(હિન્દી માસિક ‘વિવેક જ્યોતિ’ના જુલાઈ, ૨૦૨૩ના અંકમાં પ્રકાશિત સ્વામી ચેતનાનંદજી સંકલિત (મૂળ બંગાળી પુસ્તક-પ્રાચીન સાધુદેર કથા) સ્વામી ધીરેશાનંદ મહારાજ અંગેનાં સંસ્મરણોનો શ્રી પ્રકાશભાઈ હાથીએ કરેલો ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. -સં.)
(જૂન, ૨૦૨૫થી આગળ)
સ્વામી ધીરેશાનંદ મહારાજ :
ઉદ્બોધન દ્વારા પ્રકાશિત દેવી ગિરીજીની સ્મૃતિકથાની કોપી મેં નહોતી માગી. એવું લાગે છે કે તું હિન્દીમાં પ્રકાશિત એ કોપી દઈને ગયો છે, તેની પ્રતિલિપિ હું માગતો હતો. જો બની શકે તો મોકલજે.
બૉબ, જ્યોર્જ અને મેરી—ત્રણેય ભારત આવ્યાં હતાં. કનખલમાં તે લોકોને મળવાનું થયું. મેરી અસ્વસ્થ થઈ ગયેલી એ જાણી દુઃખ થયું. ભારતનાં હવા-પાણી અને ભોજન તેનું કારણ હોઈ શકે. તેઓ કેટલાં ભાવ-ભક્તિ સાથે આવે છે, પરંતુ આપણે તેમની સારી રીતે મહેમાનગતિ કરવાનું જાણતા નથી અને કરી પણ નથી શકતા. ‘સહનં સર્વદુખાનામ્’. આપણે સર્વ દુઃખ અને મુશ્કેલીને સહન કરવી જ પડશે. કેટલા લોકો સહન કરી શકે છે? હકીકતમાં તેને કાર્યાન્વિત કરવું ઘણું જ અઘરું છે. બૉબ, જ્યોર્જ અને મેરીને મારી સહૃદય શુભેચ્છા પાઠવજે.
આપણા પ્રભુ (શ્રીરામકૃષ્ણ) અને તેમના શિષ્યો ઘણા જ રસિક હતા. વેદાંતી જ ખરેખર રસિક હોઈ શકે છે. કારણ કે તે લોકો જગતને કાયમ માયા સ્વરૂપે જ જુએ છે. સિનેમા કે જાદુના ખેલ જોઈ કોને આનંદ ન આવે? આથી આચાર્ય કહે છે – जगच्चित्रं स्वचैतन्ये पचे चित्रमिवार्पितम्। मायया दतुपेक्षेण्ये चैतन्यं परिशेष्यताम्॥
મારી સફેદ દાઢી જોઈને તારા અમેરિકન ભક્તોએ મને અનુભવી વૃદ્ધ સાધુ માની લીધો છે. શું તેઓ નથી જાણતા કે સફેદ દાઢી ઘણું બધું છુપાવી શકે છે? જે હોય તે, હું વિચારું છું કે, હું એક પવિત્ર સંગતિમાં છું. ખ્રિસ્તીઓના પ્રભુ આકાશમાં સિંહાસન ઉપર બેસેલા ઈશુ, પૉપ, બિશપ, મહમ્મદ, જરથુષ્ટ્ર અને અનેક હિંદુ દેવતા જેવા કે બ્રહ્મા, વિશ્વકર્મા, અનેક ઋષિ, શ્રીરામકૃષ્ણ વગેરે સૌને દાઢી હતી.
મેં ઉદ્બોધનના શારદીય અંક (વર્ષ ૧૨, સંખ્યા ૯)માં તારો નિબંધ ‘ઠાકુર જોદિ આજ થાકતેન’ ને બે વખત વાંચ્યો. ફરી વાંચીશ. એટલો ગમ્યો કે હું શું કહું? તેના કેટલાક વિશેષ ભાગને વાંચતાં-વાંચતાં હું ભાવવિહ્વળ બની ગયો.
