સ્વામી વિવેકાનંદના લાડકા ગુરુભાઈઓમાંના એક તે સ્વામી અખંડાનંદ. સ્વામી વિવેકાનંદ કરતાં સ્વામી અખંડાનંદ વયમાં સાડાપાંચ વર્ષ નાના હતા. (સ્વામીજીનો જન્મ ૧૨ જાન્યુઆરી, ૧૮૬૩; સ્વામી અખંડાનંદનો જન્મ ૩૦ સપ્ટેમ્બર, ૧૮૬૮). ઠાકુર શ્રીરામકૃષ્ણના મોકલ્યા તેઓ સ્વામી વિવેકાનંદને મળવા ગયા હતા અને એ પ્રથમ મિલને જ બંને વચ્ચે મોટા-નાના ભાઈઓની અતૂટ સ્નેહગાંઠ બંધાઈ હતી.

ઠાકુર શ્રીરામકૃષ્ણના શિષ્યોમાં વિદેશગમન કરનાર પહેલા આ અખંડાનંદ હતા. ઓગણીસેક વર્ષોની કુમળી વયે જ રેલગાડીમાં થોડી મુસાફરી કરી, પ્રાચીન સાધુપરંપરા અનુસાર તેઓ પદયાત્રા કરતા હિમાલયમાં પરિભ્રમણ કરતા ને એને પાર કરી તિબેટમાં તેઓ ગયા હતા. તે પણ એક નહીં પણ ત્રણ વાર. પાસે એક પણ પૈસો નહીં, પૂરતાં કપડાં નહીં અને તિબેટી ભાષાનું જ્ઞાન નહીં, અને સામે પક્ષે બધા વિદેશીઓ પ્રત્યે શંકાશીલ, પોતાની પાસેના જ્ઞાનને મુઠ્ઠીમાં બંધ રાખનારા અને જાતને કોચલામાં પૂરી બેઠેલા લામાઓ : આ સર્વ પરિબળોને કારણે ખૂબ ત્રાસ વેઠી, ગુરુભાઈઓ પણ ઓળખી ન શકે એવા થઈ ગયા. ઈ.સ. ૧૮૮૭ના આરંભથી તે ૧૮૯૦ના આરંભ સુધી, તેઓ સતત પરિભ્રમણ કરતા રહ્યા. મઠમાં પાછા આવ્યા પછી એમણે વિધિવત્‌ સંન્યાસ ગ્રહણ કર્યો હતો.

અગાઉ જણાવ્યા પ્રમાણે, સ્વામી વિવેકાનંદના તેઓ લાડકા હતા – અને અખંડાનંદને પણ પૂજ્ય સ્વામીજી પ્રત્યે ઊંડો પ્રેમાદર હતો. એમની સાથે હિમાલયભ્રમણની તીવ્ર ઇચ્છા સ્વામીજીને જાગી અને બંને ભાઈઓ તરત જ નીકળી પડ્યા. પણ હિમાલયને એ મંજૂર ન હતું અને આ બંને સંન્યાસીઓને આવેલા આકરા તાવે હિમાલયમાંથી મેદાની પ્રદેશમાં પાછા ફરવા ફરજ પાડી. સાજા થયા પછી સ્વામીજીએ જાહેરાત કરી : ‘હવે કોઈએ મારી સાથે આવવું નહીં. હું એકલો ને અજ્ઞાત ભ્રમણ કરવા ઇચ્છું છું.’ આ બોલ સાંભળી સ્વામીજીના નાના ભાઈ સમાન અખંડાનંદ બોલ્યા : ‘આપને પાતાળમાંથી પણ ઓળખી ન કાઢું તો મારું નામ ગંગાધર નહીં.’ ગંગાધર એમનું પૂર્વાશ્રમનું નામ.

