આપણે આગળ વર્ણવ્યું તેમ મથુરબાબુએ પોતે શ્રીરામકૃષ્ણનું શરણું લીધું અને એમનું માર્ગદર્શન ઝંખ્યું તે પહેલા શ્રીરામકૃષ્ણની એમણે ઘણી રીતે કસોટી કરી લીધી હતી. એમણે શ્રીઠાકુરને પૈસા-ટકા, સોનું, માલમિલકત વગેરે અર્પણ કર્યા પણ શ્રીઠાકુરે એ બધાનો અસ્વીકાર કર્યો. શ્રીરામકૃષ્ણનું મન નિર્લોભી હતું. મથુરબાબુએ શ્રીઠાકુરને લલચાવવા સુંદર નારીઓની વ્યવસ્થા કરી અને એમને ખાતરી થઈ કે શ્રીઠાકુરનું મન તો આવી વાસનાઓથી પર હતું. મથુરબાબુએ ઉચ્ચ માન-સન્માન આપીને શ્રીરામકૃષ્ણને એક ઈશ્વરની જેમ સેવ્યા હતા. આની રજમાત્ર પણ અસર શ્રીરામકૃષ્ણ પર ન પડી. તેઓ તો અહંભાવથી પર હતા. શ્રીઠાકુરની દૈવીપ્રકૃતિનું નિરીક્ષણ કરીને એક વખત મથુરબાબુએ આમ કહ્યું : ‘હૃદય, મારા પત્ની, મારા બાળકો, સંપત્તિ, માન-મોભો અને સર્વ કંઈ માયા છે, ભ્રામક છે. શ્રીરામકૃષ્ણ એક જ મારે મન સત્ય છે.’ (લાઈફ ઓફ શ્રીરામકૃષ્ણ પૃ. ૨૧૬)

મથુરબાબુ અને શ્રીરામકૃષ્ણે પરસ્પર અસામાન્ય સંબંધ વિકસાવ્યો હતો. ક્યારેક મથુરબાબુ શ્રીરામકૃષ્ણને પોતાના આધ્યાત્મિક પિતા તરીકે માનતા, તો વળી ક્યારેક એક નિર્મળ, નિર્દોષ અને બેદરકાર બાળક જેવા લાગતા. પોતાના પક્ષે શ્રીરામકૃષ્ણ મથુરબાબુ સાથે અવારનવાર પોતાના પુત્ર કે શિષ્યની જેમ વર્તતા. વળી ક્યારેક ક્યારેક તેઓ પોતે પોતાની જાતને જગદંબાના શિશુબાળ રૂપે માનતા અને મથુરબાબુને શ્રીમા જગદંબાની સંપત્તિના રખેવાળ ગણતા. ભાવમય અવસ્થામાં તેઓ ક્યારેક મથુરબાબુને આદેશ પણ આપતા અને વાસ્તવિક રીતે તો મથુરબાબુ રામકૃષ્ણના માલિક હતા અને તે એમના એક નોકર હતા.

આમ હોવા છતાં પણ, જ્યારે જ્યારે મથુરબાબુ મુશ્કેલીમાં આવતા ત્યારે તેઓ સીધે સીધા દક્ષિણેશ્વરમાં સહાય માટે શ્રીરામકૃષ્ણ પાસે દોડી જતા. એક વખત મથુરબાબુએ ચોકીદારોને વિરોધી જમીનદારની એક હિંસક ટોળકી સાથે સામે લડવા આદેશ આપ્યો. જ્યારે એમાં એક માણસ મૃત્યુ પામ્યો એવા સમાચાર પહોંચતાં જ મથુરબાબુને ભાન થયું અને સ્પષ્ટપણે સમજાઈ ગયું કે હવે એના પર કાયદા પ્રમાણે કામકાજ ચાલશે અને સજા પણ થશે. એમણે પોતાને બચાવવા શ્રીઠાકુરને આગ્રહ કરવા લાગ્યો. શ્રીરામકૃષ્ણે ઠપકો આપતાં આમ કહ્યું: ‘મૂર્ખ, તું દરરોજ કંઈને કંઈક ટંટો-ફસાદ કરે છે અને આવીને ‘મને બચાવો!’ એમ કહીને રડે છે. હવે હું શું કરી શકું? જા અને પરિણામ ભોગવ.’ પરંતુ અંતે મથુરબાબુને ઊંડા દુ:ખમાં જોઈને શ્રીઠાકુરે કહ્યું : ‘સારું, જા. મા જગદંબાની ઇચ્છા હશે તેમ થશે.’’ મથુરબાબુની ધરપકડ ન થઈ. (સ્વામી શારદાનંદ કૃત શ્રીરામકૃષ્ણ ધ ગ્રેટ માસ્ટર પૃ. ૫૩૦)

