(ગતાંકથી ચાલું…)
આમ, આ ત્રણે વિભાવનાઓ – ક્ષમતા, અભિરુચિ તથા કાબેલિયત – એ શિક્ષણનાં જ આ ત્રણ પાસાઓ ઉપર ભાર મૂકે છે. (૧) ભણતર અથવા શીખવાની શક્યતા (૨) ભણતર-શિક્ષણનો વિકાસ અને (૩) આત્મવિકાસ અથવા તો આત્મઅધિકારત્વ.
બાળકમાં જુદી જુદી લાયકાતની સુષુપ્ત શક્યતાઓ પડેલી હોય છે, તેને લઈને તેના મનમાં એક પ્રકારનો સંઘર્ષ ઉત્પન્ન થાય છે. તેથી તેમાંથી કઈ શક્તિને વિકસાવવા પ્રયત્ન કરવો, કોને અવગણવી, કે કોના તરફ ઓછું ધ્યાન આપવું, આ પસંદગી કરવાનું તેણે શીખવું જોઈએ. વળી, જેવી તેની પસંદગી પામેલ શક્તિ ખીલવા માંડે તેવી જ, તેનાં સંવાદિત તેમજ હેતુલક્ષી વિકાસ સાધવા તેના ઉપર ચોકી પહેરો કરવો પડે.
સ્વામીજીની શિક્ષણની વ્યાખ્યામાં રહેલ ‘પૂર્ણ’ શબ્દ પણ ઘણો માર્મિક છે. આપણે એવું કહી શકીએ કે ભણતર, તાલીમ વગેરે સાથે સંકળાયેલ દરેક કાર્ય, સાધ્ય તરફની પ્રક્રિયાનાં એક ભાગરૂપ જ છે. આ અંગ્રેજી શબ્દ ‘Perfection’ નો અર્થ આપણે ‘પૂર્ણ’ એટલે કે ‘કંઈક’ પૂરું થયેલ છે એવો કરીએ છીએ. ગ્રીક શબ્દ ‘teleics’નો અર્થ પણ થાય છે – ‘પૂર્ણ’, જે કોઈ હેતુ કે સાધ્યને મેળવવાનો અર્થ સૂચિત કરે છે. આ અર્થો જોયા પછી, અંતે કોઈ એટલું તો કહી જ શકે કે શૈક્ષણિક પરિભાષામાં પૂર્ણ એટલે માનવની ઉત્તમોત્તમ ગર્ભિત ક્ષમતાને મૂર્તિમંત કરવાનું ધ્યેય.
શિક્ષણનું ધ્યેય – સર્વસાધારણ કે અંતિમ – એ ખાસ કરીને સમાજ દ્વારા પ્રસ્થાપિત થયેલ છે. તેથી સમાજે-સમાજે તે બદલાતું રહે છે. દરેક સમાજ પોતાના સમકાલીન જગત સાથે તાલ મેળવવા પ્રયત્ન કરતો હોવા છતાં, સ્થિર અને પુરાણી પરંપરાવાળો સમાજ હંમેશા સનાતન મૂલ્યોનાં ઉચ્ચ ઉદ્દેશ્યોમાં જ રસ ધરાવતો હોય છે. ભારતીય સભ્યતાનાં વિશાળ અનુભવને ધ્યાનમાં રાખી, સ્વામી વિવેકાનંદનાં ‘પૂર્ણ’ શબ્દનાં ઉપયોગને બે સ્તરે જોવાની જરૂરત છે.
(૧) તાત્ત્વિક દૃષ્ટિએ ‘પૂર્ણ’નો અર્થ એ આત્માનો પોતાનો સ્વત:પૂર્ણ સ્વભાવનો સાક્ષાત્કાર એમ કહી શકાય. વેદાંતની વિચારધારા કહે છે કે માનવી નથી પાપી તરીકે જન્મ્યો કે નથી એ સંજોગોનો ગુલામ. તેની પીડાનું કારણ છે, તેનાં મૂળ સ્વરૂપનું અજ્ઞાન. આ વિષે વિગતે સમજાવતા વિવેકાનંદે એક વખત કહેલું : ‘મોટા ભાગના લોકોની અંદર છૂપાયેલ દિવ્યતાનો પ્રકાશ ઝાંખો – અસ્પષ્ટ છે. તે જાણે કે લોખંડનાં ડબ્બામાં રહેલ દીવડા જેવું છે. ઝળહળા પ્રકાશ નહિ. ધીરે ધીરે, પવિત્રતા તથા નિ:સ્વાર્થતાથી તે ચળકાટને રોકનાર પરિબળોને – તે જ્યાં સુધી પારદર્શક ન બને ત્યાં સુધી – દૂર કરી શકીએ છીએ.