સ્વામી અખંડાનંદે એમ કર્યે જ છૂટકો કર્યો. સ્વામીજીનું પગેરું શોધતા તેઓ કચ્છ ગયા અને ત્યાં તેઓ સ્વામીજીને મળ્યા. સ્વામીજીને એ મંજૂર ન હતું એટલે બંને છૂટા પડ્યા પણ તે ફરી, પોરબંદરમાં પ્રખ્યાત સંસ્કૃતજ્ઞ પંડિત શંકર પાંડુરંગને ત્યાં મળવાને માટે પોરબંદરમાં પંદરેક દિવસ સ્વામીજી સાથે એ મહાન વિદ્વાનને ત્યાં રહ્યા. પછી બંને બાંધવો છૂટા પડ્યા. જૂનાગઢ થઈને સ્વામીજી નડિયાદ-વડોદરા ગયા અને અખંડાનંદ જેતપુર, ગોંડલ, રાજકોટ થઈ જામનગર ગયા. અને જામનગર સાથે એમને એવી લેણાદેણી હશે કે ત્યાં તેઓ પૂરું એક વર્ષ ચીટકી રહ્યા. મૂળ બંગાળી સ્મૃતિકથાનો અંગ્રેજી અનુવાદ ‘ફ્રોમ હોલી વોંડરિંગ્ઝ ટુ ધ સર્વિસ ઓફ ગોડ ઈન મેન’ નામની પોતાની રોચક પ્રવાસકથામાં પોતાના જામનગર નિવાસની વાતના આરંભમાં જ સ્વામી અખંડાનંદે જણાવ્યું છે, તે પણ ભારપૂર્વક જણાવ્યું છે : ‘જામનગરમાં સેવાવ્રતનાં મૂળ ફૂટ્યાં એનો વિકાસ ખેતડીમાં થયો અને મુર્શિદાબાદમાં એને ફળ લાગ્યાં.’ (પૃ.૪૬)

૧૮૯૭ના મેમાં રામકૃષ્ણ મિશનની સ્થાપના થયા પછી ગણતરીના દિવસોમાં જ મિશનના પહેલવહેલા રાહતકાર્યનો આરંભ કેવો તો અનાયાસે સ્વામી અખંડાનંદે બંગાળના મુર્શિદાબાદમાં કર્યો હતો, તેની કથા રોચક છે પણ એમણે જાતે જ જણાવ્યા પ્રમાણે એ સેવાવ્રતનાં ‘મૂળ’ જામનગરમાં ફૂટ્યાં હતાં, અને એ બધું અનાયાસ બન્યું હતું. એમની જામનગર નિવાસની એ કથા, એમની ઉપર ઉલ્લેખિત કથામાં સાંપડે છે તે જોઈએ.

પોતાની એ યાત્રાકથામાં સ્વામી અખંડાનંદે જણાવ્યું છે કે ‘રાજકોટથી જામનગર જતાં ભયંકર આંધિનો સામનો મારે કરવો પડ્યો હતો. અહીં હું એક વરસ રહ્યો હતો!’

સને ૧૮૯૩માં જામનગર કે નવાનગર રાજ્યમાં જામ વિભા રાજ કરતા હતા. એ લોકપ્રિય રાજવી હતા. તે સમયે સૌરાષ્ટ્રમાંના અગત્યનાં દેશી રાજ્યોમાંનું તે રાજ્ય હતું. રાજકોટમાં બ્રિટિશ પોલિટિકલ એજંટની ઓફિસ કાર્યરત હતી અને સૌરાષ્ટ્રનાં દેશી રાજ્યોને સુધારાને રાહે ચડાવવાનાં પગલાં એ ભરી રહી હતી. રાજકોટમાં રાજકુમાર કોલેજ પણ કાર્ય કરતી થઈ ગઈ હતી અને ગોંડલના રાજવી ભગવતસિંહ, જામનગરના વિભાજામના દત્તક રાજકુમાર રણજિતસિંહ, લીંબડીના ઠાકોર સાહેબ યશવંતસિંહ વગેરે રાજકુમારોને પાશ્ચાત્ય રંગે રંગી રહી હતી. જામનગરમાં અદાલતો, દવાખાનું, નળ, હાઈસ્કૂલ વગેરે સ્થપાઈ ચૂક્યાં હતાં. એ પરિવર્તનકાળે જામનગરમાં કેટલાક ઉત્તમ કોટિના પુરુષો વસતા હતા. એમાંના એક હતા સુપ્રસિદ્ધ વૈદરાજ ઝંડુભટ્ટજી. આજની પ્રખ્યાત દવા બનાવતી કંપની ઝંડુ ફાર્મસીમાં એમનું નામ જળવાઈ રહેવા પામ્યું છે. સો વર્ષની વયની નિકટ આવ્યા પછી એમનાં પુત્રવધૂ પંદર સત્તર વર્ષો પહેલાં મુંબઈમાં અવસાન પામ્યાં છે.