જો શક્ય હોય તો તેની એક નકલ મને મોકલજે. તું એક નિપુણ સંગ્રાહક છે. તું અહીં અને ત્યાંના વિવિધ રંગોનો પુષ્પસંગ્રહ કરીને અતિ સુંદર પુષ્પ-ગુચ્છની રચના કરી શકે છે. તું આ પ્રકારે અન્ય પણ સંગ્રહ કરી સૌને આનંદ આપતો રહેજે અને તેમના જીવનપથને પસંદ કરવામાં સહાયરૂપ બનજે. પ્રભુ પાસે મારી આ જ પ્રાર્થના છે. (૧૭.૩.૧૯૯૧. કનખલ સેવાશ્રમ.)
ઠાકુર કોની પાસે કયું કાર્ય કરાવશે તે આપણી બુદ્ધિથી પર છે. આપણે બુદ્ધિથી જ સારા-નરસાનો નિર્ણય કરીએ છીએ. આપણે જેને ખરાબ કહીએ છીએ, તે વ્યક્તિ-વિશેષના સંબંધે ઠાકુરે કહ્યું છે – ‘ખાઈ-પીઈ લો, પહેરી લો’.
ઠાકુર આ બધાને અતિ તુચ્છ માનતા હતા. તેઓ તેમના જીવનના પ્રારંભથી લઈને અંત સુધી બધું જ જુએ છે. આપણે તો માત્ર એક ભાગ જોઈએ છીએ અને તેને જ લઈને વિહ્વળ બની જગતને ધ્રુજારી આપતા રહીએ છીએ. પ્રત્યેક વર્ષ આપણે ભક્તોની સાથે તેમનો જન્મોત્સવ ઊજવીએ છીએ. આપણા મત મુજબ તેમના જીવનનું કંઈ અઘટિત કે ન ગમતું હોવા છતાં પણ તે હકીકતમાં અન્યરૂપે થઈ શકે છે. (૧૫.૬.૧૯૯૧. કનખલ સેવાશ્રમ.)
God Lived with Themમાં તું સ્વામી નિરંજનાનંદજી મહારાજનું જીવનચરિત્ર લખે છે, જાણીને ઘણો જ આનંદ થયો. સાંભળ્યું છે કે તેઓ કનખલમાં દક્ષેશ્વર મંદિરની દક્ષિણ દિશામાં ગંગાતટ ઉપર ઝૂંપડી બાંધીને રહેતા હતા, જ્યાં તેમણે દેહત્યાગ કરેલ. કલ્યાણાનંદ મહારાજ સેવા કરવા માટે તેમને આશ્રમ લઈ જવા માટે આવેલ. તેઓ ન આવ્યા અને તેમણે કહ્યું, ‘તમે લોકો મને શું શાંતિથી મરવા પણ નહીં દો.’
