(૫ જાન્યુઆરી, ૨૦૨૫ના રોજ સ્વામી સારદાનંદજી મહારાજની જન્મજયંતી નિમિત્તે ‘સ્વામી સારદાનંદ ચરિત’  નામના હિન્દી પુસ્તકમાંથી કેટલાક અંશોનો ચેતનાબેન માંડવિયાએ કરેલ અનુવાદ અત્રે પ્રસ્તુત છે. – સં.)

શરચ્ચંદ્ર (સ્વામી સારદાનંદજી)ને બાળપણથી જ સંગીત સાથે લગાવ હતો. એ સમયે એમનો સુરીલો કંઠ અભિવ્યક્ત થયો હતો. શ્રીરામકૃષ્ણની સાથે મુલાકાત થયા પહેલાં જ એમણે રાખાલ હાલદાર નામના એક સંગીત-શિક્ષક પાસેથી થોડાક મહિના સંગીતનું શિક્ષણ લીધું હતું.

પરંતુ અજ્ઞાત કારણોથી એમનો સંગીતનો અભ્યાસ વધારે આગળ વધી શક્યો ન હતો. નરેન્દ્રનાથનાં પ્રાણોન્માદક ભજનો પણ એમના તેજોમય વ્યક્તિત્વની તરફ શરચ્ચંદ્રના તીવ્ર આકર્ષણનું એક કારણ હતું.

‘કથામૃત’કાર કહ્યા કરતા હતા કે ઠાકુરને છોડીને નરેન્દ્રનાથની સમાન મધુર-ગાન એમણે બીજે ક્યાંય સાંભળ્યું નથી; સ્વયં ઠાકુર પણ એમના ગાનના વિષયમાં કહેતા હતા, ‘વાંસળીનો મધુર ધ્વનિ સાંભળીને સર્પ જે રીતે ફેણ ફેલાવીને સ્થિર ભાવથી ઊભો રહે છે, એ રીતે નરેન્દ્રનું ગાન સાંભળીને હૃદયની અંદર જે છે, તેઓ પણ ચુપચાપ સાંભળતા રહે છે.’

નરેન્દ્રનાથની સંગીતમાં નિપુણતાએ શરચ્ચંદ્રના હૃદયને આંદોલિત કરી દીધું હતું. નરેન્દ્રની સાથે પરિચય થયાના થોડા દિવસો પછી જ તેઓ નરેન્દ્રના અભ્યાસ કરવાના ઓરડામાં ગયા હતા. એ સમયે નરેન્દ્રનાથ પૂરા મનથી ભણવામાં લાગ્યા હતા. શરચ્ચંદ્રનું જીવન બાળપણથી જ નિયમની સાંકળ દ્વારા અનુશાસિત હતું. એ જ શરચ્ચંદ્રે નરેન્દ્રનાથને વિનંતી કરી, ‘ભણવાનું હમણાં રહેવા દો, થોડું ગાવાનું થઈ જાય.’

ઠાકુરના નવા આવનારા તરુણ ભક્તની વિનંતી નરેન્દ્રનાથ ટાળી શક્યા નહીં. લખવા-વાંચવાનું સમેટીને નરેન્દ્રે ગાવાનું શરૂ કર્યું. એક પછી એક ભજન થતાં રહ્યાં. એમનાં સુમધુર ગીતોની નિર્ઝરિણીએ શરચ્ચંદ્રના મન ઉપર ઊંડી છાપ અંકિત કરી. એ દિવસથી એમનો નવી રીતથી સંગીતનો અભ્યાસ શરૂ થયો. એ દિવસે નરેન્દ્રે એમને તબલા ઉપર ઠેકા વગાડવાનું શિખવાડ્યું હતું. શરચ્ચંદ્રનો જન્મજાત સંગીતબોધ ઘણો ઉચ્ચ કોટિનો હતો, એટલા માટે લાગે છે કે નરેન્દ્રનાથના થોડા પ્રયાસોથી જ તબલા પર સંગત કરવાનું શીખી શક્યા હતા.

શ્રીરામકૃષ્ણ દ્વારા ગાવામાં આવેલાં ભજન શરચ્ચંદ્રને અત્યંત પ્રિય હતાં. પરંતુ એમની સંગીત-સાધનાના ગુરુ નરેન્દ્રનાથ હતા. સંગીતના વિષયમાં નરેન્દ્રનાથની ધારણા સ્પષ્ટ હતી; જે પાછળના સમયમાં એમનાં લખાણોમાં પણ સ્ફુરિત થઈ હતી. એક પુસ્તકમાં એમણે લખ્યું છે, ‘ગાન થઈ રહ્યું છે કે રોવાનું કે ઝઘડા—ગાવામાં ભાવ શું છે, ઉદ્દેશ શું છે—એ તો સાક્ષાત્‌ વીણાપતિ પણ કદાચ ન સમજી શકે; અને વળી એ ગાનમાં આલાપોની ભરમારનું તો પૂછવાનું જ શું! ઓફ! અને તેઓ બરાડા પણ કેવા પાડે છે; જાણે કોઈ શરીરમાંથી આંતરડાને ખેંચી લઈ રહ્યા હોય!’