સ્વામી અખંડાનંદજીએ જામનગરમાં પગ મૂક્યો તેવું તેમનું સદ્‌ભાગ્ય તેમને લુહારસાટના ચકલાથી ખારવા ચકલા જવાને રસ્તે, ડાબે હાથે એક ખાંચામાં આવેલા મોટા એવા ‘ધન્વંતરિ ધામ’માં લઈ ગયું. એ ઝંડુ ભટ્ટનું ઘર હતું. એટલું જ નહિ પણ, એ દવાખાનું હતું. હોસ્પિટલ પણ હતી અને ઔષધો બનાવવાનું નાનું કારખાનું પણ હતું. દુર્ભાગ્યે, ભટ્ટજીનું મેડીબંધ વિશાળ રહેણાક મકાન અને બીજાં થોડાંક મકાનો ખંડેર બની ગયાં છે. બીજાં જે મકાનો છે તે, તેમાં રહેતા લોકોએ દુરસ્ત કરાવી તેમને રહેવા લાયક રાખ્યાં છે.

સ્વામી અખંડાનંદ કોઈના દોર્યા એમને ત્યાં જ સીધા જઈ ચડ્યા હશે અને એમણે લખ્યા પ્રમાણે, ભટ્ટજીને ત્યાં એમનો પહેલો મુકામ ત્રણચાર મહિના ચાલ્યો હતો. ઝંડુભટ્ટ નાગર જ્ઞાતિમાંની એક પ્રશ્નોરા જ્ઞાતિના. જ્ઞાતિબદ્ધ સમાજમાં એ જ્ઞાતિ ઉચ્ચ ગણાતી અને લગભગ મરજાદીની જેમ જ વ્યવહાર કરતી. તેમાં કવિ કાંત, સંગીતકાર આદિત્યરામ, સર પ્રભાશંકર પટ્ટણી, રામનારાયણ વિ. પાઠક, પ્રબોધ પારાશર્ય વગેરે અગ્રણી પ્રશ્નોરાઓ. ઝંડુભટ્ટને ઘેરથી નીકળી, ઘાંચીની ખડકીએથી ગઢની રાંગની બહાર નીકળ્યા પછી, રંગમતી નદીને કાંઠે આઠદસ મિનિટ ચાલવાને અંતરે આવેલા સુખનાથના મંદિરને અડીને જ ભટ્ટજીની ઔષધોની વાડી અને રસશાળા આવેલાં છે.

સ્વામી અખંડાનંદે જામનગરના તે જમાનાના કેટલાક બીજા લોકોનો ઉલ્લેખ કર્યો છે. એમણે ત્રણ અગ્નિહોત્રીઓનો ઉલ્લેખ કર્યો છે. જો કે તેમનાં નામ આપ્યાં નથી. એમણે ઉલ્લેખેલા અગ્નિહોત્રીઓમાંથી એક જટાશંકર અગ્નિહોત્રી, ઈ.સ. ૧૯૨૫-૩૦ આસપાસ અવસાન પામ્યા હતા. બીજો ઉલ્લેખ બાવાભાઈ અચળજીનો કર્યો છે. શ્રી બાવાભાઈ જ્ઞાતિએ વડનગરા નાગર હતા. એ કુશળ રસવૈદ્ય હતા અને ઝંડુભટ્ટ કુશળ વનસ્પતિ વૈદ્ય હતા. શ્રી બાવાભાઈ કે પછીથી એમના પુત્ર – મુંબઈમાં વૈદ તરીકે સ્થાયી થયા હતા. એમનું દવાખાનું પ્રિન્સેસ સ્ટ્રીટ અને લુહારચાલના ફાંટા પડે છે તે ગોળાઈવાળા ભાગ પર આવેલું હતું. શ્રીબાવાભાઈએ વૈદક પર લખેલા સંસ્કૃત પુસ્તકનું સંપાદન ગુજરાત આયુર્વેદિક યુનિવર્સિટીના ભૂતપૂર્વ વાઈસ ચેન્સલર શ્રી વિનાયકરાય ઠાકરે કરેલું છે.

એવો બીજો અગત્યનો ઉલ્લેખ સ્વામી અખંડાનંદે શંકરજી શેઠનો કર્યો છે. એમની મૂળ અટક માંકડ હતી પણ ધીરધારની મોટી પેઢીના એ ધણી હોઈ શેઠને નામે ઓળખાતા. કલ્યાણજીના મંદિરથી થોડે અંતરે આવેલા ડેલી ફળિયામાં તેઓ રહેતા હતા. ત્યારે એ વિસ્તારમાં નાગર જ્ઞાતિનાં બીજાં કેટલાંક ઘર પણ હતાં. આજે એ સમગ્ર વિસ્તારમાં જૈનો વસે છે. એ વિસ્તારમાં આજે પણ જ્વાળામુખી માતાજીનું મંદિર સચવાઈ રહ્યું છે અને કેટલાક નાગર-ગૃહસ્થો એ મંદિરમાં નિયમિત દર્શને જાય છે.

