ઈષ્ટદેવનાં લીલાસ્થાનોનાં ચિંતન અને યાત્રા સાધકના ધ્યાન માટેનું ઉત્તમ પ્રેરક પરિબળ છે. શ્રીઠાકુર સાથે સંકળાયેલ લીલાસ્થાનો આજે મહાતીર્થ બની ગયાં છે. એમાંથી કામારપુકુર, જયરામવાટી, દક્ષિણેશ્વર અને બેલૂર મઠનાં કેટલાંક લીલાસ્થાનોનું નકશા પ્રમાણે સંક્ષિપ્ત વર્ણન આપીએ છીએ.

કામારપુકુર ભગવાન શ્રીરામકૃષ્ણદેવનું જન્મસ્થાન છે. અહીંનાં લીલાસ્થાનોનું દર્શન કરતાં કરતાં ભક્ત હૃદયમાં ભક્તિના તરંગો ઊછળે છે.

૧. અહીં બાળ ગદાધર નાટક-ગાન કરતા.

૨-૩. પિતાના અવસાન પછી ગદાધર અહીં લાંબો સમય ગાળતા.

૪. મિત્ર સુખીરામે ખુદીરામને લક્ષ્મીજલા નામે એક વીઘા અને દસ ગૂંઠાનું અનાજનું ખેતર આપ્યું હતું. એમાં થતા ધાનના ચોખા શ્રીરઘુવીર અને અન્ય દેવતાના ભોગમાં વપરાતા.

૫. બાળ ગદાધર અને ઘરના સભ્યો સ્નાન કરતા.

૬. આ મંદિરના શિવલિંગમાંથી દિવ્ય જ્યોતિ વાયુની જેમ મંદિર સામે ઊભેલ ચંદ્રામણિદેવીના શરીરમાં પ્રવેશી હતી.

૭. શ્રીઠાકુરના ઘરથી પૂર્વે ચિનુશાંખારીનું ઘર.

૮. અહીં ગદાધર પિતાના નિધન પછી શોકગ્રસ્ત એકલા બેસી રહેતા.  દક્ષિણેશ્વરથી આવીને શ્રીઠાકુરે અહીં સાધના કરી હતી.

૯. (અ) અહીં ઠાકુર સૂતા. (બ) અહીં શ્રીઠાકુર બહારના લોકોને મળતા અને વાતચીત કરતા. હાલમાં અહીં મંદિરનું ભંડાર ઘર છે. (ક) વરંડો (ડ) શ્રીઠાકુરે પોતે વાવેલ આંબો. (ઇ) ઘરને આંગણે પશ્ચિમ દિશામાં આવેલું છે. એમાં રઘુવીરશીલા, શીતલાની નિત્યપૂજા થાય છે. (ઈ) શ્રીઠાકુરના જન્મસ્થાને હાલ મંદિર બંધાયું છે.

૧૦ થી ૧૩. હાલના મઠની પૂર્વે એ ઘર, દેવાલય, વિષ્ણુમંદિર, દુર્ગામંડપ છે. બાળ ગદાઈ મંદિરમાં પૂજા અને દુર્ગામંડપની પ્રતિમાથી માંડીને પૂજાનું નિરીક્ષણ કરતા. દુર્ગામંડપની સામેના નટમંદિરમાં પાઠશાળા હતી. શ્રીઠાકુર પાંચ વર્ષની ઉંમરે અહીં દાખલ થયા હતા.

૧૪. શ્રીઠાકુર ગાંડા થઈ ગયા છે, એ સમાચાર સાંભળીને માતા ચંદ્રામણિદેવીએ એમના સ્વાસ્થ્યને માટે શિવજીને પ્રાર્થના કરી હતી.

૧૫. ગદાધર અહીં બધા સાધુઓનાં દર્શને જતા.

૧૬. અહીં ઘરની સ્ત્રીઓને ગદાઈ કથાવાર્તા, ગીતકીર્તન અભિનય સાથે સંભળાવતાં. ઘરની પાસે જ શ્રીઠાકુરે શિવનો આવેશ નાટક ભજવ્યું હતું.

૧૭. ઓઝલ પડદાથી સ્ત્રીનું રક્ષણ થાય એવું દુર્ગાદાસનું અભિમાન અહીં શ્રીઠાકુરે ઊતાર્યું. 

૧૮. લાહાબાબુના દુર્ગામંડપની પૂર્વ-દક્ષિણે રસ્તાનાં વળાંક પર ઘર છે. આજે ત્યાં નાનું મંદિર છે.

૧૯.  આ મંદિરે નિત્યપૂજા ઉપરાંત વિશેષ દિવસે શેરી નાટકો અને ગીતો ગવાતાં.

૨૦. કામારપુકુરનું મુખ્ય બજાર.

