છેલ્લી વાત એ છે કે જે સાકારમાં છે, તે જ નિરાકારમાં છે. જેમનું સાકાર, તેમનું જ નિરાકાર. તેઓ જ છે, સાકાર અને નિરાકાર બંને. આ બે સિવાય પણ બીજું વધારે જે કંઈ છે, તે તેઓ જ છે. એક સિવાય બીજું કોઈ જ નથી. એટલે જે કંઈ ભગવાનનાં જુદાં જુદાં સ્વરૂપો જુઓ છો કે એમના વિષેની જુદી જુદી વાતો સાંભળો છો, એ બધી એમની જ છે. બધું તેઓ જ છે. જે આધાર છે, તે જ આધેય છે. જે અદ્વૈત છે, તેઓ જ દ્વૈત છે. દ્વૈત અને અદ્વૈત બંને તે એકનો જ ખેલ છે.

જે સદ્‌ભાગી જીવ સાચો દ્વૈતવાદી છે, એ જ સાચો અદ્વૈતવાદી પણ છે. સાચા દ્વૈતવાદી અને સાચા અદ્વૈતવાદી વચ્ચે કોઈ તફાવત નથી. અનંતની વચ્ચે જેણે એ એકનો જ ખેલ જોયો છે, એનાં જ સાચાં દર્શનમાં તેને અદ્વૈત જ્ઞાન થાય છે. અનેકમાં એકને જોવાની દૃષ્ટિ એ જ તો છે અદ્વૈતજ્ઞાન. આ જ્ઞાનની પ્રાપ્તિથી જીવ શિવત્વની સ્થિતિ એટલે કે દેવદુર્લભ અવસ્થા મેળવે છે. ત્યારે તો શ્રીરામકૃષ્ણદેવ કહ્યા કરતા કે ‘અદ્વૈતને પાલવના છેડે બાંધીને પછી જે ઇચ્છા થાય તે કરો.’

‘જે ઇચ્છા થાય તે કરો’ એનો અર્થ એ નહીં કે આ રીતે અદ્વૈતજ્ઞાન મેળવેલો મનુષ્ય મનમાં જે આવે તે કરે. તેનો અર્થ એ છે કે એવો મનુષ્ય જે કંઈ પણ કરશે તે યોગ્ય કાર્ય જ હશે. કેમકે હવે તેના પગ બેતાલ પડી શકતા નથી.

ભગવાનનો ખેલ અદ્‌ભુત છે. પાછો તે અનંત પણ છે. તમે ક્યાંય સુધી એ ખેલ જોતા જ રહોને, એ ખેલ તમને ધીમે ધીમે અનંત જ જણાશે. જેમકે સમુદ્રમાં કોઈ દૂર સુધી જાય તો તેને સાગરની અસીમ વિશાળતા જ દેખાશે. એવી જ રીતે ભગવાનના ખેલને કોઈ વધુ ને વધુ સમય સુધી જુએ તો તે વધુ ને વધુ વિસ્તરતો જતો દેખાશે. આ ખેલ પ્રકારમાં તો અનંત છે જ, પણ આકારમાંય અનંત છે. મનુષ્યની બુદ્ધિમાં અનંતની ધારણા થઈ શકતી નથી. જેણે આ અનંતના અણુનાયે અણુનો અને તેના ય અણુનો માત્ર આભાસ જ મેળવ્યો છે, તે વધુમાં વધુ આ અનંત શબ્દના ‘અ’ નું ઉચ્ચારણ કરતાં જ અવાક્‌ બની જાય છે અને આત્મભાન ગુમાવી દે છે. દારૂના પીઠામાં હાંડલા ભરી ભરીને દારૂ રાખેલો છે, પણ કોઈ એમાંથી માત્ર એક જ બોટલ દારૂની પીને સાનભાન ગુમાવી દે છે, એવી જ રીતે અનંતના આભાસ માત્રથી મનુષ્ય સાન ભાન ગુમાવી દે છે.

