(મધર ઈન્ડિયાના માર્ચ ૧૯૯૨ના અંકમાં પ્રગટ થયેલા લેખનો અનુવાદ)

સંકલનકારની નોંધ:

કોઈ બહુ વંચાયેલી કિતાબની જેમ, શ્રી અરવિંદ યુગોને અને મહાપુરુષોને માપી લેતા. એમની આધ્યાત્મિક આંતરપ્રેરણા અને વ્યક્તિઓની સમજણ ૫૨ આધારિત, વ્યક્તિઓ અને સમૂહો વિશે એમણે જે લખ્યું છે તે, એ સૌના હાર્દને અને સત્ત્વને, તેમના અસ્તિત્વક્ષમતાને, તેમની તમામ ગહનતાને અને નિરપેક્ષ ઊર્ધ્વતાને પ્રગટ કરે છે.

૧૮૩૬ના ફેબ્રુઆરીની ૧૮મીએ જન્મેલા, દિવ્ય માતૃશક્તિના મહાન પૂજારી, દક્ષિણેશ્વરના સંત અને પરમ ભક્ત શ્રીરામકૃષ્ણ વિશેનાં તેમનાં લખાણોનું અહીં સંકલન કર્યું છે.

શ્રી અરવિંદને શ્રીરામકૃષ્ણ સાથે તાદાત્મ્ય હતું તેનો પુરાવો શ્રી અરવિંદના વડોદરાનિવાસ દરમિયાનમાં નીચેના કિસ્સાથી સાંપડે છે: પોતાના ભાઈ વારીન્દ્રકુમારના આત્માઓને બોલાવવાના પ્લેન્ચેટના પ્રયોગોમાં શ્રી અરવિંદ જોડાયા ત્યારે એક વાર, શ્રીરામકૃષ્ણનો આત્મા ત્યાં આવ્યો અને એણે કહ્યું:

મંદિર ઊભું કરો, મંદિર ઊભું કરો
(મંદિર ગડો, મંદિર ગડો).

આ વિશે શ્રી અરવિંદે લખાવ્યું “એ કાળે ભારતના સ્વાતંત્ર્યનો ખ્યાલ પ્રધાન હતો એટલે સૌએ માન્યું કે ભવાની-મંદિરની યોજનાને શ્રીરામકૃષ્ણે પોતાની સંમતિ આપી છે. પરંતુ એ શબ્દોનો સાચો અર્થ, વર્ષો પછી, શ્રી અરવિંદે સ્પષ્ટ કરતાં જણાવ્યું હતું કે, આપણા અંતરમાં જ માનું મંદિર બાંધવાની, માનું મંદિર આપણે બનીએ તેવું પરિવર્તન આપણામાં કરવાની આ આશા હતી:”1

પાછળથી શ્રી અરવિંદે કહ્યું હતું કે, “યોગ તરફ વળવા માટેનો મને લાગેલો એ છેલ્લો ધક્કો હતો. મને લાગ્યું કે મહાપુરુષો મૃગજળ પાછળ દોડે નહીં અને, માનવ કરતાં ચડિયાતી આવી શક્તિ હોય તો, એને પ્રાપ્ત કરીને શા માટે કામે ન લગાડવી ?”2

એક શિષ્યને શ્રી અરવિંદે લખ્યું હતું, “…વળી સ્મરણમાં રાખજો કે આપણે રામકૃષ્ણમાંથી ઊતરી આવ્યા છીએ. મારા પૂરતી વાત કરું તો, જાતે આવીને મને આ યોગ તરફ વાળનાર પ્રથમ શ્રીરામકૃષ્ણ હતા. આપણી સાધનાના પાયામાં જે જ્ઞાન રહેલું છે તે અલીપુર જેલમાં મને વિવેકાનંદે આપ્યું હતું.”