આજની માફક એ સમયે જૈન, હિંદુ અને ભાટિયા લોહાણા વણિક તથા, વોરા, ખોજા, વેવાટિયા મેમણ વગેરે કોમોના આગેવાનોનો સ્વામી અખંડાનંદે ઉલ્લેખ કર્યો નથી. અખંડાનંદજી એ કોમોના આગેવાનોના પરિચયમાં આવ્યા ન હોય તેવું બને.

‘છોટી કાશી’ કહેવાતા જામનગરમાં કેટલાક વેદિયાઓ હતા અને એ સૌ વેદાધ્યયન કરતા પણ એ માત્ર સ્વરો પ્રમાણે પાઠ કરવાથી આગળ વધતું ન હતું એમ સ્વામી અખંડાનંદે નોંધ્યું છે. ભટ્ટજીને ત્યાં જ ચતુષ્પાઠી હતી અને સ્વામી અખંડાનંદે જણાવ્યા પ્રમાણે દાક્ષિણાત્ય બ્રાહ્મણો પણ ત્યાં અતિથિ બનતા અને ચાતુર્માસ પણ ગાળતા. આ સર્વ ઝંડુ ભટ્ટના હૃદયની વિશાળતા અને ઉદારતા દર્શાવે છે. ગરીબ વિદ્યાર્થીઓ રહેતા અને જમતા પણ ત્યાં. ઝંડુભટ્ટની વેદભક્તિ જેટલી જ ગરીબો પ્રત્યેની એમની અનુકંપા હતી. એ કાળે જેમના સામવેદગાનને મદ્રાસ યુનિવર્સિટીએ રેકોર્ડ કર્યું છે તે પંડિત રેવાશંકર શાસ્ત્રીના ગુરુ મહાન સામવેદાચાર્ય લક્ષ્મીશંકર ત્રવાડીનો સંપર્ક સ્વામી અખંડાનંદને થયો જણાતો નથી, કારણ તેમનો ઉલ્લેખ સ્વામી અખંડાનંદે કર્યો નથી. સને ૧૯૨૪-૨૫ આસપાસ ઠીક ઠીક મોટી વયે ત્રવાડીજી અવસાન પામ્યા હતા.

‘છોટી કાશી’ને નામે ઓળખાતા જામનગરમાં અનેક મંદિરો આવેલાં છે. જૈન દેરાસરો અને ઉપાશ્રયોની સંખ્યા પણ મોટી છે અને મસ્જિદોની સંખ્યા પણ મોટી છે. સ્વામી અખંડાનંદે બેચરામાતા – બહુચરા માતા – કલ્યાણજી અને ભીડભંજન આ ત્રણ મંદિરોનો ઉલ્લેખ વિશેષ કરેલો છે. આ ત્રણમાંથી બે, બહુચરાજીનું અને કલ્યાણજીનું એ બે મંદિરો ગામની અંદર અને એકમેકથી આઠદસ મિનિટને ચાલવાને અંતરે આવેલું છે જ્યારે ભીડભંજનનું મંદિર ભીડભંજનના નાકાની – એ નાકું તોડી પાડવામાં આવ્યું છે – બહાર, વિશાળ ખુલ્લી જગ્યામાં આવેલું છે. ભીડભંજન જામનગર શહેરના ગ્રામદેવતાને સ્થાને છે. કલ્યાણજીનું મંદિર હવેલી સાથે સંલગ્ન નથી અને ગઈ સદીના પ્રારંભ કાળ સુધી અનેક લોકો કલ્યાણજીને ‘આઠ આનાના પેંડા’ ધરાવવાની બાધા માનતા. એ મંદિર પણ પ્રમાણમાં મોટું છે.