પાઠક : અવતાર અને સાકારવાદના વિષયમાં ઘણા લોકો વાંધો ઊઠાવે છે અને કહે છે કે જે અનંત અને અખંડ છે, તે ક્યારેય સીમિત અને ખંડયુક્ત બની શકતું નથી. આથી અવતારમાં કે કોઈ મૂર્તિમાં તે અનંત અખંડનું આરોપણ કરવું એ નર્યો ભ્રમ છે.

ભક્ત : જેઓ એવી વાત કહે છે, એમના મસ્તકમાં અનંતની ધારણાની જરા સરખી છાયા પણ નથી. તેઓ અનંતનો અર્થ જ જાણતા નથી. તેઓ ભગવાનને અનંત રૂપ કહે છે, પણ તે માત્ર શબ્દો જ હોય છે. એની પાછળ કોઈ નક્કર અનુભૂતિ હોતી નથી. મારું કહેવાનું એ છે કે જે અનંત છે, તે બધી રીતે અને બધી અવસ્થાઓમાં અનંત છે, – આકારમાં, રૂપમાં, ભાવમાં, રસમાં, ગંધમાં, શબ્દોમાં અને સ્પર્શમાં – બધામાં તે અનંત છે. તે ખંડ અને અખંડ બંને છે. જે અનંત છે, તે ભલે પછી કોઈપણ રૂપમાં અથવા કોઈપણ સીમિત આકારમાં પરિણમતું કેમ ન હોય, પણ તેનું અનંતત્વ બધી જ અવસ્થાઓમાં અક્ષુણ્ણ રહે છે. તે અનંતના રૂપમાં જેવું અનંત છે, એવું સીમિત – ખંડોમાં પણ અનંત છે. ગંગાજળની સાથે તેને સરખાવી શકાય છે. હિમાલયથી માંડીને બંગાળના સાગર સુધી વહેતા ભાગીરથીનાં સઘળાં જળની જે પવિત્રતા છે, એ જ પવિત્રતા ભાગીરથીના એક જલબિંદુની પણ છે. પછી એ ભલે કોઈપણ સ્થળનું હોય. આકારમાં સીમિત હોવા છતાં પણ તેમાં ભગવાનની અનંતતા, અખંડિતતા અને સર્વશક્તિમત્તામાં કોઈ કમી હોતી નથી. જે જગજજનની વિશ્વમાં વ્યાપ્ત છે, એ જ પાછી બિંદુમાં પણ રહેલી છે. વિશ્વવાસિની અવસ્થામાં તે જેવી છે, તેવી જ બિંદુવાસિની અવસ્થામાં પણ છે. લીલામયી ક્યારેક દિગંબરા છે તો ક્યારેક વસ્ત્રાવૃતા છે. દરેક અવસ્થામાં તે જ છે. તમે તો થિયેટરના અભિનેતા છો. તમે ભલે ગમે તે પાત્રનો વેષ કેમ ન ભજવો, પણ બધાં જ પાત્રોમાં તમારું પોતાપણું સમાન રૂપે રહેલું હોય છે. આ બધું ભક્તો અને સાધકો પ્રત્યક્ષ દર્શન દ્વારા મેળવે છે. આ કંઈ પુસ્તકના જ્ઞાનની વસ્તુ નથી, કે તર્ક કે વિચારની પણ આ વસ્તુ નથી. આ તો અનુભૂતિની વસ્તુ છે.

જે અનંત અને અખંડ છે તે સીમિત કે ખંડયુક્ત નથી થઈ શકતું – એમ કહેવું એ તો તેના અનંતત્વને મર્યાદિત કરવા જેવું થશે. અનંતમાં જો સીમિત થવાની શક્તિ નહીં હોય તો પછી એનું અનંતત્વ ક્યાં રહ્યું? તે છે ફક્ત ને ફક્ત અનંત, એના સિવાય બીજું કંઈ જ નહીં – આમ કહેવું એ એના અનંતત્વને મર્યાદિત કરવાનું થશે; સાકારનો ઉપાસક પોતાની સાકાર – સાધના દ્વારા તેને સીમિત કરતો નથી.

