એ પછી તેઓ કોલકાતા આવ્યા અને પોતાનું નિત્યકામ મા ભવતારિણીની સેવા રોજે રોજ કરતાં કરતાં રામકૃષ્ણદેવની અંદર એક પ્રચંડ આંધી ઊઠી. ખૂબ જ કઠિન સાધનાનો આરંભ થયો, મોટે ભાગે ગુપ્ત રૂપે. તેઓ ક્વચિત જ લોકોની નજરે પડતા. સાધન-ભજન કરતા હતા, ત્યારે તેમનું વર્તન અસામાન્ય હતું. ક્યારેક બાળકવત્‌, તો ક્યારેક પિશાચવત્‌ તો વળી ક્યારેક ઉન્માદિત. આ બધું કેવું તે તમે જાણો છો? ક્યારેક તેઓ મા ભવતારિણીના બિછાનામાં સૂઈ જતા. ક્યારેક ઝાડ પર ચઢીને પેશાબ કરવા લાગતા. ક્યારેક ઘૃણાજનક સ્થિતિમાં રહેવા લાગતા અને વિષ્ટા અને ચંદનમાં કોઈ તફાવત ન જોતા આ બધું જોઈને – સાંભળીને હલકા પ્રકારના લોકોથી માંડીને શાસ્ત્રજ્ઞ પંડિતો સુધી બધા ઠાકુરને પૂરા પાગલ માનવા લાગ્યા હતા. પછી જ્યારે સાધનાઓ પૂર્ણ થયા પછી તેઓ થોડા સ્વસ્થ બન્યા ત્યારે મનુષ્યોને જ્ઞાન, ભક્તિ, ચૈતન્ય અને ઈશ્વરની પ્રાપ્તિ કરાવવા માટે વ્યાકુળ બની ગયા. પરંતુ મનુષ્યો તો કામ-કાંચન, વિદ્યા-અહંકાર, માન-યશમાં ઘોર પણે આસક્ત હોવાથી રામકૃષ્ણદેવ દ્વારા અપાતી વસ્તુઓ ઇચ્છતા નહોતા. આથી એમની વાતો ઉપર કોઈએ ધ્યાન આપ્યું નહીં. ત્યારે ઠાકુરે ખરીદનારાઓ મેળવવા માટે લોકોના દ્વારે દ્વારે જવાનું શરૂ કર્યું. કયાં કોણ સાધુ શુદ્ધાત્મા છે, ક્યાં કોણ શાસ્ત્રજ્ઞ પંડિત છે, એની ભાળ મેળવીને તેમના આશ્રમમાં જઈને તેમની મુલાકાત લેવા લાગ્યા. કોઈ-કોઈએ ઠાકુરને યોગ્ય સન્માન આપ્યું નહીં. ભૂખ લાગી હોય, ને કોઈની પાસેથી ખાવાનું જોઈતું હોય, પણ તેણે આપ્યું નહીં, પરંતુ ઠાકુરે ય કોઈને છોડવાવાળા નહોતા. તેમનાં અંગ-પ્રત્યંગો ખૂબ જ કોમળ હતા. જાણે કે માખણથી બનાવેલા ન હોય! જમીન ઉપર ચાલવાથી જ પગનાં તળિયાં છોલાઈને લોહીથી લાલ થઈ જવાનો ભય રહેતો. એકવાર પૂરીની કડક કોરથી આંગળી કપાઈ ગઈ હતી! – એ પરથી જાણી લો કે એમનું શરીર કેટલું કોમળ હશે! દસ-વીસ પગલાં દૂર જવા માટે પણ ગાડીની જરૂર પડતી અને આ ગાડી-ભાડા માટે લોકોના મોઢા સામે જોવું પડતું.