શ્યામ કુમારી

શ્રીરામકૃષ્ણ અને ભારતનું ભાવિઃ

ભગવાન શ્રીરામકૃષ્ણનાં બોધવચનો અને એમને વિશે બીજાઓએ લખેલાં પુસ્તકો પરથી અમને એમ લાગેલું કે, દેશને ઘડતા નૂતન સત્ત્વનો સમગ્ર ભારતમાં ફેલાતાં વિચારપૂરનો કે જીવનને હડસેલી પોતાની જાતનું બલિદાન આપવા પ્રેરાતા અનેક યુવાનો પર થયેલી એ સત્ત્વની પ્રબળ અસરનો કશો ઉલ્લેખ એમણે કર્યો નથી. શ્રીરામકૃષ્ણે આવો કશો જ ઉલ્લેખ નથી કર્યો એમ કેમ માની શકાય? બધાંના અંતરમાં રહેલા ભગવાને આ જોયું ન હતું એમ કેમ માની શકાય?

જેના પદાઘાતે અહીં સત્યયુગ આણ્યો હતો, જેના સંસ્પર્શે ધરતી સુખમાં નહાઈ હતી, જેના આગમને સદીઓની અકર્મણ્યતાને ઓગાળી નાખી હતી, જેની શક્તિની જાગૃતિના અંશથી વિશ્વનો ખૂણેખૂણો ચેતનવંતો બન્યો હતો, જે પૂર્ણ હતા, નવા યુગના સ્થાપક હતા, અગાઉના બધા અવતારોનો પૂર્ણ આવિષ્કાર હતા, તેમની પાસે ભારતના ભાવિનું દર્શન જ ન હતું કે, તેને વિશે તેમણે કંઈ ઉચ્ચાર્યું ન હતું તે વાતમાં વિશ્વાસ બેસે એવું ન હતું. અમને લાગે છે કે જે તેમણે કહ્યું ન હતું તે કરી બતાવ્યું હતું. એમણે ભારતનું ભાવિ ઘડ્યું હતું, ભારતના ભાવિ પ્રતિનિધિને પોતાની પાસે બોલાવી તેમનું ઘડતર કર્યું હતું. એ ભાવિ પ્રતિનિધિ ‘સ્વામી વિવેકાનંદ’ હતા – ઘણા લોકો માને છે કે સ્વદેશપ્રીતિ એમનો ફાળો હતો. પરંતુ, સૂક્ષ્મ દૃષ્ટિથી જોઈએ તો, એમની સ્વદેશપ્રીતિ એમના પૂજ્ય ગુરુની ભેટ હતી. સ્વામીજીએ કદી કોઈ વસ્તુ પોતાની હોવાનો દાવો કર્યો ન હતો. જગદ્ગુરુએ એમને ઘડયા હતા. તે જ રીત ભારતનું ભાવિ ઘડવા માટે તેમને યોગ્ય જણાઈ હતી. કોઈ નિયમ કે રિવાજ તેમને બંધનકર્તા ન હતો. શ્રીરામકૃષ્ણે સ્વામીજીમાં વીર પુરુષના હીરનું ઘડતર કર્યું હતું. સ્વામીજી જન્મજાત વીર હતા, એ એમનો જન્મસિદ્ધ અધિકાર હતો. શ્રીરામકૃષ્ણ તેમને કહેતા: “તું સદા વીર છો.” પોતે જાણતા હતા કે પોતે વિવેકાનંદમાં સીંચે છે તે શક્તિ પોતાના ઉત્સર્ગથી સૂર્યકિરણોની પ્રભા વડે ભારત ૫૨ છવાઈ જશે. આપણા યુવકોમાં વીરતાનું ભાન જગાડવું જોઈએ. કશાપણ ભયની ચિંતા વિના તેમણે દેશની સેવા કરવાની છે અને, ‘તું સદા વીર છો’, એ સંદેશ યાદ રાખવાનો છે.