રામપ્રસાદે પોતાના ગીતમાં કહ્યું છે :

‘रामप्रसाद कहे मातृभावसे मैं पूजा करूं जिसकी
समझ बूझ मन फोडुं क्या मैं भरे चोकमें हांडी’

એમનું એક બીજું ગીત છે;

कैसी है काली कौन बताये,
षट्दर्शन उसे जान न पाये.
मुलाधार सहस्त्रारमें योगी सदा ध्यान लगाये.
कमलवनमें हंसके संग हंसी रुपमें रास रचाये.
आत्मारामकी आत्मा काली,
राम प्रेयसी सीता जैसी वे.
काली घट घट में बिराजे, ईच्छामयी जैसा मन भाये,
प्रसविनी ब्रह्मांडकी वह प्रकांडता उसकी समज न आये.
समजे मेरा मन प्राण न समजे
वामन हो शशी घरना चाहे.

એક બીજું ગીત છે;

खेल यह सब उस स्त्रीका,
गुप्तभावसे करती लीला
लगा सगुन अगुनमें झगडा
ढेलेसे वह फोडे ढेला.
सब कामो में समान राजी,
होवे रुष्ट काज की बेला
रामप्रसाद कहे बैठा रह तू,
भवसागर में डाल के बेडा
ज्वार हुआ तो उठ जाना तू,
जाना बैठ भाटेकी बेला.

રામપ્રસાદે જે કાલીને સાડાત્રણ ગજના એક સીમિત આકારમાં જોઈ હતી એ જ કાલીને પાછી બ્રહ્મમયીના રૂપે પણ જોઈ હતી. વિશ્વવંદ્ય વ્યાસજી જે પુરાણોના રચયિતા છે, તેઓ પાછા વેદાંતના પણ રચયિતા છે. વ્યાસે રચેલ વેદાંતના ભાષ્યકારો શંકર અને રામાનુજ છે. મનુષ્ય જન્મ-જન્માંતરની સાધના અને ભગવત્કૃપા વગર વ્યાસ રચિત આ ગ્રંથોની ધારણા કરી શકતો નથી.

