ડોક્ટર સરકાર અને શ્રીરામકૃષ્ણના વાર્તાલાપનું એક મહત્ત્વનું તથ્ય ‘લીલાપ્રસંગ’માં પ્રકટ થાય છે. સ્વામી સારદાનંદજી લખે છે; ‘ડોક્ટર સાહેબના કિંમતી સમયનો મોટોભાગ અહીં પસાર થતો હોવાને કારણે એક દિવસ શ્રીરામકૃષ્ણદેવે કૃતજ્ઞતા વ્યક્ત કરતાં જ તેમણે તેમને રોકીને કહ્યું; ‘‘અરે, તમે શું એમ માનો છો કે હું અહીં આવીને આટલો બધો સમય તમારા માટે વીતાવું છું – આમાં તો મારો પણ સ્વાર્થ છે. તમારી સાથે વાત કરવામાં મને વિશેષ આનંદ મળે છે. આ પહેલાં તમને મળ્યો હતો, પણ આવા ઘનિષ્ટ ભાવે તમને મળવાનું અને ઓળખવાની તક મળ્યા નહોતાં. એ વખતે આ કરું, એમને તપાસું, આ રીતે કામમાં જ લાગેલો રહ્યો હતો. જાણો છો? તમારામાં સત્ય પ્રત્યે પ્રેમ છે, એટલે તમે મને ગમો છો. તમે જેને સત્ય માનો છો એનાથી રતિભાર પણ આમતેમ બોલી, ચાલી શકતા નથી. બીજી જગ્યાએ જોવા મળે છે કે લોકો કહેતા કંઈક હોય છે અને કરતા કંઈક જુદું જ હોય છે. હું એને બિલકુલ સહી શકતો નથી. એવું નહીં માનતા કે હું તમારી ખુશામત કરી રહ્યો છું. હું એવો ભોટ નથી. બાપને પણ છોડતો નથી. બાપ જો અન્યાય કરે તો તેમને પણ સ્પષ્ટ વાત કહી દેવાનું ચૂકતો નથી. આને લઈને મારું નામ દુર્મુખ છે.’’

શ્રીરામકૃષ્ણ (હસીને) – ‘‘હા એવું સાંભળ્યું તો છે. પરંતુ અહીં તમે આટલા દિવસોથી આવો છો, પણ મને તો એનો કોઈ જ પરિચય નથી થયો.’’

ડોક્ટર સાહેબે હસીને કહ્યું; ‘‘આ આપણા બંને માટે સદ્‌ભાગ્યની વાત છે. નહીંતર કંઈપણ અયોગ્ય જણાય તો મહેન્દ્ર સરકાર ચૂપ ન રહે, સત્ય પ્રત્યે મને પ્રેમ નથી, એવું ન વિચારો. જેને મેં સત્ય રૂપે જાણ્યું છે, તેની સ્થાપના કરવા માટે જ જીવનભર દોડધામ કરી રહ્યો છું. એને લઈને જ હોમિયોપથી સારવાર શરૂ કરી છે અને એને લઈને જ વિજ્ઞાનચર્ચા માટે મંદિર બનાવી રહ્યો છું. આ રીતના મારા બધાં કાર્યો છે.’’

મને યાદ છે કે અમારામાંથી કોઈએ ઈશારાથી જણાવ્યું હતું કે સત્યાનુરાગ હોવા છતાં ડોક્ટર સાહેબનો અનુરાગ અપરા વિદ્યામાં રહેલાં અપેક્ષિત સત્યના આવિષ્કાર પ્રત્યે વધારે છે, પણ શ્રીરામકૃષ્ણનો પ્રેમ હંમેશાં પરા વિદ્યા પ્રત્યે રહેલો છે.