મારી રોજનીશીમાંથી ૩૦ વક્તવ્ય (Diary of Monk) મળ્યાં એ જાણી અત્યંત આનંદ થયો. વિદ્યાવાન, બુદ્ધિશાળી લોકો મધમાખી સમાન હોય છે. જ્યાંથી પણ હોય, તેઓ જ્ઞાનબોધ હેતુ ગ્રહણ કરી લે છે. ઉદાહરણ—અવધૂત અને તેના ૨૪ ગુરુ. આ બધા વિશે સંશોધન કરવાની શક્તિ મારા શરીર અને મનમાં નથી. તારા કામમાં આવ્યો, એ જાણી રાજી છું. તું જે સારું સમજે તે કરજે. આ વૃદ્ધ શરીરથી હવે કંઈ થશે નહીં. મને કોઈ વધુ આગ્રહ કરવો નહીં. આ મારી વિનંતી છે. મેં તો વિચારેલું કે તમામ રોજનીશી ફેંદી દઈશ અને ઘણા ખરા લેખ લખવા માટે સૂચવીને પણ રાખેલ હતા. તે પણ રાખેલ છે. મારા આ શરીરને ગંગામાં પધરાવ્યા બાદ તું તેને લઈ લેવા પ્રયાસ કરી શકે છે. બની શકે કે તારા કોઈ કામમાં આવે. તમે લોકો હવે મને એવા આશીર્વાદ આપો કે જેથી તેનું નામ-સ્મરણ કરતાં જીવન પૂરું થઈ જાય. અન્ય કશું ઇચ્છતો નથી. અંતિમ સમયે રામકૃષ્ણ-નામ વિના કોઈ ગતિ નથી મારી. રામકૃષ્ણ ભજો, રામકૃષ્ણનું ચિંતન કરો, રામકૃષ્ણને અંતિમ ગતિ માની લો. એવા દયાળુ કોઈ જ નથી. જીવનચરિત્ર લખવા બાબતે ગૌરદાસ મહારાજ (સ્વામી અતુલાનંદ)ની સાથે વાતચીત થઈ હતી. તેમણે જે કહેલું, એને લખીને મોકલી દીધું છે. વિષય ચિંતનીય છે. એક દિવસ એમણે કહ્યું હતું – ‘જીવનચરિત્ર ૨૫ ટકા સત્ય હોય છે, અન્ય અતિશયોક્તિ હોય છે.’ ફરીથી Atman alone abides ના પાના નં. ૧૪૫ ની રાહ જોઈ રહ્યો છું.
કોઈ નથી જાણતું કે શુકદેવને દાંત-દર્દ અને પેટ-દર્દથી કેવી પીડા થયેલી? કોઈ નથી જાણતું કે તે સમયે તેમણે કેવો વહેવાર કર્યો હતો. કોઈ પણ દુઃખથી છટકી નથી શકતું. હું અષ્ટાવક્ર સંહિતા વાંચું છું. તે આદર્શ તરીકે સારું છે પરંતુ તેના મુજબ જીવન વ્યતીત કરવું અઘરું છે. ચોક્કસ જ આ પુસ્તક આગંતુકો માટે ઘણું જ આકર્ષક છે. તે ઘણું પ્રેરણાદાયક છે.
લોકો એ જાણવા માગે છે કે મહાન વ્યક્તિ કેવી પીડા સહન કરે છે અને કેવો વહેવાર કરે છે. આ વસ્તુઓને છુપાવવા માટે તેમના પર અત્યાચાર કરે છે. ઘા ઉપર સોનાની ચામડી લગાડી દે છે. લોકો જીવનચરિત્ર લખે છે અને તેમાં તેમની સારી વસ્તુઓને પ્રગટ કરે છે. એક સમયે અમેરિકામાં લોકો જીવનચરિત્ર લખવા પ્રત્યે અનિચ્છા સેવતા હતા. કારણ કે આ ફક્ત એક પ્રકારની પ્રશંસાત્મક પ્રવૃત્તિ સમાન હતું. આ પ્રકારના ચરિત્રને કહે છે – all bunk (twaddle) – પલંગ ઉપરના દરેક સામાનને જમીન ઉપર રાખી દો, જેથી દરેક લોકો જોઈ શકે. સારું અને નરસું બન્ને બાજુ બતાવવી જોઈએ. આથી અમેરિકામાં લોકો જીવનચરિત્ર એવી રીતે લખવા માંડ્યા કે જેથી દ્વંદ્વ ઓછા થાય.
