(ગતાંકથી આગળ)

સરીયામ વાટે હતું વિપ્ર કેરું ઘર;
નીકળતા ત્યાંથી સાધુ સંતો નિરંતર.
ત્યાં થઈને વાટ જગન્નાથપુરી જાય;
થાક્યા પાક્યા યાત્રાળુઓ વિસામો ત્યાં ખાય.
ભૂખ લાગ્યે, તૃષા લાગ્યે માગે દ્વિજ ઘરે;
માગતાંને આપે વિપ્રદંપતી સત્વરે.
ભૂદેવ ગરીબ પણ દયાના સાગર;
માટીલીંપી ભીંતો તથા ઘાસે છાયું ઘર.
તેય વળી નાનું, તેનું ઊંચેરું ચઢાણ;
ઓરડાઓ ઝાઝા નહિ, એક બે ને ત્રણ.
તેમાંથીયે એક તો એ ખાંડવાનું ઘર;
ખેતી પાક્યે રાખે તેમાં ડાંગરનો ભર.
ઘાસે છાયું છાપરું દે બહારથી દરશન;
દેખતાં જ લાગે કે એ દીન – નિકેતન.
છતાંયે પ્રભાવ એનો એવો ચારેકોર;
દેખતાં પ્રસન્ન થઈ નાચે મનમોર.
આજુબાજુ વૃક્ષલતા અતિ મનોરમ;
જાણે કોઈ તપસ્વી કે ઋષિનો આશ્રમ.
શુદ્ધ સત્ત્વ ગુણભર્યું શાંતિકર સ્થાન;
ક્ષુધાતૃષા – દૂરકારી દયા વિદ્યમાન.
જળ પીવા યાત્રાળુ પથિક આવે ત્યારે;
દ્વિજ નિજ ઘેર આપી આદર બેસારે.
હેતભરી વાણી બોલી વળી એ સત્કારે;
જમ્યા વિના બાપુ, જશો નહિ તો અત્યારે.
આર્થિક ઉન્નતિ કહી તે આ અન્નદાન;
ક્યાંથી આવે અન્ન તેનું મળે ન નિદાન.
પ્રભુ જેના પુત્ર, ખોટ શેની તેને ઘેર;
લક્ષ્મી જ્યાં નિવાસ કરે, ભંડારી કુબેર.
પિતામાતા પાડોશીઓ સમજે ન જરી;
ખેલે શિશુ ભગવાન કેવો રંગ કરી.
એક દિન આઈ લઈ બાળકને ખોળે;
સૂર્યસ્નાન કરાવે ને ડીલે તેલ ચોળે.
વિશ્વંભર-આવેશે ભરાયું શિશુઅંગ;
બાળકનો ભાર દેખી આઈ થયાં દંગ.
ભાર વધી જતાં તેને સૂપડામાં રાખે;
સૂપડુંયે કડકડ કડાકાજ નાખે.
થયું આ શું કહી આઈ કરતાં રુદન;
અચળ ને સ્થિર બાળ રહિત સ્પંદન.
સૂપડામાંથી ખોળે લેવા ઘણું મન કરે;
ઠાકુરાણી વારેવારે પ્રયતન કરે.
પણ ન ઉઠાવી શકે કેમે કર્યો બાળ;
લાગ્યાં રડવા ને પડી અંતરમાં ફાળ.
આઈનું રુદન સુણી જે કો’ હતું જ્યાંહાં;
શાને રડે આઈ જોવા દોડી આવ્યું ત્યાંહાં.
રોતાં રોતાં કહે આઈ, ‘બાળ બહુ ભારે;
સૂપડામાંહેથી ખોળે લઈ શકું ના રે’.
સામે લીમડામાં બ્રહ્મદૈત્ય તણો વાસ;
આવી એ ભરાયો લાગે છોકરામાં ખાસ.
માની અનુમાન એનું કહે લોકો પણ;
ભૂવાને બોલાવી લાવો ઝટ કોઈ જણ.
જંતરમંતર ગડબડ ભૂવો બોલે;
ભાર જતાં ઊઠાવી શકાયો શિશુ ખોળે.
બીજે એક દિન ગઈ ગૃહકાજે આઈ;
ચૂલી પાસે નજીકમાં શિશુ સુવડાવી.
દેવતા ન હતો ચૂલમાંહે હતી રાખ,
શિશુ ત્રણ માસનો પાડોશી પૂરે સાખ.
આળોટતો જાય બાળ કરતો હોકાર;
ચૂલમાંહે અરધો ને અર્ધો છે બહાર.
કાન્તિપૂર્ણ શિશુઅંગ દેખી ચંદ્ર હારે;
આળોટતો હતો બાળ રાખની વચ્ચારે.
દોડી આવી આઈ દેખે ઘટના એ ત્યાંય;
પ્રાણપ્રિય પુત્ર તો આળોટે ચૂલમાંય.
રાડ પાડી ઊઠી જોતાં છોકરાની કાય;
બોલી ઊઠી, ‘બાળ આવો લાંબો કાં દેખાય?
હજી હમણાં જ મૂક્યો પથારી ઉપરે;
