શ્રીરામકૃષ્ણ – પુરાણ

શ્રી પ્રભુની જન્મકથા

જય જય રામકૃષ્ણ વાંછાકલ્પતરુ,
જય જય ભગવાન જગતના ગુરુ;
જય જય રામકૃષ્ણ તણા ભક્તગણ,
યાચું રજ ચોંટેલી એ સહુને ચરણ.
સુજલ સુફલ ને સુંદર બંગદેશ,
ભાગીરથી જ્યહાં કરે સાગર પ્રવેશ.
હુગલી જિલ્લામાં ગામ કામારપુકુર,
જન્મ લીધો પ્રભુએ પવિત્ર દ્વિજ કુળ.
પિતા ખુદીરામ ચેટ૨જી સત્યધારી,
તેજસ્વી બ્રાહ્મણ અતિશુદ્ધ નિષ્ઠાચારી.
બ્રાહ્મણનાં કર્મો બધાં ચિવટથી કરે,
જપ તપ ધ્યાન પૂજા પાઠ તીર્થે ફરે.
દૂર હોય તીર્થ તોય નિર્ભય અંતરે,
પગે ચાલી જાય સેતુબંધ રામેશ્વરે.
ન્યાયપરાયણ તેમ ધાર્મિક સુધીર,
રામભક્ત : ઘેર શાલીગ્રામ – રઘુવીર.
રઘુવીર-પૂજનમાં હતી અતિ પ્રીતિ,
દ્વિજવર સિદ્ધવાક્ એવી ગામે ગીતિ.
અનેક કહાણી એની લોકો કહી ઊઠે,
એને વેણે મોગરામાં ફૂલો રોજ ફૂટે.
બ્રહ્મ શક્તિ-પરિપૂર્ણ તેજ પૂંજ કાય,
દેખતાં જ શ્રદ્ધા એની મેળે ઉભરાય.
ગરીબ ભલે ને ગૃહે હતું નહિ અર્થ,
સામે ઊભા થવા ન્હોતું કોઈએ સમર્થ.
જે તળાવે દ્વિજ ન્હાય ઊઠીને પ્રભાત,
તેમાં એની પ્હેલાં ના’વા કો’ની ન તાકાત.
આચારમાં કડક એ તેજસ્વી બ્રાહ્મણ,
શૂદ્ર કેરું દાન કદિ કરે ન ગ્રહણ.
કહે તેની પદરજે વ્યાધિ નાશ થતો,
પગે પડી રજ લેતાં જ્વર શમી જતો.
નીકળતાં નમે ગામ લોકો વાટ ધારે,
હાથ જોડી ઊભા થાય વેપારી બજારે.
અંતરે દયાળુ વાણી અતિ મીઠી બોલે,
ઉદાર સરલતામાં કોઈ ના’વે તોલે.
દ્વિજ જેવા, તેવી તેની ભાર્યા ગુણવતી,
આબેહૂબ ઘડી જાણે દયાની મૂરતિ.
ભૂખ્યું કોઈ યદિ રહે ઊભું દરવાજે,
જે હોય તે ઘરમાંથી આપે ખાવા કાજે.
અંતરમાં સરળતા એવી મૂર્તિમાન,
વાંકાં વેણ, આડી ભાષા તણું નહિ જ્ઞાન.
પારકી પંચાત મૂકી પર-હિત-રત,
નિરુપમ અલૌકિક ગુણ શતશત.
સામાન્ય નહિ એ બાઈ, બ્રાહ્મણને ઘરે;
ધારે જે ભૂભારહારી પ્રભુને ઉદરે.
પ્રભુની જનેતા થાય, આપણી તો ‘આઈ’;
હવે થકી ‘આઈ’, કહી તેની કથા ગાઈ.
કોટી-કોટી દંડવત્ ‘આઈ’ને ચરણે,
ધોખો રહ્યો મોટો નવ દેખીયાં નયને.
નત શિર જોડી કર સર્વ થકી આગે;
‘આઈ’ની ચરણ-રજ પામર આ માગે.
આઈનાં નશીબ કહ્યાં જાય ન વખાણી;
ત્રણ પુત્ર જન્મ આપે આઈ-ઠાકુરાણી.
શ્રીરામકુમા૨ મોટા, વચ્ચે ૨ામેશ્વ૨;
એ ત્રણેમાં નાના પ્રભુ કરુણાસાગર.
દેવી જેવી દિકરી બે કાત્યાયની મોટી;
અને સર્વમંગલા એ સર્વથકી છોટી.
મોટા પુત્ર શ્રીરામનો ‘અક્ષય’ નંદન;
કિશોર વયમાં તેને તજીયું જીવન.
વચ્ચેટના દ્વય પુત્ર એક જ નંદિની;
રામલાલ, શિવરામ, લક્ષ્મી ભગિની.
આટલો જ માત્ર કહ્યો ઇષ્ટ-પરિવાર;
તેમને પ્રણામ પગે કરું વારવાર.
આઈને ઉદર રહ્યા ગર્ભ માંહે પ્રભુ;
અદ્ભુત આખ્યાન એમાં નવાઈ છે બહુ.
એક વાર પ્રભુપિતા ગયા ધામે જાય;
થયું ત્યાંહાં કેવું બધું સુણો કથામાંય.
