થોડા દિવસો પહેલાં શારદીય દુર્ગાપૂજા થઈ ગઈ છે. શ્રીરામકૃષ્ણ કલકત્તાના શ્યામપુકુર નામના સ્થળે ભક્તોની સાથે રહે છે. શરીરમાં ગંભીર રોગ છે. ગળામાં કેન્સર થઈ ગયું છે. જ્યારે તેઓ બલરામના ઘરે હતા ત્યારે વૈદ્યરાજ ગંગાપ્રસાદ તેમને જોવા આવ્યા હતા. શ્રીરામકૃષ્ણે એમને પૂછ્યું હતું; ‘‘આ રોગ સાધ્ય છે કે અસાધ્ય?’’ વૈદ્યરાજે આનો કોઈ જવાબ આપ્યો નહીં. તેઓ ચૂપ થઈ ગયા હતા. હવે આ સમયે ડોક્ટર મહેન્દ્રનાથ સરકાર સારવાર કરી રહ્યા છે. તેઓ શ્રીરામકૃષ્ણ પર શ્રદ્ધા – ભક્તિ રાખે છે. એમણે કહ્યું હતું; ‘‘આટલા દિવસો પછી હવે મને એક મનપસંદ મિત્ર મળ્યા છે.’’

આજે આસો સુદ ચૌદશ છે. ગુરુવાર, ૨૨મી ઓક્ટોબર, ૧૮૮૫. રોજની જેમ જ, આજે પણ સવારે માસ્ટર મહાશય મહેન્દ્રનાથ સરકારના ઘરે ગયા હતા. ડોક્ટર સરકાર શાંખારી ટોલા નામના મહોલ્લામાં રહે છે. માસ્ટર મહાશયે ડોક્ટરને આટલા દિવસની ઠાકુરની સ્થિતિની વિસ્તૃત જાણ કરી.

ડોક્ટર સરકારે બાજુની એક દુકાનમાંથી નાસ્તા માટેની વાનગી મંગાવી. વાનગી સારી હતી. તેમણે માસ્ટર મહાશયને નાસ્તો કરાવ્યો. ડોક્ટર સાહેબની નજર માસ્ટર મહાશયની ડીશ પર પડી તો તેઓ બોલી ઊઠ્યા, ‘‘તે નહીં ખાતા, તેમાં મીઠું વધારે છે.’’ માસ્ટર મહાશયે ખાવાનું પૂરું કર્યું પછી ડોક્ટરે નોકરને કહ્યું, ‘‘પાણી અને તાશક લઈ આવ અને માસ્ટરના હાથ ધોવડાવી દો.’’ ડોક્ટર સાહેબ ઠાકુરના ભક્તોની સાથે આત્મીય સ્વજનો જેવો વ્યવહાર રાખતા હતા. તેમણે માસ્ટર મહાશયને કહ્યું; ‘‘વિચારી રહ્યો છું કે એક દિવસ તમને ભોજન માટે નિમંત્રું.’’

કામ પૂરું કરીને ડોક્ટર સરકાર દરદીઓને તપાસવા જવા ગાડીમાં બેઠા. માસ્ટર મહાશય પણ તેમની સાથે હતા. રસ્તામાં જુદા જુદા વિષયો પર વાતચીત થતી રહી. ગિરીશ ઘોષના ‘બુદ્ધદેવ-ચરિત’ નાટકના અભિનયની પણ ચર્ચા થવા લાગી. ગિરીશ ઘોષે ડોક્ટર સાહેબને આમંત્રણ આપી બોલાવ્યા હતા અને બુદ્ધદેવ ચરિત નાટક બતાવ્યું હતું. ડોક્ટર સરકારે નાટક જોઈને ખૂબ પ્રસન્નતા અનુભવી હતી. ગિરિશઘોષે એમને ફરી આમંત્રણ આપ્યું છે. જતી વખતે રસ્તામાં સ્ટાર થિયેટર આવ્યું. ડોક્ટર સરકાર નાટક જોવા માટે ટિકિટ ખરીદવા ઇચ્છતા હતા.માસ્ટર મહાશયે તેમને ટિકિટ ખરીદતા રોક્યા અને કહ્યું; ‘‘ગિરીશબાબુએ આપને પ્રેમપૂર્વક નિમંત્રણ આપ્યું છે. આપ ટિકિટ ખરીદશો તો તેમને દુ:ખ થશે.’’