એક બીજા સમયે જ્યારે મથુરબાબુ એક કાયદાકીય બાબતમાં ફસાયા ત્યારે એમણે શ્રીરામકૃષ્ણને જગદંબાને એક પુષ્પ અર્પણ કરવા કહ્યું, પણ શ્રીઠાકુરને પોતાના મનના ઇરાદાની વાત ન કરી. એમને દૃઢ શ્રદ્ધા હતી કે શ્રીરામકૃષ્ણ દ્વારા શ્રીમા જગદંબાનાં આશીર્વાદ અને કૃપા અવશ્ય મળશે. શ્રીઠાકુરે નિ:શંકભાવે શ્રીશ્રીજગદંબાને પુષ્પ અર્પણ કર્યું અને મથુરબાબુ એ કેસમાં જીતી ગયા.

શ્રીઠાકુર હંમેશાં મુશ્કેલીના સમયમાં મથુરબાબુની રક્ષા કરતા. પણ ક્યારેક એવું ય બનતું કે તેઓ પોતે એક બાળકની જેમ મથુરબાબુ પાસે મદદ માટે દોડી જતા. શાસ્ત્રોમાં કહ્યું છે : ‘સ્વઆત્મામાં સ્થિત દિવ્યજ્યોતિવાળો આત્મા આ દુનિયામાં ક્યારેક એક પાગલની જેમ, તો વળી ક્યારેક બાળકની જેમ અને વળી ક્યારેક તો કોઈ અપવિત્ર પ્રેતની જેમ ભમે છે. તે ક્યારેક મૂર્ખની જેમ વર્તે છે, તો વળી ક્યારેક શાણા માનવની માફક વર્તન કરે છે. ક્યારેક રાજા-મહારાજા જેવો ભવ્ય અને તો વળી ક્યારેક નિર્ધન ભીખારી જેવો લાગે છે.’ (શંકરાચાર્ય કૃત વિવેકચૂડામણિ, શ્લોક ૫૪૨) એક દિવસ શ્રીઠાકુર ખૂબ વ્યગ્ર બની ગયા, કારણ કે પેશાબ સાથે એક જીવડું એમના શરીરમાંથી બહાર આવ્યું અને એમણે મથુરબાબુને એ વિશે વાત કરી. મથુરબાબુ તો બુદ્ધિશાળી હતા અને તેઓ તત્કાળ મનબુદ્ધિવાળા હતા. તેમણે તરત જ શ્રીઠાકુરને ધીરજ બંધાવતા કહ્યું : ‘બાબા, સારું થયું કે આવું બન્યું. દરેક માનવના શરીરમાં આવાં જીવડા હોય છે કે જે લાલસા ઊભી કરે છે. આ લાલસા જીવડું માનવના મનમાં અનેક પ્રકારના દુર્વિચારોને જન્મ આપે છે અને માણસને દુષ્કૃત્ય કરવા ફરજ પણ પાડે છે. મા જગદંબાની એટલી કૃપા છે કે આ લાલસા જીવડું તમારા દેહમાંથી નીકળી ગયું. હવે તમે શા માટે એના વિશે ચિંતા કરો છો?’ મથુરબાબુના આ જવાબથી ઠાકુરના મનનો ભાર ઘણો હળવો થયો અને એનાથી શ્રીઠાકુર સ્વસ્થ થયા. (સ્વામી શારદાનંદ કૃત શ્રીરામકૃષ્ણ ધ ગ્રેટ માસ્ટર પૃ. ૫૨૮)