મહાતીર્થસ્થાન દક્ષિણેશ્વર! આ ભગવાન શ્રીરામકૃષ્ણદેવની ૩૦ વર્ષની સર્વધર્મસાધના અને દિવ્યલીલાનું પાવનતીર્થ! મથુરા-વૃંદાવનના કૃષ્ણલીલાનાં પવિત્ર સ્થાનોને જોઈને શ્રીઠાકુરે કહ્યું હતું કે અરે! બધુંયે છે પણ હે કૃષ્ણ! તમે ક્યાં છો! આજે ભક્તો દક્ષિણેશ્વરમાં આવી જ આરત વ્યક્ત કરે છે. એ સાથે જ ભક્તના હૃદયમાં ભક્તિની હેલી ઊમટે છે અને પ્રેમભક્તિ ભર્યાં સજળનયને આ બધાં લીલાસ્થાનોને પોતાના હૃદયમાં કંડારીને જીવનભરનું ચિંતનભાથું મેળવી લે છે. એ પવિત્ર સ્થાનોનું સંક્ષિપ્ત વર્ણન જોઈએ. 

શ્રીશ્રીકાલીમંદિર: રાણી રાસમણિએ ૫૪.૫ વીઘામાં ગંગા કિનારે સંકુલ રચીને ૩૧ મે, ૧૮૫૫ શ્રીશ્રીમા કાલીની પ્રતિષ્ઠા કરી હતી. અહીં શ્રીરામકૃષ્ણ મા કાલી સાથે સાક્ષાત્ વાતચીત કરતા.

નટમંદિર: શ્રીકાલીમંદિરની દક્ષિણે છે. અહીં ઉત્તર મુખી શિવ, નંદી અને ભૃંગીની મૂર્તિને પ્રણામ કરીને શ્રીઠાકુર મંદિરમાં પ્રવેશતા. નટમંદિરની દક્ષિણે રસોડા, ભંડારઘર, ભોજનખંડ, કાર્યાલય, અને અતિથિગૃહનાં મકાનો છે.

શ્રીરાધાકાંત મંદિર: શ્રી કાલીમંદિરની ઉત્તરે પશ્ચિમાભિમુખ શ્રીરાધાકાંતનું મંદિર છે. અહીં શ્રીકૃષ્ણની મૂર્તિના ભાંગેલા પગને શ્રીઠાકુરે સાંધી દીધો હતો.

ચાંદની ઘાટ: દક્ષિણેશ્વરની ગંગાનો મુખ્ય ઘાટ છે. અહીં સાધુ, યાત્રાળુઓ વિશ્રામ લે છે અને તોતાપુરી પ્રથમ અહીં જ આવ્યા હતા.

દ્વાદશ શિવમંદિર: ચાંદની ઘાટની ઉત્તરે અને દક્ષિણે બાર શિવ મંદિર છે. અહીં શ્રીરામકૃષ્ણ સ્તોત્રપાઠ કરતા.

શ્રીરામકૃષ્ણદેવનો ઓરડો: બાર શિવમંદિરની ઉત્તરે આ ઓરડો છે. પશ્ચિમે અર્ધગોળાકાર ઓસરી છે. અહીં બેસીને તેઓ ગંગાદર્શન કરતા. આ ઓરડામાંના ૧૪ વર્ષના નિવાસ દરમિયાન શ્રીઠાકુર અંતરંગ સંન્યાસી શિષ્યો, અન્ય સાધુઓ, પંડિતો, અંતરંગ ભક્તો સાથે ભગવત્-ચર્ચા અને પોતાની સાધનાઓની વિવિધ વાતો કરતા. કીર્તન-ભજનાનંદ સાથે શ્રીઠાકુરની ભાવસમાધિ પણ સૌ નિહાળતા.

નોબતખાનું: શ્રીઠાકુરના ઓરડાની ઉત્તરે છે. આ ઓરડીની ઉપરના માળે શ્રીઠાકુરનાં માતા ચંદ્રામણિદેવી અને નીચેની ઓરડીમાં શ્રીમા સારદાદેવી રહેતાં.

બકુલતલા ઘાટ: નોબતખાનાની આગળ છે. શ્રીમા સારદાદેવી વહેલી પરોઢે ત્યાં સ્નાન કરવા જતા. અહીં મા ચંદ્રામણિદેવીએ દેહ છોડ્યો હતો.

પંચવટી: બકુલતલાની ઉત્તરે પંચવટીમાં શ્રીઠાકુરે ઘણી સાધના કરી હતી. પંચવટીની સાધના કુટિરમાં શ્રીઠાકુરે સંન્યાસ ગ્રહણ કરી વેદાંત સાધના કરી હતી.

બેલતલા: પંચવટીથી ઉત્તર પૂર્વના ખૂણે આવેલ આ સ્થળે શ્રીઠાકુરે અનેક કઠિન સાધનાઓ કરી હતી.

કોઠી: કાલીમંદિરના ચોગાનની ઉત્તર તરફ સામે જ બે મજલાવાળો બંગલો. અહીં અગાસીએથી સંધ્યા સમયે શ્રીઠાકુર ભક્તોની રાહ જોતા અને એમને આતુરતાપૂર્વક પોકારતા.