*

સંશયવાદ પરાકાષ્ઠાએ પહોંચ્યો હતો ત્યારે, જગતને આત્મતત્ત્વના આવિષ્કારતી ઇન્દ્રિયોએ રચેલા પ્રપંચના રહસ્યની, માનવીની ઊર્જસ્વી શક્તિની અને પરમાત્માની પરમ કૃપાની સત્યતા સ્થાપી આધ્યત્મિકતાને પોતાનો આવિષ્કાર કરવાનો સમય આવી ચૂક્યો હતો. આ કાર્યના પૂલનો પ્રારંભ કરવા શ્રીરામકૃષ્ણ અવતર્યા હતા અને, છેલ્લાં બે હજાર વર્ષોનો વિકાસ, ખાસ કરીને તો બુદ્ધના આગમન પછીનો વિકાસ, દક્ષિણેશ્વરના અવતારના સમન્વયના આધ્યાત્મિક બોધ અને અનુભૂતિની પૂર્વતૈયારી જ હતી.

યમનિયમોના જે લાંબા યુગોમાંથી ભારત પસાર થયું તે હવે પૂરા થવા આવ્યા છે. પૂર્વમાં એક મહાજ્યોતિનો ઉદય થઈ રહ્યો છે, જેનાં અરુણાં કિરણોની ઝાંખી ક્ષિતિજ પર થવા લાગી છે; એક એવો તો ઉજ્જ્વલ દિવસ ઊગવાની તૈયારીમાં છે કે છેલ્લો અવતાર પણ તેને સમજાવવાને પૂરો ન પડે, જો કે તેમના વિના એ થયો જ ન હોત. હિંદુ આધ્યાત્મિકતાની એ પૂર્ણ વ્યક્તિત્વ પૂર્વના પુનરુત્થાનની નિશાની હતી.