શ્રીરામકૃષ્ણ મથુરબાબુને પોતાના આધ્યાત્મિક દર્શનો કે અનુભૂતિઓ માટે જાણે કે એ બધાની ચોકસાઈ કરી લેવા માગતા હોય તેમ મથુરબાબુનો ક્યારેક ક્યારેક અભિપ્રાય પૂછતા. એક દિવસ શ્રીઠાકુરે મથુરબાબુને કહ્યું કે, મા જગદંબાએ તેમને બતાવ્યું છે કે તેઓ એમના દ્વારા લીલા કરશે અને ઘણા ભક્તો એમની (શ્રીઠાકુર) પાસે આધ્યાત્મિક અનુભૂતિઓ અને પ્રેમભક્તિ પામવા આવશે. પછી શ્રીઠાકુરે પૂછ્યું : ‘આ શું ભ્રમણા છે કે સત્ય?’

મથુરબાબુએ જવાબ આપ્યો : ‘એ ભ્રમણા છે, એમ કોણ કહે છે? બાબા, મા જગદંબાએ આ પહેલાં ક્યારેય ખોટું કે ભ્રામક દર્શન કરાવ્યું નથી, તો આ સાચું કેમ ન હોઈ શકે? તેઓ (આધ્યાત્મિક ઝંખનાવાળા ભક્તો) આવવામાં આટલી બધી વાર કેમ કરે છે? એમણે તો તત્કાલ આવી જવું જોઈએ અને આપણે એના સંગાથથી આનંદ પામીશું.’

પછી શ્રીઠાકુરે કહ્યું : ‘તેઓ ક્યારે આવશે એ હું જાણતો નથી. પરંતુ મા જગદંબાએ મને એવું કહ્યું છે અને મારા દર્શનમાં એ બધું બતાવ્યું છે. બધું એમની ઇચ્છા પ્રમાણે થાય છે. (સ્વામી શારદાનંદ કૃત શ્રીરામકૃષ્ણ ધ ગ્રેટ માસ્ટર પૃ. ૫૨૮-૨૯)