(૨) અનુભવ કે નિરીક્ષણનાં સ્તરે ‘પૂર્ણ’ની આ વિભાવનાના વિચારે, માનવે સમાજમાં રહીને સામનો કરવી પડતી વિવિધ સમસ્યાઓ સાથે ઓતપ્રોત થવું પડે; જેમ સ્વામી વિવેકાનંદે કહેલું : ‘જે શિક્ષણ સામાન્ય માનવીને જીવનમાં આવતાં સંદર્ભ સામે ટકી રહેવા માટે તૈયાર થવામાં મદદ ન કરે, જે ચારિત્ર્યની તાકાત, સેવાની ભાવના તેમજ સિંહ જેવી હિંમત ન વિકસાવી શકે – તેને કઈ રીતે સાચું શિક્ષણ કહી શકાય? જે શિક્ષણ માણસને પોતાના પગ ઉપર ઊભવા શક્તિમાન બનાવે તે જ સાચું શિક્ષણ.’ (ગ્રંથમાળા : ૭ : ૧૪૭-૧૪૮) વળી, તેમણે કહ્યું, ‘શિક્ષણે ‘જીવન-ઘડતર, માનવ-નિર્માણ, ચરિત્ર-નિર્માણ’ કરતા આદર્શોનું સિંચન કરવું જોઈએ’ (ગ્રંથમાળા : ૩ : ૩૦૨) આવા પ્રકારનાં શિક્ષણનો આદર્શ છે સંનિષ્ઠ માનવી બનાવવો – કે જે પોતાની બુદ્ધિ વિશુદ્ઘ કરતા, લાગણીઓને પરિમાર્જિત કરતા તેમજ નૈતિકતા તથા નિ:સ્વાર્થતાના મજબૂત પાયા ઉપર ઊભતા શીખ્યો છે.
પ્રાચીન ભારતીય શાસ્ત્રોમાં બે સ્તરમાં લેવાતા શિક્ષણનો ઉલ્લેખ છે.
(૧) પરાવિદ્યા (આધ્યાત્મિક મૂલ્યો) અને (૨) અપરા વિદ્યા (દુન્યવી મૂલ્યો) આવા ભાગ તો ફક્ત વ્યાવહારિક સગવડતા ખાતર છે, બાકી તો વિદ્યા એટલે કે ભણતર એ તો નિરંતર પ્રક્રિયા છે, જે માણસને અંતિમ ધ્યેય તરફ લઈ જાય છે, જે સ્વામી વિવેકાનંદના મતે ‘આત્માની પૂર્ણ સ્વતંત્રતા’ છે.
તેમણે એવું પણ નિરીક્ષણ કર્યું છે કે જો શિક્ષણથી આખી માનવજાતની, તેનાં દરેક પરિમાણમાં સેવા થવાની હોય તો, જ્ઞાન માટેની ઝંખના એ આપણે જીવન પર્યંતની પ્રક્રિયા ગણાય. શ્રીરામકૃષ્ણદેવ જેવા જગપ્રસિદ્ધ વ્યક્તિએ પણ પોતાના અનુભવનાં નિચોડરૂપે કહ્યું છે કે, ‘જ્યાં સુધી હું જીવીશ, ત્યાં સુધી હું શીખતો રહીશ.’ અનુભવનાં સ્તરે, આજનો, જ્ઞાનનો આ વિસ્ફોટ લોકોને આજીવન પ્રવૃત્તિમય રાખી શકે છે. તેથી શિક્ષણ એ એક નિરંતર અને જીવંત પર્યંતની પ્રક્રિયા ગણાવી જોઈએ.
