(૨૬ ડિસેમ્બર, ૨૦૨૪ના રોજ સ્વામી શિવાનંદજી મહારાજની જન્મજયંતી નિમિત્તે લેખ પ્રસ્તુત છે. – સં.)
શ્રીરામકૃષ્ણ સાથેના દિવસો
એ દિવસોમાં તારકના (સ્વામી શિવાનંદજીના)મનના ઊંડાણમાં જબરી ઊથલપાથલ મચી હતી. તેઓ પરિણીત હતા અને પત્નીના ભરણપોષણ માટે નૈતિક રીતે જવાબદાર હતા. પરંતુ એમનું મન પોતાની પ્રકૃતિ વિરુદ્ધ આ કૃત્રિમ જીવનથી સંપૂર્ણપણે વિરક્ત હતું. ઓફિસમાં કામ કરતાં કરતાં તેઓ પોતાના પ્રાણોના આવેગને સંભાળી શકતા નહીં. આંખોમાંથી આંસુની ધારા વહેવા લાગતી અને કાગળ-પત્રો જ્યાં ત્યાં છોડીને તેઓ અચાનક જ નૌકા પકડીને દક્ષિણેશ્વર દોડી જતા. એક દિવસ મોકો જોઈને તારકનાથે પોતાના વિવાહ અને અંતર્દ્વંદ્વની વાત ઠાકુરને કરી.
એ સાંભળીને ઠાકુરે કહ્યું: ‘એમાં ભય શું છે રે? હું તો છું! પત્ની જેટલા દિવસ સુધી રહેશે એટલા દિવસ એની દેખભાળ જરૂર કરવી પડશે! થોડી ધીરજ રાખ. મા બધું બરાબર કરી દેશે. વચ્ચે વચ્ચે ઘરે જતા રહેવું અને જેમ કહું છું તેમ જ કરવું, એમની કૃપાથી પત્નીની સાથે રહેવા છતાં પણ તને કંઈ નડશે નહીં.’ આમ કહીને એમણે તારકની છાતી અને મસ્તક ઉપર હાથ મૂકીને ખૂબ આશીર્વાદ આપ્યા. બીજે વખતે એમણે તારકને કહ્યું હતું: ‘સૂતાં પહેલાં ચત્તા સૂઈને એવું વિચારવું કે જાણે મા કાલી છાતી ઉપર ઊભાં છે. આવા ચિંતનને પરિણામે ભક્તિલાભ મળે છે અને કામજય થાય છે.’ વળી એક વખત ઠાકુરે તારકના મનમાં પોતાનો માતૃભાવ પણ દૃઢપણે અંકિત કરી દીધો હતો. જ્યારે દક્ષિણેશ્વરમાં માતાજી નોબતખાનામાં રહેતાં હતાં ત્યારે એક દિવસ એમણે કહેલું: ‘ત્યાં મંદિરમાં જે મા છે અને અહીં નોબતખાનામાં જે મા છે, એ બંને અભિન્ન છે.’
સ્વભાવથી સંયમી તારકનાથ તે દિવસથી પોતાને દેવરક્ષિત જાણીને નિર્ભય બની ગયા. જરૂરિયાત ઊભી થતાં તેઓ ઘરે પણ જતા અને પત્ની બીમાર હોવાથી તેની સારવાર વગેરેની વ્યવસ્થા પણ કરતા, પણ પોતે હંમેશાં અનાસક્ત જ રહેતા. આ વાતોનો ઉલ્લેખ કરતાં એમણે આગળ ઉપર રોમાં રોલાંને લખ્યું હતું કે એમણે જીવનમાં ક્યારેય પત્નીની સાથે એક જ શય્યા પર શયન કર્યું ન હતું. અદ્ભુત ગુરુ અને એમના અદ્ભુત શિષ્ય!
પોતાના શિષ્યોને શ્રીરામકૃષ્ણ પોથીઓ કે ઉપદેશ દ્વારા નહીં પણ પોતાના જીવનના દૃષ્ટાંતથી બોધ આપતા. પ્રત્યેક પળે પ્રત્યેક હલનચલન દ્વારા ધર્માચરણનું નિદર્શન એ કરતા. દક્ષિણેશ્વરમાં અને કાશીપુરમાં ઠાકુર સાથે રહેવાનું અને તેમની સેવા કરવાનું સદ્ભાગ્ય તારકને પ્રાપ્ત થયું હતું. ઠાકુર સાથેના પોતાના અનુભવો અને પોતાનાં અવલોકનો બીજા શિષ્યોની જેમ તારક પણ સંભારતા.
રામકૃષ્ણ મઠના અધ્યક્ષ તરીકે
સ્વામી વિવેકાનંદે ૧૯૦૧માં સ્વામી શિવાનંદને રામકૃષ્ણ મઠ-મિશનના ટ્રસ્ટી બનાવ્યા હતા અને ૧૯૧૦માં એ ઉપાધ્યક્ષ બન્યા હતા. ૧૯૨૨માં સ્વામી બ્રહ્માનંદના નિધન પછી સ્વામી શિવાનંદજી રામકૃષ્ણ મઠ-મિશનના અધ્યક્ષ નિમાયા. સ્વામી શિવાનંદ જેટલા સમય સુધી પોતાના જ ભાવજગતમાં મગ્ન રહેતા તેટલા સમય સુધી તેમને લોકવ્યવહારની જરૂર જણાઈ નહોતી.