આ વિષય શું ચિંતનયોગ્ય નથી? ઘણી બધી વાતો આપણે છુપાવીએ છીએ. ઠાકુરના જીવનમાં જ આપણે જોઈએ છીએ કે તેમણે સ્વયંના માનવ-સ્વભાવને કેટલી વખત પ્રદર્શિત કર્યો છે! પરંતુ લોકો ફક્ત ઈશ્વર સ્વરૂપને જ જોવા ઇચ્છે છે. ઠાકુર ઇચ્છાવશ વ્યાકુળ બન્યા છે, માટીમાં આળોટીને મુખ ઘસી રહ્યા છે અને કહી રહ્યા છે, ‘મા, જો કંઈ થશે તો ગળા ઉપર છરી ફેરવી દઈશ.’ આનાથી આપણી અંદર કેટલી આશા જાગી અને કેટલું શીખવા મળ્યું! આ ઘટનાને રામચંદ્ર દત્તના શિષ્યો જેવા ભક્તો હોત તો છુપાવી દેત. પરંતુ છુપાવીને લાભ શું? મહાન ઋષિ-મુનિઓનું પતન થયું છે. ફરીથી તેઓ તપસ્યાની શક્તિથી ઊભા થઈ ગયા છે. આથી પણ એક જાતનો બોધ પ્રાપ્ત થાય. કોઈએ પણ પોતાના ઉપર અતિ વિશ્વાસ કરવો જોઈએ નહીં. એ વિચારવું પડશે કે તેઓ રક્ષા કરે તો જ રક્ષા થઈ શકે છે, નહીંતર સર્વનાશ છે. તેથી તેમની શરણાગતિ જ એકમાત્ર ઉપાય છે.
સત્સંગ રત્નાવલીના વિષયમાં મેં શરૂઆતથી જ મારો મત દર્શાવી દીધો છે. સાંભળ્યું છે કે કોઈ કોઈ મને શંકરવાદી કહે છે. એ તો ફક્ત ઈશ્વર જાણતો હોય છે કે, કોણ શંકરવાદી અને કોણ રામકૃષ્ણવાદી. હું તો શંકર અને રામકૃષ્ણમાં કોઈ ભેદ જોતો નથી. ઠાકુરે સામાન્ય લોકો માટે ભક્તિ ઉપર ઘણો જ ભાર મૂકેલો છે. શંકરે પણ કેટલી સ્તુતિઓની રચના કરી છે.
सत्यपि भेदापगमे नाथ तवाहं न मामकीनस्त्वम्।
सामुद्रो हि तरंगः क्वचन समुद्रो न तारंगः॥
(શ્રીવિષ્ણુષટ્પદી, ૩)
શંકરની અસંખ્ય ભક્તિપ્રધાન સ્તુતિના અવદાનનો કોઈ કેવી રીતે અસ્વીકાર કરશે? ઠાકુરે જ તો શંકરનો અદ્વૈતવાદ સ્વામીજીને શિખવાડ્યો છે, જેનો સ્વામીજીએ સંસારમાં પ્રચાર-પ્રસાર કર્યો છે. સ્વામીજીએ કહ્યું છે, ‘ઠાકુર સામાન્ય રીતે સાધારણ લોકોને દ્વૈતવાદનો જ બોધ આપતા હતા. તેઓએ ક્યારેય પણ અદ્વૈતવાદ સર્વ-સાધારણને શીખવ્યો નથી, પરંતુ તેઓએ મને શીખવ્યો.’ સ્વામીજીની બુલંદ ઘોષણા, ‘ઊઠો, જાગો અને સ્વપ્ન ન જુઓ. સાહસી બનો અને સત્યનો સામનો કરો. તેની સાથે એકાકાર બની જાઓ. સ્વપ્નનો નાશ થવા દો અને જો તમે એવું ન કરી શકો, સ્વપ્ન જોવાનું ઇચ્છતા હો તો સત્યનું સ્વપ્ન જુઓ, જે શાશ્વત પ્રેમ અને મુક્તિમાં મળશે.’ તેઓ તો સ્વામીજીને પણ શંકરવાદી કહેશે. જે હોય તે, લોકોના મત વિભિન્ન હોય છે.
