ડહાપણ વિનાના જ્ઞાનનો મહાકાય વિસ્ફોટ તથા વિવેકવિહીન પુષ્કળ શક્તિ એ આજના શિક્ષણનાં ભયસ્થાનો છે. એ એક ગંભીર બાબત છે કે માનવજાતની ક્ષિતિજમાં આ સમસ્યાઓ પોતાનો ઓળો પાથરી રહી છે. વિવેકાનંદે નિરીક્ષણ કરેલું : ‘બુદ્ધિ સુશિક્ષિત થવાને પરિણામે પુષ્કળ પ્રમાણમાં વૈજ્ઞાનિક શોધખોળ થઈ રહી છે, જેનાથી ઘણા ગુલામોની સંખ્યા ઘટીને થોડાં ગુલામો રહ્યા છે, બસ આટલું જ સારું થયું છે. કૃત્રિમ ઇચ્છાઓ ઉદ્‌ભવી છે અને દરેક ગરીબ માણસ, ભલે તેની પાસે પૈસા હોય કે ન હોય, પોતાની ઇચ્છાઓ સંતોષવાની ઇચ્છા રાખે છે અને જ્યારે તેમ બનતું નથી, ત્યારે તે સંઘર્ષ કરતા કરતા, તેમાં જ મૃત્યુ પામે છે. (ગ્રંથમાળા : ૧-૪૧૪)

આવા અવ્યવસ્થિત વિકાસને સુવ્યવસ્થિત કે સુનિયોજિત કરવા, વિવેકાનંદે ભારપૂર્વક ‘આધ્યાત્મિક અને નૈતિક સંસ્કૃતિ’ અપનાવવાની ભલામણ કરેલી. અને તેઓ ‘ધર્મને શિક્ષણના કેન્દ્રસ્થ હાર્દ’ તરીકે જોતા. (ગ્રંથમાળા : ૩-૧૮૨ તથા ૫-૨૩૧) પરંતુ અહીં ધર્મ એટલે કોઈ ચોક્કસ ધર્મ (સંપ્રદાય) નહિ. તેમના મતે ધર્મનો અર્થ એટલે સાચા સનાતન સિદ્ધાંતો – જે દરેક ધર્મને પ્રેરિત કરે છે તે. તે એ છે જે હૃદયને સ્પર્શે છે અને તેમાં એક એવી ગર્ભિત શક્તિ રહેલી છે, જે વ્યક્તિનાં પ્રેરકબળમાં ઇચ્છિત બદલાવ લાવી શકે છે, તે માનસિક બળ પણ આપે છે અને દૃષ્ટિબિંદુને વિશાળ બનાવે છે. નૈતિક્તાના વ્યવહારુ સૂચનોની ચર્ચા કરતા સ્વામી વિવેકાનંદે એક વખત જણાવેલ, ‘નૈતિકતાનો અર્થ શો છે? નિરપેક્ષ સાથે એકત્વ સાધી પોતાની જાતને બળવાન બનાવવાની છે કે જેથી સાંત (મર્યાદિત) પ્રકૃતિને આપણા પર કબ્જો જમાવતા અટકાવી શકાય.’ (ગ્રંથમાળા : ૨-૧૩૭)

આમ, યોગ્ય તેમજ અસરકારક બનવા માટે, શિક્ષણનું મૂળ ધર્મમાં સમાયેલ હોવું જોઈએ – અથવા ટૂંકમાં કહીએ તો આધ્યાત્મિકતાનાં વિજ્ઞાનમાં હોવું જોઈએ, નહિ કે ફક્ત માન્યતા કે મતાગ્રહમાં.