પરંતુ જે દિવસથી એમને ખરેખર એવું લાગ્યું કે તેઓ ભક્તવૃંદના એક નેતા છે, એ દિવસથી ગુરુદેવે જ એમનું કાર્ય સાધવા માટે એમની અંદર એક અભૂતપૂર્વ પરિવર્તન લાવી દીધું. એ દિવસે પોતાના અતીત જીવન પ્રત્યે દૃષ્ટિપાત કરતાં કરતાં એક શિષ્ય, સ્થાનિક સંન્યાસી સમક્ષ મહાપુરુષજીએ સરળતાપૂર્વક સ્વીકાર કરતાં કહ્યું: ‘લોકવ્યવહાર તો ક્યારેય શીખ્યો જ નથી.’
સાચું કહીએ તો લોકવ્યવહાર તેઓ પછીથી પણ શીખ્યા નથી, તો પણ યથાસમયે ગુરુસેવાના જ એક ભાગ રૂપે ભક્તસેવા પણ એમના જીવનમાં પ્રગટ થઈ હતી. સ્મશાનવાસી શિવ આશુતોષ પણ છે. સંસારવૈરાગી શિવાનંદને પણ આપણે યથાસમયે આશુતોષ સ્વરૂપે જોઈ શકીએ છીએ. સદાનંદમય મહાપુરુષજીના મુખમાં એ સમયે આશીર્વાદ સિવાય બીજું કંઈ જ હતું નહીં. સંઘગુરુના પદે રહેલા સ્વામી શિવાનંદની એ જ પરમ ફલશ્રુતિ છે.
મોટા ભાગનો સમય સ્વામી શિવાનંદજી બેલુર મઠમાં રહેતા પણ વખતોવખત એ બીજાં કેન્દ્રોની પણ મુલાકાત લેતા અને સંન્યાસીઓને તથા ભક્તોને પ્રેરતા. ૧૯૨૦માં મહાસમાધિ પામેલા સ્વામી અદ્ભુતાનંદની સ્મૃતિમાં બંધાયેલા રામકૃષ્ણ અદ્વૈત આશ્રમના લોકાર્પણ માટે સ્વામી શિવાનંદજી ૧૯૨૨ના જાન્યુઆરીમાં વારાણસી ગયા હતા અને અલ્લાહાબાદમાં ગુરુભાઈ સ્વામી વિજ્ઞાનાનંદને ત્યાં એ થોડા દિવસ રોકાયા હતા.
બંને ગુરુભાઈઓએ વાતો કરી હતી અને દક્ષિણેશ્વરમાંના ઠાકુર સાથેના પુરાણા દિવસોની યાદ કરી હતી. એક દિવસ નાવમાં બેસીને બંને ગુરુભાઈઓ ગંગા-યમુનાના સંગમે ગયા હતા.
સ્વામી શિવાનંદના અધ્યક્ષકાળમાં રામકૃષ્ણ મઠ-મિશનની પ્રવૃત્તિઓનો સારો વિસ્તાર થયો. દેશમાં, સિંગાપુરમાં, યુરોપમાં, ઉત્તર અને દક્ષિણ અમેરિકામાં કેટલાંક નવાં કેન્દ્રો ખોલવામાં આવ્યાં હતાં. સેવાકાર્યો કરવા અને તે સાથે આત્મસાક્ષાત્કાર કરી શકાય તે માટે પોતાના જીવનમાં ચારેય યોગોનો સમન્વય કરવાની પ્રેરણા તેમણે સંન્યાસીઓને આપી હતી.
એક સંન્યાસીને તેમણે એક દિવસ કહ્યું હતું: ‘મહેરબાની કરી રોજ જપધ્યાન કરજે જ કારણ કે, એ જ તો શક્તિનો સ્રોત છે. ધ્યાનસમયમાં કાપ ન મૂકતો.’ બીજે એક દિવસે એક સંન્યાસીએ પૂછ્યું: ‘પ્રવૃત્તિ કરતાં વધુ લક્ષ સંન્યાસીઓએ ધ્યાન પર દેવું જોઈએ?’ ત્યારે સ્વામી શિવાનંદજીએ ગંભીરતાપૂર્વક ઉત્તર આપ્યો: ‘ધ્યાનની અગત્ય ભૂતકાળમાં હતી, વર્તમાનમાં છે અને ભવિષ્યમાં રહેશે જ. તું પ્રવૃત્તિની વાત કરે છે ને? જપ-ધ્યાન વિના શ્રીરામકૃષ્ણના અને સ્વામીજીના આદર્શો અનુસાર મનુષ્ય પ્રવૃત્તિ કરી ન શકે. પ્રવૃત્તિ અને ભક્તિ બેઉ સાથે કરવાં જોઈએ.’
Your Content Goes Here