મથુરબાબુ અવારનવાર શ્રીરામકૃષ્ણને એક ભવ્ય ઘોડાગાડીમાં ફરવા કે જુદા જુદા લોકોને મળવા માટે લઈ જતા. જ્યારે જ્યારે શ્રીરામકૃષ્ણ ઈશ્વર પ્રત્યેની સાચી લગનીવાળા વિશે સાંભળતા ત્યારે ત્યારે તેઓ એમની પાસે જવા ઇચ્છતા અને મળવા પણ માગતા. જો કોઈ માનવ પ્રભુ તરફ એક ડગ આગળ ભરે છે તો પ્રભુ તે માનવ તરફ દસ ડગલાં સામે આવે છે. આવા પ્રસંગે ઘણી વખત શ્રીરામકૃષ્ણનું ઘણું અપમાન થયું છે અને એને અત્યંત મુંઝવણ ભરેલી પરિસ્થિતિમાં મૂકાઈ જવું પડ્યું હતું; પરંતુ એની એમણે દરકાર ન કરી કારણ કે એમનું મન તો નામ -યશ કે અપયશથી પર હતું. આવી એક ઘટનાની વાત કરીએ. આદિ બ્રાહ્મોસમાજના નેતા દેવેન્દ્રનાથ ટાગોરને ધ્યાનમાં રહેવાનું અને પ્રભુનામ સ્મરણ કરવાનું ખૂબ ગમે છે એવું સાંભળીને શ્રીઠાકુરે મથુરબાબુને ટાગોરના ઘરે લઈ જવા કહ્યું. દેવેન્દ્રનાથે એમનું પ્રેમ-ઉષ્માભર્યું સ્વાગત કર્યું અને એમની સાથે આધ્યાત્મિક ચર્ચા ઘણા આનંદ સાથે થઈ. પછી દેવેન્દ્રનાથે વિવેક ખાતર શ્રીરામકૃષ્ણને બ્રાહ્મોસમાજના વાર્ષિક ઉત્સવમાં હાજરી આપવા નિમંત્રણ આપ્યું. આ ઉત્સવ થોડા દિવસોમાં જ યોજાવાનો હતો. જો કે દેવેન્દ્રનાથે ઉમેર્યું કે શ્રીરામકૃષ્ણે ઉપરનું ઉપવસ્ત્ર અને નીચેનું વસ્ત્ર (ધોતી) શિષ્ટાચાર ખાતર પહેરવી જોઈએ. શ્રીઠાકુરે કહ્યું : ‘એ અશક્ય છે, હું બાબુની જેમ ટાપટીપ કરીને ન જઈ શકું.’ આ સાંભળીને દેવેન્દ્રનાથ અને મથુરબાબુ બંને ખડખડાટ હસી પડ્યા. પરંતુ બીજે દિવસે દેવેન્દ્રનાથે મથુરબાબુને એક પત્ર લખ્યો અને એ આપેલા આમંત્રણને રદ કર્યું. એ વિશે સમજાવતા કહ્યું કે યોગ્ય વસ્ત્રો પહેર્યા વિના શ્રીરામકૃષ્ણ આ ઉત્સવમાં હાજરી ન આપી શકે. (શ્રીરામકૃષ્ણ કથામૃત પૃ. ૬૫૦-૫૧)

શ્રીરામકૃષ્ણે ભક્તોને કહ્યું : ‘‘બીજા એક દિવસે મેં દીન મુખરજી નામના એક ભદ્ર પુરુષ વિશે જાણ્યું. તેઓ પુલની નજીક બાગબજારમાં રહેતા હતા. તે ભક્ત હતા. મેં મથુરબાબુને ત્યાં લઈ જવા કહ્યું. મારો આગ્રહ જોઈને મથુરબાબુ મને દીન મુખરજીના ઘરે ઘોડાગાડીમાં લઈ ગયા. સ્થળ નાનું હતું. મોટી ઘોડાગાડીમાં આવા ધનવાન માણસનું આગમન થતા અંતેવાસીઓ મૂંઝાઈ ગયા. અમનેય થોડી મૂંઝવણ થઈ. એ દિવસે દીન મુખરજીના પુત્રને જનોઈ દેવાનું હતું. ઘરમાં ઘણા માણસો હતા અને દીન મુખરજી અમારું સ્વાગત કરવા આવી શકે અને બેસાડી શકે એવી જગ્યા જ ન હતી. અમે પડખેના ખંડમાં પ્રવેશવા જતા હતા ત્યારે કોઈકે મોટેથી કહ્યું : ‘ભાઈ, એ ઓરડામાં ન જતા. ત્યાં બહેનો છે.’ આ સંતાપ અને દુ:ખ ભરેલી દશા હતી. પાછા ફરીને મથુરબાબુએ કહ્યું : ‘બાબા, હવે હું તમારું ક્યારેય નહીં સાંભળું.’ અને હું હસી પડ્યો.’’ (શ્રીરામકૃષ્ણ કથામૃત પૃ. ૨૩૬)