અત્યાર સુધી આપણે વિવેકાનંદનાં શિક્ષણ ઉપરનાં વિચારની ચર્ચા કરી, જે ફક્ત તેમની શિક્ષણની વ્યાખ્યાનું સીધું-સાદું વિશ્લેષણ થયું કહેવાય. પરંતુ તેનાંથી કેટલાંક સંબંધિત મુદ્દા ઉપરનાં તેમના વિચારોને ન્યાય મળ્યો નથી, જેવાં કે શિક્ષણ અને સમાજ વચ્ચેનો, શિક્ષણ અને શિક્ષક વચ્ચેનો, શિક્ષણથી સિદ્ધ કરવાનાં થતાં ઉદ્દેશ્યો અને ખરેખર પ્રાપ્ત કરેલ ઉદ્દેશ વચ્ચેનો સંબંધ, વગેરે વગેરે. તેથી એ તો સ્પષ્ટ જ છે કે આપણી આ વ્યાખ્યામાં વિવેકાનંદની સામાજિક ન્યાય માટેની ઊંડી ચિંતાનું પ્રતિબિંબ હજુ ઝીલાયું નથી.
તે માટે, આપણે ભારતની તે સમયની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ‘અભિવ્યક્તિ’ અને ‘માણસમાં જે અંતર્નિહિત છે’ આ બંને શબ્દોના ઉપયોગમાં ઊંડા ઉતરવું પડશે.
‘અભિવ્યક્તિ’ શબ્દની સ્પષ્ટ સમજણ મળે તે માટે સ્વામીજી પતંજલિના યોગસૂત્રોમાંથી (૪.૩) એક સૂત્રના થોડા અંશનો ઉપયોગ કરે છે – ततः क्षेत्रीकवत् અર્થાત્, તેથી અડચણો પડે છે – એટલે કે, જેવી રીતે એક ખેડૂત પોતાના ખેતરમાં સિંચાઈ માટે લવાતા પાણીનાં ધોધને રોકનાર અડચણને જેવા દૂર કરે છે તેવું જ પાણી પોતાના જ વેગથી વહેવા માંડે છે, તેવી જ રીતે, શિક્ષણની એવી પદ્ધતિ દ્વારા કે શિક્ષકો દ્વારા યોગ્ય સમયે જો વ્યક્તિમાં કોઈ આંતરિક કે બાહ્ય અડચણો હોય તો તેને દૂર કરતાંવેંત તેની અંદર પડેલ – અંતર્નિહિત શક્તિઓ સ્વત: સ્ફૂરિત થઈને અભિવ્યક્તિ પામશે. આવા અડચણો વિવિધ પ્રકારનાં છે. બાહ્ય પરિબળો આવા હોઈ શકે – શૈક્ષણિક સંસાધનો તેમ જ તકોની અયોગ્ય વહેંચણી, આર્થિક વિકાસમાં અસમાનતા અને સામાજિક – રાજકીય અસ્થિરતા; જ્યારે આંતરિક અડચણરૂપ બનતા પરિબળોને શૈક્ષણિક પદ્ધતિના નૈતિક તેમજ ભૌતિક બળો સાથે લેવા દેવા છે, જેમકે શિક્ષક/ વિદ્યાર્થીનો સંબંધ, વિદ્યાર્થીની પોતાની અંગત નિર્ણયો લેવાની ક્ષમતા કે પરિવર્તનોમાં બંધબેસતું થવું તેમ જ વિદ્યાર્થીનું માનસિક તથા શારીરિક સામર્થ્ય.
આ અડચણોને દૂર કરવા શિક્ષણ પદ્ધતિએ બે પ્રકારની જવાબદારીઓ લેવી પડે. (૧) તેણે વિદ્યાર્થીને સક્ષમ તેમજ ચપળ માનસિક ઘડતર કરવામાં મદદ કરવી જોઈએ કે જેથી તે ખુદ પોતાનાં જીવનના પડકારોને ઝીલી શકવા શક્તિશાળી બને, (૨) તેણે વિદ્યાર્થીને એ રીતે તાલીમબદ્ધ કરવા જોઈએ કે જેનાથી ભાવિ પેઢી કે સમાજમાં સમસ્યાઓનો વધારો ન થતા, તેને દૂર કરવાના પ્રયત્ન કરી શકે. સાથોસાથ, શિક્ષકો તેમજ શિક્ષણ-પદ્ધતિનાં ઘડવૈયાઓએ હંમેશા વેદાંતના એ વિચારને મનમાં રાખવા જોઈએ કે મન ભલે ગમે તે, સારી કે ખરાબ છાપ પોતાના ઉપર લે, પરંતુ માનવી પોતે આંતરિક રીતે તો દિવ્ય તેમજ પવિત્ર છે, તેમજ શક્તિનો-શક્યતાઓનો પુષ્કળ સ્રોત તેનામાં પડેલો છે.