અહીં એક વાત સાંભળો, જે ઠાકુર ત્યાગીઓના શિરોમણિ હતા, જેમનો ત્યાગ તન, મન અને વચનથી એક સૂરમાં જ બંધાયેલો હતો, કામ-કાંચનના સ્પર્શથી જેમનાં અંગો ઠરડાઈ જતાં હતાં, જેઓને કોઈ પાર્થિવ વસ્તુની ક્યારેય ઇચ્છા નહોતી, એથી જેમને કોઈ વસ્તુનો ક્યારેય અભાવ નહોતો, જેમના પ્રાણ મા-કાલીની સાથે ઓતપ્રોત હતા, મા-કાલી સાથે જેઓ હંમેશાં વાતચીત કરતા રહેતા, જેઓ ઇચ્છામાત્રથી તેનામાં (મા-કાલીમાં) તન્મય બની જતા, એમને દીન-ભીખારીની જેમ શંક્તિ ચિત્તે લોકોના બારણે બારણે જવાનું પ્રયોજન શું હતું? જો એનું કારણ જાણવા ઇચ્છતા હો તો આકાશમાં આ વાદળાંઓને જુઓ. આ વર્ષાઋતુ છે. વાદળાંઓને બોલાવવાં પડતાં નથી, તેઓ પોતાની મેળે જ વ્યાકુળ બનીને ચારે બાજુ વ્યાપી જાય છે. કેમ, તે જાણો છો? પાણી વરસાવીને તાપથી તપેલી ધરતીને શીતળ કરવા માટે તો તેઓ વરસે છે, એટલું જ નહીં પણ સાથે સાથે તેને લીલીછમ કરવા માટે પણ વાદળાંઓ પાણી વરસાવે છે. ઠાકુર રામકૃષ્ણદેવની પણ આ રીતે વાદળાંઓ જેવી સ્થિતિ છે. અપાર કરુણાસિંધુ દયાવતાર, ઠાકુર – વાદળાં જેમ પાણીના ભારથી ચંચળ, એમ તેઓ કરુણાના ભારથી ચંચળ હતા. વ્યાકુળ પ્રાણથી, જ્ઞાન-શૂન્ય બનીને અહીં-તહીં, દ્વારે દ્વારે ઘૂમી રહ્યા છે – એની પાછળનો એકમાત્ર ઉદ્દેશ છે – ઈશ્વરતત્ત્વરૂપી શીતળ શાંતિની વર્ષા કરીને ત્રિતાપ- સંતાપથી મનુષ્યોનું રક્ષણ કરવું, એમની કૃપાનો કોઈ અંત નથી. એમની કૃપાના એક કણનાય કણનો અનુભવ કરવાની મનુષ્યની શક્તિ નથી. ઠાકુરની દયાની વાત સાંભળો; એમનો દેહ વગેરે જે રીતે દયાપૂર્ણ હતાં, એ રીતે તે કષ્ટને સહેનારાં પણ હતાં. જો દયા અને કષ્ટ-સહિષ્ણુતાને વિષે જાણવા ઇચ્છતાં હો તો આ સર્વ સહેનારી માટીના સ્વરૂપને જુઓ – તે કઠોર લોઢાની કોદાળીથી, હળથી બધી રીતે ખોદાય છે, પણ કંઈ બોલતી નથી; જાણે કે તેને કોઈ જ પ્રકારનું દુ:ખ થતું