(ગતાંકથી ચાલુ)

પોલીસ દફતરે નોંધ

પરંતુ, અત્યાર સુધીમાં કોઈ વાર વિવિદિશાનંદ, કોઈ વાર સચ્ચિદાનંદ અને કોઈ વાર વિવેકાનંદ તરીકે પોતાની જાતને ઓળખાવતા આ ભટકતા યુવાન સંન્યાસી પર અંગ્રેજ સરકારના ગુપ્તચર ખાતાનો – સી.આઈ.ડી.નો – ડોળો ફરતો રહેતો. સુપ્રસિદ્ધ અખબાર ‘અમૃતબજાર પત્રિકા’ના તા. ૧૫-૮-૧૮૭૦ના અંકમાં જણાવ્યા પ્રમાણે, ‘૧૮૯૨માં કાઠિયાવાડ (હાલના સૌરાષ્ટ્ર)નાં રજવાડાઓમાં એ ઈસમ ભટકતો હતો,” માટે શંકાસ્પદ હતો. ૧૮૫૭ના નિષ્ફળ બળવા પછી, નાના સાહેબ પેશ્વા અને તે બળવાના બીજા કેટલાક નેતાઓને અંગ્રેજ સરકાર પકડી લે તે પહેલાં તેઓ સાધુ બની દેશના વિવિધ ભાગોમાં, અને ખાસ કરીને દેશી રજવાડાંઓના મુલકમાં ગાયબ થઈ ગયા હતા એ વાત સરકાર બહાદુર જાણતી હતી. અને નાનાસાહેબ તો સૌરાષ્ટ્રમાં જ ક્યાંક હતા એવો જબરો વહેમ અંગ્રેજ સરકારને હતો. સંન્યાસી બનેલા પુરાણી પેઢીના એ બંડખોર અને ‘ત્રીંશ કોટિ કંઠ લકલ નિનાદ કરાલે’ બોલતા, નવી પેઢીના ને ભણેલા ગણેલા આ સંન્યાસી મળે, મળીને સરકાર વિરુદ્ધ કંઈ કાવતરું કરે, બધાં દેશી રજવાડાંઓ તેમાં ભળે અને દેશમાં ફરી વિસ્ફોટ થાય તો…? એ ગોરી સરકાર લોકોના ધર્મ પ્રત્યે તદ્દન નિરપેક્ષ હતી પણ, આ ભટકતો યુવાન સંન્યાસી રાજારજવાડાઓમાં ફરતો હતો, તેમને સુધરવાનું કહેતો હતો, તેમના દિવાનોને મળતો હતો અને રાજકારણની વાતો કરતો હતો. સરકારની દૃષ્ટિએ આ બાબત દુર્લક્ષ કરવા જેવી ન હતી. હવે એ સંન્યાસી અમેરિકા જવા ચાહતો હતો. જવા દો. આવા ચળવળિયા આઘા જ સારા.

પ્રયાણ:

અને ખેતડીના મહારાજાની તથા મદ્રાસના આલાસિંગા જેવા બીજા શિષ્યોની સહાયથી, અમેરિકા જવા માટે રવાના થવા સ્વામીજી મુંબઈ આવ્યા. પ્રયાણ કરવાના થોડાક જ દિવસ પહેલાં મુંબઈ જતી વખતે આબુરોડ સ્ટેશન પર ગુરુભાઈ સ્વામી તુરીયાનંદ સ્વામીજીને મળી ગયા. તેમને સ્વામીજીએ અંતરની પ્રતીતિ સાથે જણાવ્યું હતું: “હરિભાઈ, હું અમેરિકા જઈ રહ્યો છું. ધર્મપરિષદના આયોજન માટે ત્યાં જે કંઈ થઈ રહ્યું છે તે બધુંય – હું નિ:શંક કહું છું કે – આને માટે થઈ રહ્યું છે,” ‘આને માટે’ શબ્દો બોલતી વખતે સ્વામી વિવેકાનંદે પોતાની મુઠ્ઠી પોતાની છાતી પર પછાડી હતી. આમ સ્વામી વિવેકાનંદને મન એ પરિષદનું પ્રયોજન પોતાના પ્રાકટ્યને માટેનું હતું.