પૂર્વની પાસે જ સત્યનું કૈંક જ્ઞાન છે, પશ્ચિમને બોધ પૂર્વ જ આપી શકશે, કેવળ પૂર્વ માનવજાતને બચાવી શકશે. આ બધા યુગોમાં એશિયા ખંડ પોતાના અંતરમાં પ્રકાશની ખોજ કરી રહ્યો છે અને પોતે શોધે છે તેની ઝાંખી જયારે જ્યારે થઈ છે ત્યારે, એક મહાન ધર્મનો જન્મ થયો છે, બૌદ્ધ ધર્મ, કન્ફ્યુશિયન ધર્મ, ખ્રિસ્તી ધર્મ, મહમ્મદ સ્થાપિત ઈસ્લામ, ને દરેકના અસંખ્ય સંપ્રદાયો. પરંતુ આધ્યાત્મિક પ્રયોગની કાર્યશાળા, આત્માની પ્રયોગશાળા ભારતભૂમિ રહી છે; નિજ આત્મામાં કાર્યરત એવા હજારો મહાત્માઓ દરેક પેઢીમાં અહીં પેદા થયા છે, એમણે પોતાના જ્ઞાનને પૂર્ણતાએ પહોંચાડયું છે, પોતાની અનુભૂતિઓનું પરિણામ થોડા શિષ્યોને સોંપ્યું છે અને શેષ પૂરું કરવાનું બીજાઓ પર છોડ્યું છે. એમણે કદી ધર્માંન્તર કરાવવાની ઉતાવળ કરી નથી, કદી પોતાની જાતનો ઢોલ પીટવા જારી દાખવી નથી પરંતુ, પોતાની અનુભૂતિનો હિસ્સો કેવળ આપ્યો છે અને પછી પોતાને મૂળ સ્થાને પાછા ચાલી ગયા છે. આ અવતારોના જન્મનું કારણ આત્મસંયમ દ્વારા જમા કરેલી અસાધારણ આધ્યાત્મિક શક્તિનો સ્રોત હતું; એટલે તો એ ભગવાનથી ભરેલા હતા કે શાંતકૃપાથી તેઓ સંતુષ્ટ ન હતા પણ જગત ઉપર એ કૃપા રેલાવી તે બીજાઓને વટલાવવાના હેતુથી નહીં પણ, આગોતરી તપસ્યાથી કે પોતાના સંકલ્પોની શુચિતાથી, એ બ્રહ્માનંદ ઝીલવાને જે યોગ્ય હતા તેમને એ આપ્યો. આ બધા આત્માઓમાં શ્રીરામકૃષ્ણ સૌથી છેલ્લા અને સૌથી મહાન હતા કારણકે, બી ઈશ્વરને એના એક કે મર્યાદિત અંશમાં જ અનુભવી શક્યા હતા ત્યારે, ઈશ્વરની અનંત વિવિધતાના સરવાળા રૂપે એની અનંત એકતામાં શ્રીરામકૃષ્ણે ઈશ્વરાનુભૂતિ કરી હતી. એમના પુરોગામી લાખો સંતોની આધ્યાત્મિક અનુભૂતિઓ ફરી પ્રગટી હતી અને એકત્રિત થઈ હતી. જગતને હિંદુ ધર્મનો જે અંતિમ સંદેશ દેવાનો હતો તે એમણે ભારતને આપ્યો. એમના જન્મથી એક નવા યુગનો પ્રારંભ થયો છે; પૃથ્વીની પ્રજાઓ થોડા કાળ માટે ઊર્ધ્વગતિ કરી ઈશ્વર સાથે તાદાત્મ્ય સાધે તેવો, એક નવો યુગ એમના જન્મથી આરંભાય છે. આ યુગમાં આધ્યાત્મિકતાનો સૂર પ્રધાન સૂર બની જશે. ખ્રિસ્તી ધર્મ જે કરવામાં નિષ્ફળ નીવડ્યો, હજી વેળા પાકી ન હતી ત્યારે જે કરવા માટે ઈસ્લામે કોશિશ કરી, થોડા સમય માટે અને મર્યાદિત લેાકો પૂરતું બૌદ્ધ ધર્મ જે અર્ધું હાંસલ કરી શક્યા છે, તે શ્રીરામકૃષ્ણ સમગ્ર જગત માટે સિદ્ધ કરવા પ્રયત્ન કરે છે. ભારતની નવજાતનું આ કારણ છે, ભારતમાં ફરી પ્રભુએ પ્રાણસંચાર કર્યો છે તેનું એ કારણ છે, એ માટે મહાત્માઓ એની મુક્તિ માટે મથી રહ્યા છે ને એ જ કારણે ભારતના પુત્રોનાં હૃદયમાં અચાનક પરિવર્તન આવી રહ્યું છે. જે આંદોલનનો પ્રથમ ઉપાડ રાજકીય હતો તેનો અંત આધ્યાત્મિક પૂર્ણતામાં આવશે.