નથી, ઊલટાનું તે વિવિધ પ્રકારના પદાર્થો આપીને લોકો ઉપર ઉપકાર કરે છે. ઠાકુર પણ એવા જ હતા. કેટલાય લોકો એમના માટે કેટલું ખરાબ બોલતા, કેટલાય લોકો એમના પર કેટલીય રીતે અત્યાચાર કરતા, એમની સાથે દુર્વ્યવહાર કરતા, પરંતુ તેઓ તો હંમેશા આ લોકોના મંગલ માટે વ્યાકુળ અને તત્પર રહેતા. એમનો દેહ કેવા પ્રકારનો હતો, એ તો મેં તમને જણાવ્યું જ છે. નિયમમાં થોડોક જ ફેરફાર થતાં તેઓ અસ્વસ્થ બની જતા. એક વખત પેટમાં અસહ્ય દર્દ હતું. પેટમાં કંઈ જ રહેતું ન હતું. દિવસમાં એક વખત માત્ર પ્રવાહી ઝોલ (શાકભાજીના સુપ જેવી વાનગી) લેતા. આવી સ્થિતિમાં પણ તેમને નિરાંત નહોતી. તેઓ આમ તેમ ફરતા રહેતા. તેમની પાસે એક તપસ્વી હતા, તેઓ ‘હાજરા’ નામથી જાણીતા હતા. તેમણે એક દિવસ ઠાકુરને સમજાવ્યું – ‘તમે સિદ્ધ છો. મુક્ત પુરુષ છો, સમાધિ પરાયણ છો. એમાં તન્મય થઈને કેમ રહેતા નથી? શરીર અસ્વસ્થ છે, તો પછી આમતેમ ભટકવાની શું જરૂર છે? ઠાકુર તો બાળક જેવા – તેમને કોઈ કંઈ કહે કે તુરત જ તેમ કરવા લાગતા. હાજરાની વાત સાંભળીને મનમાં નિશ્ચય કરી લીધો કે બરાબર છે, આવી રીતે છટપટ કરવાની મારે શી જરૂર છે?’ આ રીતે વિચાર કરતાં કરતાં તેઓ પંચવટીમાં આવી પહોંચ્યા. ત્યાં પહોંચતા જ રડવા લાગ્યા અને રડી રડીને વ્યાકુળ બની ગયા, અને પછી એ જ સમયે ઝડપથી ચાલતા હાજરા પાસે પાછા આવ્યા ને બોલ્યા; ‘અરે મૂર્ખ, હું તારી વાત નહીં સાંભળું. ઝોલ પીનેે પણ હું બારણે બારણે જઈને બીજાનું ભલું કરીશ.’ ભલા વિચારો તો ખરા! ઠાકુરની દયાની સીમા કેટલી બધી વિશાળ છે! આવો દયાનો ભાવ શું મનુષ્યના મનમાં આવી શકે ખરો? મનુષ્ય માત્ર ભયંકર સ્વાર્થી છે. સામાન્યમાં સામાન્ય કાર્ય પણ તેઓ સ્વાર્થ વગર કરતા નથી. એટલા માટે સ્વાર્થી હૃદયોથી દયા દૂર રહે છે. દયાનું સ્વરૂપ જ એવું છે કે એનો પડછાયો પણ ત્યાં પ્રવેશી શકતો નથી.