ડોક્ટર સરકારે કહ્યું, ‘‘તો પછી રહેવા દો.’’

શ્યામપુકુરના મકાનમાં પહોંચતાં જ ડોક્ટર સરકારે ઠાકુરના દર્દ વિશે પૂછ્યું. પછી તેમણે દવા અને ખોરાક વિશે સૂચના આપી. પણ શ્રીરામકૃષ્ણ તો પોતાના રોગની પીડાને ભૂલીને ધર્મપ્રસંગમાં તલ્લીન હતા. 

શ્રીરામકૃષ્ણ – ‘‘પહેલાં ઈશ્વર, એ પછી જગત.’’

જુઓ, બે સાધુઓ ફરતા ફરતા એક શહેરમાં આવી પહોંચ્યા. તેમાંથી એક સાધુ આશ્ચર્યચક્તિ થઈને શહેરની બજાર, દુકાન, મકાનો વગેરે જોઈ રહ્યો હતો. એ વખતે બીજો સાધુ તેને મળ્યો ત્યારે તે બીજા સાધુએ તેને પૂછ્યું; ‘‘તું આશ્ચર્યમગ્ન થઈને શહેર તો જોઈ રહ્યો છે, પણ તારાં ઝોળી-ડંડા ક્યાં છે?’’ પહેલાં સાધુએ કહ્યું; ‘‘હું પહેલેથી જ મારી ઊતારવાની વ્યવસ્થા નક્કી કરીને, ત્યાં ઝોળી-ડંડા રાખીને, તાળું મારીને નિશ્ચિંત થઈને નીકળ્યો છું. હવે શહેરના રંગ-ઢંગ જોઈ રહ્યો છું.’’

ડોક્ટર સરકારે શ્રીરામકૃષ્ણની વાણીના ગૂઢાર્થને જાણીને કહ્યું; ‘‘આ વાતોમાં મને Highest Philosophy (ઉચ્ચત્તમ દર્શન) જણાઈ રહ્યું છે.’’

ડોક્ટર સાહેબે પોતાના પુત્ર અમૃત માટે ક્ષમા પ્રાર્થના કરી. વાતચીત કરતાં ઠાકુરે જાણ્યું કે ગિરીશ ઘોષે પોતાના ‘થિયેટર’માં નાટક જોવા માટે ડોક્ટર સાહેબને પાછા બોલાવ્યા છે. શ્રીરામકૃષ્ણ (ડોક્ટર સરકારને) –

‘‘તમે જજો. – નરેન્દ્રને પણ લઈ જજો.’’ (શ્રીરામકૃષ્ણ ત્યાં હાજર રહેલા લોકોને) ‘‘આજે ગિરીશને આવવા માટે કહેજો.’’

શ્રીરામકૃષ્ણ, ‘‘(ગિરીશ) ઉદાર છે.’’

માસ્ટર મહાશય, ‘‘રૂપિયા પૈસા પર આસક્તિ નથી. જો એવું ન હોય તો તેઓ અહીંનો ભાવ ગ્રહણ કરી ન શકે.’’

શ્રીરામકૃષ્ણે મસ્તક હલાવીને એ વાતનું સમર્થન કર્યું.

ડોક્ટર સરકાર, ‘‘ ‘થિયેટર’ માટે આમંત્રણ આપ્યું છે પરંતુ Thanks (ધન્યવાદ) નહીં આપું.’’ વાતચીત પછી ડોક્ટર સરકાર વિદાય લઈને ચાલ્યા ગયા. તે દિવસે સાંજે તેઓ બીજી વાર આવ્યા.

