મધ્યપ્રદેશની સરહદે આવેલું પંચમહાલના આદિવાસી વિસ્તારનું દાહોદથી ૧૮ કિ.મિ. દૂર નીમચ નાનું ગામ છે. ત્રણ બાજુએ પથરાળ ટેકરીઓવાળા આ ગામમાં ઉનાળામાં સૂર્યદેવ પોતાના પ્રચંડ ભાનુ સાથે અગનજ્વાળા જ વરસાવે છે અને શિયાળામાં ૪° સે. સુધી પારો નીચે ઉતારતી ઠંડી પણ હાડકાં થિજાવી દે તેવી. ચોમાસામાં પૂરનો પ્રકોપ પણ એટલો જ. આખું ગામ જાણે કે નાની નાની હોંકળીઓનું બની જાય છે.
મધ્ય ફેબ્રુઆરીમાં વસંતનું આગમન થતાં શાંત-નિરવ ગામડાં લોકોનાં ગીત અને નૃત્ય સાથેના વસંતના વાયરામાં જીવંત બની જાય છે. લોકો છાંટોપાણી પણ કરી લે ખરા. આ ઋતુ લગ્નગાળો ગણાય છે. અહીં કન્યાપક્ષવાળા વરપક્ષવાળા પાસેથી ત્રીશ થી પચાસ હજાર જેવડી રકમ લે છે. આને કન્યાવિક્રય પ્રથા કહેવાય. પિતા તો બાળકને જન્મ આપતાં યંત્રના રૂપે પુત્રીને સોંપે છે. આ અત્યંત ગરીબ કુટુંબો માટે એક બાળક એટલે નાની ઉંમરે મળતું કમાણીનું એક એકમ છે. અહીં બાળમજૂરી સામાન્ય છે. હોળીમાં મોજમજા અને જલસામાં બધી કમાણી ખતમ થતાં લોકો બસના છાપરાં પર બેસીને ઉપડી નીકળે છે સૂરત, અંકલેશ્વર, અમદાવાદ અને જામનગર તરફ પેટિયું રળવા. ઉનાળાના ત્રણેક માસ સુધી ખેતીવાડી વિનાના અને ધંધા વિનાના અહીંના ગામડાંના લોકો ગુજરાતના શહેરોમાં ટોળાબંધ જાય છે. પરચૂરણ મજૂરી, ખેતમજૂરી, કોન્ટ્રેક્ટ મજૂર તરીકે કાર્ય કરે છે. ઢીંચે પણ એટલું જ. રહે છે ફૂટપાથ પર. જૂનના પ્રારંભમાં વરસાદનાં વાદળાંઓ ઘેરાવા લાગે કે તરત જ એ બધા માદરે વતન પાછા ફરે છે. વરસાદની મહેર થતાં જ પથરાળી, સૂકી, ભૂખી, ભૂખરી ભૂમિ વળી પાછી જીવંત બની જાય છે અને લીલાંછમ ઘાસથી આખી ભૂમિ રમ્યરૂપ ધારણ કરે છે.
આ આદિવાસી લોકો પ્રભુનો ડર રાખનારા અને હૃદયની પ્રેમભાવના વાળા છે. દારૂની લત અને આળસુ-પ્રમાદીપણાને લીધે શિક્ષણ પ્રત્યે સાવ ઉદાસીન રહે છે. અક્ષરજ્ઞાન ન ધરાવતાં આ લોકોની ઓળખાણ ‘અંગૂઠા છાપ’ની જ છે. સવારનો નાસ્તો તો એમના જીવનની ડિક્ષનરીમાં નથી. દશ વાગ્યે એમની દિનચર્યા શરૂ થાય. બપોરે એક-બે મકાઈના રોટલા સાથે બટેટાં અને ડુંગળીનું શાક એ એમનું ભોજન. ક્યારેક ક્યારેક પોતાનાં ખેતરમાં થતાં લીલાં શાકભાજી પણ મળી રહે.