*

આપણી જાતનું યુરોપીકરણ કરવામાં આપણે સફળ થયા હોય તો, આપણી આધ્યાત્મિક શક્તિ, આપણી બુદ્ધિમતા, આપણી રાષ્ટ્રીય સ્થિતિસ્થાપકતા અને પુન:ચેતનાની શક્તિ સદાને માટે ગુમાવી બેઠા હોત. અનેક વાર ઇતિહાસમાં આ કરુણ નાટક ભજવાયું છે ને તેમાં વળી એક સૌથી વધારે દુ:ખદ અને સૌથી ખરાબ દાખલો તેમાં ઉમેરાયો હોત. દેશની બધી પ્રવૃત્તિઓ વિદેશી અને અધીન હોત તો એ પરિણામ ટપકી પડયું હોત. પરંતુ, બંગાળ અને પંજાબનાં ધાર્મિક આંદોલનોમાં, મહારાષ્ટ્રની રાજકીય આકાંક્ષાઓમાં અને બંગાળની સાહિત્યિક પ્રવૃત્તિમાં પ્રજાની ચેતના હજી વહેતી હતી. અહીં એ હજી ગુપ્ત પ્રવાહ હતો, પરદેશી વિચારો અને રૂપોના બોજ નીચે ભારતની લાક્ષણિક પ્રકૃતિ અને ચેતનાની આંતર સંરક્ષણ માટેની કોશિશ હતી અને, આ બંને પરિબળો વચ્ચેના સંઘર્ષમાં રાષ્ટ્રધર્મ પ્રતિ ત્રાજવું નમ્યું ત્યારે જ, ભારતની મુક્તિની ખાતરી સાંપડી. ભલે તામસી, અકર્મણ્ય, અજ્ઞાન અને અસર્જનાત્મક હોવા છતાં, હિંદુત્વના રૂઢિચુસ્ત વર્ગના પ્રતિરોધે, ચળી હતી તેના કરતાં સંપૂર્ણ અને ઝડપી વિછિન્નતામાંથી દેશને બચાવ્યો અને અદમ્ય રાષ્ટ્ર ચેતનાને પ્રગટવા અને પ્રસ્થાપવામાં સહાય કરી. ભારતનો આત્મા પ્રથમ ધર્મના ક્ષેત્રમાં જાગ્યો અને જીત્યો. અણસારો અગાઉ હતા, પુરોગામીઓ પણ હતા પરંતુ, પોતાની જાત પર પરદેશી શિક્ષણનો કે વિચારનો ઓછાયો કે સ્પર્શ થયા વિનાના એક અભણ હિંદુ સંતને, સ્વયં – જયોતિ સાધકને અને રહસ્યપણાને ચરણે કલકત્તાનાં શિક્ષિત યુવાપુષ્પો ઢળ્યાં ત્યારે, યુદ્ધમાં વિજય સાંપડ્યો. જગતને પોતાના બે હાથમાં પકડી એમાં પરિવર્તન કરવા નિર્માયેલા ઘટનું તિલક જેને ભાલે ગુરુએ કર્યું હતું તે વિવેકાનંદનું પરદેશગમન, ભારતમાત્ર ચેતનવંતુ રહેવા પૂરતું નહીં પણ વિજય પ્રાપ્ત કરવા જાગ્યું છે તેની પ્રથમ સ્પષ્ટ નિશાની હતી.

*

ભારતમાં ઉચ્ચ ચિંતનના ક્ષેત્રમાં બંગાળી હંમેશાં મોખરે રહ્યો હતો અને આજે પણ તે મોખરે છે. કારણ કે, જે નવી પ્રજા ઊભી થવાની છે તેને માટે આવશ્યક લક્ષણો હોવામાં તે આગળ પડતો છે. એક વિરાટ કદમ ભરવાનું હોય ત્યારે, માનવ જાતને હલાવી નાખે તેવા હૃદયતંત્રને ઝણઝણાવનાર સમર્થ વિચારો, મહાન પ્રેરણાઓ ઝીલે તેવાં કલ્પનાશક્તિ અને ભાવના તેની પાસે છે. હૃદયથી વિચારવાની અમૂલ્ય શક્તિ તેની પાસે છે. તર્ક પકડી શકે તે અને, કેવળ તર્કબુદ્ધિથી પાર તેવી ચિંતનની સૂક્ષ્મતાઓ અને અર્થછાયાઓને ગ્રહણ કરવાની શક્તિ, અમુક ચોક્કસ મર્યાદામાં, તેની પાસે છે. વિશેષ તો બીજી માનવ જાતિઓમાં પ્રત્યક્ષ જ્ઞાનની જે શક્તિ સુષુપ્ત છે, અવિકસિત છે અને જેનો વિકાસ હવે થવાનો છે, જે બુદ્ધિથી અને કલ્પનાથી પર છે તે શક્તિ, ઔપચારિક શિક્ષણને ફંગોળી દઈ, સંકલ્પ કરે તે જ્ઞાનને સરળતાથી અને દિવ્યતાથી આદેશાનુસાર પામનાર, બંગાળી પ્રજાના સર્વોત્તમ પુરુષ શ્રીરામકૃષ્ણ પાસે બીજી પ્રજાઓ કરતાં અનેક ગણી છે.7