સવારના અગિયાર વાગ્યા છે. બાળભક્ત પૂર્ણ આવ્યો છે. તે ઈશ્વર કોટિનો છે. ‘પૂર્ણમાં નારાયણનો અંશ છે. સત્ત્વગુણી આધાર છે.’ તેની ઉંમર ચૌદ વર્ષની છે. તેના પિતા રાયબહાદુર દીનાનાથ ઘોષ ભારત સરકારના નાણાંવિભાગના એક ઉચ્ચ અધિકારી છે. પૂર્ણની માતા કૃષ્ણભાવિની બલરામ બોઝના દૂરના સગામાં છે. પૂંથિમાં લખ્યું છે :

‘આપણા પ્રભુનો ‘પૂર્ણ’ ઉજ્જવલ કૃષ્ણવર્ણ છે. મોટી મોટી આંખો છે. નથી લાંબો, નથી ટૂંકો. અંગો સપ્રમાણ છે. સ્વાસ્થ્ય સારું છે.’ 

શ્રીરામકૃષ્ણ જેવી રીતે પહેલાં રાખાલચંદ્રને જોઈને બાળગોપાલના ભાવમાં તલ્લીન બની જતા, એ રીતે તેઓ આજે પૂર્ણને જોઈ રહ્યા છે – થોડીવાર પછી તેને પથારીમાં સૂવડાવી દીધો. તે સમયે તેમની આંખોમાં પ્રેમાશ્રુ હતા. થોડા સમય બાદ શ્રીરામકૃષ્ણનો ભાવ ઊતર્યો.

શ્રીરામકૃષ્ણ (માસ્ટર મહાશયને) ‘‘આ કેવો ભાવ છે?’’

માસ્ટર મહાશય કંઈ બોલ્યા નહીં. શ્રીરામકૃષ્ણે પોતાનાં અલૌકિક દર્શન વિશે જણાવ્યું. તેમણે પૂર્ણમાં અખંડનો પ્રકાશ જોયો. શ્રીરામકૃષ્ણ (માસ્ટર મહાશયને) ‘‘તમારા સાળા (દ્વિજ)ને જોઈને આટલું કેમ થાય છે?’’

હરમોહન મિત્ર આવ્યો છે. તે ઠાકુરને પંખો નાખવાં લાગ્યો. હરમોહન નરેન્દ્રનો સહાધ્યાયી હતો. તે નયનચંદ્ર દત્ત સ્ટ્રીટમાં રહે છે. તેને શ્રીરામકૃષ્ણનો સ્નેહ અને કૃપા પ્રાપ્ત થયાં હતાં. પાછળથી શ્રીરામકૃષ્ણ તેનાથી નિરાશ થયા હતા. થોડા દિવસ પહેલાંની જ વાત છે. જ્યારે શ્રીરામકૃષ્ણ એક દિવસ બલરામ બોઝને ત્યાં આવ્યા હતા (૩ જુલાઈ, ૧૮૮૫) ત્યારે ત્યાં વાતચીત દરમિયાન તેમણે હરમોહન માટે કહ્યું હતું. ‘જ્યારે હરમોહન પહેલાં આવ્યો હતો ત્યારે તેના લક્ષણ ઘણાં સારાં હતાં. તેને મળવા માટે મારું મન વ્યાકુળ બની જતું હતું. ત્યારે તેની ઉંમર ૧૭-૧૮ વર્ષની હશે. હું ઘણીવાર તેને મળવા તેડાવતો. હવે પત્નીને લઈને અલગ મકાનમાં રહે છે. જ્યારે તેના મામાને ઘેર રહેતો હતો, ત્યારે ઘણો સારો હતો. ગૃહસ્થીની કોઈ ઝંઝટ નહોતી. હવે અલગ મકાન લઈને રોજ પત્નીને માટે બજારે જાય છે. (બધાં હસે છે) તે દિવસે ત્યાં ગયો હતો. મેં કહ્યું, ‘‘જા, અહીંથી ચાલ્યો જા. તને સ્પર્શ કરતાં જ મારું શરીર કેવું ય થઈ જાય છે.’’

શ્રીરામકૃષ્ણ હરમોહનને ધ્યાનમાં રાખીને કહે છે; ‘‘ખૂબ સારો આધાર હતો. – (હવે) જૂદું મકાન છે – ખૂબ ભાર દઈને આવવાનું કહ્યું હતું. પણ આવ્યો નહીં.’’ હરમોહને ઠાકુર શ્રીરામકૃષ્ણના ચરણો પર હાથ મૂકીને કહ્યું, ‘‘હવે (મારી આધ્યાત્મિક ઉન્નતિ) કઈ રીતે થશે?’’ શ્રીરામકૃષ્ણ પોતાની વાત જ કહેતા રહ્યા, ‘‘પછી આવ્યો પણ ખરો. પણ ત્યાં સુધીમાં તો તેની સ્ત્રીએ બધું જ નષ્ટ કરી દીધું હતું.’’