પરમ આશ્રયદાત્રી, કરુણાદાયી, જગજ્જનની શ્રીમા સારદાદેવીનું જન્મસ્થાન એટલે જયરામવાટી. શ્રીમા તેને શિવપુરી પણ કહેતાં.

૧. શ્રીમા સારદાદેવીનું જન્મસ્થાન.

૨. શ્રીમાના નવા ઘરની પશ્ચિમે માતૃમંદિર સામે. અહીં શ્રીમા વારંવાર આવતાં જતાં.

૩. ગ્રામ દેવતા મંદિરમાં ધર્મઠાકુર, નારાયણશીલા અને શીતળાદેવીની પૂજા થાય છે.

૪. અહીં શ્રીમા ૫૨ વર્ષ સુધી રહ્યાં હતાં. બ્રહ્મચારી, સંન્યાસીઓ અને ભક્તોને મંત્રદીક્ષા આપી હતી.

૫. પુણ્પપુકુરની પશ્ચિમે નવા બંધાવેલા આ ઘરમાં શ્રીમા સુતાં અને પૂજા કરતાં. અનેક બ્રહ્મચારી, સંન્યાસીઓ અને ભક્તોને મંત્રદીક્ષા આપી હતી.

૬. શ્રીમાના સાથી શ્રીઠાકુરના આશીર્વાદ પામનાર ભાનુ ફઈનું પૈતૃક ઘર માતૃમંદિરની નજીક છે.

૭. આ મંદિરમાં સિંહવાહિની દેવીની પોતાની મરડાની બીમારી વખતે શ્રીમાએ ટેક રાખી હતી અને સિંહવાહિનીની દવાથી એનો રોગ મટ્યો. ત્યારથી આ દેવીનું માહાત્મ્ય વધ્યું છે.

૮. જયરામવાટીના દક્ષિણપૂર્વે આવેલ આ પુકુરમાં શ્રીમા નિત્યસ્નાન કરવા જતાં અને પીવાનું પાણી પણ એમાંથી વાપરતાં.

૯. નાનપણમાં શ્રીમા ગળાડૂબ ઘાસ કાપવા જતાં એ સ્થળ અત્યારે ‘માયેર દીઘી’ નામે જાણીતું છે.

૧૦. શ્રીમા નાનપણમાં અહીં સ્નાન કરવા જતાં અને શ્રીમા એને નાનપણની ગંગા કહેતાં.

૧૧. સિહડમાં આવેલ શાંતિનાથ શિવમંદિરમાં એક  સંકીર્તન વખતે શ્રીઠાકુર ગયા હતા. બે વર્ષની નાની બાળા સારદા અન્ય મહિલાઓ સાથે જયરામવાટીથી ત્યાં ગઈ હતી અને લીલાગાન પ્રસંગે દૈવી સંકેતથી શ્રીઠાકુરની પતિ તરીકે વરણી કરી હતી.

૧૨. અહીં શ્રી શ્યામાસુંદરી દેવીએ એક નાની બાળકીને વૃક્ષ પરથી ઊતરતી જોઈ હતી અને એણે કહ્યું કે મા, હું તમારે ત્યાં આવીશ.

૧૩. શ્રીઠાકુરના ભાણેજ હૃદયરામ મુખર્જીનું ઘર સિહડમાં છે. 

૧૪. જયરામવાટીનું હાલનું વિદ્યાકેન્દ્ર.

બેલુર મઠનું દૃશ્ય

કાશીપુરમાં શ્રીઠાકુરે નરેન્દ્રનાથને કહ્યું હતું: ‘તું તારા ખભા પર બેસાડીને મને જ્યાં લઈ જઈશ ત્યાં જઈશ.’ સ્વામી વિવેકાનંદે ૯ ડિસેમ્બર, ૧૮૯૮ના રોજ પોતાના ગુરુદેવના પવિત્ર અસ્થિ-અવશેષોનો કુંભ પોતે જ ખભે ઉપાડીને મઠમાં લઈ ગયા અને ત્યાં પ્રતિષ્ઠા કરી હતી. સ્વામી વિવેકાનંદે મઠનું ગૌરવ ગાતી ભવિષ્યવાણી કરી: ‘શ્રીરામકૃષ્ણના જીવનમાં તમામ પથો અને સંપ્રદાયનો જે ભવ્ય સમન્વય થયો હતો તે આ સ્થળે મૂર્તિમંત થશે. વિશ્વધર્મના વિશાળ દૃષ્ટિબિંદુનો અહીંથી પ્રચાર કરવામાં આવશે. સર્વધર્મ સહિષ્ણુતા અને વિશ્વપ્રેમનો પ્રવાહ અહીંથી ઉત્પન્ન થઈને સમગ્ર વિશ્વમાં પૂરની માફક ફેલાઈ જશે.’ શ્રીરામકૃષ્ણ મંદિરની પ્રતિષ્ઠા ૧૯૩૮ની ૧૪ જાન્યુઆરીએ શ્રીમત્ સ્વામી વિજ્ઞાનાનંદજી મહારાજના વરદ્ હસ્તે થઈ હતી.

Total Views: 113

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.