જીવન

ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા ભગવદ્‌ગીતામાં કહેવાયેલું વચન – ‘જ્યારે જ્યારે ધર્મની હાનિ, અધર્મની વૃદ્ધિ થાય છે ત્યારે ત્યારે હું અવતાર ધારણ કરું છું.’ – ને ચરિતાર્થ કરવા આપણી પાવન માતૃભૂમિ ભારતવર્ષમાં વિભિન્નકાળમાં તેજસ્વી સંત કે મહાપુરુષ અવતરતા રહ્યા છે. 

સ્વામી વિવેકાનંદે કહ્યું છે:

‘પરંતુ ભારતે જીવતાં રહેવાનું હતું અને ઈશ્વરી શક્તિ ફરી અવતીર્ણ થઈ. જેણે ગીતામાં ઘોષણા કરેલી કે ‘યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ….. તદાત્માનં સૃજામ્યહમ્‌’ ‘જ્યારે જ્યારે ધર્મની ગ્લાનિ થશે… ત્યારે ત્યારે હું આવીશ.’ તે ફરીથી પધાર્યા. અને આ વખતે એમનો આવિર્ભાવ થયો દક્ષિણ ભારતમાં. એ બ્રાહ્મણકુમાર વિશે એમ કહેવાય છે કે સોળ વર્ષની ઉંમરે તો એણે પોતાના સર્વ ગ્રંથો લખીને પૂરા કરી દીધા હતા; એ અદ્‌ભૂત બ્રાહ્મણકુમાર શંકરાચાર્ય હતા. આ સોળ વરસના કુમારનાં લખાણો આધુનિક જગતનું આશ્ચર્ય છે, અને એ કુમાર પોતે પણ એવો જ આશ્ચર્યજનક હતો. ભારતને પાછું પોતાની અગાઉની પ્રાચીન પવિત્રતાએ લાવવું એ એના મનની મહેચ્છા હતી.’

કેરળ રાજ્યના કાલડી ગામમાં ઈ.સ.ની ૮મી સદીમાં જ્યારે નામ્બુદ્રી બ્રાહ્મણ દંપતી વિશિષ્ટા અને શિવગુરુના ઘરે શંકરે જન્મ ધારણ કર્યો ત્યારે ફરી એકવાર આ વચન પૂર્ણ થતું જોવા મળે છે.

૮ વર્ષની ઉંમરે શંકરનો ઉપનયન સંસ્કાર વિધિ કરવામાં આવ્યો. પરંતુ એ પહેલાં જ પંડિતોને આશ્ચર્યચકિત કરી દેતા અનેક ધર્મગ્રંથોમાં એમણે પ્રાવિણ્ય મેળવ્યું. ૧૬ વર્ષની નાની વયે શિક્ષણ પૂરું કરીને તેમણે ષડ્‌દર્શનનો સાંગોપાંગ અભ્યાસ કરી લીધો. પરિણામે એમનું મન બાહ્યજગત પ્રત્યે પૂર્ણત: વિરક્ત બની ગયું. હવે એમણે સંન્યાસ લેવાનો નિશ્ચય કર્યો. એમના આ સંકલ્પમાં એમનાં પ્રિય અને વાત્સલ્યપૂર્ણ માતા જ એક મોટો અવરોધ હતાં. તેઓ પોતાની માતાનો અત્યધિક આદર કરતા હતા. વૈરાગ્ય અને પ્રેમ વચ્ચે જાણે કે દ્વંદ્વ ઊભું થયું, પરંતુ શંકરે તો સર્વોચ્ચ કોટિના અખિલ વિશ્વના ધર્મગુરુ બનવાનું હતું; એટલે કેટલીક વિચિત્ર પરિસ્થિતિઓ ઉત્પન્ન થવાથી એમને મા પાસેથી સંન્યાસી બનવાનો આદેશ મળી ગયો. શંકરે પોતાની માતાને વચન આપ્યું હતું: ‘જો કે હું એક સંન્યાસી જીવન વ્યતીત કરવાનો છું; પરંતુ તમારા જીવનના અંતિમ દિવસોમાં હું તમારી પાસે જ હોઈશ.’