રાખાલ અને ભવનાથનાં લગ્ન થયેલાં છે. તેમના વિશે શ્રીરામકૃષ્ણે કહ્યું, ‘‘વિશુદ્ધ થઈને સંસારમાં રહેવું જોઈએ – ભેળસેળ વિનાનું શુદ્ધ સોનું બનીને. સ્ત્રીની સાથે પિતાના ઘરે રહેવામાં દોષ નથી.’’

ખૂબ દીનભાવે હરમોહને ફરીથી ઠાકુરના ચરણોનો સ્પર્શ કર્યો. શ્રીરામકૃષ્ણે હરમોહનના હાથ હટાવી દીધા અને તેને નમસ્કાર કર્યા. શ્રીરામકૃષ્ણે, ‘‘જેવી રીતે રાવણે નારાયણની વાત સાંભળી નહોતી.’’

પહેલી જાન્યુઆરી, ૧૮૮૬માં જ્યારે શ્રીરામકૃષ્ણે કાશીપુરના બગીચામાં કલ્પતરુ બનીને પોતાના સ્વરૂપને પ્રકાશિત કરીને બધાંને વરદાન આપ્યાં હતાં, તે દિવસે કેટલાક ભક્તો હરમોહનને શ્રીરામકૃષ્ણની પાસે લઈ ગયા હતા. એ લોકોએ ઠાકુરને પ્રાર્થના કરી કે તેઓ હરમોહન ઉપર કૃપા કરે. પરંતુ શ્રીરામકૃષ્ણે હરમોહનને સ્પર્શ કરીને કહ્યું હતું, ‘આજે રહેવા દો.’ મહાનંદની ઘડીમાં ઠાકુરની કૃપા પ્રાપ્ત ન થવાથી હરમોહન ઉદાસ થઈ ગયો હતો, પરંતુ પછી એક દિવસ શ્રીરામકૃષ્ણે તેને કૃપા લાભ આપીને તેનો વિષાદ દૂર કરી દીધો હતો.

****

સાંજના સાત વાગ્યાનો સમય છે. ઓરડામાં દીવાનો પ્રકાશ પથરાયેલો છે. ઠાકુર પથારીમાં બેઠા છે. એમની ચારેબાજુ ભક્તો બેઠા છે. ડોક્ટર સરકાર પણ આજે આવી ગયા છે. શ્રીરામકૃષ્ણ ઈશાન મુખોપાધ્યાયને ધ્યાનમાં રાખીને નિર્લિપ્તભાવે સંસારમાં રહેવા વિશે કહી રહ્યા છે. તેમણે ગૃહસ્થાશ્રમના જ્ઞાની અને સંન્યાસાશ્રમના જ્ઞાનીની તુલના કરી. જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી લોકકલ્યાણ માટે જે કાર્ય કરવામાં આવે, તેની વિશેષતા બતાવી. એ પછી યુગધર્મની વાત કરતી વખતે શ્રીરામકૃષ્ણે બુદ્ધિમાન ડોક્ટર સાહેબની સાથે જ્ઞાનયોગ અને ભક્તિયોગ વિશે વાતચીત કરી.

શ્રીરામકૃષ્ણ – ‘‘તમે જે કંઈ કહો છો, તેને વિચારમાર્ગ કહે છે – જ્ઞાનયોગ. તે રસ્તે પણ ઈશ્વર મળે છે. જ્ઞાની કહે છે કે પહેલાં ચિત્તશુદ્ધિ જરૂરી છે. પહેલાં સાધના જોઈએ પછી જ્ઞાન થાય છે. તેઓ ભક્તિમાર્ગ દ્વારા પણ મળે છે. જો ઈશ્વરના ચરણોમાં એકવાર ભક્તિ થઈ જાય, જો એમનું નામ લેવામાં જીવ લાગી જાય તો પછી પ્રયત્ન કરીને ઇન્દ્રિય સંયમ કરવો પડતો નથી. શત્રુઓ આપોઆપ વશમાં આવી જાય છે. જો કોઈને પુત્ર શોક હોય તો શું તે તે દિવસે કોઈની સાથે લડાઈ-ઝઘડો કરી શકશે? અથવા તો આમંત્રણ પર જમવા જઈ શકશે? તે શું લોકોની સામે અહંકાર કરી શકશે કે સુખોપભોગ કરી શકશે? કીડો જો એક વખત ઉજાસ જોઈ લે તો પછી શું તે ક્યારેય અંધારામાં રહી શકશે?’’