વિવેકાનંદની શૈક્ષણિક યોજનામાં ચારિત્ર્ય-ઘડતર પાયામાં છે, તેનાથી ઉલટું આજે કારકિર્દી કેન્દ્રબિંદુમાં છે. વ્યક્તિ પોતાના વિચારોથી ઘડાય છે. આ સમજાવતા સ્વામીજી કહે છે, ‘દરેક વિચાર એ આપણા શરીરરૂપી લોખંડ પર પડતા નાના હથોડાનાં ઘા સમાન છે, જેમાંથી આપણે જે બનવું પસંદ કરીએ તે મુજબનો આપણી જાતને ઘાટ કે આકાર આપીએ છીએ.’ (ગ્રંથમાળા : ૭-૨૦) માટે આપણે જોઈ શકીએ છીએ કે સ્વામીજીના શૈક્ષણિક વિચારોનું કેન્દ્રબિંદુ માનવ-નિર્માણ અને ચારિત્ર્ય-ઘડતરનાં વિચારોને આત્મસાત કરવા ઉપર છે.

વ્યક્તિ જે કંઈપણ કરે છે, જે કંઈ વિચારે છે કે ક્રિયા કરે છે તે દરેક તેના મન ઉપર છાપ છોડી જાય છે. ભલે ને તે બાહ્ય રીતે દેખાય નહિ, પરંતુ અંદર ખાનેથી તે તીવ્રતાથી કાર્ય કરવા તત્પર જ હોય છે. વ્યક્તિનું ચારિત્ર્ય આ બધી છાપના સરવાળારૂપે નિશ્ચિત થાય છે. જ્યારે આવી છાપ ખૂબ વધુ પ્રમાણમાં એકત્રિત થાય, ત્યારે તે ટેવમાં પરિણમે છે. પછી તે એક શક્તિશાળી પ્રવાહ બની જાય છે, કેમકે ચારિત્ર્ય એટલે બીજું કંઈ નહિ પરંતુ પુનરાવર્તિત થયેલી ટેવો. તેથી જ ઇચ્છિત ટેવોના પુનરાવર્તન તેમજ કેળવણીથી વ્યક્તિના ચારિત્ર્યને ઘડી શકાય છે.

વ્યક્તિ, સારા કે નરસા, જેવા લોકો સાથે હળે-મળે છે, તેનો તેના ચારિત્ર્યના વિકાસમાં ખૂબ જ ફાળો છે. હકીકતે, ઉપદેશાત્મક શિક્ષણ કરતા આવી અસર વધુ છે. તેથી જ સ્વામી વિવેકાનંદે કહેલું, ‘છાપ અંકિત થવા માટે, વિચારો કે શબ્દોનો પ્રભાવ એકતૃત્યાંશ છે, જ્યારે વ્યક્તિનો પ્રભાવ બેતૃત્યાંશ જેટલો પડે છે.’ (ગ્રંથમાળા- ૨ : ૧૪) તેથી તેઓ એવું ઇચ્છતા કે શિક્ષકનું જીવન અને વ્યક્તિત્વ અગ્નિની ભડકતી જ્વાળા જેવું હોવું જોઈએ કે જેનાથી તેના વિદ્યાર્થીઓ ઉપર વિધેયાત્મક પ્રભાવ પડે શકે. ચારિત્ર્યના શિક્ષણ માટે, ખાસ કરીને જેઓ શિક્ષક છે તેમણે અનુકરણીય વ્યક્તિઓ તેમજ સમગ્રપણે નિયત અભ્યાસક્રમની સામગ્રીથી માહિતગાર થવું જોઈએ, જેથી કરીને યુવાનોને સાંસ્કૃતિક રીતે માન્ય મૂલ્યો શીખવી શકાય.

આજની શિક્ષણ-પ્રણાલિ, માનવજાતના સાર્વત્રિક હિતના ભોગે ફક્ત બુદ્ધિની જ કેળવણી ઉપર વધુ પડતો ભાર મૂકે છે. આ ભયાનક ઝોકને નિયંત્રિત કરવા, વિવેકાનંદે માનવીના સમગ્રપણે થતા વિકાસની ખૂબ જ ભલામણ કરેલી. પોતાના એક પ્રવચનમાં એમણે એવી ઇચ્છા વ્યક્ત કરેલી કે, ‘માણસોના બંધારણ એવી રીતે ઘડાયેલા હોય છે કે, તેમના મનમાં તત્ત્વજ્ઞાન, આધ્યાત્મિક્તા, લાગણીઓ તેમજ કાર્યના તત્ત્વો સંપૂર્ણ રીતે પડેલા જ હોય છે!! આ આદર્શ છે, સંપૂર્ણ માનવનો મારો આદર્શ.’ (ગ્રંથમાળા – ૨ : ૩૮૮)