તા. ૩૧-૫-૧૮૯૩ના રોજ સ્વામીજીને લઈને સ્ટીમરે મુંબઈનું બારું છોડ્યું.

ગુરુવાણી:

સ્વામી વિવેકાનંદના ગુરુ, શ્રીરામકૃષ્ણ પરમહંસે ભાખ્યું હતું: “પોતાની આંતરિક, બૌદ્ધિક અને આધ્યાત્મિક શક્તિ વડે નરેન જગતને એના પાયામાંથી હલબલાવી નાખશે એવો સમય આવશે.” સ્વામીજીનું પ્રયાણ એ આગાહી સાચી પાડવા માટેનું હતું.

:3:

શિકાગો પ્રવેશ:

હિંદી અને પ્રશાંત મહાસાગરોને પાર કરતા, કૉલંબો, પીનાંગ, સીંગાપુર, હોંગકોંગ, નાગાસાકી વગેરે બંદરોએ રોકાણ કરતાં, કૅનેડાને વાનકુવર બંદરે પહોંચી, ત્યાંથી રેલરસ્તે અમેરિકાનાં અફાટ લાગતાં પ્રેયીના મેદાનોને વીંધી, શિકાગો સુધીના સ્વામીજીના એ પ્રવાસની, પ્રવાસ દરમિયાનના, ખાસ કરીને ચીન જાપાનના તેમના અનુભવોની અને જમશેદજી તાતા જેવા સહપ્રવાસીઓની કથા રસિક છે પરંતુ આપણે તેમાં નહીં ગૂંથાતાં, સ્વામીજીની સાથે, ૧૮૯૩ના જુલાઈની ૩૦મીને રવિવારે રાતે અગ્યારને સુમારે, શિકાગો જ પહોંચીએ. જાણીતે સ્થળે પહોંચવા માટે પણ આ સમય બહુ સારો ન ગણાય તો, આ તો અજાણ્યો મુલક, અજાણ્યા લોકો ને અજાણ્યું શહેર. ને સ્વામીજીને કોણે નિમંત્ર્યા હતા – કે સ્વામીજીએ પોતાના ક્યા ઓળખીતાને પોતાના આગમનની જાણ કરી હતી – કે, જગતના એ સૌથી મોટા રેલ્વે સ્ટેશને એમનું સ્વાગત કરવા હાજર હોય ? વળી એ ઠંડા મુલક માટે હોવાં આવશ્યક તે કરતાં ક્યાંય ઓછાં વસ્ત્રો – અને તે પણ બારીક અને રેશમી – સ્વામીજીને ઘણો લાગતો પણ ત્યાંની દૃષ્ટિએ ખૂબ થોડો સામાન અને, એ સૌથી ખર્ચાળ દેશ માટે જરૂરી તેથી ક્યાંય ઓછાં નાણા અને એ પરિષદ માટેની કશી જ પૂર્વતૈયારી વિના, કશી જ આવશ્યક જાણકારી વિના સ્વામી વિવેકાનંદ શિકાગો સ્ટેશને ઊતર્યા. મધ્યરાત્રી માટે અઢી ઘડી હતી અને પ્રભાતની ટશરો આડે પ્રહરોનો ગાઢ અંધકાર હતો.

શિકાગોમાં મુશ્કેલી:

અમેરિકામાં બધું જ એટલા બધા મોટા પ્રમાણનું અને મોટા પ્રમાણમાં, હોય છે કે સદા અછતમાં જીવતો, અગવડોથી ટેવાયેલો અને સાધનવિહીન ભારતીય પ્રવાસી આરંભમાં બાધો બની જાય. આરંભમાં સ્વામીજી પણ થોડા આશ્ચર્યચકિત થઈ ગયા હતા. સ્ટેશન પર મજૂરીનો દર, હાથી જેવા ઘોડાથી ખેંચાતી ગાડી અને ગાડીનું ભાડું, સારી હોટલનો દૈનિક દર, અને ભોજનના ભાવ એવા હતા કે સ્વામીજીની પાસે જે દોઢસો પાઉંડની ‘માતબર’ મૂડી હતી તેની થોડા દિવસોમાં જ ચટણી થઈ જાય. અને દસેક દિવસ એ મેળો જોયા પછી સ્વામીજીએ વિશ્વધર્મપરિષદ વિશે તપાસ કરી તો જાણવા મળ્યું કે પરિષદ તો ક્યાંય આધી હતી: આડી બત્રીસ રાત હતી. ભારતમાં સંન્યાસીને લોકો ભીક્ષા આપે. ત્યાં, અમેરિકામાં સંન્યાસીને કોણ ઓળખે? ને વળી ભીખ માગવી એ ગુનો ગણાતો હોય ત્યાં, કોઈની પાસે હાથ કેમ લાંબો કરાય? બત્રીસ રાત કેમ કાઢવી ? કોઈ હૉટેલમાં રાતવાસો કરી, તૈયાર થઈ, ત્યાં સૌને વિચિત્ર લાગતા પોશાકથી સૌનું ધ્યાન દોરતા સ્વામીજી બીજે દહાડે સવારે, કોલંબિયન મેળો જોવા ગયા. શિકાગોના વિશાળ રસ્તા, હારબંધ ઊંચાં મકાનો, વિધવિધ વસ્તુઓથી ભરેલાં, ગ્રાહકોથી ઊભરાતાં મોટાં મોટાં હાટો, રસ્તાની સ્વચ્છતા, ત્યાંના વાહનવ્યવહારની ગીચતા છતાં તેનું નિયમન અને, એ ભવ્ય મેળાની આકર્ષકતાથી સ્વામીજી આભા બની ગયા. સ્વામીજીએ પોતે જણાવ્યા પ્રમાણે એ બધું જોવા માટે દસ દહાડાથી વધારે સમય લાગે તેમ હતું. સ્વામીજી પાસે સમય હતો પણ, પૈસા? અને સ્વામીજી કંઈ થોડું એ પ્રદર્શન જોવા કે પોતાના પોશાકથી લોકોનું ધ્યાન ખેંચવા ત્યાં ગયા હતા? એટલે, બાર દિવસ આમ ફર્યા પછી ને એ મેળાને પેટ ભરીને પીધા પછી સ્વામીજીએ વિશ્વધર્મપરિષદ વિશે તપાસ આદરી. એ તપાસનું પરિણામ?

જાકારો:

“આ પરિષદ માટેના પ્રતિનિધિઓની નોંધણીનું કાર્ય ક્યારનું યે પૂરું થઈ ગયું છે તે એક વાત. કોઈ જાણીતો ધર્મસંધ કે સંપ્રદાય જ પ્રતિનિધિને મોકલાવી શકે, રસ્તે રખડતો કોઈ લલ્લુપંજુ – ટોમ ડિકહૅરી – કંઈ આ પરિષદનો પ્રતિનિધિ બની શકે નહીં. માન્ય પ્રતિનિધિઓ માટે જ પરિષદે ઉતારાપાણીની વ્યવસ્થા કરી છે, બીજાઓ માટે નહીં. અને પરિષદનું ઉદ્ઘાટન થશે સપ્ટેમ્બરની અગિયારમીને સોમવારે. ચાલો, સાહેબજી.” વિશ્વધર્મપરિષદ અંગે સ્વામી વિવેકાનંદે કરેલી તપાસનો, પરિષદના કાર્યાલય તરફથી આવો ઉત્તર તદ્દન સ્વાભાવિક હતો. કારણ કે, ભારતમાં ન તા વિવેકાનંદને, ન તેા એમને આર્થિક સહાય કરનાર મહારાજાને કે એમના વહીવટકુશળ દિવાનને કે, ન તેા ઉત્સાહથી તરવરતા મદ્રાસના યુવાન મિત્રોને પરિષદોને લગતી આ બધી ઔપચારિકતાઓની આવશ્યકતાઓનો ખ્યાલ આવ્યો. ‘વિશ્વધર્મપરિષદ અમેરિકાના શિકાગો શહેરમાં મળવાની છે.’ એથી વિશેષ એ પરિષદ અંગે કશી જ માહિતી એ કોઈ પાસે હતી નહીં. “વૈભવ અને સત્તાને દ્વારે અગાઉથી કશી જાણ કર્યા વિના, પ્રતિનિધિ તરીકેના અધિકારપત્ર વિના આવી રીતે જવું એના કરતાં હિંદુ ધર્મની અવ્યવસ્થિત દશાનું બીજું લક્ષણ હોઈ શકે નહીં.” આમ આ ઘટના વિશે સ્વામીજીની એક મહાન શિષ્યા ભગિની નિવેદિતાએ લખ્યું છે તેને કોણ અનુચિત કહી શકશે? આમ, આટલી હોંશથી એ પરિષદમાં જનાર સ્વામીજીને તે પરિષદમાંથી જાકારો મળતાં કેવો આઘાત લાગ્યો હશે તે કલ્પી શકાય. જગત હલબલે ત્યારે; અત્યારે તો, શ્રીરામકૃષ્ણનો પ્રિય નરેન પોતે હલબલી ગયો હતો. પરંતુ, માની ઇચ્છામાં, ને માની કૃપામાં સ્વામીજીને અડગ શ્રદ્ધા હતી. એટલે, તેઓ હતાશાને પી ગયા. તેમણે વિચાર્યું કે, ભલે પોતે એ વિશ્વધર્મપરિષદમાં ભાગ ન લઈ શકે, પોતે અમેરિકા સુધી આવ્યા છે તો એમ ને એમ ન જવું. અમેરિકા આવવા પાછળનો સ્વામીજીનો બીજો આશય હતો ભારત માટે કંઈ સહાય પ્રાપ્ત કરવાનો, તો તે માટે સ્વામીજી કોશિશ કરવા ચાહતા હતા.