સરકાર શિક્ષણ, જળસિંચાઈ, આરોગ્ય વગેરે પાછળ ઘણો પૈસો વાપરે છે, પણ શિક્ષણના અભાવે આ વિસ્તારના આદિવાસી લોકોનાં જીવનમાં જરૂરી પરિવર્તન આવ્યું નથી અને એ લોકો શોષણમાંથી મુક્ત બન્યા નથી. આ આદિવાસી લોકોના જીવનમાં સુધારણા કરવા સરકાર આજે પ્રયત્નશીલ અને સક્રિય છે.
ઉદ્યોગોના અભાવે માત્ર ખેતીવાડી ઉપર જીવતા આ લોકો મજૂરી માટે દૂર દૂર નીકળી પડે એ સ્વાભાવિક છે. શિક્ષણના અભાવે આ લોકોના આરોગ્ય સાથે ચેડા કરવામાં ઊંટ વૈદ્યો અને ભણેલા ડૉક્ટરો પણ કંઈ બાકી રાખતા નથી.
ચોરી લૂંટફાટ, જૂની અદાવતો, ઝઘડાખોર સ્વભાવ અને શારીરિક બળનો ઉપયોગ કરવામાં માહેર આ લોકોમાં ઢીંચીને મારામારી કરવી એ સામાન્ય છે અને ક્યારેક ખૂના મરકી પણ થઈ જાય. એટલે પોલિસ સ્ટેશન અને જેલની મુલાકાત એ એમને માટે સામાન્ય બાબત થઈ ગઈ છે. જ્યાં જ્યાં પૈસા વધ્યા છે ત્યાં સાર્વત્રિક વિકાસને બદલે આ લડાઇ-ઝઘડા અને ઢીંચવાનું જ વધ્યું છે.
પણ આ આદિવાસીઓ ભક્તિ-ભાવના વાળા હોય છે. રામ, કૃષ્ણ, શિવ વિશેનાં પોતાનાં જૂનાં – રૂઢિવાદી ગીતોમાં ગૃહન તત્ત્વજ્ઞાન તથા જીવનની અને તેના પ્રભુ સાથેના સંબંધની વાતો વણાઈ છે. સારું સાચું શિક્ષણ અને સાચી ધર્મ ભાવનાવાળું આધ્યાત્મિક નેતૃત્વ પંચમહાલનાં પ્રભુનાં વહાલાં અને સરળ સાદાં બાળકોના જીવનમાં એક ચમત્કાર સ૨જી શકે તેમ છે.
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ આ આદિવાસી વિસ્તારના લોકો માટે રાહત સેવા કાર્ય ૧૯૮૦થી કરતું આવ્યું છે. ઉનાળાના ભૂખમરાના દિવસોમાં અનાજ અને કડકડતી ઠંડીવાળા શિયાળામાં ગરમ કપડાં – ધાબળા આપે છે.