આ સમય ઘણો જ મુશ્કેલ છે; આ સમયમાં ભગવાનનું ચિંતન કરવું એ તો દૂરની વાત થઈ પણ તેઓ છે, એવો વિશ્વાસ પણ મનુષ્યના હૃદયમાં નથી. કરોડોમાં એકાદ-બે વિશ્વાસ ધરાવતા નીકળે તો, પણ તેઓ તો એમ જ માનતા હોય છે કે ભગવાનને મેળવવાનો કોઈ ઉપાય જ નથી. તેઓ વિચારે છે કે પુરાણોમાં સાધુઓ – ભક્તોને ભગવાન મળ્યા, એવી વાત લખાયેલી છે, પણ એ ક્યા યુગની વાત છે? કોને ક્યારે શું મળ્યું, એ કંઈ જોવાનું નથી. આ કરોડોમાંથી એકાદ-બે વિશ્વાસવાળા નીકળ્યા તો તેઓ બહુ બહુ તો કર્મકાંડ સુધી પહોંચી શક્યા છે. આવા સમયે ઠાકુરનું આગમન થયું. અને તે પણ કેવા પ્રકારના ભાવ સાથે? તદ્દન બાહ્ય ઐશ્વર્યવિહીન – જેથી લોકો એમને ઓળખી જ ન શકે. અત્યંત સરળ, ખૂબ જ સીધા, અને સામાન્ય વેષધારી. જેઓ જ્ઞાનીના બ્રહ્મ, યોગીઓના આત્મા, ભક્તોના ભગવાન, સમગ્ર સૃષ્ટિની સર્જક આદ્યાશક્તિના સ્વામી છે, જેઓ જીવ-જગતના સૃષ્ટા, પાલનકર્તા અને સંહારક એકમાત્ર દેવ છે તેઓ જ ગરીબ-નિરક્ષર બ્રાહ્મણ વેશે મનુષ્યોના બારણે બારણે ઘૂમી રહ્યા છે. આ બધી વાતો મનુષ્યોનાં મનમાં ભલા કઈ રીતે આવી શકે? ભગવાન જ્યારે લીલા-વેશમાં અવતાર લઈને લીલા-ક્ષેત્રમાં આવે છે, ત્યારે તેમને ઓળખવા ખૂબ જ મુશ્કેલ છે. હવે સમજ્યાને કે વ્યક્ત થઈને ગુપ્ત અને સરલ થઈને જટિલ કેને કહેવાય?