તીવ્ર વૈરાગ્યભાવથી ઉતપતા, આસક્તિના અંતિમ બંધનને છિન્ન કરીને, શંકર નર્મદા તટે પહોંચ્યા અને ત્યાં એમણે વિખ્યાત ગૌડપાદના આત્મજ્ઞાની શિષ્ય ગોવિંદપાદનું શિષ્યત્વ સ્વીકાર્યું. દીક્ષા પછી ગુરુશ્રેષ્ઠ ગોવિંદપાદે શંકરને ભગવાન વેદવ્યાસનાં વેદાંતસૂત્રો પર ભાષ્ય લખવાનો આદેશ આપ્યો. આ મહાન કાર્યને પૂર્ણ કરીને આચાર્ય શંકર દિગ્વિજયયાત્રાએ નીકળી પડ્યા. હિમાલયથી કન્યાકુમારી અને કાશ્મીરથી આસામમાં કામરૂપ સુધી તેમણે પગે ચાલીને પરિભ્રમણ કર્યું. 

આ મહાન યાત્રામાં એમણે લગભગ બધા સમકાલીન પ્રકાંડ વિદ્વાનોને શાસ્ત્રાર્થમાં હરાવ્યા. પરાજિત વિદ્વાનોમાંથી મોટાભાગના એમના શિષ્ય કે અનુયાયી બન્યા. આચાર્ય શંકરનો સૌથી મહાન વિજય હતો તત્કાલીન પ્રકાંડ પંડિત અને મહાન કર્મકાંડી મંડનમિશ્ર તથા તેમના તત્સમ વિદ્વાન ધર્મપત્ની ઉભયભારતીને પરાજિત કરવાનો. આ દંપતી વૈદિકકર્મકાંડના કટ્ટર અનુયાયી હતા. તેઓ કુમારિલ ભટ્ટના શિષ્ય હતાં. શાસ્ત્રાર્થની પૂર્વશરત પ્રમાણે મંડનમિશ્ર આચાર્ય શંકરના શિષ્ય બન્યા. પાછળથી આચાર્ય શંકરના મુખ્ય ચાર શિષ્યોમાં મંડનમિશ્રે ગૌરવપૂર્ણ સ્થાન મેળવ્યું. સંન્યાસ ગ્રહણ કર્યા પછી એમનું નામ સુરેશ્વરાચાર્ય પડ્યું. આચાર્યશંકરના બીજા ત્રણ શિષ્યો હતા – પદ્મપાદ, તોટકાચાર્ય અને હસ્તામલક.

એ સમયમાં આચાર્ય શંકરના સૌથી વધુ પ્રબળ વિરોધી સંભવત: બૌદ્ધ જ હતા. તેઓ વૈદિકધર્મના સમસ્તરૂપોનો વિરોધ જ કરતા હતા. પરંતુ, અંતતોગત્વા આચાર્ય શંકરે પોતાની દિવ્ય વાગ્મિતાથી એ બધાને પરાજીત કર્યા અને એમાંથી અધિકાંશ એમના અનુયાયી બની ગયા.