આ સિવાય જામનગરથી ઈશાન ખૂણે થોડે અંતરે (દોઢ-બે કિલોમિટર) આવેલાં સિદ્ધનાથ અને નાગનાથનાં બે પ્રાચીન દેવાલયો છે. સિદ્ધનાથનું દર્શન કરવા માટે આઠદસ પગથિયાં નીચે ઊતરવું પડે છે. તેમજ નાગનાથના પ્રાચીન નાના મંદિરમાં દર્શન કરવા માટે પણ નીચે ઊતરવું પડે છે. નાગમતી નદી, નાગનાથ દેવતા અને નાગના ગામ: આ ત્રણ વચ્ચેનો સંબંધ જોઈ શકાય છે. નાગનાથના મંદિરને અડીને જ વહેતી નાગમતી નદીનાં નીર ઘણાં નીચાં ઊતરી ગયાં છે. નાગનાથના મંદિરની નદી તરફની ભીંતમાં વહાણ બાંધવા માટેનું કડું અગાઉ જોવા મળતું હતું. આ પ્રાચીન મંદિરોનો તેમજ શહેરમાં જ આવેલાં હાટકેશ્વર, વૈદ્યનાથ વગેરે મંદિરોનો ઉલ્લેખ પણ સ્વામી અખંડાનંદજીએ કર્યો નથી. વળી શહેરની મધ્યમાં જ આવેલાં જૈન મંદિરોનો ઉલ્લેખ પણ જોવા મળતો નથી. આ જૈન મંદિરો શંકરજી શેઠના ઘરની નજીક આવેલાં છે.

આ શેઠજીના અતિથિ બનતાં પહેલાં ઝંડુભટ્ટના ધન્વંતરિ ધામમાં અખંડાનંદજીએ ચરક અને સુશ્રુત સંહિતાઓનું અધ્યયન કર્યું હતું. આવાં પ્રાચીન પુસ્તકો વસાવનાર ભટ્ટજી કેવા ઊંડા અભ્યાસી હતા તે આના પરથી જાણવા મળે છે. આથી જ તો રાજા રજવાડાઓ અને બહારગામના શેઠિયા સાહુકારો ભટ્ટજીને પોતાની તબિયત જોવા બોલાવતા અને ભટ્ટજી સિગરામમાં એ રીતે વઢવાણ, જામખંભાળિયા વગેરે સ્થળોએ જતા. સ્વામી અખંડાનંદ આ રીતે ભટ્ટજીની સાથે જામખંભાળિયે ગયા હતા. તેનો અનુભવ એમણે નોંધ્યો છે.

ભટ્ટજીને ત્યાં બે ત્રણ મહિના રહ્યા પછી અને ત્યાં માંદા પડી જતાં ભટ્ટજીની દવા તથા પથ્યાપથ્યને કારણે, સ્વામી અખંડાનંદમાં થોડી નબળાઈ આવી ગઈ. એમણે સૌરાષ્ટ્રના ખોરાકની ખાસિયત વિશે લખતાં જણાવ્યું છે કે ‘કાઠિયાવાડના લોકો ખૂબ વધારે પડતા ઘીમાં રંધાયેલ ખોરાક ખાય છે.’ (પૃ.૫૪) એમણે ‘ચૂરમાના લાડુ’નો પણ ઉલ્લેખ કર્યો છે. ઘીનો અતિરેક સ્વામીની બંગાળી હોજરીને માફક નહીં આવ્યો હોય અને એ માંદા પડી ગયા હશે. આ સંજોગોમાં જ એ શંકરજી શેઠના પરિચયમાં આવ્યા અને એ શેઠ એમનાથી આકર્ષાઈ સ્વામી અખંડાનંદજીને પોતાને ઘેર લઈ ગયા.

ધીરધારનો ધંધો કરતા શેઠ સમૃદ્ધ હતા. એ વિધુર અને અપુત્ર હતા અને ડેલી ફળિયે આવેલા પોતાના ઘરમાં તેઓ વૃદ્ધ માતા તથા ભત્રીજાઓ સાથે વસતા હતા. ઘેર રસોઈયો તથા નોકરો પણ હતા. એમને સ્વામી અખંડાનંદજી પ્રત્યે ખૂબ આદર હતો અને શેઠજીએ પોતાના એ આદરને મૂર્તિમંત કરવા તત્પરતા દાખવી. સ્વામી અખંડાનંદને કહ્યું હતું કે ‘શ્રીરામકૃષ્ણનું મંદિર બંધાવવા માટે હું જમીન ખરીદી, તે પર મંદિર તૈયાર કરાવી આપું. આપ અહીં જ રોકાઈ જાઓ.’ પણ અખંડાનંદે કહ્યું કે ‘સાધુ ચલતા ભલા’, અને તેઓ જામનગર કાયમ માટે રોકાવા તૈયાર ન થયા. શ્રીરામકૃષ્ણદેવનું સૌથી પ્રથમ મંદિર બનાવવાનું માન ખાટવામાંથી જામનગર રહી ગયું. અને રહી ગયું તે એવું કે પૂરાં એકસો ને સોળ વર્ષે, એ સંજોગો ફરી આવ્યા.