મેં સાંભળ્યું છે કે રામકૃષ્ણ મિશન સેવા પ્રતિષ્ઠાન બંધ કરવું પડ્યું; મોટું કામ છે. સંભાળવું અસંભવ બની ગયું. અહીં (કનખલ) પણ કામ વધી ગયું છે અને હજુ વધી રહ્યું છે. કાશી સેવાશ્રમમાં સાંભળ્યું છે કે ૨૪ કલાક માટે સશસ્ત્ર સિક્યુરિટી ગાર્ડને રાખવા પડ્યા છે. આપણું ‘શિવજ્ઞાનથી જીવસેવા’નું આ જ પરિણામ આવ્યું? સ્વામીજીની વાણી ખોટી ન જ પડે. આપણે તેમના યોગ્ય ઉત્તરાધિકારી નથી. ભવિષ્યમાં સૌ આવશે. તે લોકો જ ઠાકુર-સ્વામીજીની વાણીને યોગ્ય રીતે મૂર્ત કરશે, એવું મને લાગે છે.
અવતારના આવવાથી તુરંત દેશમાં, સમાજમાં વ્યક્તિગત અને સામૂહિક ભાવથી વિવિધ પ્રકારની ગરબડ દેખાઈ રહી છે. ત્યાર બાદ એક નવો સમાજ સ્થપાય છે. તેમનું આવવું વ્યર્થ નહીં થાય. છતાં પણ આપણે લોકો એ સુવર્ણયુગનું આગમન જોઈ નહીં શકીએ. આપણા લોકોનું આયુષ્ય તેટલું જ હશે.
આપણામાંના જ અનેક સાધુઓ બધું છોડીને હૃષીકેશ, ઉત્તરકાશીમાં દાળ-રોટી ખાઈને તપસ્યા કરી રહ્યા છે. પૂજનીય મહાપુરુષ મહારાજે મને કહેલું કે જો આપણા આશ્રમો તપસ્યાને અનુકૂળ નથી, તો પછી આ આશ્રમોનો શો હેતુ છે? એવું લાગે છે કે આપણે યથાર્થ દૃષ્ટિ ગુમાવી દીધી છે. આશ્રમોમાં પણ હવે રેડિયો, ટીવી, બેઠકો, સારું ખાન-પાન-પહેરવું વગેરેની સાથે થોડુંક કામ, આ જ જીવનનો હેતુ બની ગયો છે. આરામદાયક જીવન થઈ ગયું છે. પ્રભુ આપણા સંઘની રક્ષા કરે અને આપણને સૌને સદ્બુદ્ધિ આપે. આ પ્રાર્થના છે. આપણા સંઘની તેઓ રક્ષા કરશે, સમૂહમાં ઉદય અને પતન પ્રાકૃતિક રીતે આવશે અને જશે. समबुद्धा संयुक्ता. (૧૬.૧૧.૧૯૯૯. કનખલ સેવાશ્રમ.)
ગયા વર્ષે મારા સંગમાં તને ઘણો જ આનંદ મળ્યો, એવું તેં લખ્યું છે. આ બધી બિનજરૂરી વાતો છે. મારી અંદર કોઈ ગુણ નથી, નથી વિદ્યાબુદ્ધિ, નથી સાધુતા અને નથી બીજું કાંઈ. તો પણ તમે લોકો એવું કેમ કહો છો? એવું લાગે છે કે અસહજ સ્નેહ-પ્રેમને કારણે તમે સૌ પ્રેમ કરો છો. તે સારું છે. પ્રભુ તારું સર્વાંગીણ કલ્યાણ કરો.
તેં શિયાળામાં સ્થાન બદલવા માટે ક્યાંક જવાનું કહ્યું છે અને તેનો ખર્ચ તું કરશે. તારા આ પ્રેમથી હું ભાવવિભોર થઈ ગયો. આ સમયે મનમાં ઇચ્છા હોવા છતાંય શરીરમાં શક્તિ નથી. એકલા ક્યાંય જવા માટે ડર લાગે છે. આંખે ઓછું દેખાય છે અને કાને પણ ઓછું સાંભળું છું. ચડવા-ઊતરવામાં પણ અશક્તિ જણાય છે. ૮૫મું વર્ષ ચાલે છે. શરીરને દોષ આપી શકતો નથી. હાલ હું अंगं गलितं पलितं मुण्डं दशनविहिनं जातं तुण्डम् । वृद्धो याति गृहीत्वा दण्डं’ આ જ અવસ્થાનો અનુભવ કરી રહ્યો છું.
