શ્રીરામકૃષ્ણદેવના સંન્યાસી શિષ્યો સામાન્ય માનવ ન હતા. તેઓ ઈશ્વરકોટિના તથા નિત્યમુક્ત હતા. સામા પક્ષે શ્રીરામકૃષ્ણ હતા સદ્‌ગુરુ. પોતાની આધ્યાત્મિક શક્તિથી તેઓએ આ સૌ સંન્યાસી શિષ્યોના હૃદયની અધ્યાત્મ-જ્યોતિને સંસારમાં પ્રસારિત કરાવી હતી અને તેમને આદર્શ આધ્યાત્મિક ગુરુ બનાવ્યા હતા.

આવા સંન્યાસી શિષ્યોમાંના એક હતા સ્વામી સુબોધાનંદ. તેમનો જન્મ ૮ નવેમ્બર, ૧૮૬૭, શુક્રવાર; કારતક સુદ બારસના રોજ થયો હતો. તેમના જન્મ પહેલાં કોલકાતામાં ભયંકર આંધી આવી હતી તે કારણે તેઓને ઘરમાં સૌ કોઈ ‘ઝંડો’ એટલે કે ઝંઝાવાતી કહીને બોલાવતા. ઉંમરમાં તેઓ મોટા ભાગના ગુરુભાઈઓથી નાના હતા એ કારણે એમનું વહાલસોયું નામ હતું, ખોકા. બંગાળીમાં નાના બાળકને સ્નેહવશ ‘ખોકા’ કહે છે.

ઈ.સ. ૧૮૮૪ના રથયાત્રાના દિવસે તેમને શ્રીરામકૃષ્ણનાં સૌ પ્રથમ વાર દર્શન થયાં હતાં. અહીં આપણે સ્વામી સુબોધાનંદના સ્વામી વિવેકાનંદ સાથેના જીવન-પ્રસંગો જોઈશું.

સ્વામી સુબોધાનંદને ચા ખૂબ પ્રિય હતી. એક રાત્રે સ્વામીજી પોતાના કક્ષમાં ધ્યાન કરતા હતા અને બાજુના કક્ષમાં સ્વામી બ્રહ્માનંદ અને સુબોધાનંદ સૂતા હતા. ધ્યાન પૂરું થતાં સ્વામીજીએ સુબોધાનંદને જગાડીને પોતાના માટે હોકો તૈયાર કરવા કહ્યું. સુબોધાનંદ હોકો તૈયાર કરી લાવ્યા એટલે સ્વામીજી બોલી ઊઠ્યા, ‘તું જે વરદાન માગીશ તે તને મળશે.’ સ્વામી સુબોધાનંદે કહ્યું, ‘હું શું માગું? ઠાકુરે આવશ્યક બધું જ આપ્યું છે.’ વરદાન વિશે વારંવાર કહેતા હોવાથી સ્વામી સુબોધાનંદે કહ્યું, ‘મારા જીવનના અંતિમકાળ સુધી ચાના પ્યાલા વિના મારો એક પણ દિવસ જાય નહીં.’ એક દિવસ કોઈકે આ વરદાનની ફલશ્રુતિ વિશે પૂછ્યું ત્યારે તેમણે કહ્યું, ‘હા, અને કોઈ વાર તો મારી ધારણા વગર પણ રાતે હું સૂવા જતો હોઉં ત્યારે ચા આવી ગઈ હોય.’

સ્વામી વિવેકાનંદ કોઈ વાર અત્યંત ગંભીર બની જતા કે તેમનો ભાવ ભંગ કરવાની કોઈ હિંમત કરતું નહીં, પરંતુ સ્વામી સુબોધાનંદ સ્વામીજીના આ ભાવમાં પરિવર્તન લાવતા. એક રાત્રે સ્વામીજી ઊંધા પડીને સૂતાં સૂતાં કોઈ પુસ્તક વાંચતા હતા. વાળુનો ઘંટ વાગ્યો, સૌ કોઈ સ્વામીજીની વાટ જોવા લાગ્યા. પણ કોઈને તેમને બોલાવવા જવાની હિંમત ચાલી નહીં.

સ્વામી સુબોધાનંદ ચૂપચાપ સ્વામીજીના કક્ષમાં ગયા, પુસ્તકનો પૃષ્ઠક્રમ જોઈ લીધો અને ધડાક લઈને પુસ્તક બંધ કરી દીધું. ગુસ્સાપૂર્વક સ્વામીજીએ કહ્યું, ‘ખોકા, બદમાશ, શા માટે તેં મારું પુસ્તક બંધ કર્યું? હું ક્યાં હતો તે હવે મને કેવી રીતે ખબર પડશે?’ તરત જ સ્વામી સુબોધાનંદે પુસ્તક ઉઘાડ્યું અને યોગ્ય પૃષ્ઠ ખોલી બતાવ્યું. પછી કહ્યું, ‘ચાલોને, રાંધેલું ઠરી જશે, સૌ તમારી વાટ જુએ છે.’ આવો હતો સૌ ગુરુભાઈઓ વચ્ચેનો ભ્રાતૃપ્રેમ! શ્રીરામકૃષ્ણનો જાદુ હતો પ્રેમ-બંધનનો. તેઓએ જીવનકાળમાં સૌ કોઈને પ્રેમતંતુથી બાંધી દીધા હતા. આજેય એમનો પ્રેમ-પ્રવાહ સર્વત્ર અહેતુક રેલાઈ રહ્યો છે. તેથી જ સ્વામીજીએ રચેલ આરાત્રિકમ્‌માં શ્રીરામકૃષ્ણને ‘ચિર-ઉન્માદ પ્રેમ-પાથાર’ કહ્યા છે.

Total Views: 5

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.