મથુરબાબુ જ્યારે શ્રીરામકૃષ્ણ સાથે ઘોડાગાડીમાં બેસીને જતા હતા તે વિશે એક વિચિત્ર અનુભવની વાત સ્વામી તુરીયાનંદજીએ એક વખત કરી. આ વાત એ બતાવે છે કે શ્રીરામકૃષ્ણના સૂક્ષ્મ વિચારો પણ કેવો સ્થૂળ પ્રભાવ લાવી શકતા : ‘એક દિવસ મથુરબાબુ પોતાની એક ઉત્તમ ઘોડાગાડીમાં જાનબાજારથી પાછા ફરતા હતા અને એમની સાથે શ્રીરામકૃષ્ણને લાવતા હતા. જ્યારે ઘોડાગાડી ચિત્તપોર રોડ પહોંચી ત્યારે શ્રીઠાકુરને એક અદ્‌ભુત દર્શન થયું. તેમણે એવું અનુભવ્યું કે તેઓ સીતા બની ગયા હતા અને રાવણ તેમનું હરણ કરી જતા હતા. આ દર્શનથી તેઓ ભાવસમાધિમાં ડૂબી ગયા. એ જ વખતે ઘોડાઓની લગામ ઢીલી પડી ગઈ અને ઘોડાઓ લથડ્યા અને પડી ગયા. મથુરબાબુને આવી દુર્ઘટનાનું કારણ ન સમજાયું. જ્યારે શ્રીરામકૃષ્ણ બાહ્યભાનમાં આવ્યા ત્યારે મથુરબાબુએ તેમને આ દુર્ઘટના વિશે કહ્યું. શ્રીરામકૃષ્ણે ત્યારે કહ્યું કે જ્યારે તેઓ સમાધિભાવમાં હતા ત્યારે રાવણ તેમનું હરણ કરી જતો હોય તેવું અનુભવ્યું અને જટાયુ રાવણના રથ પર આક્રમણ કરતો અને રથનો વિનાશ કરતાં જોયા. આ વાત સાંભળીને મથુરબાબુએ કહ્યું : ‘બાબા, તમારી સાથે શેરીમાં જવું એ કેટલું બધું દુષ્કર છે!’ (ઉદ્‌બોધન વૉ. ૪૯ પૃ. ૫૩૦)

એ જ વર્ષે શ્રીરામકૃષ્ણે મધુરભાવની સાધના કરી. મથુરબાબુએ એ સમયે દુર્ગાપૂજાનો મોટો મહોત્સવ રચ્યો અને શ્રીઠાકુરને પોતાના કોલકાતાના ઘરે લાવ્યા. આ દુર્ગાપૂજામાં શ્રીમાની માટીની પ્રતિમાનું વિધિ-વિધાનો સાથે પૂજન વગેરે થવાનાં હતાં અને આ અત્યંત કિંમતી મૂર્તિ પૂજાવિધિ પૂરો થયા પછી નજીકની નદી કે તળાવમાં વિસર્જિત કરી દેવાની હતી. આ મહોત્સવમાં શ્રીઠાકુર લગભગ બધો વખત ભાવમય અવસ્થામાં હતા. જ્યારે પૂજા થતી હતી ત્યારે પૂજારીની નજીક તેઓ સામાન્ય રીતે બેસતા. એક વખત પૂજારી દેવીને નૈવેદ્ય અર્પણ કરતા હતા અને શ્રીઠાકુર તો થાળીમાંથી એ નૈવેદ્ય ખાવા લાગ્યા. પૂજારીને તો ઘણો આઘાત લાગ્યો કારણ કે આવું અપકાર્ય અપરાધ ગણાય છે. પણ મથુરબાબુ પ્રસન્ન થયા. તેને પાકી ખાતરી થઈ ગઈ કે મા જગદંબાએ શ્રીઠાકુર દ્વારા નૈવેદ્ય ગ્રહણ કર્યું છે. (શ્રીશ્રી રામકૃષ્ણ પૂંથિ – અક્ષયકુમાર સેન પૃ. ૧૪૧)

Total Views: 196

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.