શ્રીરામકૃષ્ણ આશ્રમ રાજકોટ દ્વારા પંચમહાલ જિલ્લાના દાહોદ તાલુકાના નિમચ અને આજુબાજુ વિસ્તારના આદિવાસીઓ માટે ૧૨ કૂવા ગામને બાંધી આપવામાં આવ્યા છે. નિમચ ગામના અને આજુબાજુના વિદ્યાર્થીઓ રહી શકે અને અભ્યાસ કરી શકે તે ઉદાત્ત હેતુથી ૪૫’ x ૧૨’નો હૉલ બાંધી આપવામાં આવ્યો છે. દુષ્કાળ સહાયરૂપે રાંધેલા અને સૂકા અનાજ, કપડાંનું વિતરણ પણ કરવામાં આવ્યું છે. લોકો મળી શકે અને પ્રાર્થના-ભજન જેવા આધ્યાત્મિક કાર્યક્રમો દરરોજ યોજી શકે તે હેતુથી એક વિશાળ શ્રીરામકૃષ્ણ સમાજમંદિરનું બાંધકામ (૩૦’ x ૨૫’) કરી આપ્યું છે. આ ઉપરાંત ૧૬’ x ૨૫’નું –સીવણ-ગૂંથણ-ભરતકામ કેન્દ્ર અને દવાખાના માટે મકાન બાંધી આપ્યું છે. અઢી વર્ષના સતત પ્રયત્નોથી આ આદિવાસીઓમાં દારૂની લત અને ગુનાખોરીનું પ્રમાણ ઘણું ઘટવા લાગ્યું છે. કડક શિસ્ત સાથે અહીં શરૂ થયેલા નવા આધ્યાત્મિક કેન્દ્રે આ વિસ્તારની સિકલ બદલાવવા માંડી છે. અહીંના તાલુકા મથકના- દાહોદ-ગામા ભણેલા ગણેલા લોકો આ કેન્દ્રની નિયમિત મુલાકાતે આવે છે. આને કારણે આદિવાસી અને બિનઆદિવાસી લોકો વચ્ચે પ્રેમ-સહકારનો એક સેતુ બંધાયો છે. આ આદિવાસીઓ અને ઉપેક્ષિત લોકોને અન્ન-વસ્ત્ર, શિક્ષણ, સામાજિક અને શારીરિક બળ અને બધાંની જેમ બલ્કે તેનાથી પણ વધુ આધ્યાત્મિક સહાય આપીને આપણે એમને ‘બ્રાહ્મહણ’ની કક્ષાએ મૂકવા છે- એ હતું સ્વામી વિવેકાનંદનું સ્વપ્ન. અમે એ દિવસનું સ્વપ્ન સેવીએ છીએ કે જ્યારે આ દેશના આદિવાસીઓમાંથી કુશાગ્ર બુદ્ધિવાળા અને મનની ઉઘાડી બારીવાળા તેમજ સુસંસ્કૃત નેતાઓ દેશસેવા માટે – સર્વસેવા માટે બહાર આવે.
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના આ વિસ્તારના સતત સંપર્કને કારણે આજે આદિવાસી વિસ્તારના વિદ્યાર્થીઓ સવારની પ્રાર્થનામાં ‘ગાયત્રી મંત્ર’નો બાર વખત મોટેથી બોલીને પાઠ કરે છે. અને પછી પોતાનાં આદિવાસી ભજનો – પ્રાર્થના ગીતો ગાય છે. આવી જ રીતે સાંજના શ્રીરામકૃષ્ણ મંદિરમાં ગવાતી પ્રાર્થના વાજીંત્રો સાથે થાય છે. આ પ્રાર્થના આખા ગામમાં માઈક દ્વારા પ્રસારિત કરવામાં આવે છે.
સ્ત્રી-પુરુષ અને બાળકોને રાજકોટના નાગરિકો દ્વારા વસ્ત્રો આપવામાં આવે છે. અનાજ વગેરેની સહાયનો કાર્યક્રમ સતત ચાલતો રહે છે. બરોડા મૅડિકલ કોલેજમાંથી ડૉ. કમલ પાઠક અને ડૉ. ભટ્ટાચાર્ય અને એમના સાથી મિત્રોના નેતૃત્વ હેઠળ ડૉક્ટરોની ટુકડી જરૂર પ્રમાણે દાકતરી રાહાય માટે ત્યાં જાય છે. નિઃશુલ્ક ઑપરેશન સેવા પણ અપાય છે. જરૂર જણાય તો બીજી સહાય પણ આ આદિવાસીઓને કરવામાં આવે છે. આ માટે વડોદરાના શ્રીમતી શ્રુતિબહેન શ્રોફના જીવંત સહકારથી ધ શ્રોફ ફાઉન્ડેશન ટ્રસ્ટ કલાલી (વડોદરા)ની સહાય સતત મળતી રહે છે. સ્થાનિક સરકારી અધિકારીઓ અને પોલિસ પણ આ કેન્દ્રના સેવાકાર્યમાં અડચણ કરતા અસામાજિક તત્ત્વોને દૂર કરવા સહાયભૂત બને છે.
Your Content Goes Here




