સ્વામી વિવેકાનંદે ગુજરાતમાં સદેહે આઠ મહિનાથી વધુ સમય પરિવ્રાજક તરીકે ગાળ્યો. અને ત્યારે સામાન્ય લોકોથી લઈને રાજા-મહારાજા અને વિદ્વાનોને તેમણે પ્રભાવિત કરેલા.
૨૦૨૬માં તેના જ પુનરાવર્તન રૂપે આ વખતે સદેહે નહીં તો તેમનાં પુસ્તકો દ્વારા નાનાં ગામડાંથી માંડીને શહેરોમાં ઘરે ઘરે અક્ષરદેહે સ્વામીજીની પધરામણી કરાવવાના સંકલ્પનો પ્રારંભ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના સહયોગથી કચ્છના શ્રીરામકૃષ્ણ મઠ, આદિપુરના અધ્યક્ષ સ્વામી મંત્રેશાનંદનાં અથાક પરિશ્રમ અને પ્રેરણાના પરિપાક રૂપે ‘સ્વામી વિવેકાનંદ આપના દ્વારે – એક વિચાર-ક્રાંતિયાત્રા’ દ્વારા કરવામાં આવેલ. આ યાત્રાની શરૂઆત ધાણેટી ગામથી કરવામાં આવી, જ્યાં સ્વામી વિવેકાનંદના ‘વિવેક રથ’નું આગમન બાળાઓ અને બહેનો દ્વારા કળશ અને પરંપરાગત વસ્ત્ર-પરિધાન તેમજ ઢોલ-નગારાં સાથે કરવામાં આવ્યું. બ્રહ્મચારી મહારાજના સંકલ્પને જાણે શ્રીઠાકુરે જાણી લીધો હોય તેમ ‘શ્રીરામકૃષ્ણ કથામૃત’ ગામના ઘેર ઘેર પહોંચાડવા ગામના શ્રી રાણાબાપાએ તે માટે માતબર રકમનું દાન આપી આ મહાયજ્ઞમાં પ્રથમ આહૂતિ આપી. આમ ધાણેટીમાં રૂ. ૫૯,૨૦૦નાં સાહિત્યનું વેચાણ થયું.
આ જ રીતે ‘વિવેક રથ’ આદિપુર, ગાંધીગ્રામ, નવા ધાણેટી, અંજાર, મુખાણા ગામ, ડભાણા ગામ, નવા રતનાલ, જૂનાં રતનાલ, ભુજ, માધાપર વગેરે જેવાં ગામમાં પહોંચ્યો હતો. તદુપરાંત શાળાઓ અને અન્ય સોસાયટીઓ અને ફેક્ટરીઓમાં પણ આ રથ પહોંચ્યો, જ્યાં તેનું ભાવપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું. ૨૩મી મેથી ૧૪મી જૂન દરમિયાન કુલ રુ ૨,૩૪,૬૦૭ના શ્રીરામકૃષ્ણદેવ, શ્રી શ્રીમા શારદાદેવી અને સ્વામી વિવેકાનંદ તેમજ વેદાંત સાહિત્યનું વેચાણ થયું.
આ ઉપરાંત રોયલ ફેક્ટરીના માલિક શ્રી પ્રમેશભાઈ વેદે તેમની ફેક્ટરીના દરેક કર્મચારીને સ્વામીજીનું પુસ્તક ખરીદવા રૂ. ૧૦૦ આપી પ્રેરણાદાયી કાર્ય કરેલ. આમ પછીના એક માસ દરમિયાન વિવિધ શાળાઓ, કૉલેજો અને ફેક્ટરીઓમાં કુલ રૂ.૩,૦૩,૭૬૯ જેટલું પુસ્તકોનું વેચાણ થયેલ. જેમાં ૩૦% થી ૪૦% ડિસ્કાઉન્ટ આપવામાં આવેલ.
સાહિત્યના આ વેચાણથી એક બાબત જરૂર કહેવાનું મન થાય છે કે આજના મોટા ભાગના લોકોની ફરિયાદ છે કે આજના યુવાનો, બાળકો કે વડીલોને વાંચનમાં રસ ખૂબ ઓછો છે. પરંતુ આ બાબત પૂર્ણત: સાચી નથી. ખરેખર તો લોકોને આવા સરસ પ્રેરણાદાયી સાહિત્યની માહિતી જ નથી હોતી એવો મને અનુભવ થયો. ઠાકુર-મા-સ્વામીજીના ભક્તોની એ ફરજ બને છે કે જીવનની દિશા બદલી આપનાર આ સાહિત્યને સ્વ થી સર્વ સુધી પહોંચાડે. આ યાત્રામાં પોતાનું યથાયોગ્ય યોગદાન આપીને તેનો લાભ અન્ય સુધી પહોંચાડે.
Your Content Goes Here