ડોક્ટર સાહેબ અવતારવાદમાં માનતા નથી. ઈશાન મુખોપાધ્યાય અવતારવાદ સમજાવવાનો પ્રયત્ન કરવા લાગ્યા અને તેમણે રામચરિત માનસના કાકભુશુંડિની વાર્તા કહી જણાવી. આ વાત પર શ્રીરામકૃષ્ણે કહ્યું; (ડોક્ટરને) ‘‘એટલું જાણવું મુશ્કેલ છે કે તેઓ જ સ્વરાટ છે અને તેઓ જ વિરાટ છે. જેમની નિત્યતા છે, તેમની લીલા પણ છે. તેઓ મનુષ્ય નથી બની શકતા એ વાત શું આપણે આપણી ક્ષુદ્ર બુદ્ધિ દ્વારા કહી શકીએ છીએ?

આપણી ક્ષુદ્ર બુદ્ધિમાં શું આ બધી બાબતોની ધારણા થઈ શકે છે? એક શેર દૂધ જેમાં સમાય છે, એવા લોટામાં શું ચાર શેર દૂધ સમાઈ શકે? એટલા માટે જે સાધુઓ અને મહાત્માઓએ ઈશ્વરને પ્રાપ્ત કરી લીધા છે, એમની વાત ઉપર વિશ્વાસ કરવો જોઈએ. સાધુ-મહાત્મા-ઈશ્વરનું જ ચિંતન સતત કરે છે. જેમ વકીલ પોતાના કેસ અંગેનું ચિંતન સતત કર્યા કરતા હોય છે.’’

થોડા સમય પછી ઈશાન મુખોપાધ્યાયે ડોક્ટર સરકારને કહ્યું; ‘‘આપ અવતારને કેમ નથી માનતા? … હમણાં જ આપે કહ્યું કે ઈશ્વર માટે બધું જ શક્ય છે.’’ શ્રીરામકૃષ્ણ, (હસતાં હસતાં) ‘‘ઈશ્વર અવતાર લઈ શકે છે. એ વાત એમના વિજ્ઞાનમાં નથી, તો પછી ભલા કેવી રીતે વિશ્વાસ થાય?’’ બધા હસી પડે છે.

ચર્ચા ચાલતી રહી. શ્રીરામકૃષ્ણ, (ડોક્ટરને) ‘‘સાધુસંગની હંમેશાં આવશ્યકતા છે. રોગ લાગેલો જ છે. સાધુઓના ઉપદેશ મુજબ કામ કરવું જોઈએ. ફક્ત સાંભળવાથી શું વળે? દવાનું સેવન કરવું પડે. અને ખાવામાં પરેજી પણ પાળવી પડે. એ સમયે પથ્ય જરૂરી છે.’’

શ્રીરામકૃષ્ણની સાથે ડોક્ટર સાહેબ લાંબા સમય સુધી વાત કરતા બેસી રહ્યા. ગિરીશે ડોક્ટર સાહેબને યાદ કરાવ્યું કે એમણે હજુ બીજાં દર્દીઓને તપાસવા જવાનું છે. એના પર ડોક્ટર સરકારે રમૂજમાં કહ્યું; ‘‘અરે, મેં અહીં આવવાનું શરૂ કર્યું ત્યારથી ક્યાં રહી ડોક્ટરી ને ક્યાં રહ્યા રોગી! આપના આ પરમહંસની સંગમાં આજકાલ અમે પણ પરમહંસ બનવા લાગ્યા છીએ!’’