અદ્વૈતવેદાંતનાં મહિમા અને શ્રેષ્ઠતા પ્રતિષ્ઠાપિત કરી લીધા પછી આચાર્ય શંકરે ભારતની ચાર દિશાઓમાં ચાર મઠની સ્થાપના કરી. પૂર્વમાં જગન્નાથપૂરીમાં ગોવર્ધનમઠ, ઉત્તરમાં હિમાલયના બદરિકાશ્રમમાં જ્યોર્તિમઠ-જોશીમઠ, પશ્ચિમમાં દ્વારકામાં શારદામઠ અને દક્ષિણમાં કર્ણાટક રાજ્યમાં આવેલ શૃંગેરીમઠ. આ મઠોમાં એમણે પોતાના ઉપર્યુક્ત ચાર મુખ્ય શિષ્યોને મઠાધિપતિ બનાવ્યા. આજે પણ આ મઠ અધ્યાત્મવિદ્યાનાં કેન્દ્ર છે. અહીં હજારો જ્ઞાનપિપાસુઓ આવતા રહે છે. આચાર્ય શંકરે સંન્યાસીઓની દસ સુવિખ્યાત શ્રેણીઓ પણ સ્થાપી જે ગિરિ, પુરિ, ભારતી, સરસ્વતી, તીર્થ, આશ્રમ, વન, અરણ્ય,પર્વત અને સાગરના નામથી પ્રસિદ્ધ છે.

બ્રહ્મસૂત્ર, અગિયાર મુખ્ય ઉપનિષદો અને ભગવદ્‌ગીતા પર ભાષ્ય લખીને શંકરાચાર્ય અમર બની ગયા છે. શંકરાચાર્ય નિર્વિવાદ રૂપે વેદાંતદર્શનના સૌથી મહાન આચાર્ય છે. એમણે પોતાની તીક્ષ્ણ મીમાંસા દ્વારા વેદાંતનો સાર લઈને તેનાં અદ્‌ભુત અદ્વૈત તત્ત્વજ્ઞાનને પ્રતિપાદિત કર્યું છે. આ અદ્વૈત તત્ત્વજ્ઞાન ઉપનિષદોમાં રહેલું છે. એમણે બ્રહ્મ વિષયક પરસ્પર વિરોધી વ્યાખ્યાઓમાં ઐક્ય સ્થાપીને એ દર્શાવ્યું છે કે ચિરંતન સત્ય કેવળ એક જ છે. એમની માન્યતા હતી કે આરોહણના માર્ગે વ્યક્તિ ધીમે ધીમે ગતિ કરી શકે છે અને તે પ્રમાણે વિભિન્ન વ્યક્તિઓની ક્ષમતા પ્રમાણે વિભિન્ન સાધનમાર્ગ હોય છે. એમના સુખ્યાત પ્રકરણગ્રંથો દ્વારા – દા.ત. વિવેકચૂડામણિ તથા અપરોક્ષાનુભૂતિ આદિ ગ્રંથો દ્વારા – એમના અગાધજ્ઞાન અને એમની અપરિમિત કલ્પના શક્તિનું પ્રમાણ મળે છે. શંકરાચાર્યના આ ગ્રંથો આધ્યાત્મિકમાર્ગના સાધકો માટે આવશ્યક પથપ્રદર્શક છે. જો કે શંકરાચાર્ય પૂર્ણત: અદ્વૈતવાદી હતા પરંતુ એમનું અંત:કરણ પ્રગાઢ ભક્તિભાવથી ઓતપ્રોત હતું. એમણે રચેલાં અદ્વિતીય સ્તોત્ર ભક્તિ અને વૈરાગ્યની ભાવનાથી એટલાં બધાં પરિપૂર્ણ છે કે એનાથી પાષાણહૃદયીમાનવ પણ દ્રવી ઊઠે છે. 

પોતાના અદ્‌ભુત અદ્વૈત દર્શન દ્વારા સમગ્ર દેશને પરિપ્લાવિત કરીને તેમજ ધર્મમાં યુગાન્તરકારી સુધારણા લાવ્યા પછી શંકરાચાર્ય ઈ.સ. ૮૩૦માં ૩૨ વર્ષની ઉંમરે હિમાલય પર્વત પરના કેદારનાથમાં મહાસમાધિમાં લીન થઈ ગયા. આજે સેંકડો વર્ષ પછી પણ ભારતના ધાર્મિક જીવન પર એમના વ્યાપક અને પ્રભાવપૂર્ણકાર્યનો સફળ પ્રભાવ પૂર્ણત: વિદ્યમાન છે. તેઓ આપણને નિરંતર પ્રેરણા આપતા રહે તેમજ એમના દ્વારા આપણને માર્ગદર્શન સાંપડતું રહે એ જ આપણી એકાંતિક કામના.