જેવી રીતે કોઈ મનુષ્ય વિષે અભિપ્રાય આપતાં પહેલાં એના વિશે વિશેષ માહિતી મેળવી લેવી જરૂરી છે, એ જ રીતે સામાન્ય લોકોની વચ્ચે ઈશ્વર વિષે કહેતાં પહેલાં ઈશ્વરની પ્રાપ્તિ કરવી જરૂરી છે. જે મનુષ્યો ઈશ્વર પ્રાપ્તિ કરી લે છે, તેમાંના કેટલાક તો એ વિષે કંઈ જ બોલતા નથી. પણ બીજા કેટલાક પોતાના જીવનકાળ દરમિયાન ભગવદ્‌ પ્રસંગને લઈને સત્સંગ કરતા રહે છે. ઈશ્વરનો સાક્ષાત્કાર કર્યા વગર, ઈશ્વરને મેળવ્યા વગર, તેની આજ્ઞા મેળવ્યા વગર, ઈશ્વર વિષે કોઈપણ અભિપ્રાય કે મંતવ્ય આપવાનો કોઈનેય અધિકાર નથી. જેઓ સાકાર ઉપાસનાના વિરોધી છે. તેઓ કોઈપણ ભાવ કે સાધનાના ઉપાસક બની શકતા નથી. જેઓ સાચા ઉપાસક છે, તેઓ પછી કોઈપણ ભાવની ઉપાસના કરતા કેમ ન હોય, પણ કોઈ બીજા ઉપાસકોની નિંદા ક્યારેય કરશે નહીં. એનું કારણ એ છે કે તેઓ સારી રીતે જાણે છે, કે બધા જ ભાવોને પંથો તે એક જ પરમાત્માની સાધના કરી રહ્યા છે. બીજું કારણ એ છે કે જે સાચો સાધક છે, તેનું ચિત્ત પોતાના જ ભાવમાં ડૂબેલું રહે છે. એમને બીજી તરફ જોવાનો સમય જ મળતો નથી. સમુદ્રના કિનારે તેનો જે ઘુઘવાટ સંભળાય છે, તે સમુદ્રની અંદર પ્રવેશ કર્યા પછી સંભળાતો નથી. એ જ રીતે ભગવાનના માર્ગમાં બહાર જ કોલાહલ રહેલો છે. ત્યાં અંદર પ્રવેશ્યા પછી તો કોઈ જ હલચલ નથી, પરમ શાંતિ છે. ઠાકુર શ્રીરામકૃષ્ણદેવના મત પ્રમાણે સાકાર-ઉપાસનાનો વિરોધ કરવો એ તો પોતાના ઘોર અજ્ઞાનની અભિવ્યક્તિ છે. એમનો અવતાર ઈશ્વરના જુદા જુદા માર્ગના અનુયાયીઓ વચ્ચેના વિવાદોને દૂર કરવા માટે જ થયો હતો. આ તેમની લીલાનાં દરેક ક્ષેત્રમાં અને તેમના જીવન-પ્રસંગોમાં સ્પષ્ટપણે જણાઈ આવે છે.

કુટિલ તર્ક-બુદ્ધિ કે વિચારબુદ્ધિ દ્વારા ભગવાનના સાકારવાદનો વિરોધ કરવો વ્યર્થ છે. આ કુટિલ બુદ્ધિ જ તો છે, સંશયની પરાકાષ્ટા. સરળ ચિત્તવાળા મનુષ્યોમાં જો આવી કોઈ શંકા જાગે તો ગુરુ-ચરણમાં શરણ લેવું હિતકારક છે. ગુરુ-વચનોમાં શ્રદ્ધા જ આ શંકારૂપી વિષવૃક્ષને કાપી નાંખનારી કુહાડી છે. ગુરુ-ચરણોમાં અનુરાગી ભક્તજન આ શંકાને ભવરોગ કહે છે. પછી ઘણાંનું એવું કહેવું છે કે આ શંકા જ ઘોર અંધકાર છે, જે ભગવાનને મનુષ્યની આંખોની પાછળ છૂપાવીને રાખે છે. જે હૃદયના દર્પણમાં ભગવાનનું રૂપ પ્રતિબિંબિત થાય છે, તેને આ શંકા મલિન કરી દે છે. સદ્‌ગુરુના સંપર્કથી અને તેમની કૃપાને પરિણામે આ શંકા જેમ સૂર્યનો ઉદય થતાં અંધકારનો નાશ થાય છે, તેમ નાશ પામે છે. શ્રીરામકૃષ્ણદેવની પાસે મેં આ પ્રત્યક્ષ જોયું છે.