ભક્ત :- સર્વશક્તિમાન ઈશ્વરનાં જેટલાં સ્વરૂપો છે, એ બધાંમાં દેહ ધરીને લીલા માટે અવતારનું સ્વરૂપ અત્યંત આશ્ચર્યજનક અને દુર્બોધ્ય છે. જ્ઞાનીઓ અને યોગીઓની દૃષ્ટિમાં ભગવાન તેજોમય છે અને ભક્તની દૃષ્ટિમાં રસમય. એટલા માટે જ્ઞાની અને યોગીઓની રુચિ કરતાં ભક્તોની રુચિ સહસ્ત્રગણી પ્રશંસનીય અને ઇચ્છનીય છે. જ્ઞાની અને યોગીની રુચિ એકાંગી હોય છે. તેઓ ભગવાનનો આનંદ એક જ પ્રકારે લે છે. જ્યારે ભક્ત ભગવાનના રસાસ્વાદનો આનંદ અનેક પ્રકારે લે છે. આ બાબતને શ્રીરામકૃષ્ણે શરણાઈવાદનની ઉપમાથી સમજાવી છે. જેઓ શરણાઈ વગાડે છે, તેમાં બે માણસોના હાથમાં શરણાઈ હોય છે. તેમાંનો એક ફક્ત ‘પોંગી’નો સૂર જ વગાડ્યા કરે છે. જ્યારે બીજો જાત જાતની રાગ-રાગિણીઓ વગાડે છે. અહીં પણ એવું જ છે. જ્ઞાની અને યોગીઓ ફક્ત એક જ પ્રકારનો રસાસ્વાદ લે છે, ત્યારે ભક્ત તીખો, રસવાળો, ખાટો અને મીઠો એમ બધા પ્રકારના રસોનો આસ્વાદ લે છે. એવું નહીં વિચારતા કે ભગવાન ભક્તોને ફક્ત પોતાનું સાકાર સ્વરૂપ જ બતાવે છે. એવું નથી કે તેઓ તેમને બીજું કંઈ બતાવતા નથી. તેઓ એ પણ બતાવે છે કે તેઓ પોતે જ આ જીવ-જગત રૂપે રહેલા છે. તેઓ પોતે જ પંચભૂતાદિ ચોવીસ તત્ત્વો બન્યા છે. તેઓ પોતે જ જીવ-જગતમાં આત્મા રૂપે રહેલા છે. વળી તેઓ એ પણ જણાવી દે છે કે એ સિવાય તેમનો એક નિરાકાર ભાવ પણ છે. જ્ઞાની અને યોગીને ભક્તના ભાવની ખબર પણ પડતી નથી. ભક્ત ભગવાનનાં બધાં જ સ્વરૂપોને જાણી લે છે. આ વાતને રામકૃષ્ણદેવ રામચંદ્રજીએ હનુમાનને પૂછેલા એક પ્રશ્ન દ્વારા સમજાવી આપે છે; એક દિવસ રામચંદ્રજીને જિજ્ઞાસા થતાં તેમણે હનુમાનજીને પૂછ્યું : ‘હનુમાન, તમે મને ક્યા સ્વરૂપે જુઓ છો?’ તેના ઉત્તરમાં હનુમાનજીએ કહ્યું : ‘પ્રભો, ક્યારેક હું જોઉં છું કે આપ સ્વામી છો, અને હું આપનો દાસ છું, તો ક્યારેક હું જોઉં છું કે આપ વિરાટ અગ્નિ છો અને હું તેની ચિનગારી છું, તો વળી ક્યારેક જોઉં છું કે તમારામાં અને મારામાં કોઈ જ ભેદ નથી.’ રામચંદ્રજીએ હનુમાનજીને પોતાનાં બધાં સ્વરૂપોનું દર્શન કરાવી દીધું હતું. પરંતુ હનુમાનજી બીજાં બે સ્વરૂપો પ્રત્યે ધ્યાન ન આપતાં સ્વામી અને સેવક ભાવમાં જ રહ્યા. ભક્તિભાવનો મધુર આસ્વાદ જો કોઈ એકવાર પણ કરી લે તો પછી તે બીજે ક્યાંય જવા ઇચ્છતો નથી, બીજા કોઈ ભાવમાં રહેવા પણ ઇચ્છતો નથી. દેવર્ષિ નારદનો પણ આ જ ભાવ છે. જ્ઞાની અને યોગીની સરખામણીમાં ભક્તોનાં કષ્ટો અનેકગણાં વધારે છે. પણ ભક્તોની જાત એવી હોય છે કે ભક્તિના લોભમાં તેઓ જાણી જોઈને બધાં કષ્ટોને પોતાના શરીરનાં આભૂષણો બનાવીને રાખે છે. ઉદ્ધવ વૃંદાવન જઈને ગોપીઓને યોગીતત્ત્વ સમજવા લાગ્યા, પણ કોઈએ ય તેની વાત સાંભળી નહીં. વિરહમાં શરીર સૂકાઈ ગયું હતું, સુવર્ણકાંતિવાળું શરીર કોલસા જેવું થઈ ગયું હતું. રડી રડીને આંખો ચાલી ગઈ હતી, તો પણ કોઈએ એકવાર પણ મટકું માર્યું નહીં. સાકરનું શરબત પીધા પછી જેમ રાબ પીવાની બિલકુલ ઇચ્છા થતી નથી, એ જ રીતે ખુલ્લી આંખોથી જેણે એકવાર પણ ભગવાનના રૂપમાધુર્યને નિહાળ્યું છે, તેઓ મરી જાય તો પણ આંખો બંધ કરીને બીજું કંઈ જોવા નથી ઇચ્છતા. ભાઈ, વ્રજનો ભાવ જ ન્યારો છે. યોગનો આનંદ, બ્રહ્માનંદ બધું જ એની સામે ફિક્કું છે.