એક દિન દ્વિજવરે દેખિયું સ્વપન;
અતિ સુમધુર કથા વિચિત્ર કથન.
શંખ ચંક્ર ગદા પદ્મ ચતુર્ભુજધારી;
શ્યામળી ઉજ્જ્વળ કાયા પરે જાઉં વારી.
બોલે, ‘પુત્ર થઈ અવતરું તુજ ઘરે’;
હસી હસી દ્વિજવર સાથે વાતો કરે.
ઉત્તરમાં બોલે દ્વિજ, ‘અરે મારા બાપ,
ગરીબ બ્રાહ્મણ હું તો, વિશ્વપતિ આપ.
સેવા કેમ કરી થાય આપની મુજથી;
ઘેર મારે ચાર દિ’નું ખાવા ધાને ય નથી.’
ઉત્તરમાં દેવ કહે, ‘ડરમા તું દ્વિજ;
પોષણ મારાની ચિંતા રાખવી નહિ જ.’
એમ કહી નિમિષમાં થયા અંતર્ધાન;
પ્રભુ જતાં વિપ્રના વ્યાકુળ થયા પ્રાણ.
ઊંઘ ઊડી જાગી ગયા ભૂદેવ ચમકી;
ઘોર રજનીમાં અદ્ભુત સ્વપ્ન દેખી.
મનોમન દ્વિજવર કરે છે વિચાર;
સ્વપ્ન-અર્થ કળવામાં લાગી નહિ વાર.
અહીં આઈ ઠાકુરાણી પોતાને ભવને;
બેસી કરે વાતચીતો નારીઓ ત્રણને.
શિવનું મંદિર એક હતું સાવ સામે;
મહાજ્યોતિ ત્યાંથી ધસી આવી તેહ ઠામે.
વાયુ વેગે આઈ તણી કાયમાં એ જાય;
ભય પામ્યાં આઈ કાયા થરથર થાય.
જેહ ત્રણ નારી સાથે વાતો થતી હતી;
આઈ બોલ્યાં ફોડ પાડી ઘટના એ બધી.
સુણી લોકો વાતો કરે વિવિધ પ્રકાર;
ઊભાં થઈ રહે આઈ ઝાલી ઘરબાર.
નારી ત્રણમાંથી એક ધની લુહારણ;
આગળ ગવાશે તેનું વધુ વિવરણ.
અતિ ભાગ્યવતી એક લુહારણ બાઈ;
હોત તો જરૂર લેત પદરજ ધાઈ.
પ્રભુ પરે પુત્રસ્નેહ બહુ હતો તેને;
મળે એ સૌભાગ્ય, હોય મહાભાગ્ય જેને.
ભુવનપાવન જે વાંછાકલ્પતરુ;
અનાથના નાથ જેહ જગતના ગુરુ.
પ્રભુદેવ બાઈને સંબોધી કહે ‘માતા’;
તેની પદરજે થાય ચિત્ત તણી શાતા.
વિચાર કરું ન કશો જાતિકુળ ધારા;
ચાહે રામકૃષ્ણને જે પૂજ્ય છે એ મારા.
બ્રાહ્મણ થઈને જે કો પ્રભુદ્વેષી હોય;
ચંડાળથી નીચ તેને મારું મન જોય.
શ્રાદ્ધયાત્રા પૂરી કરી છોડી ગયા ધામ;
ચાલીને શ્રીખુદીરામ પ્હોંચ્યા નિજ ગામ.
સ્વામી પાસે બોલ્યાં બધુ આઈ ઠાકુરાણી;
જે દિ’ જે દિ’ જે જે બન્યું તે તે યાદ આણી.
સ્વપનકથાને સ્મરી દ્વિજ નિજ મને;
આઈને કહે, ‘એ કે’શો નહિ કોઈ કને.’
દિન પર જાય દિન, ગર્ભ તેમ વધે;
કાંતિ બ્રાહ્મણીની દેખી વાતો થાય બધે,
આઈની લાવણ્યછટા અતિશય રૂપ;
સ્વરૂપ વધીને થયું સુંદર સ્વરૂપ,
સ્વભાવ જુઓ તો જાણે બરાબર ગાંડી;
જોઈ પાડોશણો કરે વાતો ખાંડી ખાંડી.
કહે, ‘જુઓ રૂપછટા ફૂટી બહાર આવે;
વિના બ્રહ્મદૈત્ય આવું રૂપ કોઈ ન લાવે.
મોટી વયે પેટ ચડ્યું, બીજું તે શું થાય;
જીવે તો નશીબ, નહિતર પ્રાણ લઈને જાય.
આઈ પણ વર્ગે જાણે ભૂત અંગમાંહે;
ક્યારેક ઉલ્લાસે વાતો કરે રંગમાંહે,
બોલી નાખે આઈ બધી વાત કોઈ ભેટ્યે;
પતિસ્પર્શે ગર્ભ નથી, ઘૂસ્યું કૈંક પેટે.
જુએ, સુણે અલૌકિક ગર્ભવતી આઈ;
અતિ અસંભવ વાતો વર્ણવી ન જાઈ.

(ક્રમશઃ)

Total Views: 313

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.