ઠાકુરની પાસે કેટલીયવાર નજીકના કે દૂરના પ્રાંતોના કેટલાય દિગ્વિજયી, શાસ્ત્રજ્ઞ પંડિતો આવતા. શરૂઆતમાં તો પોતાની વિદ્યાના અભિમાનથી મત્ત થઈને તે પંડિતો વિદ્વતાભરી વાણીથી ઈશ્વર સંબંધી એવા તર્ક-વિર્તકો અને વાદ-વિવાદ ઠાકુર પાસે કરવા લાગતા કે ઠાકુર તો સ્તબ્ધ બની જોઈ રહેતા ને એમને શું કહેવું કે શું ન કહેવું, એની સૂઝ જ ન પડતી. તે લોકોને એમ થતું કે ઠાકુર હારી ગયા. એવે સમયે ઠાકુર શું કરતા તે જાણો છો? તેઓ કહેતા, ‘હું શૌચ જઈશ.’ જ્યારે એમના મુખમાંથી એકવાર શબ્દો નીકળી ગયા કે જઈશ તો પછી એમને રોકવા મુશ્કેલ. જેવું બોલ્યા કે તુરત જ ઊભા થઈ જતા. ભક્તો એમના સ્વભાવને સારી રીતે જાણતા હતા. ઠાકુરને ઊભા થયેલા જોઈને એક માણસ લોટો લઈને તેમની પાછળ પાછળ જવા લાગતો.

પાઠક : ઠાકુર હારી ગયા, એ કેવી વાત છે?

ભક્ત : તમે આટલા ચંચળ કેમ બનો છો! પહેલાં આખી વાત તો સાંભળો. ઠાકુરના હારવાનું એક ખાસ કારણ છે. વિદ્યાભિમાનીઓની એવી આકાંક્ષા હોય છે કે તેઓ શાસ્ત્રાર્થમાં વિજય પ્રાપ્ત કરીને પ્રશંસા મેળવે. તેમના અભ્યાસનો ઉદ્દેશ જ એ હોય છે. ઠાકુરની પ્રસિદ્ધિ સાંભળીને તેઓ આજ હેતુથી એમની પાસે આવતા. ઠાકુર તો કલ્પતરુ છે. જેની જે ઇચ્છા હોય છે, તે તેઓ પૂરી કરે છે. નિરાભિમાની હોય તેને ઠાકુર પાસેથી જે માન-સન્માન મળતું, તેવું તો ક્યાંય જોવા નથી મળ્યું.

એ પછી રસ્તામાં જતાં જતાં જ ઠાકુરને ભાવાવેશ આવી જતો. તેઓ શરાબીની જેમ લથડિયા ખાવા અને કંઈ ન સમજાય તેમ બબડવા લાગતા. ક્યારેક કંઈ સમજાતું અને ક્યારેક કંઈ જ ન સમજાતું. આ રીતે તેઓ જ્યાં બેસવાનું હોય ત્યાં જરાક બેસીને પછી ઝડપથી પાછા ફરતા અને તે તાર્કિક પંડિતને સ્પર્શ કરીને કહેતા: ‘કેમ રે? તમે શું કહેતા હતા? કહો તો જરા.’ આ સ્પર્શ તો એ કરુણાનિધિની અપાર કરુણા રૂપ હતો. ઠાકુરના એ સ્પર્શથી એ તાર્કિક પંડિતોની સ્થિતિ કેવી થઈ જતી તેની તમને ખબર છે? સાપ પકડવામાં નિષ્ણાત મદારી જ્યારે હાથમાં લાકડી લઈને ફેણ ચડાવેલા સાપને પકડે ત્યારે સાપની જે સ્થિતિ હોય છે તેવી સ્થિતિ આ પંડિતોની થઈ જતી. ન તો પહેલાં જેવું આક્રમક સ્વરૂપ રહેતું કે ન તો લાંબા – લાંબા શ્લોકોનો ફૂંફાડો રહેતો. ફેણ ચડાવેલો સાપ જાણે કાચબો બની જતો! આ રીતે ઠાકુર થોડી ક્ષણો તેમની સામે અપલક દૃષ્ટિથી જોઈ રહેતા. કોઈ ઘૂંટણભેર થઈને હાથ જોડી સ્તુતિ કરવા લાગતા, કોઈ વળી કહેવા લાગતા, ‘દેહિ મે ચૈતન્યમ્‌’ તો વળી કોઈ ઠાકુરનાં ચરણમાં આળોટીને રડી-રડીને ત્યાંની જમીન ભીની કરી દેતા!

Total Views: 247

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.