શ્રીમતી સૅન્બૉર્ન સાથે મેળાપ:

શિકાગો શહેર પોતે મોંધું ને આ કોલંબિયન મેળામાં આવતા મુલાકાતીઓના ધસારાએ તથા વિવિધ પરિષદોમાં આવતા પ્રતિનિધિઓ અને તેમને સાંભળવા આવતા શ્રોતાઓની ભીડે તેને વધારે મોંઘું બનાવ્યું હતું એટલે પોતાને, મળેલી માહિતીને આધારે સીધા બૉસ્ટન શહેરે જવા સ્વામીજી રવાના થયા. શિકાગોથી પૂર્વ તરફ જતી આગ- ગાડીમાં તેઓ બેઠા હતા અને ગાડી ચાલવા લાગી તેવું જ નસીબ આડેનું પાંદડું હાલવા લાગ્યું. ગાડીના ડબ્બામાં કૅથરિન સૅન્બૉર્ન નામનાં, પ્રૌઢ વયના એક મહિલા સ્વામીજીનાં સહપ્રવાસી હતાં. વિધિસરની ઓળખાણ ન થાય ત્યાં સુધી બીજી વ્યક્તિની સાથે એક શબ્દ પણ ન બોલાય એવું ઈંગ્લેન્ડના લોક જેવું રૂઢિચુસ્ત માનસ અમેરિકન પ્રજાનું નહીં અને, આ કૅથરિન બહેન લેખિકા, સામાજિક સંસ્થાઓ સાથે સંકળાયેલાં એવાં સમાજસેવિકા, બુદ્ધિશાળી, સ્વભાવે મિલનસાર અને જિજ્ઞાસુ વૃત્તિનાં હતાં. લાંબો લાલ અંચળો, ભગવો કમરબંધ અને માથે કેસરી સાફો ધારણ કરેલા, વિચિત્ર લાગતા સ્વામીજીના એ પહેરવેશથી હોય કે, તેમની દૃઢ મુખાકૃતિ અને તેજસ્વી આંખોથી હોય કે, બંનેથી હોય, શ્રીમતી સૅન્બોર્ને સ્વામીજી સાથે વાત માંડી, એમને પૂછેલા પ્રશ્નોના જે ઉત્તરો સ્વામીજીએ વાળ્યા તેથી, સ્વામીજીની ઈતર વાતચીતથી અને સ્વામીજીના અસ્ખલિત અંગ્રેજી વાક્ – પ્રવાહથી તેઓ પ્રભાવિત થઈ ગયાં ને, બૉસ્ટનથી થોડે દૂર એક ગામડામાં આવેલ પોતાને ઘેર આવવાનું સ્વામીજીને આગ્રહભર્યું નિમંત્રણ એમણે આપ્યું. શ્રીમતી સૅન્બોર્નના એ ઘરનું નામ: બ્રીઝી મૅડૉઝ – લહરાતાં મેદાનો. કેટલું કાવ્યમય નામ! શ્રીમતી સૅન્બૉર્ન અનેક સંસ્થાઓ સાથે સંકળાયેલાં હતાં એટલે, એ સંસ્થાઓમાં તેમણે સ્વામીજીને નિમંત્ર્યા, કહો કે પોતે કરેલી આવી વિરલ ‘શોધ’નું તેમણે પ્રદર્શન કર્યું. એ બધી ઈશ્વરની લીલા સમજી સ્વામીજી તેને તાબે થયા. એ વેળાએ ઑગસ્ટ માસ ચાલતો હતો છતાં, ખેતડીના મહારાજાએ સ્વામીજીને જે કીમતી રેશમી વસ્ત્રો અપાવ્યાં હતાં તેમાં સ્વામીજી ઠરી જતા હતા. બૉસ્ટનના સામાન્ય લોકસમુદાયને સ્વામીજીની કશી પીંછાન હતી નહીં. તેમને મન તો એ એક જોણું હતું. એક વાર, સ્વામીજી રસ્તે જતા હતા ત્યારે, તેમની સ્થિતિ દ્વારકામાં પ્રવેશેલા સુદામાની સ્થિતિ જેવી થઈ ગઈ અને કેટલાક છોકરાઓ તથા છોકરમતિયા માણસો સ્વામીજીના વાંસામાં ઘોંચપરોણા કરવા લાગ્યા. ગોરાઓના આ કૃત્ય પાછળ રંગદ્વેષ પણ હતો. સ્વામીજીએ પોતાની જાતને માંડ બચાવી હતી.