હાય રે તપસ્વી મહર્ષિ મુનિગણ
ત્રિભુવન – સર્વજન – આરાધ્ય ચરણ
આજીવન – અનશન તરુતલમેં વાસ
અવિરલ નાના વ્રત કઠોર સંન્યાસ ॥
પ્રયાસ કેવલ તુચ્છ ધન હેતુ
ત્રિતાપ – સંતાપ ભય સે બને અતિ ભીતુ
યોગાનંદ, બ્રહ્માનંદ સુખ દુ:ખ પાર
દેખને કી સાધ નહીં વ્રજ કા વ્યાપાર
યોગાનંદ, બ્રહ્માનંદ ક્યા આનંદ કિસ મેં
જો આનંદ ગોપીકે એક બિંદુ જલ મેં

(શ્રીશ્રી રામકૃષ્ણ પુંથિ)

દેહધારી ભગવાનને ઓળખવા બહુ જ મુશ્કેલ છે. તેઓ જે કોઈ ભાવ લઈને કે કોઈપણ રૂપ ધરીને આવે, પણ જ્યાં સુધી તેઓ તેમને ઓળખવાની શક્તિ ન આપે ત્યાં સુધી તેમને ઓળખી શકાતા નથી. માત્ર ચૈતન્ય દ્વારા જ તેમને જાણી શકાય છે. દિવસના પ્રકાશમાં જેમ વસ્તુઓ સ્પષ્ટરૂપે દેખાય છે, તેમ હું સ્પષ્ટ રીતે જોઈ શકું છું કે શ્રીરામકૃષ્ણદેવના દેહમાં ફક્ત ચૈતન્ય જ ઘનીભૂત બની બરફ બની જાય છે એ જ રીતે ચૈતન્ય જ ભક્તિના જુવાળથી પ્રભુના શ્રીદેહમાં આવિર્ભૂત થયું છે. આ દેહધારી ચૈતન્યમયને પકડવાનો ઉપાય પણ તેમણે આપેલું ચૈતન્ય જ છે. ચૈતન્યની સહાયથી જ ચૈતન્યને જાણી શકાય છે. ભક્તિ અને ચૈતન્યમાં હું બહુ તફાવત જોતો નથી. જે ભક્તિ છે, એ જ ચૈતન્ય છે. જે ચૈતન્ય છે એ જ ભક્તિ છે. મનુષ્યનું મન અને તેની બુદ્ધિ જ્યાં સુધી મલિન હોય છે, ત્યાં સુધી અલગ અલગ પ્રકાર જણાય છે. એટલા માટે મન અને બુદ્ધિ એમ બે નામથી ઓળખાય છે. પરંતુ ભગવાનની કૃપા થતાં શુદ્ધ અવસ્થા પ્રાપ્ત થાય છે અને તેમાં આ બંને મળીને એક થઈ જાય છે. આ શુદ્ધ અવસ્થામાં એમની પહેલાંની પ્રકૃતિ કે નામ કંઈ જ રહેતું નથી, પછી તેનું નામ બને છે, ચૈતન્ય. જે વસ્તુ જે જાતિની કે પ્રકૃતિની હોય છે, તે તે પ્રકૃતિ કે જાતિની વસ્તુને ઓળખી શકે છે, જાણી શકે છે અને ચૈતન્યવાળા લોકો ચૈતન્યની સહાયથી ચૈતન્યમયને પકડી શકે છે. અને અચૈતન્યવાન લોકો અવિદ્યાના બજારની વસ્તુઓને ઓળખે છે અને તેને પકડે છે. મનુષ્યોના હૃદયમાં ચૈતન્ય આપીને ચૈતન્યમય પોતાને સ્વેચ્છાએ પકડાવી દે છે. ઠાકુરના પ્રેમાસ્પદ ભક્ત દેવેન્દ્રબાબુ એકવાર એમનાં સ્વરૂપનાં દર્શન કરીને આનંદોન્માદમાં આવી ગયા અને પોતાને સંભાળી ન શક્યા. એ જ ક્ષણે ઠાકુર સમજી ગયા અને તેમની પ્રત્યે દૃષ્ટિ કરીને હસતાં હસતાં ગીત ગાવા લાગ્યા 

(ભાવાર્થ)

‘ઓ રે લવકુશ, શાને કરો છો ગર્વ
પકડાવી નહીં દેવાથી
તૂટી જશે પકડી રાખવાનો દર્પ’

દેહધારી ભગવાન લીલાક્ષેત્રમાં સાવ સામાન્યરૂપે ભલે કેમ ન રહે, તો પણ ચૈતન્યવાન લોકો એમનું સ્વ-સ્વરૂપ બરાબર જાણી લેતા હોય છે. ચૈતન્યની સહાયતાથી રામકૃષ્ણ-ભક્તોએ પોતાના આ દીનવેશધારી ઠાકુરમાં દીનાનાથ સ્વરૂપનાં દર્શન કર્યાં હતાં. નિરક્ષરના રૂપમાં સર્વજ્ઞ રૂપનાં દર્શન કર્યાં હતાં. એમની ઐશ્વર્યહીનતાની વચ્ચે ષડૈશ્વર્યવાન ને જોયા હતા અને સીમિત આકારની અંદર જ એમના અસીમ સ્વરૂપને જોયું હતું. શ્રીરામકૃષ્ણદેવનાં પાદપદ્‌મોમાં પૂરો વિશ્વાસ રાખીને ચાલો. તમારી આકાંક્ષાઓ શીઘ્ર પૂર્ણ થશે. અવતારરૂપી ઈશ્વરના સ્વરૂપને જોઈને અથવા તો એમની કોઈ અલૌકિક શક્તિનો પરિચય મેળવીને જો કોઈ એમના પર વિશ્વાસ રાખવાની કલ્પના કરે તો એ એમના પર ઘોર અવિશ્વાસ ગણાય.