વિવેકાનંદના મતે, વ્યક્તિના સમાજ સાથેના આદાન-પ્રદાન સાથે સંબંધિત શૈક્ષણિક ચિંતા તરફ યોગ્ય ધ્યાન અપાવું જોઈએ. સમાજનો ઉદ્દેશ્ય છે દરેક માણસને પોત-પોતાની સુખાકારી સાધવા મદદ કરવી. વાસ્તવિક રીતે તો, માણસો એવા સમાજના સકંજામાં સપડાઈ ગયા છે કે જે સમાજ તેમનાં શૈક્ષણિક વિકાસ માટે જરૂરી સ્વતંત્રતા ઉપર જાપ્તો રાખે છે. વિવેકાનંદના મતે આદર્શ સમાજે તો દરેકે દરેક નાગરિકને તે પોતાની આંતરિક ક્ષમતાનો મહત્તમ રીતે વિકાસ કરી શકે તે માટેનાં સંસાધનો તથા તકો પૂરી પાડવી જોઈએ. શિક્ષણે તો આખા સમાજને આવરી લેવાનો છે, જેમાં એવા લોકો પણ છે કે જે એક યા બીજા કારણસર, પ્રવર્તમાન સગવડોનો પોતાની રીતે ઉપયોગ કરવા સક્ષમ નથી; તો તેમનાં તરફ વધુ કાળજીથી ધ્યાન અપાવું જોઈએ.
મનની તાલીમ
વિવેકાનંદ તેમના સમકાલીન વિચારકો સાથે સહમત થાય છે કે મન કે જે શીખવાનું મુખ્ય સાધન છે તેના તરફ પહેલા નહોતું અપાયું એવું તાલીમ ધ્યાન અપાવવું જરૂરી છે. મનની તાલીમ એ વિદ્યાર્થીઓની સૌથી પહેલી અગત્યતા હોવી જોઈએ, અને તે પણ ફક્ત હકીકતોને એકઠી કરવી, યાદ કરવી કે પુનરાવર્તિત કરવી તેટલું જ નહિ. જો આપણું મન તંદુરસ્ત, તાજગીભર્યું તેમજ બળવાન નહિ હોય, તો પછી આપણા મનને માહિતી, ટેકનીકલ આવડતો તેમજ બિનજરૂરી મામૂલી વસ્તુ કે વિચારથી ભરી દેવાથી તો લાંબા ગાળે તે સમસ્યાઓ જ ખડી કરી દે છે. આમ છતાં, આજના શિક્ષણમાં મનને તેના દરેક પાસામાં તાલીમબદ્ધ કરવા તરફ સ્હેજે ધ્યાન અપાયું જ નથી.
સ્વામીજીની યોજનામાં મનને એકાગ્ર કરતા શીખવું એ કેન્દ્રસ્થાને છે. તેમણે કહેલું : ‘મારા માટે શિક્ષણની મૂળભૂત લાક્ષણિકતા છે મનની એકાગ્રતા, નહિ કે ફક્ત માહિતી એકત્રિત કરવી.’ (ગ્રંથમાળા – ૬.૩૮) કંઈપણ કરતી વખતે – જેમકે વિચારવું કે હાથથી કાર્ય કરતી વખતે – જેટલી વધુ એકાગ્રતા તેટલું ઉત્તમ પરિણામ મળશે. અને ધીરે ધીરે જે કાર્ય કરીએ છીએ તેના ઉપર મનને એકત્રિત કરવાની શક્તિ પણ સુધરશે. કોઈ એક ચોક્કસ વિષય ઉપર મનને કેન્દ્રિત કરવાની તાલીમ માટે ઘણા સોપાન છે, સૌથી પ્રાથમિક જરૂરિયાતએ છે કે મનને અહીં-તહીં ભટકવા ન દઈ એક જગ્યાએ કેન્દ્રિત કરતા શીખવું. વિદ્યાર્થી પોતાના મનને વધુ એકાગ્ર તેમજ સાવચેત બનવાની તાલીમ આપે.