બોલવાની ઇચ્છા થાય છે કે उत्थाय ह्रदि लीयन्ते वृद्धानां च मनोरथाः। આથી એવા આશીર્વાદ આપ કે જેથી વધુ ભોગવ્યા વગર તુરંત જ આ દેહની સાથે જ જગત-સ્વપ્ન જલદી તૂટી જાય. ત્યારે मदज्ञानोदितं विश्वं मय्येव लयमागतम्। अपरोक्ष चिदानन्द साम्राज्यमधुनास्म्यहम्॥
આ જેટલા દિવસ નહીં થાય તેટલા દિવસ સુધી मय्यनन्ताचिद्सबोधावाश्चर्य जीवविचयः। समुल्लसन्ति खेलन्ति परिवशन्ति स्वभावतः॥ मय्यनन्ताचिद्सबोधो विश्वविच्यादि कल्पना। उदेतु वास्तमायातु न मे वृद्धिर्न मे क्षतिः ॥
‘જીવન-પ્રભાતમાં શ્રીમદ્ અધ્યાત્મ રામાયણ વાંચી મુગ્ધ બનેલ. ત્યારથી જ ઇચ્છા હતી કે, આ અપૂર્વ ગ્રંથનો બંગાળીમાં અનુવાદ કરવાથી સારું થાત. બંગાળીમાં એ સમયે આ પુસ્તકને જોયુ નહોતું. જીવન-સંધ્યામાં આ ગ્રંથનો બંગાળીમાં અનુવાદ આરંભ કરેલ છે. ચાર ભાગમાંથી ત્રણ ભાગ થઈ ગયા છે. બાકી જે છે, તે લાગે છે કે તેમની ઇચ્છાથી થઈ જશે. છતાં પણ સંશોધન કરવું, પ્રૂફ વગેરે મારાથી નહીં થાય. જો તમે લોકો કરશો તો થશે. નહીંતર અહીં સુધી જ પૂર્ણ. શ્લોકનો અનુવાદ ભાષાની સરળતા, શુદ્ધતા, માધુર્ય વગેરે જાળવીને કરવો એ ઘણું અઘરું કાર્ય છે. ભાવાનુવાદ સરળ છે. તેમાં તમારી રીતે શબ્દોનો ઉપયોગ કરી શકાય છે. જે હોય તે, અંત સમયે રામચરિતનું સ્મરણ થઈ રહ્યું છે. આટલો જ મારો લાભ છે. ક્યાંક ક્યાંક વાંચતી વખતે મન ભાવવિભોર થઈ જાય છે. ઠાકુરે આ પુસ્તકની ઘણી પ્રસંશા કરી છે. જ્ઞાન-ભક્તિનો સમન્વય બીજે ક્યાંય આ પ્રકારે જોવામાં નથી આવતો. એકે કહ્યું હતું કે કેશવબાબુએ જ જ્ઞાન-ભક્તિનો સમન્વય કર્યો છે.
ઠાકુરે સાંભળીને કહેલું કે જો એવું છે તો અધ્યાત્મ રામાયણ શું છે? એટલે કે અધ્યાત્મ રામાયણમાં તો આ વાત ઘણા સમય પહેલાં પ્રસિદ્ધ કરાઈ છે. ઠાકુરની વાતોથી આ પુસ્તક માટે સંપૂર્ણ જીવન એક પ્રકારનું આકર્ષણ હતું અને છે. રધુવીર આપણા ઠાકુરના કુલદેવતા છે. તેમના પ્રત્યે ઠાકુરને વિશેષ આકર્ષણ હતું. પૂજનીય મોતિ મહારાજ (સ્વામી શિવસ્વરૂપાનંદ)નું શરીર ચાલ્યું ગયું. ઘણી જ પીડા અનુભવી રહ્યા હતા. ઘણી જ ગુરુસેવા કરી. રાતમાં કૂતરા ભસી રહ્યા છે. મહાપુરુષ મહારાજને નીંદર નહોતી આવતી. તેઓ હાંફી રહ્યા હતા.
