શ્રીશંકરાચાર્યના જીવનનો પ્રસંગ
એક વખતનો પ્રસંગ છે. બપોરનો સમય હતો. શિષ્યના સમૂહ સાથે શંકર ગંગાતટ પર જઈ રહ્યા હતા. સામે ચાર ડાઘિયા કૂતરાઓથી ઘેરાયેલો કોઈ ચાંડાલ રસ્તામાં ઊભો હતો. આગળ જવાનો રસ્તો તેણે અને તેના કૂતરાઓએ રોકી રાખ્યો હતો. આથી શંકરે તેને એકથી વધુ વાર ખસી જવા કહ્યું. પણ ખસી જવાને બદલે પેલા ચાંડાલે કહ્યું: ‘આપ અદ્વૈતવાદનો ઉપદેશ કરો છો સ્વયં સંન્યાસી છો અને મને ખસવાનું કહો છો! તમે અદ્વૈતનું તત્ત્વ પામ્યા હો એવું જણાતું નથી. જ્યારે જગતના કણકણમાં બ્રહ્મતત્ત્વ વ્યાપ્ત હોય ત્યારે કોણ કોને છોડીને ક્યાં જાય? આપ પવિત્ર બ્રાહ્મણ અને હું અપવિત્ર ચાંડાલ છું, એવી આપની ભાવના જ દુરાગ્રહ છે!’
આ સાંભળીને શંકરને આશ્ચર્ય થયું. એમણે તે જ વખતે ‘મનીષાપઞ્ચક’ નામના સ્તોત્રની રચના કરી. જેમાં સ્પષ્ટ કહ્યું છે કે જેનામાં સર્વત્ર બ્રહ્મ વસી રહ્યું છે, એ ભાવના દૃઢ થઈ ગઈ હોય, તે ચાંડાલ હોય કે બ્રાહ્મણ હોય એ મારો ગુરુ છે.
ब्रह्मैवाहमिदं जगच्च सकलं चिन्मात्रविस्तारितं
सर्वं चैतदविद्यया त्रिगुणयाशेषं मया कल्पितम् ।
इत्थं यस्य दृढा मतिः सुखतरे नित्ये परे निर्मले
चाण्डालोऽस्तु स तु द्विजोऽस्तु गुरुरित्येषा मनीषा मम ॥
‘હું બ્રહ્મ જ છું અને આખું જગત કેવળ ચૈતન્યનો જ વિસ્તાર છે. આ બધું ત્રણ ગુણવાળી અવિદ્યાને કારણે મેં કલ્પેલું છે – આવી જેની મતિ અત્યંત સુખ આપનાર નિત્ય અને નિર્મળ એવા પરમતત્ત્વ વિશે દૃઢ હોય, તે ચાંડાલ હોય કે પછી બ્રાહ્મણ હોય એ મારો ગુરુ છે, એવી મારી ભાવના છે.’
આ સાંભળી ચાંડાલનું રૂપ ત્યજીને ભગવાન શિવ ત્યાં પ્રગટ થયા. તેમણે શંકરાચાર્ય પ્રત્યે પોતાની પ્રસન્નતા વ્યક્ત કરી અને મહર્ષિ વ્યાસના બ્રહ્મસૂત્ર ઉપર અદ્વૈતવાદનું પ્રતિપદાન કરતા ભાષ્યની રચના કરવાની આજ્ઞા કરી.
શ્રીશંકરાચાર્યની ‘આત્મા’ વિશેની વાણી
હું નિર્ગુણ અને નિષ્ક્રિય છું; હું શાશ્વત, નિર્વિકલ્પ, શુદ્ધ, નિર્મળ, નિર્વિકાર, નિરાકાર, અપરિવર્તનશીલ અને નિત્યમુક્ત છું.
હું ઇન્દ્રિયસુખોથી વિરક્ત છું. પરમાનંદ, જ્ઞાન અને આત્માનુભૂતિથી પૂર્ણ છું. હું ઇન્દ્રિયજગતની કામનાઓથી સર્વત્ર પૃથક્-પર છું. જે અતિન્દ્રિય છે એમાં હું આનંદિત છું.
સમસ્ત શક્તિશાળી તત્ત્વોનું મંગલ હું છું, કારણ કે હું એ બધામાં મહાન છું. હું કામજન્ય સંવેગોથી મુક્ત છું.
હું એક છું, અભેદ છું. ‘આ’, ‘આ પ્રકાર’ અથવા ‘આવા’ના ભેદથી પૃથક્ છું.
હું નિ:સ્પૃહ પુરુષોનો વંદનીય છું. હું ગુણદોષની આંતરિક ભાવનાઓ રહિત છું.
હું એકત્વનો ઉદ્ઘાટક છું. વેદાંતસિદ્ધાંતના સમ્યક્જ્ઞાનથી જેની બુદ્ધિ શુદ્ધ બની ગઈ છે એમને માટે હું એકમાત્ર પરમસત્તા છું. રાત્રિના અંધકારની જેમ અજ્ઞાનનો નાશ કરનાર સૂર્ય પણ હું છું.
Your Content Goes Here