*

કાવ્ય સર્જનના દરેક ક્ષેત્રમાં સર્વોચ્ચ ક્ષેત્ર સર કરતી કાલિદાસની મૌલિક સિદ્ધિ યુરોપીય બુદ્ધિને એવી તો અશક્ય લાગે છે કે સંવાદિતાના એ મહા કલાધરનું એ બુદ્ધિએ ત્રણની સમિતિમાં વિભાજન કર્યું છે. છતાંયે, એની થોડી બત્રીસ વર્ષની ટૂંકી જિંદગીમાં દર્શનશાસ્ત્રીની સિદ્ધિ હાંસલ કરનાર શંકરાચાર્યમાં અને, આપણા પોતાના યુગમાં, સર્વ આધ્યાત્મિક જ્ઞાનને અને અનુભૂતિને આવરી લઈ, કાલિદાસની સિદ્ધિને વામણી બતાવનાર શ્રીરામકૃષ્ણમાં આપણને સાંપડે છે.8

*

શંકરાચાર્યે કરેલું ઉપનિષદોનું અર્થઘટન અને સંશ્લેષ્ણ, મહાન અને તત્કાલ પૂરતું સંતોષકારક હોવા છતાં, એક પ્રયત્ન હતો. ભૂતકાળમાં એવા બીજા પ્રયત્નો પણ થયા હતા અને તેમણે રાષ્ટ્રીય ચેતનાને થોડી અસર કરી હતી અને ભવિષ્યમાં આવું એક વધારે પરિપૂર્ણ સંશ્લેષ્ણ ન થવાનું કારણ નથી. સમગ્ર જીવનને અને કર્મને આવરી લેતા આવા એક સંશ્લેષણના અવકાશ માટે શ્રીરામકૃષ્ણ અને વિવેકાનંદનો બોધ ભૂમિકા તૈયાર કરી રહ્યો છે.9

*

આત્મા ઊર્ધ્વગમન કરે છે ત્યારે, પોતાનાં ખ્યાલોને, અનુભૂતિઓને, મતોને, વલણને, ગુરુને, ઈષ્ટને અનુસરવાનું પસંદ કરે છે પરંતુ, બીજાંઓ પ્રત્યે તે અજ્ઞાન રહેતું નથી કે આંખ બંધ કરતું નથી. એ પોકારી ઊઠે છે, “પંથો અનેક છે ને તે બધાય સમાન રીતે ઈશ્વર ભણી લઈ જાય છે. બધા માણસો, પાપી અને નાસ્તિક સુધ્ધાં, સાધનામાં મારા બાંધવો છે અને, પ્રીતમ તે સૌને પોતાની રીતે ‘એકમેવાદ્વિતીયમ્’ તરફ ખેંચે છે.” પરંતુ પૂર્ણ જ્ઞાનનો ઉદય થાય છે ત્યારે, બધી અનુભૂતિઓ મારામાં આવી મળે છે, મને બધા વિચારો સત્ય લાગે છે, બધા મત ઉપયોગી જણાય છે, બધી અનૂભૂતિઓ અને બધાં વલણો વૈશ્વિક અનુભૂતિને અને પૂર્ણતાને પામવામાં સાધનો માલુમ પડે છે બધા ગુરુઓ કેવળ એક જ ગુરુના અવતારો કે એને પામવાના અપૂર્ણ માર્ગો જણાય છે.

પોતાનાં જીવન અને સાધનાથી શ્રીરામકૃષ્ણે આ શીખવ્યું ને તેથી જ તો તેઓ આ યુગના અવતાર છે, જે માનવજાતનું ભાવિ ઘડે છે. પરંતુ, એમને એક સંપ્રદાયના ગુરૂપદે સ્થાપવાનો, એક જડ સંપ્રદાયના અવતારપદે બેસાડવાનો, સંકુચિત આસક્તિ, અસહિષ્ણુ આદર અને સાંપ્રદાયિક પૂજાને વિષય બનાવી તેમનાં જીવનને અને બોધને કુંઠિત કરવાનો ભય છે. એનાથી દૂર રહેવું જોઈએ – ધર્મસંસ્થાને લાગેલો એ મહા શાપ છે. સંપ્રદાયો અને મંદિરોને હવે બસ કરી, હવે આપણે કેવળ ભગવાનની ભક્તિ કરવી જોઈએ.