બીજું, વિદ્યાર્થીએ પોતાના પ્રયત્નો છતાં, મનને બીજી બાજુ ખેંચી જતા પરિબળોમાંથી તેને અળગું કરતા શીખવું પડશે. પછી તેની સાથોસાથ, પોતાના ઇચ્છિત વિષય તરફ મનને દોરી, ત્યાં પોતાના પૂરા બળથી પૂર્ણ રીતે કેન્દ્રિત કરવું પડશે. દાખલા તરીકે, એક બહિર્ગોળ કાચ, કાગળના એક ટુકડાને બાળવા જે રીતે સૂર્યપ્રકાશને એકત્રિત કરી એક બિંદુ પર કેન્દ્રિત કરે છે, તે રીતે મન જ્યારે એકાગ્ર બને છે ત્યારે તે પુષ્કળ શક્તિ મેળવી, જે વિષય-બિંદુ પર તેને કેન્દ્રિત કરે છે, તેનાં સઘળા રહસ્યો ઉદ્ઘાટિત કરવા સક્ષમ બની જાય છે.
આ જ રીતે સ્વામીજી ઇચ્છતા કે વિદ્યાર્થીઓ પોતાની ઇચ્છાશક્તિને પણ કેળવે. તેમના મતે ઇચ્છા શક્તિનો વિકાસ એટલે ‘ઇચ્છાના પ્રવાહ અને અભિવ્યક્તિને અંકુશમાં લઈ પરિણામદાયી બનવું’ (ગ્રંથમાળા – ૪ : ૪૯૦) ઇચ્છાશક્તિની જરૂરિયાત ફક્ત શીખવાની પદ્ધતિના સંચાલન માટે જ નહિ પરંતુ ચરિત્રને બળવાન બનાવવા પણ છે.
સંસ્કૃતિ અને શિક્ષણ – શિક્ષક અને વિદ્યાર્થી
દરેક સમાજને પોતાનું બાહ્ય પાસું છે જે ‘સભ્યતા’ કહેવાય અને તેનું આંતરિક પાસું કહેવાય છે ‘સંસ્કૃતિ’. આ બંને પાસામાં બાળકને શિક્ષિત તેમજ આકારિત કરવામાં આવે છે; જેથી કરીને તે પોતાના પૂર્વજોની માન્યતાઓ તેમજ પરંપરાને ભૂલી ન જતાં, આગળ ધપાવે. સ્વામીજીએ પણ કહ્યું છે : ‘એ સંસ્કૃતિ છે, જે આઘાતને ઝીલવા સક્ષમ બનાવે છે, નહિ કે જ્ઞાનનો ઢગલો… સભ્યતાની જેમ ભૌતિક જ્ઞાન ફક્ત પોપડારૂપે છે (ચામડીના ઉપરનાં સ્તરે છે) જેને નાનો સરખો ઉઝરડો પણ જંગલિયતમાં ફેરવી શકે. (ગ્રંથમાળા : ૩ – ૨૯૧)
સમાજ પોતાના ભણતર તેમજ સંસ્કૃતિમાં ઉમેરો કરતો રહે છે. ટી.એસ. ઈલીયેટ જેવા બુદ્ધિજીવીનાં મતે શિક્ષણ એટલે ફક્ત સંસ્કૃતિની અભિવ્યક્તિ. તેમણે કહ્યું : ‘એવું લાગે છે કે શિક્ષણનો હેતુ સંસ્કૃતિને આગળ પ્રસારિત કરવાનો છે, તેથી શિક્ષણથી તેનું પ્રસારણ સારી રીતે થાય છે.’