સંદેશ

* મનુષ્ય જન્મ, મુક્તિની ઇચ્છા અને મહાપુરુષનું શરણ આ ત્રણેય બાબતો સંસારમાં અત્યંત દુર્લભ છે અને તેમની પ્રાપ્તિ કેવળ ઈશ્વરની અનુકંપાથી જ થાય છે.

* ગમે તેમ કરીને મનુષ્ય જન્મ મળ્યો અને તેમાં વળી પુરુષદેહ મળ્યો અને વેદાધ્યયન પણ કરી લીધું; પરંતુ આ બધું મળવા છતાં પણ જો મનુષ્ય મુક્તિલાભ માટે પ્રયત્ન ન કરે તો તે મહામૂર્ખ છે. ઊલટાનું એમ કહેવું જોઈએ કે અસત્‌ વસ્તુઓનું પાછળ પાછળ ભટકીને જાણે કે તે આત્મહત્યા જ કરી રહ્યો છે.

* જ્ઞાન અને કર્મની વચ્ચે પર્વત સમો અડગ વિરોધ રહેલો છે. ભગવાન વ્યાસે આના પર ઘણો વિચાર કર્યા પછી પોતાના પુત્રને આ પ્રકારનો બોધ કરાવ્યો : આ બે માર્ગોનું વેદોમાં શિક્ષણ અપાયું છે. – એક છે કર્મમાર્ગ કે પ્રવૃત્તિ અને બીજો છે ત્યાગનો માર્ગ કે નિવૃત્તિ.

* પ્રાત: અને સંધ્યા, દિન અને રાત્રી, શિશિર અને વસંત વારંવાર આવે છે અને ચાલ્યાં જાય છે. કાળની ક્રીડા સતત ચાલતી રહે છે. જીવનનો હ્રાસ થતો રહે છે. પરંતુ મનુષ્યની આશા સમાપ્ત થતી નથી, તે નિરંતર અતૃપ્ત જ બની રહે છે.

* જે ઇચ્છા અને કર્મનું કારણ નથી જાણતો તેને માટે દુ:ખ અને મોહ છે; પણ જે આકાશવત્‌ સર્વવ્યાપી, શુદ્ધ-બુદ્ધ આત્માને સર્વત્ર જુએ છે એને માટે નહિ.

* જ્યાં સુધી મનુષ્ય ધનોપાર્જન કરતો રહે છે, ત્યાં સુધી તેના બંધુબાંધવ તેને ખૂબ ચાહતા રહે છે; પરંતુ વૃદ્ધાવસ્થામાં જ્યારે તેનું શરીર શિથિલ બની જાય છે અને અંતિમ સમય નજીક આવી જાય છે પછી તેના સગાંસંબંધીઓ પણ તેને, ‘તને કેમ છે’ – એમ પણ પૂછતા નથી.

* જે કંઈ પણ કામનાપ્રેરિત હોય છે તે દુ:ખનું મૂળ કારણ બને છે અને ક્ષણભરમાં જ નિસ્સાર તથા ફિક્કું લાગે છે. કેવળ અજ્ઞાની જ તેની પાછળ દોડતો રહે છે.

* વ્યાધિઓથી શરીર જર્જર થઈ ગયું છે, માથાના વાળ સફેદ થઈ ગયા છે, મોઢામાં દાંત રહ્યા નથી, લાકડીને ટેકે ટેકે ચાલતા ફરો છો, છતાંય ખેદ એ વાતનો છે કે માણસ આશાપિંડને છોડતો નથી.