અને સ્વામીજીને આવા સંપૂર્ણ માનવો બનાવવાની યોજનાવાળી શિક્ષણ-પદ્ધતિની અપેક્ષા હતી. તે જાણવું રસપ્રદ થશે કે, યુનેસ્કોનો અહેવાલ ‘લર્નીંગ ટુ બી’, ૧૯૭૨માં પ્રકાશિત થયો, જેમાં શિક્ષણનો હેતુ સમજાવતો આ જ આદર્શ પડઘાયો છે. તેમાં છે, ‘શિક્ષણના મૂળગામી હેતુની વ્યાખ્યા એટલે શારીરિક, બૌદ્ધિક, ભાવનાત્મક તેમજ નૈતિક પરિબળોના એકીકરણથી સંપૂર્ણ માનવ બનવું.’

શિક્ષણ-પ્રણાલિ અને ગરીબો 

અત્યાર સુધી આપણે પ્રાથમિક દૃષ્ટિએ શિક્ષણથી સમાજને પ્રાપ્ત ફાયદાના પરિપ્રેક્ષ્યમાં શિક્ષણની ચર્ચા કરી. વિવેકાનંદ તો ગરીબો તથા નબળા, ખાસ કરીને ભારતના અસહાય લોકોના સાચા મિત્ર હતા. તેમજ તેઓ જ એક એવા ભારતીય નેતા હતા જેમણે તેમની સમસ્યાઓનો ઉકેલ શિક્ષણ દ્વારા ઉકેલવા પ્રયત્ન કર્યો. તેઓ દલીલ કરતા કે રાષ્ટ્રનો વિકાસ, તેની આમજનતાને શિક્ષણ તેમજ સંસ્કૃતિ કેટલા પ્રમાણમાં મળે છે તેના ઉપર આધારિત છે. જો સમગ્ર રાષ્ટ્રમાં રાષ્ટ્રીય લોહી એકસરખી રીતે વહેતું નહિ હોય તો રાષ્ટ્ર ક્યારેય ઊંચે ઊઠી શકશે નહિ. તેમણે ભાર મૂકેલો કે ઉપલો વર્ગ, કે જેમણે ગરીબ લોકોના ખર્ચે ને ભોગે પોતાનું શિક્ષણ મેળવ્યું છે, તેમની એ ફરજ બની રહે છે કે તે લોકો આગળ આવી શિક્ષણ અને બીજા સાધનો દ્વારા ગરીબ લોકોને ઉપર ઉઠાવે. હકીકતે, સ્વામીજીનું કાર્ય ગરીબો માટેનું જ હતું. તેમણે એક વખત કહેલું, ‘બધાં જ માટે સરખી તકો હોવી ઘટે… અને જો કેટલાંકને વધુ ને કેટલાંકને ઓછી, એવું હોય તો, બળવાન કરતાં નબળા વર્ગને વધુ તક આપવી જોઈએ.’ (પત્રો : ૨૫૫)

(આજના) સમયમાં એવો ઝોક જોવા મળે છે કે શિક્ષણની જવાબદારીઓ કુટુંબ, ધાર્મિક સંસ્થાઓ, ખાનગી સખાવતો વગેરેને બદલે સાર્વજનિક અધિકારત્વ ધરાવતી સંસ્થા, ખાસ કરીને રાજ્યસત્તાના શિરે હસ્તાંતરિત થયેલ છે. રાજ્યસ્તરે રૂપાંતરણ થયું હોવા છતાં, અત્યંત વંચિત લોકો સુધી શિક્ષણ ભાગ્યે જ પહોંચ્યું છે. તે લોકો કુપોષણ, ખરાબ અયોગ્ય કે અસ્વચ્છતા, તેમજ ગીચતામાં રહેતા હોવાથી, તેમને કમને આપવામાં આવતી તકોનો લાભ ભાગ્યે જ તે લોકો લઈ શકે છે.