તે જ રીતે વિવેકાનંદે જોયેલું કે શિક્ષણથી બાળક સંસ્કૃતિ શીખે છે અને તે મુજબ તે પોતાનું વર્તન ઘડે છે, અને આમ તે સમાજમાં પોતાનો મહત્ત્વનો ભાગ ભજવવા તૈયાર થાય છે. આ પ્રક્રિયામાં કેટલાંય કાર્યકરો કે પ્રતિનિધિઓ તેને મદદરૂપ થાય છે, જેવા કે – તેના માતા-પિતા, દોસ્તો તેમજ શિક્ષકો, પરંતુ આજે જ્યારે ઔપચારિક શિક્ષણ વધુ ને વધુ સંસ્થાકીય બની ગયું છે, ત્યારે શિક્ષકો વધુ માર્મિક ભાગ ભજવે તેવી આકાંક્ષા અસ્થાને નથી. શિક્ષકે વિદ્યાર્થીને આટલું શીખવા મદદ કરવી અત્યંત જરૂરી છે – કઈ રીતે વિચારવું, શું વિચારવું, કઈ રીતે સારા-નરસાનો વિવેક કેળવવો તેમજ કઈ ચીજની પ્રશંસા કરવી. આ કંઈ ફક્ત બૌદ્ધિક પ્રપંચ કે કુશળતાની જ બાબત નથી. આ પ્રકારના શિક્ષણ માટે નૈતિક ધારણા તેમ જ હિંમતની જરૂર પડે છે કે જેથી કરીને જે તે વિદ્યાર્થી પોતાનું જીવન કોઈપણ ભોગે સારી રીતે ઘડી શકે. શિક્ષક પાસે ફક્ત વિદ્યાર્થીને આપવા પૂરતું જ્ઞાન હોવું જ જરૂરી નથી, પરંતુ તેને કઈ રીતે આપવું તે જાણવું પણ એટલું મહત્ત્વનું છે. અને શિક્ષણની સામગ્રી ઉપરાંત, તેને વધુ અસરકારક બનાવવા તેની પાસે બીજા પણ કેટલાંક તત્ત્વો હોવા જરૂરી છે. જેમ કે, શિક્ષકે વિદ્યાર્થી સાથે, પોતે બંનેમાં એક જ આત્મા વિરાજમાન છે તેની ધારણા કેળવવા વિષે વાત કરવી જોઈએ અને સાથે સાથે વિદ્યાર્થીમાં આદર તેમજ આત્મ-સન્માનની ભાવનાની ખિલવણી કરવી જોઈએ. જેમ વિવેકાનંદે કહ્યું છે, ‘એ જ સાચો શિક્ષક છે, જે તરત જ વિદ્યાર્થીના સ્તરે આવી જઈ, પોતાનો આત્મા જાણે કે વિદ્યાર્થીના આત્મામાં રૂપાંતરિત કરી, તેની જ આંખો વડે જુએ, તેનાં જ કાનોથી સાંભળે તેમજ તેના જ મનથી સમજે. આવો શિક્ષક જ ખરેખર ભણાવી શકે, બીજા નહિ.’ (ગ્રંથમાળા – ૪ : ૧૮૩) આવા યોગ્ય વાતાવરણમાં જ ‘અજ્ઞાનનો પડદો હટાવવાની પદ્ધતિ’ સરળતાથી પાર પડી શકે. (ગ્રંથમાળા : ૧-૨૮)
વિદ્યાર્થીની બાજુએ જોઈએ તો – પોતાની આંતરિક તાકાત અને જ્ઞાનની અભિવ્યક્તિને સુલભ બનાવવા માટે તેણે શ્રદ્ધાનું તત્ત્વ કેળવવું જોઈએ, અર્થાત્ પોતાની જાત ઉપર શ્રદ્ધા, નમ્ર્રતા, શિક્ષક પ્રત્યે આદર તથા શરણાગતિ, ભણવા માટેનાં યોગ્ય વાતાવરણનાં સર્જનમાં પણ આ અત્યંત જરૂરી છે. તૈતરીય ઉપનિષદ આદેશ આપે છે : ‘આચાર્ય દેવો ભવ’ – શિક્ષક (ગુરુ)ને તમારા દેવ ગણો. પારસ્પરિક આદર તથા વિશ્વાસ ઉપર આધારિત આ શિક્ષક-વિદ્યાર્થી સંબંધ એ વિવેકાનંદની શિક્ષણ-યોજનાને સફળ બનાવવા માટે પાયાના પથ્થર સમાન છે. ઉપનિષદોએ પણ આવી જ હિમાયત કરી છે. વિદ્યાભ્યાસ શરૂ કરતા પહેલા, વિદ્યાર્થી અને શિક્ષક સાથે મળીને પ્રાર્થના કરતા, જેનાથી એક-બીજાનું હિત જળવાતું તેમજ શીખવું – શીખવવાની પ્રક્રિયા પ્રબળ (બળવત્તર) બનતી.
