઈસ્કૂલની સંખ્યામાં ૮૦માંથી ૨૫૭ સુધી પહોંચાડવામાં તેઓ સફળ રહ્યા અને શિક્ષણગણમાં પણ સુધારાવધારા કર્યા. તે પછી તેમણે ખેતડીની આસપાસનાં ગામડાંની મુલાકાતો લેવા માંડી અને ગરીબ છોકરાઓ માટે પાંચ પ્રાથમિક શાળાઓ શરૂ કરી દીધી. સાથે સાથે તેમણે પ્રેરણા આપી કે તેઓ વાર્ષિક ૫૦૦૦/- રૂપિયાનું અનુદાન પોતાના પ્રદેશને શિક્ષણના પ્રસાર માટે આપે.
સ્વામી અખંડાનંદના આ પાયાના કામની અસર રામકૃષ્ણ મુવમેન્ટના નેજા નીચે પાછળથી હાથ ધરવામાં આવેલી ગ્રામ વિકાસની બધી પ્રવૃત્તિઓ પર પડી. આવી બધી પ્રવૃત્તિઓમાં ગરીબી હટાવવાના કામને સર્વોચ્ચ પ્રાધાન્ય આપવામાં આવતું હતું. તે પછીનું સ્થાન હતું શિક્ષણનું, કેમકે સ્વામીજી માનતા હતા કે બધા માનવીય વિકાસની ચાવી શિક્ષણ છે. પાયાના આ સિદ્ધાંતોને ધ્યાનમાં રાખીને રામકૃષ્ણ મુવમેન્ટના શરૂઆતના કાર્યકરોએ ગ્રામીણ ભારતના જુદા જુદા ભાગોમાં કેટલાક સાહસિક પ્રયોગો કર્યા હતા. આ પ્રયોગોએ એ દલિત લોકોના જીવનના દરેક પાસામાં અંશત: પરિવર્તન આવે એ માટે આંતરિક પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.
Your Content Goes Here