શંકરજી શેઠનું નીમ હતું કે રોજ એક સંન્યાસીને જમાડવા. સ્વામી અખંડાનંદને પોતાને ત્યાં રાખવાથી શેઠનું આ નીમ સહેલાઈથી પાળી શકાતું હતું. એકવાર કોઈ બીજા સંન્યાસી ભોજન માટે આવી ચડ્યા તો રસોઈયાએ એને રોકડું પરખાવ્યું: ‘અમારે ઘેર એક આ સાધુ તો રોજ જમે છે. બીજાને જમાડી શકાય એમ નથી.’ પેલા સાધુ જવા માંડતાં એ સાધુને રોકી અખંડાનંદજીએ રસોઈયાને કહ્યું કે આજે હું નહીં જમું. મારે બદલે આ સંન્યાસી જમશે.

શંકરજી શેઠ પેઢીએથી આવ્યા અને નાહીને પાટલે બેઠા તો, સ્વામી અખંડાનંદ જમવામાં ન હતા. પેલો બીજો સંન્યાસી હતો. તપાસ કરતાં સ્વામી અખંડાનંદ પાસેથી બધી કથા સાંભળી. શંકરજી શેઠે સ્વામી અખંડાનંદને પણ જમવા બેસાડ્યા અને કોઈ પણ સંન્યાસીને પાછો નહીં કાઢવાનો આદેશ તેમણે પોતાના રસોઈયાને તથા ભત્રીજાઓને દીધો.

ભત્રીજાઓને સ્વામી અખંડાનંદની હાજરી કણાની માફક ખૂંચવા લાગી હતી અને એમણે સ્વામી અખંડાનંદની કોફીમાં ધતુરાનાં બી જેવો કંઈ ઝેરી પદાર્થ ભેળવી દીધો. એ કોફી પીતાં વેંત સ્વામી અખંડાનંદને ખૂબ ઝાડા થઈ ગયા અને ખૂબ નબળાઈ વર્તાવા લાગી. એમને સદ્‌ભાગ્યે, ઝંડુભટ્ટજી ત્યાં આવ્યા હશે તે સ્વામીને તરત જ પોતાના ટાંગામાં પોતાને ઘેર લઈ ગયા અને સ્વામીને તરત જ ઔષધ આપ્યું. બીજે દહાડે સ્વામી અખંડાનંદને કોફીનો કપ ધરી તેમાંથી એક જ ઘૂંટડો લેવા કહ્યું. ગઈ કાલના જ ઝેરવાળી એ કોફી હતી પણ ભટ્ટજીની કાળજીભરી સારવારથી એમની તબિયત થોડા સમયમાં સુધરી ગઈ.

સ્વામી અખંડાનંદે જામનગરમાં પગ મૂક્યો અને તેઓ ઝંડુભટ્ટને ઘેર ગયા હતા ત્યારે ભટ્ટજી પોતે ત્યાં ન હતા. પણ થોડા દિવસ પછી તેઓ ભટ્ટજીના પરિચયમાં આવ્યા હતા અને આવ્યા તે ભેગા જ તેઓ ભટ્ટજીના ગુણાનુરાગી બની ગયા હતા.

ભટ્ટજીએ સ્વામી અખંડાનંદ પાસે ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરના જીવનચરિત્રના પુસ્તકનું વાચન કરાવ્યું હતું, તે દેશના પશ્ચિમ ભાગમાં વસતા ભટ્ટજીની દેશના પૂર્વ ભાગમાં વસતા વિદ્યાસાગર પ્રત્યેની ગુણાનુરાગિતા સૂચવે છે. એ જમાને સૌરાષ્ટ્રમાંથી તો શું, અમદાવાદથી પણ એક વર્તમાન પત્ર પ્રગટ થતું ન હતું. મુંબઈથી પ્રગટ થતા પ્રસિદ્ધ ‘ગુજરાતી’ સાપ્તાહિકમાંથી ભટ્ટજીએ કદાચ એ માહિતી મેળવી હોય.

Total Views: 191

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.