ડોક્ટર સાહેબે આ કટાક્ષથી ઉત્તેજિત થઈને કહ્યું; ‘‘તમારા લોકોને એવી ટેવ જ પડી ગઈ છે. વિદ્યા શું પરા અને અપરા? જેનાથી સત્યનો પ્રકાશ થાય એમાં નાનું શું ને મોટું શું? અને જો આવા કાલ્પનિક વિભાગો પાડો છો, તો એ સ્વીકારવું પડશે કે અપરા વિદ્યાની ભીતરમાંથી જ પરા વિદ્યા પ્રાપ્ત કરવી પડે છે. વિજ્ઞાનની ચર્ચાથી અમે જે સત્યને પ્રગટ કરીએ છીએ, તેનાથી જગતનું મૂળ કારણ એટલે કે ઈશ્વરને ખૂબ વધારે સારી રીતે સમજી શકાય છે – હું નાસ્તિક વૈજ્ઞાનિકોની વાત નથી કરતો. એમની વાતો હું સમજી શકતો નથી. – આંખો હોવા છતાં તેઓ આંધળા છે. પરંતુ જો કોઈ એવી વાત કરે કે તે અનાદિ-અનંત ઈશ્વરનું પૂરું જ્ઞાન મેળવી ચૂક્યો છે તો તેને હું જૂઠ્ઠો અને દગાખોર માનું છું. એના માટે પાગલખાનાનો પ્રબંધ હોવો જોઈએ.’’

શ્રીરામકૃષ્ણે ડોક્ટર પ્રત્યે પ્રસન્નદૃષ્ટિથી જોતાં જોતાં હસીને કહ્યું; ‘‘તમે સાચું જ કહ્યું. ઈશ્વરની સમાપ્તિ (ઈતિ) જે લોકો કરે છે, તેઓ અત્યંત હીનબુદ્ધિ છે. તેમની વાત હું સહી શકતો નથી.’’ આટલું કહીને શ્રીરામકૃષ્ણે અમારામાંથી એક વ્યક્તિને ભક્ત રામપ્રસાદનું ભજન – ‘કે જાને મન કાલી કેમન, ષડદર્શને ના પાય દર્શન’ – (કોણ જાણે કાલી કેવી છે, અમારા ષડદર્શન તેનું દર્શન નથી મેળવી શકતા) ગાવા માટે કહ્યું. અને ગીત સાંભળતાં સાંભળતાં તેનો ભાવાર્થ વચ્ચે વચ્ચે ધીમે અવાજે ડોક્ટરને સમજાવવા લાગ્યા. ‘આમાર પ્રાણ બુઝે છે મન બુઝે ના, ધરબે શશિ હોયે બામન’, ગીતની આ કડી ગાતી વખતે શ્રીરામકૃષ્ણે ગાનારને અટકાવીને કહ્યું, ‘‘અરે ઊધું ચત્તું થઈ રહ્યું છે, એમ નહીં, ‘આમાર મન બુઝે છે પ્રાણ બુઝે ના’ એવું હશે. મન તે ઈશ્વરને જાણવાનો પ્રયત્ન કરતાં જ સમજી જાય છે કે અનાદિ અનંત ઈશ્વરને જાણવો એ એની શક્તિની બહારની વાત છે, પરંતુ હૃદય એ વાતને માનવા તૈયાર નથી થતું. તે ફક્ત કહે છે; – ‘હું એમને કઈ રીતે મેળવી શકું?’ ’’

ડૉક્ટરે આ વાત સાંભળીને મુગ્ધ થઈને કહ્યું; ‘‘સાચું કહ્યું, દુષ્ટ મન બહુ ખરાબ છે. થોડામાં જ કહી દે છે કે હું નહીં કરી શકું. એવું ન બની શકે. પરંતુ હૃદય તેની સાથે સંમત થતું નથી. એ કારણે અનેક પ્રકારના સત્યતત્ત્વોનો આવિષ્કાર થયો છે, અને થઈ રહ્યો છે.’’

ગીત સાંભળતાં સાંભળતાં એકાદ-બે યુવાન ભક્તોની બાહ્ય ચેતનાનો લોપ થયેલો જોઈને ડોક્ટર એમની પાસે ગયા અને નાડી તપાસીને બોલ્યા; ‘‘એવું જણાય છે કે મૂર્છાવસ્થાની જેમ બાહ્યજ્ઞાન નથી.’’ છાતી ઉપર હાથ ફેરવતાં ને ધીમે અવાજે ભગવાનનું નામ સંભળાવ્યા પછી તેમને પહેલાંની જેમ જ સ્વસ્થ થયેલા જોઈને ડોક્ટરે શ્રીરામકૃષ્ણદેવને કહ્યું; ‘‘એવું લાગે છે કે આ તમારી જ રમત છે.’’ શ્રીરામકૃષ્ણે હસતાં હસતાં કહ્યું, ‘‘અરે આ કંઈ મારી રમત નથી. આ એમની (ઈશ્વરની) ઇચ્છાથી થાય છે. એમનું મન હજુ પત્ની, પુત્ર, રૂપિયા, માન, યશ વગેરેમાં લાગ્યું નથી, એટલે ભગવાનનું નામ સાંભળતા જ આ રીતે તન્મય બની જાય છે.’’