સમાજની આ આમજનતા – કે જેમનાં મોટાભાગના ગરીબો છે – તેમની સાથેનું અંતર કાં તો ભણતરથી, સમૃદ્ધિથી કે પછી હથિયારની તાકાતથી છે. તેનાથી દેશની નેતાગીરી નબળી પડે છે. તેથી ભારતના ટકાઉ પુનનિર્માણ માટે, બીજું કંઈ નહિ તો, આમજનતાને શિક્ષિત કરવા અગ્રિમતા આપી, તેમને તેમની ખોવાયેલી ઓળખ ફરી આપવાની છે. તે લોકોને ફક્ત આત્મનિર્ભર બનાવવા પૂરતું જ શિક્ષણ આપવું એમ નહિ પરંતુ પોતાની ઐતિહાસિક પરિસ્થિતિની સમજ, નૈતિક તાલીમ તેમજ વિચારો પણ આપવાના છે, જેથી તે લોકો ખુદ પોતાની મુક્તિનો માર્ગ પોતાની રીતે મોકળો કરી શકે. તેથી પણ વધુ, તે લોકોને સંસ્કૃતિનું ભાન પણ કરાવવું જોઈએ, કે જેના વિના તેમના લાંબા ગાળાના વિકાસની કોઈ આશા જ નથી.

સ્વામીજી ભારતની સ્ત્રીઓની કચડાયેલી દશાથી પણ ખાસ ચિંતાતુર હતા. તેઓ નારી શિક્ષણ પર પણ ખૂબ ભાર મૂકે છે, કેમકે તેઓ માનતા કે સ્ત્રીઓ જ આવનાર પેઢીનું, અને તેના પરિણામે રાષ્ટ્રના ભાગ્યનું ઘડતર કરે છે. વિવેકાનંદની ભારત માટેની શૈક્ષણિક યોજનામાં સ્ત્રીઓ તેમજ આમજનતાની ઉન્નતિને સર્વોચ્ચ અગ્રિમતા આપવામાં આવેલ છે. તેમજ તેમના વિચારો પાઉલો ફ્રેયરના ‘અંતરાત્મા પ્રેરિત’ વિચારોને બહુ મળતા આવે છે. ૧

ઉપસંહાર

સ્વામી વિવેકાનંદના ગયા પછીના ૧૦૦ વર્ષમાં શિક્ષણના ક્ષેત્રે ઘણા ફેરફારો થયાં છે, પરંતુ જે રીતે સમાજના બીજા ક્ષેત્રોમાં થયાં છે, તેટલા પ્રમાણમાં નહિ. શિક્ષણમાં ધ્યાન ખેંચે તેવો સુધારો એ છે કે તે અત્યારે એક નવી સમાજ રચના માટે માનવને તૈયાર કરવામાં સંલગ્ન છે. ખરેખર તો, સ્વામી વિવેકાનંદે પણ એવા સમાજનું દર્શન કરેલું કે જેમાં નવીન પ્રકારનો માનવી ઉભરી આવે, જેનામાં જ્ઞાન, કર્મ, ક્રિયાશીલતા તેમજ એકાગ્રતાનો સમન્વય થયેલો હોય; અને આ સિદ્ધ કરવા માટે તેમણે નવા જ પ્રકારના શિક્ષણની દરખાસ્ત કરેલી.