અમેરિકામાં પ્રથમ જાહેર પ્રવચન :

મુશ્કેલીઓ-

પોતાના જાતભાઈ સાથે લગ્ન કર્યા પછી નાની વયે વિધવા થઈ, એક બંગાળી સાથે પુનર્લગ્ન કરી ફરી વિધવા થનાર અને ખ્રિસ્તી ધર્મ અપનાવનાર એક મૂળ મરાઠી નારી રમાબાઈ એ પ્રદેશમાં, ખ્રિસ્તી મિશનરીઓની કૃપાથી, સ્વામીજીની પહેલાં પહોંચી ગયાં હતાં. પોતાના બાળલગ્નની અને વૈધવ્યની કથાને તેમણે ખૂબ ઘેરા રંગો પૂરી રજૂ કરી હતી અને, એ મિશનરીઓની પ્રેરણાથી, કેટલીક ‘રમાબાઈ લેડીઝ ક્લબ’ પણ અસ્તિત્વમાં આવી હતી. શ્રીમતી સેન્બૉર્ને આવી એક ક્લબમાં સ્વામીજીનું વ્યાખ્યાન ગોઠવ્યું હતું. ખ્રિસ્તી મિશનરીઓએ અને શ્રીમતી રમાબાઈએ ભારતની બાળ વિધવાઓનું જે કરુણ ચિત્ર દોર્યું હતું તે, સ્વામીજીએ પોતાના પ્રવચનમાં કરેલા વિધવાના ત્યાગની, તેની સેવાની અને કુટુંબ પરના તેના પ્રભાવની સ્વામીજીએ કરેલી વાતથી, ઝાંખું પડી ગયું. તેના રંગો ઉપટાઈ ગયા અને તેની રેખાઓ ઠીક ઠીક અંશે ભુંસાઈ ગઈ. ભારતની પરિસ્થિતિનો એ પ્રથમ સાચો ચિતાર હતો. મિશનરીઓની વિકૃત રજૂઆતોનો જોરદાર સામનો સ્વામીજી પછીથી કરવાના હતા.