પૂર્વ પ્રસંગ ઉપાડીને ડોક્ટરને પાછું કહેવામાં આવ્યું કે ઈશ્વરને માનવા છતાં અને તેની સમાપ્તિ ન કરવા છતાં પણ જેઓ વિજ્ઞાનચર્ચામાં લાગેલા છે, અને તેમાંથી એક પક્ષ તો ઈશ્વરને એકદમ નકારી જ કાઢે છે, અને બીજો પક્ષ ઈશ્વરના અસ્તિત્વનો સ્વીકાર કરવા છતાં ફક્ત એ જ વાતનો મોટે મોટેથી પ્રચાર કરે છે કે ઈશ્વર અમુક પ્રકારના જ હોઈ શકે એ સિવાય બીજા પ્રકારે હોઈ શકે જ નહીં. ડોક્ટરે કહ્યું; ‘‘હા જી, આ વાત ખૂબ સાચી છે. પરંતુ એ શું છે તે જાણો છો? તે છે વિદ્યાની ગરમી કે અપચો. ઈશ્વરની સૃષ્ટિની બે ચાર બાબતો તેઓ સમજી શક્યા છે, એટલે તેઓ માને છે કે દુનિયાનું બધું જ રહસ્ય તેમણે જાણી લીધું છે. જે લોકો ખૂબ વધારે ભણેલાં છે, તેમનામાં ઘણું કરીને દોષ રહેતો નથી. હું તો આવી વાત ક્યારેય મનમાં લાવી શકતો નથી.’’

શ્રીરામકૃષ્ણે એમની વાતો સાંભળીને કહ્યું; ‘‘સાચું કહ્યું. વિદ્યા પ્રાપ્ત કરવાની સાથે સાથે ‘હું પંડિત છું, મેં જે કંઈ જાણ્યું, સમજ્યું એ જ સત્ય છે. બીજાની વાતો ખોટી છે’ – આ રીતનો અહંકાર આવી જાય છે. મનુષ્ય અનેક બંધનોથી બંધાયેલો છે. વિદ્યાભિમાન એમાંનું એક છે. આટલું બધું ભણેલાં હોવા છતાં પણ તમારી અંદર એવો અહંકાર નથી એ એમની કૃપા છે.’’

આ વાતથી ઉત્તેજિત થઈને ડોક્ટરે કહ્યું; ‘‘અહંકાર હોવો તે તો દૂરની વાત થઈ પણ એવું જણાય છે કે હું જે કંઈ જાણું છું, સમજું છું, એ તો બહુ જ તુચ્છ છે, શીખવા જેવા એટલા બધા વિષયો છે કે મને લાગે છે કે દરેક મનુષ્ય એવા અનેક વિષયો જાણે છે, જે હું નથી જાણતો. એટલા માટે કોઈની પણ પાસેથી કંઈ શીખવામાં મને નાનપ નથી લાગતી. એવું લાગે છે કે આમની (શ્રીરામકૃષ્ણદેવને બતાવીને) પાસેથી મને શીખવા યોગ્ય અનેક બાબતો મળી શકે છે, આ વિચારે હું બધાના ચરણની ધૂળ પણ લેવા તૈયાર છું.’’

શ્રીરામકૃષ્ણદેવે આ સાંભળીને કહ્યું; ‘‘હું પણ એમને કહું છું. (અમને લોકોને બતાવીને) ‘સખી જતો દિન બાંચી તતો દિન શીખી.’ (સખી જેટલા દિવસ જીવું તેટલા દિવસ શીખું)’’ એ પછી ડોક્ટરને બતાવીને અમને કહ્યું; ‘‘જુઓ, કેવા અભિમાન રહિત છે! ભીતર સાર છે ને, એટલે આવી બુદ્ધિ છે.’’

આ પ્રકારના વિવિધ વાર્તાલાપો કરીને પછી ડોક્ટર વિદાય લઈને ચાલ્યા ગયા.

(ક્રમશ:)

Total Views: 256

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.