ભારતના બંધારણ મુજબ દરેકને શિક્ષણનો અધિકાર આપવાની ખાતરી એ વિવેકાનંદનું સ્વપ્ન હતું જ, પરંતુ તેમ છતાં આ ઉદ્દેશ એ ઘણા દૂરનો અવાજ છે. તેમનો નિરંતર અથવા તો આજીવન શિક્ષણનો આદર્શ અત્યારે ઘણા દેશોમાં અપનાવવામાં આવેલ છે. વધુમાં, આ દેશોમાં નિરંતર શિક્ષણના સ્વીકારથી, એ સમાજનાં વંચિતો તેમજ નબળા લોકોમાં – કે જેઓ બહુ નાનપણમાં ઘણા કારણોસર પોતાનું શિક્ષણ-કાર્ય પૂરું કરી શક્યા ન હોય – તેવા લોકોમાં નવી આશાનો સંચાર થયો છે, અલબત્ત તેમાં આપણા વિચાર કે જેમાં સફળતા તેમજ નિષ્ફળતાનો સમાવેશ થયેલ છે, તે થોડા અંશે બદલાઈ ગયો છે. સ્વામી વિવેકાનંદનો કચડાયેલી આમજનતા, ખાસ કરીને, લાંબા વખતથી અવગણના પામેલી સ્ત્રીઓના ઉત્થાનના પોકારને ખૂણે-ખૂણેથી વિધાયક પ્રતિસાદ સાંપડ્યો છે, પરંતુ સમાજનું, પોતાની જરૂરિયાત સંતોષે તેનું કાપકૂપ કરેલ શિક્ષણ, નબળા લોકોની, પોતાનું ભાગ્ય ઘડતી સ્વતંત્રતાને છીનવી લે છે. જો સમગ્ર સમાજમાં ત્વરિત ફેરફારો કરવામાં નહિ આવે તો ગરીબવર્ગ ક્યારેય પોતાને ઊંચે ઉઠાવી નહિ શકે. સ્વામીજીની આ સૌથી મોટી ચિંતા હતી.

એ એક નોંધનીય બાબત છે કે એક સદી પહેલાના વિવેકાનંદના વિચારો તથા કાર્યમાં તેમજ યુનેસ્કોની આજની કાળજીમાં ઘણું સામ્ય જોવા મળે છે.

* સાર્વત્રિક મૂલ્યો તથા સહિષ્ણુતા તરફની તેમની પ્રતિબદ્ધતા, સમગ્ર માનવજાત તરફનું તેમનું સક્રિય તાદાત્મ્ય.

* ગરીબ તથા કચડાયેલા લોકોની ગરીબી દૂર કરવા તેમજ સ્ત્રીઓ તરફનું પક્ષપાતી વલણ દૂર કરવાનો સંઘર્ષ – વંચિતો તરફની પહોંચ.

* માનવીય વિકાસના મૂળભૂત સાધન તરીકેનું તેમનું શિક્ષણ, વિજ્ઞાન તેમજ સંસ્કૃતિનું દર્શન.

* શિક્ષણ એ એક નિરંતર પ્રક્રિયા હોવી જોઈએ, તેવું મંતવ્ય.

* અને ગોખણપટ્ટીના ભણતરથી દૂર જવાની જરૂરિયાત.

ખુદ એક દૃષ્ટા તેમજ મૌલિક વિચારક એવા વિવેકાનંદે, ૧૫મી જાન્યુઆરી ૧૮૯૭નાં રોજ એશિયામાં આપેલ પોતાના સૌ પ્રથમ જાહેર પ્રવચનમાં ઈશારો કરેલ, ‘પરંતુ શિક્ષણે તો હજુ વિશ્વમાં તથા સભ્યતામાં સ્થાન જમાવવું છે. સભ્યતા તો હજુ ક્યાંય શરૂ જ નથી થઈ.’ (ગ્રંથમાળા – ૩ : ૧૧૪). આ સાચું છે. જો આપણે સ્વામીજીએ વિચારેલ તેમ, સભ્યતાને માનવમાં ઉદ્‌ઘાટિત થતી દિવ્યતા ગણતા હોઈએ, તો હજુ સુધી કોઈપણ સમાજે વધુ પ્રગતિ કરી ન કહેવાય. તેથી જ આપણે જોઈએ છીએ કે, તંદુરસ્ત સભ્યતાના ચિહ્‌નો – જેવાં કે નમ્ર્રતા, વિવેકપણું, સહિષ્ણુતા, સહાનુભૂતિ વગેરેએ કોઈપણ સમાજમાં પ્રશંસનીય શરૂઆત કરી જ નથી, તેમ છતાં ય આપણે પુખ્ત થયા વિના ‘ગ્લોબલ વિલેજ’ – ‘સમગ્ર બ્રહ્માંડ એક ગામડું છે.’ – ના બણગાં ફૂંક્યા કરીએ છીએ. સમસ્ત વિશ્વમાં વંચિતોની મૂળભૂત જરૂરિયાતની કમી એ શિક્ષિત, વિશિષ્ટ અધિકાર ભોગવતા લોકોમાં નૈતિકતાની કમીથી ઓછી ચિંતાજનક નથી. આ પડકારને યોગ્ય રીતે ઝીલવા માટે જ વિવેકાનંદે ‘માનવ-નિર્માણ’ અને ‘ચારિત્ર્ય-ઘડતર’ના શિક્ષણને પ્રબોધેલ. આ કારણે જ, વિવેકાનંદના શિક્ષણ ઉપરના વિચારોને ગંભીરતાથી ફરી જોઈ જવાની આપણી ફરજ બની રહે છે.

