(ગતાંકથી આગળ)

સાધુ વેશ ધારણ અને ઐશ્વર્ય પ્રદર્શન
જય જય રામકૃષ્ણ વાંછાકલ્પતરુ,
જય જય ભગવાન જગતના ગુરુ;
જય જય રામકૃષ્ણ તણા ભક્તગણ,
યાચું રજ ચોંટેલી એ સહુને ચરણ.
સુણો મન પ્રભુની મધુર બાળલીલા,
શિશુ રૂપી પ્રભુ જેમ ખેલીયા રંગીલા.
કામારપુકુરવાસી બાળકોની સંગે;
સુણો બાળલીલા મન પ્રભુની ઉમંગે.
બીજાં બહુ ગામનાં બાળકો સાથે ભળે;
નવા નવા ખેલ સારુ સૌ સાથે મળે.
હોંશમાં આવીને શણગારે તેને આઈ;
યોગ્ય વસ્ત્રો પહેરી જાય ખેલવા ગદાઈ.
લાહા બાબુ કેરી મોટી અભ્યાગત-સેવા;
આવે સાધુ સંત બાવા અતિથિઓ એવા.
ધરમશાળામાં બાવા ઉતરે જે સ્થાને;
ગમે ગદાઈને જવા ખાસ તે ઠેકાણે.
એકલો ક્યારેક કદી મિત્રો લઈ સંગે;
ભજન-ભોજન દેખે સાધુઓનાં રંગે.
ભોજન સમયે સાધુબાવા બહુ પ્રીતે;
પ્રભુનો પ્રસાદ આપે હંમેશની રીતે.
રાજી થઈ ગદાધર લઈને પ્રસાદ;
સખા સંગે બેસી ખાતાં પામતો આહ્લાદ.
એક દિન નવીધોતી લઈ આવ્યાં આઈ;
પ્હેરાવીને શણગાર્યો ખાંતથી ગદાઈ.
હરખે ગદાઈ જેવી છોકરાંની રીતિ;
ગયો ધર્મશાળે જ્યાંહાં બાવાઓ અતિથિ.
જોયા દોરી કૌપીન પ્હેરેલ સાધુજન;
થયું એમ પ્હેરવાનું ગદાઈને મન.
જેવી ઈચ્છા પે’રવાની કોપીનની થઈ;
નવાં વસ્ત્ર ખંડ કરી કોપીન ગદાઈ.
અખંડ બ્રહ્માંડેશ્વરે આ જ ખંડ લઈ;
દોરીને કૌપીન પે’રી આનંદિત થઈ.
કૌપીન પ્હેરેલું, હાથે દંડ, મુખે હાસ;
નાચી નાચી ગદાધર જાય આઈપાસ.
આઈ પાસે જઈ કહે ગદાધર રાચી;
‘બાવો હું બન્યો છું કેવો!’ બોલે નાચી નાચી.
જનની જુએ તો બેટો નવું વસ્ત્ર ફાડી;
કરી ને કૌપીન બન્યો બાવો છે અનાડી.
અરે, આ શું કર્યું પીટ્યા મૂરખના જામ;
ફાડી કર્યું વસ્ત્ર નવું સાવ તેં નકામ.
રાખ ભૂંસી લંગોટીનું કોણે શીખવાડ્યું?
સાવ નવું રેશમી આ ધોતિયું તેં ફાડ્યું!
બોલી એવું ઘણું બધું લીધો બાળ ખોળે;
સંન્યાસીનો વેશ જોઈ પાણી આવ્યાં ડોળે.
હૈયામાં આઘાત થયો આંખે વહે નીર;
માતાના હૃદયમાંહે લાગ્યું જાણે તીર.
એટલામાં બાલમિત્રો આવ્યા ધાઈ ધાઈ;
ગોદમાંથી ઊઠી જાય ખેલવા ગદાઈ.
નાચતો નાચતો દોડી જાય મિત્રો સંગે;
ઘરનાં આંગણિયામાં ખેલે નવા રંગે.
દેખી બાળ ખેલે, આઈ ભૂલિયાં સકળ;
મોહ મૂક્યો, પ્રભુ તારી લીલા છે અકળ.
એકદિ’ માતાએ દીધી વાંસની ટોપલી;
દીધાં તેમાં પૌવા, ગોળ, ટોપરાંની ગોળી.
ગામડાંમાં બાળકોની જે પ્રકારે રીત;
ખેલતાં ખેલતાં ખાવામાંહે બહુ પ્રીત.
ખાય ખાવું ગદાધર નિજ વસ્ત્રમાંથી;
આવ્યો ભાવ કોણ જાણે કેવો ચવેણાથી.
ડાબે હાથે ટોપલીને ઝાલીને ગદાઈ;
સ્થિર થઈ ગયો, હાલે ચાલે ન જરાઈ.
અનિમેષ નેત્રો બંને, મુખે નહિ વાણી;
એવામાં ત્યાં આવી પહોંચ્યાં આઈ ઠકુરાણી.
આઈ લાગ્યાં રોવાં લઈ ગદાઈને ખોળે;
બ્રહ્મદૈત્ય પેઠો કહી દૂર્ગા દૂર્ગા બોલે.
કળી શકે નહિ આઈ આવું કમઠાણ;
રમણી સુલભ માત્ર કરે બૂમરાણ.
સ્વસ્થ થયો ગદાધર થોડી વાર જતાં;
આવું બધું કોઈ કાંઈ નવ સમજતાં.
કદી કદી જતાં ખેતરોમાં ગામ બ્હાર;
પડી જતો બાળ સાવ થઈ નિરાધાર.
બેસે નહિ બુદ્ધિમાંહે આ બધાંનો મેળ;
પ્રભુ ગદાઈનો ખેલ નવો હર વેળ.
બીજે એક દિન લઈ ચવેણું પ્રભાતે;
ગયો ગામ બ્હાર લઈ ગોઠિયાઓ સાથે.
નહિ કશો અંતરાય, ચારે દિશા ખૂલી;
નવરંગી વાદળીઓ માથે પડી ભૂલી.
આવ્યો ક્યો ભાવ કોણ જાણે તેને મન;
વિભોર થયો એ કરી મેઘનું દર્શન.
નયનો પલકહીન, લુપ્ત બાહ્યજ્ઞાન;
ચમકે કેવળ મુખ આવિષ્ટ સમાન.
ઊડી પડ્યું ચવેણું ચોપાસ ખેતમાંય;
બાળ ગદાઈની લીલા વર્ણવી ન જાય.
વર્ણનની વાત શી? વર્ણનથી બ્હાર;
વ્યાસ, વાલમિકી જેનો પામ્યા નથી પાર.
હું તો અતિમંદબુદ્ધિ, તુચ્છ અતિશય;
કામિની-કાંચનાસક્ત મલિન હૃદય.
શક્તિ હોય ક્યાંથી, કથા ગાઉં કેમ કરી;
જાણે મન, પણ બેસે હૃદય ન ઠરી.
મારા જેવો હીન ક્યાંહાં, એને વળી આશ;
રેતીમાં દેવળ જાણે બાંધવા પ્રયાસ.
શીરા સારુ શ્રાવક, જે લોકમાં કે’વાય;
તેમ મીઠી લીલાગીતિ હુંથી ન છોડાય.
શ્રીપ્રભુની લીલા ગાવા યોગ્યતા ન મારી;
હું તે વળી કોણ, જ્યાંહાં શિવે ગયા હારી!
છતાં પણ દીનબંધુ, અગતિની ગતિ;
ઇચ્છું ગાવા રામકૃષ્ણ-લીલાગીતિ અતિ.

Total Views: 293

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.