‘એ મારો વાસુકિ છે’, આ શબ્દો છે જગજ્જનની શ્રીમા શારદાદેવી દ્વારા સ્વામી સારદાનંદને ઉદ્દેશીને ઉચ્ચારાયેલા.

શ્રીમા સ્વામી સારદાનંદના સંદર્ભમાં કહેતાં, ‘તે મારો વાસુકિ છે, હજાર ફણાઓ વિસ્તારીને કાર્ય કરી રહ્યો છે.’

સાચે જ સ્વામી સારદાનંદે રામકૃષ્ણ સંઘના મહાસચિવ તરીકેનો પ્રારંભકાલીન ઉત્તરદાયિત્ત્વપૂર્ણ હોદ્દો અત્યંત સક્ષમતા સહિત સંભાળીને સંઘને સુસ્થિર આધાર પર સ્થાપિત કર્યો હતો. તેમણે આદ્યશક્તિ જગદંબા શ્રીમા શારદાદેવીની પંદર વર્ષથી વધુ સમયગાળામાં મન-પ્રાણપૂર્વક સેવા કરી હતી, જે બીજા કોઈપણ માટે અસંભવ હતું.

શ્રીરામકૃષ્ણ-સરોવરમાં પ્રસ્ફુટિત અનેક નયનાભિરામ કમળપુષ્પોમાં સ્વામી વિવેકાનંદ સહસ્રદળ કમળપુષ્પ હતા, તો સ્વામી સારદાનંદ શતદલ કમળપુષ્પ. તેમનો જન્મ ૨૩ એપ્રિલ, ૧૮૬૫, શનિવારના રોજ થયો હતો.

ચાલો, આ વાસુકિ અને શતદલ પદ્મની નિર્ભયતાના એક-બે પ્રસંગ જોઈએ.

સ્વામી વિવેકાનંદના આદેશથી તેઓ વેદાંત-પ્રચાર અર્થે અમેરિકા જઈ રહ્યા હતા. જતી વખતે ભૂમધ્ય સાગરમાં પ્રબળ તોફાન સર્જાતાં સૌ મુસાફરોનાં જીવન સંકટમાં મુકાયાં તેથી તેઓ ભયના માર્યા ડેક ઉપર દોડધામ, કરુણક્રંદન તથા પ્રભુ-પ્રાર્થના કરવા લાગ્યા. પરંતુ સ્વામી સારદાનંદ અક્ષુબ્ધ ચિત્તે મૂક દ્રષ્ટા બની બેઠા રહ્યા. તેમની નિશ્ચેષ્ટતા જોઈ સૌ નારાજ થયા. પછીથી તેમણે કહ્યું કે જ્યારે સહુ મુસાફરો રડતા-કકળતા હતા ત્યારે પોતે સમતોલ ત્રાજવાનાં પલ્લાંની જેમ સુસ્થિર હતા.

અન્ય ઘટના. મઠ નીલાંબર બાબુના ઉદ્યાનભવનમાં હતો. પાશ્ચાત્ય નારીશિષ્યો ત્યાં રોકાયાં હતાં. સ્વામી વિવેકાનંદ તેમને મળવા ત્યાં ગયા હતા. સ્વામી સારદાનંદ એ સૌને મળવા ગંગા પાર કરીને આવી રહ્યા હતા. સંધ્યાકાળે એકાએક ભારે તોફાન સર્જાયું. સૌ સ્વામી સારદાનંદ અંગે ચિંતિત થઈ ઊઠ્યા—રખેને સ્વામી ગંગામાં ડૂબી જશે! પરંતુ જ્યારે સ્વામી મઠભવનમાં પહોંચ્યા ત્યારે ખબર પડી કે એ તોફાન મધ્યે તેઓ સ્થિર, શાંત બેઠા હતા.