કોણે લઈ નાખ્યો એને ચૂલાની ભીતરે.
શેણે થયું આવું તેનું શરીર પ્રખર;
નાનો હતો મૂક્યો જ્યારે પથારી ઉપર’.
રડી પડ્યાં બોલી, કો’કે કરીયું જારણ;
સુણીને રુદન આવી ધની લૂહારણ.
સુણી બોલી ઊઠી ધની કરતી વારણ;
માતા થઈ અમંગળ બોલો શા કારણ?
લાવો લાવો છોકરાને હું જ ઝાડી દઉં;
થયું હોય કાંઈ તો મંતર મારી દઉં.
એક કહી બાળ પરે કરે મંત્ર-ગત;
એટલે દેખાયો બાળ પાછો પૂર્વવત્.
ધની લૂહારણ કોણ? પ્રભુલીલા કેવી;
અદ્ભુત હતી એ બાઈ નંદરાણી જેવી.
શિશુરૂપી ભગવાને ચેટર્જીને ઘેર;
જાણે કે આરંભ્યો ખેલ નવો હર્ષભેર.
અદ્ભુત એ ખેલ કેરો અગમ્ય આભાસ;
માતાપિતા પાડોશીઓ પામે નવ ખાસ.
એવી રીતે વીતી ગયા માસ શુભ ચાર;
ઘટનાયે બની એક કલ્પનાથી પાર.
આઈ ગયાં બાજુમાંહે હતું કંઈ કાજ;
પાછી આવું ઝટઝટ એવો જ અંદાજ.
પાછાં આવી જુએ તો પ્રકાર વિચિતર;
બાળકને સ્થાને સૂતો હતો કોઈ નર.
ભયથી પોકારી દોડ્યાં બોલાવવા પતિ;
જુએને આ કોણ સૂતું, પુત્ર અહીં નથી.
સૂતો છે કોઈક નર, અતિ દીર્ઘ કાય;
ગયો ક્યાં રે બાળ મારો, કેમ ન દેખાય?
સુણી ભયભીત થઈ દ્વિજ દોડ્યા ઝટ;
ધાઈ આવ્યા ઓરડામાં ભારજાસગટ.
જુએ છે તો મૂળસ્થાને ખેલી રહ્યો બાળ;
આઈ એ ઉઠાવી દીધું દૂધ તત્કાળ.
ભયભીત સ્ત્રીને બોલ્યા વિપ્ર ધૈર્ય ધારી;
દેખ્યું તે બધુંય સાચું માનો વાત મારી.
પરંતુ આ વાતો બધી કે’તાં નહિ બ્હાર;
અસંભવ : આવું કોઈ નહિ માનનાર.
શાબાશ માયાના ખેલ, તારી બલિહારી;
અંતરે કળાય, શકું વર્ણવી ન જરી.
ઐશ્વર્યને ભૂલી ગયાં બ્રાહ્મણબ્રાહ્મણી;
પ્રેમે નીરખતાં કાંતિ પુત્રમુખ તણી.
વારેવારે દીએ ચૂમી વદનકમળે;
આનંદનાં આંસુ વહી પડે વક્ષ:સ્થળે.
છઠ્ઠે માસે શુભદિને થયું અબોટણ;
આનંદ સમાય નહિ દ્વિજ તણે તન.
નવાં વસ્ત્રો અલંકારો પે’રાવ્યાં શ્રીઅંગે;
સુંદર ચંદનરેખા સોહે લાલ રંગે.
શિરે શોભા થાય, અંગે ચંદનભૂષણ;
ઝાંખાં પડે એની પાસે મણિ-આભૂષણ.
મૂળે જ સુંદર, વળી ચંદનચર્ચિત;
જે કો’ દેખે નેત્રોથી તે થાય મુગ્ધચિત્ત.
વિરિંચિવાંછિત દૃશ્ય વદન મંડળે;
કામારપુકુરવાસી જોવા ટોળે મળે.
નામ પાડવાનો દિન આવ્યો સાવ પાસ;
શું નામ રાખીશું પિતા વિચારે એ ખાસ.
ગયાધામે કરી ગદાધરનાં દર્શન;
પામ્યા હતા પુત્રરૂપે કુમારરતન.
સ્મરીને એ પાડ્યું શુભ નામ ગદાધર;
બોલાવે ગદાઈ કહી કરીને આદર.
ગુરુદત્ત નામ રામકૃષ્ણ જગે ખ્યાત;
રામકૃષ્ણ પરમહંસ વિશ્વમાં વિખ્યાત.
નામ યુગે ઘડ્યું નામ એનો મહિમાય;
વેદો પણ પામે નહિ પાર એનો ક્યાંય.
જીવનનું પરમ ધન જીવની પરમ ગતિ;
ભાગ્યવાન કોઈ પામે મનમાંહી પ્રીતિ.
રતિમતિ રામકૃષ્ણ નામે એ જ ચાહું
કૃપા કરી આપો મને દીનને કૃપાલુ.
હજુ એક કૃપા ભિક્ષા માગું લીલાપતિ;
વસો મમ હૈયે પ્રભુ જેથી લખું પોથી.