વાતની સ્પષ્ટતા કરતા કહું છું – જો તમે એમ કહો કે રામકૃષ્ણદેવ પોતાના આ રૂપમાં મને કાલી, કૃષ્ણ કે રામનું રૂપ બતાવે તો હું એમને ભગવાન માનીશ. તો આવા પ્રકારની માન્યતા એ બીજું કંઈ જ નથી પણ ઘોર અવિશ્વાસ છે. જેને એક રૂપમાં વિશ્વાસ નથી તેને બીજા કોઈ રૂપમાં વિશ્વાસ નહીં થાય. માણસની બુદ્ધિની કમાલ તો જુઓ; અનંત સાગરને પાર કરવા માટે તે એક લાકડાના તરાપા ઉપર આધાર રાખી શકે છે; આ ભયંકર સંસારમાં મૂર્તિમંત અવિદ્યાના હાથમાં પોતાનાં મન, પ્રાણ સોંપી દઈ શકે છે, પરંતુ રામકૃષ્ણનાં પાદ પદ્‌મોમાં વિશ્વાસ મૂકતી વખતે તેની સઘળી શંકાઓ, તર્ક-વિતર્કો અને વિચારો જાગી ઊઠે છે. મનુષ્ય ગમે તેટલો બહાદુર કેમ ન હોય, એની દોડ ગમે તેટલી કેમ ન હોય પણ હું જે કહી રહ્યો છું એને ધ્યાનથી સાંભળો. ખૂબ સારી રીતે જોવા અને સાંભળવાથી મને આ અક્કલ મળી છે. અને એ અક્કલના આધારે હું તમને કહું છું, ભાઈ, ચાવીને ખાઓ નહીં, પણ ગળી જાઓ. ચાવીને ખાવું કોને કહે છે તે જાણો છો?

તર્ક, યુક્તિ અને વિચારના આધારે હંમેશાં વિશ્વાસ ધરાવવાનો પ્રયત્ન કરવો એનું નામ છે ચાવીને ખાવું. તમે જેનાં ઉપર વિશ્વાસ મૂકીને જવાની ઇચ્છા રાખો છો તેનાંમાં એટલે દૂર સુધી જવાની શક્તિ નથી. ભગવાન તર્ક, યુક્તિ અને વિચારથી પર છે. તેઓ ઈંદ્રિયાતીત છે, મનથી અતીત છે. તમારી એકમાત્ર મૂડી તમારું મન જ છે. અને એ મનની એવી તે કઈ શક્તિ કે તેમની પાસે જઈ શકે? એમની પાસે જવા માટે મન તો રસ્તામાં જ છૂટી જશે. આથી આવા સ્થળે વિચાર, તર્ક અને યુક્તિ શું કામ આવે? એના માટેનો સહજ સરળ ઉપાય છે, ગળી જવું. એટલે કે ‘તમારે જે કરવું હોય તે કરો ઠાકુર.’ આમ કહીને સરળ હૃદયથી તેમના શરણાગત બની જવું. તેઓ ન મળે તો તેમના નામનો આશ્રય કરવો.

જ્યાં સુધી મન-બુદ્ધિ પોતાને મલિનતામાં લપેટીને ભૂત બનીને બેઠાં છે, ત્યાં સુધી એમનાં બૂમબરાડા, જોર-જુલમ, હોંકારા-દેકારા જોવા મળે છે. પણ જ્યારે મલિનતા દૂર થઈ જાય છે, ત્યારે એમની સ્થિતિ નિમક ખાધેલા સ્વામી ભક્ત કૂતરા જેવી થઈ જાય છે. માણસને ભૂતે પકડયાની વાત તમે સાંભળી છે ને? ભૂતના પકડાવાથી અને ભૂતના છોડી દેવાથી જેવી સ્થિતિ થાય છે, મન-બુદ્ધિની મલિનતાવાળી અને નિર્મલ બનેલી સ્થિતિ તેવા પ્રકારની હોય છે.