આર્થિક મુશ્કેલીઓ-

બૉસ્ટનથી તા. વીસમી ઑગસ્ટના રોજ સ્વામીજીએ મદ્રાસમાંના પોતાના પ્રિય શિષ્ય અને ઉત્સાહી સહાયક આલાસિંગાને એક પત્ર લખ્યો હતો. એ પત્રમાં સ્વામીજીએ શ્રીમતી સૅન્બૉર્નના ઘરની થોડી વિગતો, ત્યાંના ઠંડા હવામાનથી પોતાને પડતી તકલીફ, એ અતિશય ઠંડા હવામાનનો સામનો કરી શકે તેવાં ધીંગા ગરમ કપડાંનો પોતાની પાસે સદંતર અભાવ, પોતાના પોશાકથી વિના કારણ ખેંચાતું લોકોનું ધ્યાન અને કેટલાક લોકોની ટીખળથી બચવા માટે પાશ્ચાત્ય પોશાક અપનાવવાની શ્રીમતી સેન્બૉર્નની અને અન્ય સન્નારીઓની સલાહ, એ સલાહને અમલમાં મૂકવા માટે પૈસાનો અભાવ (સાદાં કોટપાટલૂન ખરીદ્યાં પછી ગજવામાં માંડ ૬૦-૭૦ પાઉંડ બચ્યા હતા), પોતાના માર્ગમાંની આડખીલીઓ (હજી વિશ્વધર્મ પરિષદમાં ભાગ લેવા જવાનું ઠેકાણું જ ન હતું.) અને, એમનો સામનો કરવાના દૃઢ નિર્ધાર વિષે સ્વામીજીએ લખ્યું હતું. એ પરિસ્થિતિમાં, અમેરિકા છોડી પાછા દેશ ભેગા થઈ જવાના અનેક વાર આવેલા વિચારનો ઉલ્લેખ કરી, સ્વામીજીએ જણાવ્યું હતું કે, “અર્ધી દુનિયા ઓળંગીને હું આ પરદેશની ભૂમિ પર આવેલો છું. ઈશ્વર મહાન છે, હું જાણું છું કે તે મને સહાય કરશે.” અપાર મુશ્કેલીઓ વચ્ચે ય આ કેવી શ્રદ્ધા! અને સ્વામીજીની ઈશ્વરમાંની દૃઢ શ્રદ્ધા કેમ ન ફળે? પરંતુ એ ફળે તે પહેલાં એક નબળાઈની ક્ષણે – (સ્વામીજી પણ માનવ હતા ને?) આલાસિંગાને તાર કરી સ્વામીજીએ પૈસા મગાવ્યા હતા. સ્વામીજીની આ અસહાય દશાની ખબર પડતાં કેટલાક થિયૉસૉફિસ્ટો ખુશ થઈ બોલી ઊઠ્યા હતા: “ભલે એ દુષ્ટ મરતો.” પરંતુ એ ‘દુષ્ટ’ કંઈ એમ મરવાનો ન હતો. કારણ એક વિશિષ્ટ પ્રયોજન એમને ત્યાં લઈ ગયું હતું. અને એ પ્રયોજન પૂરું થવાનો રાહ અચાનક સાંપડ્યો.

ફ્રેન્કલિન સૅન્બૉર્ન:

શ્રીમતી સૅન્બૉર્નના એક પિત્રાઈ શ્રીયુત ફ્રેન્કલિન સૅન્બૉર્ન તે કાળના એક જાણીતા પત્રકાર, લેખક, ઉદારમનના અને દરિયાવદિલ આદમી હતા. તેમને ફિલસુફીમાં રસ હતો અને તેઓ ઈમર્સન, થૉરૉ, વ્હિટમન વગેરેના પરિચયમાં, અને એ રીતે હિંદુ દર્શનના થોડા પરિચયમાં આવ્યા હતા. પણ પોતાની બહેન કૅથરિનના ‘હિંદુ’ સંત વિશે તેઓ કંઈ બહુ ઊંચો વિચાર ધરાવતા ન હતા. આમ છતાં બ્રીઝી મૅડૉઝમાં પહોંચ્યા પછીના થોડા દિવસ પછી સ્વામીજીએ આલાસિંગાને લખેલા એક પત્રમાં જણાવ્યા પ્રમાણે કૅથરિનના એક પિત્રાઈ મને મળવા આવવાના છે’ તે આ સૅન્બૉર્ન. સ્વામીજીને મળતાંવેંત જ સૅન્બૉર્નની બધી શંકાઓ નિર્મૂળ થઈ ગઈ એટલું જ નહીં પણ, સ્વામીજીના વ્યુત્પન્ન વ્યક્તિત્વને પારખી, ન્યુયૉર્ક રાજ્યમાં આવેલા સારાટોગા સ્પ્રિંગ્ઝ ખાતે થોડા જ દિવસ પછી મળનારા અમેરિકન સમાજ વિજ્ઞાન સંમેલનમાં વ્યાખ્યાન આપવા માટેનું નિમંત્રણ પણ તેમણે સ્વામીજીને આપ્યું.