આ વાત સાંભળીને ત્યાં રહેલાં બધા લોકો હસવા લાગ્યા. વિદાય લેતાં પહેલાં ડોક્ટરે શ્રીરામકૃષ્ણને કહ્યું, ‘‘આ માંદગીમાં તેમણે કોઈની સાથે બોલવું ન જોઈએ. પણ જ્યારે તેઓ પોતે આવે, ત્યારે તેમની સાથે બોલવામાં કંઈ વાંધો નથી.’’ આ સાંભળીને બધા લોકો ફરી હસવા લાગ્યા.

આ દિવસોમાં ડોક્ટર સરકાર શ્યામપુકુરના મકાનમાં આવીને શ્રીરામકૃષ્ણ સાથે બેચાર કલાક ધર્માલાપ કરતા. તેઓ પ્રશ્ન કરતા રહેતા અને એ રીતે જુદા જુદા વિષયો પરની પોતાની શંકાને દૂર કરતા રહ્યા. કોઈ કોઈ દિવસે ડોક્ટર સાહેબને યાદ આવતું કે તેમણે ઘણીવાર સુધી ઠાકુર સાથે વાતચીત કરી છે. ત્યારે તેઓ અફસોસ કરતા અને કહેતા; ‘આજે તમને મેં લાંબા સમય સુધી વાત કરાવી. મોટી ભૂલ થઈ ગઈ. હવે આખો દિવસ કોઈની સાથે વાત ન કરતા. એનાથી સારું થઈ જશે. તમારી વાતોમાં એવું આકર્ષણ છે કે બધાં કામ છોડીને અહીં તમારી પાસે આવીને બેત્રણ કલાક જ્યાં સુધી ન બેસી લઉં ત્યાં સુધી ઊભો થઈ શકતો નથી. સમય ક્યાં વીતી જાય છે, એની ખબર જ નથી પડતી. જે હોય તે. હવે કોઈ બીજાની સાથે વાતચીત નહીં કરી શકો. બસ મારી સાથે જ કર્યા કરો!’ આ વાત સાંભળીને બધા હસી પડતા હતા.

શ્રીરામકૃષ્ણ – ‘‘આ માંદગી દૂર કરી દો. એમના નામ-ગુણકીર્તન નથી કરી શકતો.’’

ડોક્ટર – ‘‘ધ્યાન કરવાથી જ લક્ષ્ય સિદ્ધ થઈ જશે.’’

શ્રીરામકૃષ્ણ – ‘‘આ કેવી વાત? હું એક જ ઢાળ પર શા માટે ચાલું? હું ક્યારેક પૂજા કરું છું. ક્યારેક જપ કરું છું. ક્યારેક ધ્યાન, ક્યારેક એમનું નામ લીધા કરું છું, ક્યારેક એના ગુણગાન ગાતો ગાતો નાચું છું.’’૧૦

(ક્રમશ:)

: સંદર્ભો :

૧. શ્રીરામકૃષ્ણ પરમહંસ દેવેર જીવન વૃતાંત, પૃ. ૧૬૯

૨. શ્રીરામકૃષ્ણ કથામૃત, ત્રીજો ભાગ, પૃ.૨૦૪

૩. શ્રીરામકૃષ્ણ કથામૃત, પ્રથમ ભાગ, પૃ.૩૨૩

૪. શ્રીરામકૃષ્ણ વચનામૃત (હિન્દી) ત્રીજો ભાગ, પરિચ્છેદ-૧૮, પૃ.૩૨૩

૫. શ્રીરામકૃષ્ણ લીલાપ્રસંગ, પાંચમો ભાગ, પૃ.૧૩૨

૬. શ્રીરામકૃષ્ણ કથામૃત, બીજો ભાગ, પૃ.૧૧૯

૭. શ્રીરામકૃષ્ણ પરમહંસ દેવેર જીવનવૃતાંત, પૃ. ૧૭૬

૮. શ્રીરામકૃષ્ણ લીલામૃત બીજો ભાગ, પૃ. ૪૨૧-૪૨૨

૯. શ્રીરામકૃષ્ણ લીલામૃત બીજો ભાગ, પૃ. ૪૨૨

૧૦. શ્રીરામકૃષ્ણ કથામૃત, ત્રીજો ભાગ, પૃ.૨૦૮થી ઉદ્ધૃત કરેલું.

Total Views: 324

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.