(રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના ૧૭મા પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી ગૌતમાનંદજી મહારાજના આગમનનો શ્રી નલિનભાઈ મહેતાએ આલેખેલ આંખે દેખ્યો અહેવાલ અહીં પ્રસ્તુત કરીએ છીએ. – સં.)
આજના દિવસનો આ પ્રસંગ ખાસ હતો, કારણ કે અનેક વર્ષોનાં વહાણાં વીત્યા બાદ, ૩૩ વર્ષ પછી રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના ૧૭મા પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી ગૌતમાનંદજી મહારાજનું આગમન થતાં રાજકોટવાસીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો. આ પહેલાં ૧૯૯૧માં રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના ૧૨મા પરમાધ્યક્ષ પૂજ્ય સ્વામી ભૂતેશાનંદજી મહારાજનું રાજકોટમાં શુભાગમન થયું હતું.
તા. ૨જી ડિસેમ્બર, ૨૦૨૪ની એ ઘડી આવી પહોંચી. જેની ગુજરાતભરના ભક્તો અતિ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા. શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ માટે આજે બહુ મોટો અવસર હતો. આજે સમગ્ર આશ્રમને ફૂલ-હારથી શણગારવામાં આવ્યો હતો. સવારની મંગલ આરતી બાદ ભક્તો અને ભાવિકોની ભીડ જમા થવા લાગી. મહારાજના આગમન પૂર્વે અભિભાવક ભાઈઓ અને બહેનો ગરબા-રાસની રમઝટ બોલાવતાં હતાં. બધાં ગુજરાતનાં પારંપરિક વસ્ત્રોથી સજ્જ હતાં. મોટા ભાગના પુરુષોએ સૌરાષ્ટ્રની ઓળખ આપતી પાઘડી ધારણ કરી હતી.
સવારે ૧૧.૪૫ કલાકે તેઓનું સ્વાગત એરપોર્ટ પર કરવામાં આવ્યું. લગભગ ૧૨.૪૫ વાગ્યે આશ્રમ ખાતે તેમનું આગમન થયું. એરપોર્ટથી ડૉ. યાજ્ઞિક રોડ પર આવેલ સ્વામી વિવેકાનંદની પ્રતિમા સુધી પૂજ્ય મહારાજ મોટરકારમાં આવ્યા હતા. ત્યાં મહારાજશ્રીની પધરામણી માટે રથ તૈયાર હતો. કુમારિકાઓએ મહારાજનું ભાવભીનું સ્વાગત કર્યું. રથમાં બિરાજમાન થયા પછી મહારાજશ્રીને એક બાલિકાએ કુમકુમ-તિલક કરી અક્ષતથી વધાવ્યા.
શોભાયાત્રામાં સૌથી આગળ સૌરાષ્ટ્રની પરંપરા મુજબ ઢોલ-નગારાં પર સુમધુર ધૂન રેલાઈ રહી હતી. ઘોડેસવારો, સંન્યાસીઓ, બ્રહ્મચારીઓ અને ભક્તો સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ પારંપરિક રાસ-ગરબાની રમઝટ બોલાવતા ચાલતા હતા. ધીમે ધીમે રથ આશ્રમના પ્રાંગણમાં આવી પહોંચ્યો. શ્રીમંદિર સામેના મુખ્ય દ્વારે રથ આવી પહોંચ્યો. ત્યાં ઊભેલ ભક્તોએ ગુલાબની પાંખડીઓ દ્વારા મહારાજશ્રીનું ઉમળકાભર્યું સ્વાગત કર્યું.
શ્રીમંદિર સમક્ષ કેટલાંક બાળકો શિવજી, પાર્વતીજી, શ્રીરામકૃષ્ણદેવ, શ્રીમા શારદાદેવી, સ્વામી વિવેકાનંદ, ભગવાન શ્રીરામ, સીતામાતા, લક્ષ્મણ અને હનુમાન વગેરે દેવ-દેવીઓની વેશભૂષામાં સજ્જ હતાં. જાણે કે સ્વર્ગ ધરતી પર ઊતરી આવ્યું હોય એવું દૃશ્યમાન થતું હતું!
શોભાયાત્રા શ્રીમંદિર પાસેથી પસાર થતાં આધ્યાત્મિક સ્પંદનો અનુભવાયાં! શોભાયાત્રાના સમગ્ર માર્ગ પર શ્રીરામકૃષ્ણ, શ્રીમા શારદાદેવી અને સ્વામી વિવેકાનંદનાં પાવન નામનો જયકાર ગૂંજતો રહ્યો.
સમગ્ર શોભાયાત્રા દરમિયાન શ્રીમત્ સ્વામી ગૌતમાનંદજી મહારાજ અભયમુદ્રામાં આશીર્વચન પાઠવી રહ્યા હતા અને તેમના મુખારવિંદ પર અનેરું સ્મિત ફરકી રહ્યું હતું.
Your Content Goes Here