નોંધ :

૮. પાઉલો ફ્રેઈટે (૧૯૨૧-૧૯૯૭) અત્યારના સમયના જાણીતા શિક્ષણવિદ્અઓમાનાં એક જે બ્રાઝિલના હતા અને તેમણે વિદ્યાર્થીના વાતાવરણ ઉપર કેન્દ્રિત શૈક્ષણિક પ્રક્રિયાવાળી શિક્ષણ પદ્ધતિનો વિકાસ કરેલ. તેમના મતે, વિદ્યાર્થી જે ઐતિહાસિક પરિસ્થિતિમાં રહે તો હોય, તેનાથી તેણે જાગ્રત રહેવું જ જોઈએ, તેમજ તેણે મેળવેલ જ્ઞાન કઈ રીતે પોતાની તેમજ પોતે રહેલ સમાજની સાથે સંબંધ ધરાવે છે તે સમજવું જોઈએ. ફ્રેરે તીક્ષ્ણ સભાનતા કેળવવા પર ભાર મૂકે છે, કે જેનાથી ફક્ત શબ્દોને વાંચતા ભળતા આવડે તેટલું જ નહિ, પરંતુ જેનાથી વ્યક્તિ સાચી વાસ્તવિકતાની સમજ કેળવી શકે. આ તીક્ષ્ણ સભાનતાની કેળવણી ફક્ત વિચારવા પર જ થોભી નથી જતી, પરંતુ તેમાં તો આ વિચાર ઉપર કરવાની થતી ક્રિયાનો પણ સમાવેશ થાય છે. વિવેકાનંદ પણ માનતા કે માણસ પોતે જ પોતાના ભાગ્યનો ઘડવૈયો છે અને યોગ્ય શિક્ષણ તેને આ મેળવવામાં મદદરૂપ થાય છે.

સંદર્ભ :

૧. ગ્રંથમાળા – ભાગ ૧ થી ૯ કોલકાતા, અદ્વૈત આશ્રમ ૧૯૮૯ (માયાવતી મેમોરિયલ આવૃત્તિ)માંથી લખાવા.

* લેટર્સ ઓફ સ્વામી વિવેકાનંદ – સ્વામી વિવેકાનંદના પત્રો ૪થી આવૃત્તિ, અદ્વૈત આશ્રમ, કોલકાતામાંથી લખાણ.

* રામકૃષ્ણ કથામૃતમાંથી.

* સ્વામી વિવેકાનંદ – દેશભક્ત – પયગંબર – એક અભ્યાસ. કોલકાતા – નવભારત પબ્લિકેશન – દત્તા. બી. ૧૯૯૩.

* સ્વામી ગંભીરાનંદ દ્વારા લિખિત યુગનાયક વિવેકાનંદ – ૩ ભાગ – ઉદ્દબોધન કાર્યાલય.

* રોમા રોલાં ૧૯૯૨ – સ્વામી વિવેકાનંદનું જીવન – અદ્વૈત આશ્રમ, કોલકાતા.

૨. સ્વામી વિવેકાનંદ વિશેના પુસ્તકો.

૩. સ્વામી વિવેકાનંદના પુસ્તકો.

૪. સ્વામી વિવેકાનંદ દ્વારા સંપાદિત તેમજ ભાવાનુવાદિત થયેલ કૃતિઓ.

Total Views: 499

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.