ચારિત્ર્ય – શિક્ષણ અને સાર્વત્રિક મૂલ્યો
વિવેકાનંદના ગુરુ, શ્રીરામકૃષ્ણદેવ કહેતા કે ‘માનુષે માન-હું બનવું જરૂરી છે’ – એટલે કે માણસે સાચા માણસ બનવું જોઈએ. તેઓ કહેતા, ‘તે જ ફક્ત માણસ છે, જેની આધ્યાત્મિક ચેતનાનું જાગરણ થયેલ છે.’ (કથામૃત) પોતાના ગુરુને અનુસરતા વિવેકાનંદ પણ ભારપૂર્વક કહે છે, ‘શિક્ષણનો મૂળભૂત આદર્શ કે તાલીમ જ ‘માનવ-નિર્માણ’ છે.’ અત્યારની પ્રચલિત શિક્ષણ પદ્ધતિ તરફ પોતાની વ્યથા ઠાલવતા તેઓ કહે છે: ‘પરંતુ આના બદલે બાહ્ય આવરણને ચકચકિત કરવાના પ્રયત્નોમાં જ મથ્યા રહીએ છીએ. જ્યારે અંદરનું ખાલીખમ છે, ત્યારે બાહ્યને ચળકાવવાનો શો ઉપયોગ?’.. બધી જ તાલીમનો એકમાત્ર ઉદ્દેશ છે માનવનાં મનુષ્યત્વનો વિકાસ સાધવો.’ (ગ્રંથમાળા, ૨-૧૫)
માણસનો પોતા તરફનો મર્યાદિત અભિગમ કે જેના પાયા પર આ પ્રવર્તમાન પ્રણાલિ રચાઈ છે, તે જ તેની મુખ્ય ખામી છે અને તે પુન: વિચારણા માંગી લે છે. માણસ એ ફક્ત શરીર-મનનું બંધારણ જ નથી. તેનાથી તે ‘કંઈક’ વધુ છે. વેદાંત-વિચાર પ્રમાણે માણસ પંચકોષોનો બનેલો છે – શારીરિક, પ્રાણિક, માનસિક, બૌદ્ધિક તેમજ આનંદમય કોષ. આજનું શિક્ષણ વધુમાં વધુ પહેલા ચાર સ્તરને જ સ્પર્શે છે, અંતિમને નહિ. દુન્યવી જ્ઞાન, કુશળતા તેમજ નૈતિક મૂલ્યો પહેલા ચાર કોષોની સંભાળ લઈ શકે, પરંતુ પાંચમા માટે તો આધ્યાત્મિક જ્ઞાનની જ અગત્યતા છે. વધુમાં, એ પણ જાણવું જરૂરી છે કે પાંચમા સ્તરની અંદર પરમાનંદ, સાચા જ્ઞાન તથા બળનો ભંડાર ભર્યો છે, અને બાકીના ચાર કોષો આ પાંચમામાંથી જ ઉદ્દીપના પામે છે.
એમાં કોઈ શંકા નથી કે આજનું શિક્ષણ મનની તેનાં બધાં જ પરિમાણોમાં અપાતી તાલીમની ઉપેક્ષા કરે છે. પરંતુ તે માણસના આધ્યાત્મિક પાસાને પણ અવગણે છે. જીવનની ઉચ્ચ પ્રવૃત્તિ કે ધ્યેય તરફ માણસના મન દોરવાયેલ ન હોવાથી, તેમનાં અંતરમાં છૂપાયેલી શક્તિઓનું પ્રગટીકરણ થતું નથી. જ્યારે ડહાપણ, શાંતિ, શક્તિ-સામર્થ્ય, નિ:સ્વાર્થતા, બીજા માટેની પ્રેમાળ કાળજી અને આવા બીજા ગુણોનો વિકાસ થાય ત્યારે જ વ્યક્તિનું વિષયાસક્ત માણસમાંથી, સાચા માણસમાં રૂપાંતરણ થયું કહેવાય.
Your Content Goes Here