જે ભૂતે મનને પકડી રાખ્યું છે, તેને ભગાડવા માટે એટલે કે મલિન મનને નિર્મલ કરવા માટે ભગવાનના નામનું શરણ લેવું એ એક સહજ ઉપાય છે. હંમેશાં સરળ હૃદયથી ભગવાનનું નામ લેતા રહેવાથી મન નિર્મલ થઈ જાય છે. ઠાકુર રામકૃષ્ણદેવ વારંવાર કહેતા : ‘નામનો મહિમા અપાર છે. નામ જ બીજ છે. નામ જ વૃક્ષ છે. અને નામ જ ફળ છે. નામની અંદર ભગવાન સ્વયં રહેલા છે.’ ઉપદેશ આપવાથી કંઈ લોકો સહેલાઈથી માનતા નથી. એટલા માટે રામકૃષ્ણદેવ લોકોને શીખવવા માટે પોતે જાતે સવાર-સાંજ તાળી પાડી પાડીને, તાલમાં નાચતાં નાચતાં ભગવાનનું નામ લેતા હતા. નામમાં તેઓ ઉન્મત્ત બની જતા હતા. પછી એમની આ નામોન્મત્તત્તા ઊંડી સમાધિમાં પરિણમતી. એ દ્વારા ઠાકુર મનુષ્યોને જણાવી રહ્યા છે, ને બતાવી રહ્યા છે કે જન્મોજન્મની અનેક સાધનાઓને પરિણામે જે સમાધિ પ્રાપ્ત થાય છે, તે ફક્ત નામ દ્વારા પણ પ્રાપ્ત કરી શકાય છે. આ વિષયને એટલે કે નામ દ્વારા સમાધિ મેળવવાને તેઓ એક વિશેષ ઉપમા દ્વારા સમજાવતા; ‘એક વૈષ્ણવ સાધુએ પહેલાં એમ કહીને કીર્તન શરૂ કર્યું, ‘ગૌર મારો મત્ત હાથી.’ પછી ધીમે ધીમે ‘ગૌર મારો મત્ત હાથી.’ બોલતાં બોલતાં ભાવાવેશ થતાં પછી ગૌર શબ્દને છોડીને ‘મારો મત્ત હાથી’ એમ બોલવા લાગ્યો. પછી જ્યારે ભાવ વધારે પ્રબળ બન્યો ત્યારે ‘મત્ત હાથી’ એમ બોલવા લાગ્યો. પછી ભાવ જ્યારે વધારે પ્રગાઢ થયો ત્યારે એ સાધુના મુખે ફક્ત ‘હાથી-હાથી’ શબ્દ જ બોલાવા લાગ્યો. એ પછી અતિ ઉચ્ચ અવસ્થામાં ફક્ત ‘હા’ કહીને બાહ્યભાન ગુમાવી દીધું ને ચૂપ થઈ ગયો. એટલે કે તે સમાધિમાં લીન થઈ ગયો. નામના શરણાગત બનીને નામ-શ્રવણ, નામ-કીર્તન કરવું, એને જ ઠાકુર રામકૃષ્ણદેવના મંતવ્ય અનુસાર નારદીય ભક્તિ કહેવામાં આવે છે. કળિયુગમાં ભગવાન મેળવવા માટે આ નારદીય ભક્તિ જ શ્રેષ્ઠ છે. રામકૃષ્ણદેવનો ભાવ કેવો છે? – અંદરમાં તો હતું પૂરેપૂરું સોળ આના જ્ઞાન – પરંતુ સમય અને પાત્ર જોઈને લોકોને શીખવવા માટે તેઓ શરીર ઉપર હંમેશાં ભક્તિની ચાદર લપેટીને રાખતા હતા. હાથીના જેમ બે પ્રકારના દાંત હોય છે, ખાદ્ય પદાર્થોને ચાવવા માટે અંદર છૂપાયેલા દાંત અને બહાર બતાવવા માટેના બીજા દાંત – એ જ રીતે ઠાકુરની અંદર હતું જ્ઞાન અને બહાર લોકશિક્ષણ માટે હતો ભક્તિભાવ. નામ મહાત્મ્ય માટે ઠાકુર જે ગીત ગાતા તે કહું છું. સાંભળો (ભાવાર્થ)

‘કાલી કર્યો ભરોસો મેં તારા નામનો,
કામ શું મારે, વિધિવિધાન કે લોકાચારનું
નામથી કપાય કાલફંદ
સાંભળ્યું એવું વચન મહાકાળનું
હું છું બાળ મહાકાળનો
આથી કશું નહીં ખ્યાલ કોઈ બીજાનો.
જે થવાનું છે, તે થશે, નામથી થશે.
મરું શા માટે હું વ્યર્થ ચિંતાથી?
મેં તો નિશ્ચય કર્યો છે શિવે,
શિવના વચન જ છે જ્ઞાનનો સાર.
દુર્ગા દુર્ગા કહેતાં કહેતાં,
મા, મારા જો નીકળે પ્રાણ,
જોઉં ભલા શંકરી, તું કેમ ન કરે મારી ત્રાણ,
જો હું કરું ગૌ-દ્વિજ, નારીવધ,
ભ્રૂણઘાત કે મદિરા પાન,
તો પણ તનિક ન ભય મને પાપનો,
તો ય હું પ્રાપ્ત કરું પદનિર્વાણ.’

(ક્રમશ:)

Total Views: 237

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.