* ત્રણેય લોકમાં પ્રત્યેક વ્યક્તિ સુખ માટે દોડધામ કરે છે, દુ:ખ માટે જરાય નહિ. પરંતુ દુ:ખના બે સ્રોત છે : એક છે દેહ પ્રત્યે ‘હું’નો ભાવ અને બીજો છે સંસારની વસ્તુઓ પ્રત્યે ‘મારાપણા’નો ભાવ.

* બાળપણ ખેલકૂદમાં વિતાવ્યું, યૌવન કામ-આસક્તિમાં ખર્ચાઈ ગયું, વૃદ્વાવસ્થામાં વ્યક્તિ પોતાનાં કષ્ટોની ચિંતા કરે છે; પરંતુ ખેદ એ વાતનો છે કે પરમાત્મા માટે કોઈ પણ વ્યક્તિ વ્યાકુળ બનતી નથી.

* મુક્તિલાભનો અર્થ છે : ‘હું’ અને ‘મારું’નો સંપૂર્ણપણે ત્યાગ તથા ‘આત્માનુભૂતિ’ પ્રત્યે નિષ્ઠા.

* તું કોણ છો? હું કોણ છું? હું ક્યાંથી આવ્યો છું? કોણ મારી માતા છે અને કોણ મારા પિતા? આવી રીતે વિચાર કરીને આ બધું નિ:સાર અને ભ્રાંતિમાત્ર ગણો અને સંસારને મિથ્યા સ્વપ્નની જેમ ત્યજી દો.

* શરીર પ્રત્યે પૂર્ણ આસક્ત રહેવા છતાં જે માનવ આત્માનુભૂતિની અભિલાષા રાખે છે તે જાણે કે મગરની પીઠને ભ્રમવશ લાકડાનું પાટિયું સમજીને નદી પાર કરવા ઇચ્છે છે.

* મનુષ્યના શરીરમાં જ્યાં સુધી પ્રાણ રહે છે, પરિવારના લોકો ખૂબ પ્રેમભાવથી તેનું કુશળક્ષેમ પૂછતાં રહે છે. પરંતુ, જ્યારે પ્રાણ શરીર છોડી દેજ છે ત્યારે પત્ની પણ ભયભીત બનીને ભાગી જાય છે. એટલે માત્ર ગોવિંદનું જ ભજન કરો.

* સદૈવ યાદ રાખો કે ધન-સંપત્તિની સાથે દુ:ખ પણ આવે છે. વાસ્તવમાં ધનમાં લેશ માત્ર પણ આનંદ નથી હોતો. ધનવાન વ્યક્તિ પોતાનાં સંતાનથી પણ ભયભીત રહે છે. આમ જ સર્વત્ર હોય છે.

* અસંખ્ય ગ્રંથોમાં જે વાતનો ઉલ્લેખ થયો છે તેની વ્યાખ્યા અ અર્ધશ્લોકમાં જ કરી દઉં છું : ‘બ્રહ્મ સત્ય છે, જગત્‌ મિથ્યા છે; જીવ બ્રહ્મ જ છે, તે બ્રહ્મથી પૃથક્‌ નથી.’

‘श्लोकार्धेन प्रवक्ष्यामि यदुक्तं ग्रन्थकोटिभिः।
ब्रह्म सत्यं जगन्मिथ्या जीवो ब्रह्मैव नापरः॥’

* કમળપત્ર પર પડેલું જલબિંદુ જેમ અસ્થિર હોય છે. તેવી રીતે આ જીવન પણ નિતાંત અસ્થિર છે. સદૈવ યાદ રાખો કે સંપૂર્ણ માનવજાતિ દુ:ખ, અહંકાર આદિ વ્યાધિઓનો શિકાર છે.

* શ્રીગુરુનાં ચરણકમલમાં અનુરાગ રાખો અને સંસારના આ દાસત્વથી પોતાની જાતને સાવ મુક્ત કરી લો. પોતાની ઇન્દ્રિયોને સંયત અને મનને અંતર્મુખી બનાવો અને અંત:સ્થ ઈશ્વરનાં દર્શન કરો.

Total Views: 136

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.