અનિસ્કવૉમનું નિમંત્રણ : પલટો

જે દિવસે શ્રી ફૅન્કલિન સૅન્બૉર્ન સ્વામીજીને મળ્યા તે જ દિવસે નજીકને દરિયાકાંઠે ઉનાળો ગાળવા ગયેલા બીજા એક સગૃહસ્થ સ્વામીજીને મળવા આવવાના હતા પણ આવી શક્યા ન હતા. એ ગૃહસ્થે સ્વામીજી વિશે કંઈ સાંભળ્યું હશે એટલે, એમની ઉત્સુકતાની માત્રા એટલી હતી કે, પોતે સ્વામીજીને મળવા જઈ ન શક્યા તો, સ્વામીજીને પોતાને ત્યાં આવવાનું આગ્રહભર્યું નિમંત્રણ તેમણે સ્વામીજીને આપ્યું. અને, ૧૮૯૩ના ઑગસ્ટની ૨૫મીને શુક્રવારે, સ્વામીજી અનિસ્કૉમ ગયા. સ્વામીજીની અનિસ્કવૉમની મુલાકાતનો અહેવાલ એમનાં યજમાન પત્નીએ પોતાની માતાને લખેલા પત્રમાંથી જોઈએ:

શ્રીમતી રાઈટનો પ્રતિભાવ:

“…તેઓ (સ્વામીજી) શુક્વારે આવ્યા! બધાંને અચરજ થાય તેવો કેસરી અંચળો પહેરીને. એમનું મસ્તક ઉન્નત હતું. પૂર્વની રીતે ઘણા જ દેખાવડા હતા, વયે ત્રીસના પણ સંસ્કૃતિએ યુગોના. તેઓ સોમવાર સુધી રોકાયા અને હું સંપર્કમાં આવી છું તેવા ખૂબ રસ પડે તેવા લોકોમાંના તેઓ એક છે. અમે આખો દહાડો અને રાત વાતો કરી અને વળી સવારથી રસપૂર્વક વાતોએ વળગ્યાં. ગામનું લોક એમને નિહાળવા માટે ધાંધું થઈ ગયું હતું; મિસ લેન ને ત્યાંના રહેવાસીઓ (મિસ લેન ઉનાળામાં હવાખાવા આવનારાંઓ માટે જમવાની સગવડ પૂરી પાડતું બોર્ડિંગ ચલાવતાં હતાં.) ઉત્સાહથી પાગલ બની ગયા હતા. તેઓ ઘરમાં વારંવાર આવજાવ કરતાં હતાં અને નાનકડાં શ્રીમતી મૅરિલની આંખોમાં તેજનાં પૂર હતાં ને એના ગાલ ઉમંગથી રતૂમડા થઈ ગયા હતા. અમે મુખ્યત્વે ધર્મની વાતો કરી. એક પ્રકારની નવજાગ્રતિ હતી. મારી આખી જિંદગીમાં મેં કદી આવું નથી અનુભવ્યું !. …”

“તેઓ ભણેલા સદ્ગૃહસ્થ છે, કોઈ પણ જાણતું હોય તેટલું તેઓ જાણે છે. અઢાર વરસની વયથી સાધુ છે. તેમનાં વ્રતો આપણાં વ્રતો જેવાં, ખ્રિસ્તી સાધુઓનાં વ્રતો જેવાં જ છે. માત્ર અકિંચનતા તેમને માટે સાચી અકિંચનતા છે.

(ક્રમશ:)

Total Views: 108

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.