એક વાર સ્વામી સારદાનંદ ડૉક્ટર કાંજીલાલ સાથે બાગબજારથી નૌકામાં બેલુર મઠ આવી રહ્યા હતા. અધવચ્ચે ભયંકર તોફાન આવતાં જળતરંગો નૌકામાં આવવા લાગ્યા. પવનનો વેગ વધવા લાગ્યો. આવી જીવલેણ સ્થિતિમાં સ્વામી સારદાનંદ નિર્વિકારભાવે હોકો પીતા હતા. આવું અવિચળ આચરણ જોઈ ડૉક્ટર કાંજીલાલે હોકામાંની ચલમ કાઢીને નદીમાં ફેંકી દીધી અને ઉત્તેજિત થઈને કહ્યું, ‘જુઓ તો, તમે પણ ખરા માણસ છો! આ બાજુ નૌકા ડૂબી રહી છે અને તમે બેઠાં બેઠાં હોકો ગડગડાવી રહ્યા છો.’ સ્વામીએ સ્થિરભાવે કહ્યું, ‘હોકો ન પીઉં તો શું કરું? નૌકા ડૂબ્યા પહેલાં જ શું નદીમાં ભૂસકો મારું?’

આ છે જીવનમુક્ત સ્થિતપ્રજ્ઞનું લક્ષણ. આવા જ વાસુકિ સમુદ્રમંથન વખતે મેરુપર્વતનું નેતરું બન્યા હતા અને સુર-અસુર દ્વારા મંથન થતું હોવા છતાં અવિચળ રહીને અમૃત સહિત ચૌદ રત્નો પ્રાપ્ત કરાવ્યાં હતાં.

સ્વામી સારદાનંદના જીવનનો ઉત્તરાર્ધ સંઘરૂપી શ્રીરામકૃષ્ણ, નરનારીરૂપી શ્રીરામકૃષ્ણ તથા ‘શ્રીરામકૃષ્ણ ગતપ્રાણા:’ શ્રીમાની સેવામાં વ્યતીત થયો હતો.

સ્વામી સારદાનંદે ચાર યોગોમાંથી દરેકમાં સિદ્ધિ પ્રાપ્ત કરી હતી. પ્રત્યેક યોગનો ઉદ્દેશ છે સ્વાર્થપરક અહંભાવનો વિનાશ કરવો. કર્મયોગની સાધના વિશે તેઓ કહે છે, ‘ભગવદ્‌ પ્રીત્યર્થ કર્મનું અનુષ્ઠાન કરો અને ફળ પણ તેમને અર્પણ કરો. પોતાના સ્વાર્થ માટે કર્મ ન કરો. સ્વાર્થ જ મૃત્યુ છે. નિરંતર કર્મ કરો, વિરાટપુરુષની સેવાનિમિત્ત કર્મ કરો. કિંચિત્‌ માત્ર પણ તેમની સેવા કરી શકો તો સ્વયંને ધન્ય સમજો.’

રાજયોગની સાધના વિશે તેમનું વક્તવ્ય હતું, ‘નિશ્ચલ થઈને બેસી જાઓ. આત્મવિસ્મૃત થઈને કોઈ પણ ચિંતા પાછળ ન પડો. એકાગ્રતા જ સંસ્કાર-બીજનો સર્વથા નાશ કરીને સત્ય પ્રગટ કરે છે. યથાર્થ એકાગ્રતાનો ઉદય થતાં તત્કાળ આત્મદર્શન થશે.’

ભક્તિમાર્ગની સાધના અંગે તેમણે કહ્યું છે, ‘ભગવાન સાથે કોઈ પણ એક સંબંધ સ્થાપિત કરો—પિતા, માતા, સખા, પ્રભુ, પતિ, ઇત્યાદિ. ભગવદ્‌-બુદ્ધિથી તેમની પૂજા કરો. શરીર, મન, સ્ત્રી, પુત્ર જે કંઈ પણ તમારાં છે, બધાં તેમને સોંપી દો.’

જ્ઞાનયોગ વિશે તેમનું કહેવું છે, ‘શરીર-મનમાં બદ્ધ વિષય-વાસનાયુક્ત તુચ્છ અહંનો વિનાશ કરીને પોતાને તે મહત્‌ અહંમાં પરિણત કરવો એ જ લક્ષ્ય છે. સત્‌-અસત્‌નો નિત્ય વિચાર કરો. નેતિ-નેતિ વિચાર તથા સ્વસ્વરૂપનું ચિંતન જ જ્ઞાનની સાધના છે.’

Total Views: 4

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.