મહારાજે કહ્યું, ‘અરે મોતિ, કૂતરા કેમ ભસી રહ્યા છે?’ મોતિ મહારાજે કહ્યું, ‘તે એક સંદેશ ખાવાની ઇચ્છા કરી રહ્યા છે.’ મહાપુરુષ મહારાજે કહ્યું, ‘સાલા સંદેશ ખાશે. નહીં, આપતો નહીં. ઠીક જાઓ, એક સંદેશ દઈને આવ.’ આ પ્રકારની કેટલીય લીલાના સાક્ષી મોતિ મહારાજ હતા. (૧.૧૦.૧૯૭૭. કાશી સેવાશ્રમ. ૧૦ નંબર વૉર્ડ.)
હું સવારે નાસ્તા પછી ધીરેશાનંદજી મહારાજના ઓરડામાં ગયો. તેઓ પલંગ ઉપર બેસીને જપ-ધ્યાન અને વાચન-લેખન કરી રહ્યા હતા. ઓરડો પુસ્તકોથી ભરેલો હતો. સાધન-ભજન અને ભગવદ્-કૃપાના પ્રશ્નના ઉત્તરમાં તેમણે કહ્યું કે જો, કૃપા ચાર પ્રકારની હોય છે—ગુરુકૃપા, ઈશ્વરકૃપા, શાસ્ત્રકૃપા અને આત્મકૃપા. ગુરુકૃપા કરીને દીક્ષા આપી સાધના-પથ બતાવી દે છે. સેવા અને સારવારથી પ્રસન્ન થઈ ગુરુ શિષ્યને તત્ત્વનો ઉપદેશ આપે છે. આ જ ગુરુકૃપા છે.
‘શ્રદ્ધા-પ્રેમ વગેરે ગુણ પરિપૂર્ણ રૂપે વિકસિત થતાં શાસ્ત્રનો મર્મ મુમુક્ષુના હૃદયમાં વિકસે છે.
‘સાધકનો પુરુષાર્થ જ આત્મકૃપા છે. આ જ મુખ્ય છે. આત્મકૃપા થવાથી બીજી અન્ય કૃપા સાધકને માટે મદદરૂપ થતી હોય છે.
‘આત્મકૃપા થવાથી ઈશ્વરની પણ કૃપા થાય છે. ઈશ્વરકૃપાને છોડી અન્ય બધા પુરુષાર્થ વ્યર્થ હોય છે. આથી અભિમાન રહિત બની સાધન-ભજનથી ઈશ્વરકૃપાની પ્રાપ્તિ માટે પ્રયાસ કરવો એ કર્તવ્ય છે. ઠાકુરે તો કહ્યું છે—કૃપારૂપી પવન સતત વાઈ રહ્યો છે, તમે સઢ સીધા કરી લો.’
‘જો, તને એક વાત જણાવું. શાસ્ત્રના નિયમિત વાંચનથી શાસ્ત્રદૃષ્ટિ ખૂલી જાય છે. ત્યારે મર્માર્થ બોધ થાય છે. જ્ઞાનનું નેત્ર ખૂલી જાય છે. હરિ મહારાજની આ જ શાસ્ત્ર-દૃષ્ટિ ખૂલી ગઈ હતી. તેઓ શાસ્ત્ર પર કાયમ નવીન પ્રકાશ પાડતા હતા.
(ક્રમશઃ)
Your Content Goes Here