શિવનો આવેશ

જય જય શ્રીરામકૃષ્ણ વાંછા કલ્પતરુ,
જય જય ભગવાન જગતના ગુરુ;
જય જય રામકૃષ્ણ તણા ભક્તગણ,
યાચું રજ ચોટેલી એ સહુને ચરણ.
સુણો મન પ્રભુની સુંદર બાલ્યકથા;
ગુપ્તથીયે ગુપ્ત છે આ બધીએ વારતા.
બહુજ મધુર કથા મોટું છે આશ્ચર્ય;
આઈને દેખાડે પ્રભુ વિવિધ ઐશ્વર્ય,
વચ્ચે વચ્ચે શિવનેત્ર સમ થતી આંખો;
નિશ્ચળ ને સ્થિર તથા પડે નહિ પાંખો,
દેખી નેત્રો સ્થિર રડે આઈ લઈ ખોળે;
બ્રહ્મદૈત્ય ભરાયો માનીને ભાવે ભોળે.
બાધા રાખે ભૂત પ્રેત દેવી દેવતાની;
આંખે વહે વારિધારા કેટલી માતાની.
ભૂતપતિ શિવનામ કેરું ઉચ્ચારણ;
કર્યો થતાં વળી પાછાં નેત્ર સાધારણ.
અધરે મધુર હાસ્ય જુએ માતા સુખે;
ભૂલાવતા માને પ્રભુ લઈ સ્તન મુખે.
એવી રીતે વર્ષ બે કે ત્રણ ગયાં સરી;
સમવય બાળકોની સાથે ખેલ કરી.
લાહા નામે ધની એક વસે ગામમાંહે;
આવે જાય બાળ સદા તેના ધામમાંહે.
નામે ધર્મદાસ લાહા મોટો કારભાર;
ખૂબ ધનવાન ને વિશાળ વહેવાર.
વેપાર વણજ બધો ચોપડે લખાય;
કારભાર રુપિયાનો નોંધીને રખાય.
વે’વારે સંસારી જન થાય એકચિત્ત;
ખાસ તો હિસાબ ગણી લખે જ્યારે વિત્ત.
એવું તેનું મન બીજા શેમાયેય ન રહે;
ભક્તો તેથી વે’વારને વિષવત્ કહે.
પણ ધર્મદાસ ખાતું લખવાને કાળે;
ટપુટપુ આવતા ગદાઈને જો ભાળે.
પછી રહે નહિ તેનું હિસાબમાં મન;
છૂટે ખાતાવહી થતાં બાળનાં દર્શન.
બોલાવે ધરમદાસ બાળ ગદાધર;
‘આવો બેટા, આવો; જાઓ ઘરની અંદર.’
પુત્રથી યે વધુ પ્રેમ રાખે તેની નાર;
એવો તો રમાડે કે ન જેનો આરાવાર.
હાથણી સમાન ગાયો આંગણે દૂઝતી;
દૂધની મિઠાઈ બહુ પ્રકારની થતી.
ખવરાવે ગદાઈને બહુ પ્રેમ ગુણે;
બાળકની કાલીકાલી વાતો સૌ સુણે.
તેમનો નંદન ગયાવિષ્ણુ જેનું નામ;
વયમાં એ બરાબર ગદાઈ સમાન.
ખેલતાં વિવિધ ખેલ બે ય ગાય ગીતિ;
જામી બેય બાળકોમાં ખૂબ ગાઢ પ્રીતિ.
ભાગ્ય જો તું ગયાવિષ્ણુ કેરું મન મારા;
મિત્રરૂપે મળ્યા તેને પ્રભુદેવ પ્યારા.
અખિલના નાથ જેહ જગતના પિતા;
તેની સાથે ગયાવિષ્ણુ તણી છે મિત્રતા.
ખેલે વિધવિધ ખેલ બાળકોની સાથે;
જાણે કૃષ્ણ નંદગૃહે ગોવાળો સંગાથે.
ગોકુળમાં નંદરૂપે જેહ ગાયો ચારે;
કામારપુકુરે ધર્મદાસ એ આ વારે.
વધુ શું હું કહું વંદું યુગલચરણ;
ખેલે ઘેર જેને ભવમરણકરણ.

(ક્રમશ:)

Total Views: 281

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.