એમ તો શરચ્ચંદ્રને ‘ચિંતનીય વાતો’ વાંચીને સંગીતની બાબતમાં ધારણા બનાવવી પડી ન હતી. શીખતી વખતે એમણે નરેન્દ્રનાથ પાસેથી જ બધું જાણીને લખી લીધું હતું. મેળવેલી હકીકતોથી લાગે છે કે શરચ્ચંદ્ર કાશીપુરના ઉદ્યાન-ભવન તથા વરાહનગર મઠમાં રહેતી વખતે જ નરેન્દ્રનાથ પાસેથી મોટા ભાગનાં ભજનો શીખ્યા હતા. આ શિક્ષણ-પર્વની વિસ્તારિત કથા અજ્ઞાત છે.

શ્રીરામકૃષ્ણ-કથામૃત ગ્રંથમાંથી થોડીક સામાન્ય છતાં પણ કિંમતી હકીકતો મળે છે. વરાહનગર મઠનું વર્ણન કરતાં ‘કથામૃત’ કારે લખ્યું છે, ‘દાનવોના ઓરડામાં બેસીને નરેન્દ્ર તેમના દેવદુર્લભ કંઠે ભગવાનનાં નામ-ગુણ-ગાન કરતા, શરત અને બીજા ભાઈઓને ગીત શીખવતા. કાલી વાદ્ય શીખતા. આ ઓરડામાં નરેન્દ્ર ગુરુભાઈઓની સાથે કેટલીય વાર હરિનામ-સંકીર્તનનો આનંદ કરતા, અને આનંદમાં સૌ સાથે મળીને નૃત્ય કરતા.’

મહેન્દ્રનાથની સ્મૃતિકથામાંથી જાણવા મળે છે કે શરચ્ચંદ્રે આ પહેલાં જ દાંત પીસીને ગાવાનું શીખ્યું હતું. નરેન્દ્રનાથ ખીજાતાં તેઓ એ ટેવમાંથી મુક્ત થયા હતા. સંગીતના વિદ્યાર્થી સ્વામી નિર્લેપાનંદના ગ્રંથમાં એક બીજી પણ કિંમતી હકીકત મળે છે. યૌવનની શરૂઆતમાં એમણે સ્વામી સારદાનંદ પાસેથી ભજન ગાવાનું શીખ્યું હતું. એક દિવસ સ્વામી નિર્લેપાનંદે સારદાનંદજીને કહ્યું, ‘મહાશય, આ પંક્તિ તો આપે ગાઈ બતાવો તો, એમાં આપે કયા સૂરનો ઉપયોગ કર્યો! હું લખી લઉં છું. યાદ રાખવામાં તથા શીખવામાં સુવિધા રહેશે.’

મહારાજ બોલ્યા, ‘મેં તમારા લોકોની જેમ ‘સા-રે-ગ-મ’નો અભ્યાસ કરીને ગાવાનું શીખ્યું નથી. સ્વામીજી પોતાના કંઠ દ્વારા જે શીખવતા, બરાબર તે જ શીખ્યો છું. અને મને નથી લાગતું કે અત્યારે પણ એમાં જરાસરખુંય આગળ-પાછળ થઈ રહ્યું હોય. તમારાથી જો સંભવ હોય, હારમોનિયમની મદદથી કયા કયા સૂરો લાગે છે, મેળવીને ઠીક કરી લો.’

સ્વામી સારદાનંદજીએ પોતાના શિક્ષણના વિષયમાં એક બીજી હકીકત બતાવતાં કહ્યું હતું, ‘મહારાજ (સ્વામી બ્રહ્માનંદજી)ની શ્રવણશક્તિ ઘણી સંવેદનશીલ હતી. હું સ્વામીજીની પાસેથી શીખીને મહારાજની સમક્ષ પરીક્ષા આપતો કે બરાબર તો થઈ રહ્યું છે કે નહીં. એમનું અનુમોદન મળે નહીં ત્યાં સુધી હું આલાપ છોડતો ન હતો.’

Total Views: 120

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.