બંધનનો નાશ, મુક્તિની પ્રાપ્તિ, જંજીરોનું છેદન: ભાવિની આ પહેલી જરૂર છે. મુક્તિ બક્ષવા માટે શ્રીરામકૃષ્ણનું આગમન થયું હતું, નવું બંધન લાદવાં નહીં. એટલે જ તો વિવેકાનંદ આવ્યા હતા, જે જેન્ટાઈલો માટેના (અયહૂદીઓના, રૂઢિ પૂજકો નહીં તેમના), ગુરુના સંદેશવાહક હતા; એમણે દરેક ક્ષેત્રમાં મુક્તિની ધોષણા કરી હતી. હિંદુત્વનો આત્મા રોગિષ્ઠ શરીરમાં ડચકાં ખાઈ રહ્યો છે. એ ખોખું તોડી નાખો જેથી આત્મા જીવંત રહે, ક્ષણભંગુર દેહ સાથે આત્માને જોડતાં અજ્ઞાન, દેહાત્મ્ય બુદ્ધિનો નાશ, તે યોગની પ્રથમ શિક્ષા નથી? દેહ યુવાન હોય, સંયોગાનુકૂળ થવાની ક્ષમતાવાળો હોય, સશક્ત હોય તો, મુક્ત થયેલો આત્મા તેનો ઉપયોગ કરે પરંતુ, એ જર્જરિત થઈ ગયેલ છે, રોગિષ્ઠ છે અને મિલન છે. એને બદલવો જ રહ્યો પણ તે, દેહ સાથે આત્માનોયે નાશ કરતી પાશ્ચાત્ય મૂર્તિભંજકતા વડે નહીં પણ, રાષ્ટ્રીય યોગ વડે.૧૦

*

ઉચ્ચ આધ્યાત્મિકતા ધરાવતા લોકોના શરીરમાંથી પ્રકાશનો ઉત્સર્ગ થતો, એમના દેહને આવરી લેતી આભા સહિત જોવા મળે છે અને રામકૃષ્ણ જેવી મહાન આધ્યાત્મિક વિભૂતિમાંથી, આરંભમાં આવી આભા પ્રસરતી જોવાનું નોંધાયું છે.૧૧

રામકૃષ્ણ આમ વદ્યા ને વિવેકાનંદ તેમ વદ્યા. ભલે, પણ જે સત્યોને એ અવતારે શબ્દબદ્ધ ન કર્યા હોય, પોતાના બોધમાંથી બાકાત રાખ્યાં હોય તે મારે જાણવાં છે. મનુષ્ય ચિત્તમાં ધારણા થઈ હોય અથવા માનવવાણીએ કદાપિ ઉચ્ચારેલ હોય તેથી અનેકગણું પરમાત્મામાં છે.

રામકૃષ્ણ શું હતા? માનવદેહમાં પ્રગટ પરમાત્મા, પરંતુ એમની પાછળ અનંત અવ્યક્ત ઈશ્વર છે અને એનું વૈશ્વિક વ્યક્તરૂપ છે. ને વિવેકાનંદ શું હતા? શિવના ચક્ષુનો ભાસ્વાન કટાક્ષ; પણ એમની પાછળ તેઓ જયાંથી આવ્યા ત્યાંનો દિવ્ય જ્યોતિ છે, સાક્ષાત્ શિવ છે, બ્રહ્મા છે ને વિષ્ણુ છે અને બધાંની પારનું ॐ છે.૧૨

*

અને રામકૃષ્ણ પરમહંસના જીવનના એક તાજા અનન્ય દૃષ્ટાંતમાં આપણને વિરાટ આધ્યાત્મશક્તિનું દર્શન થાય છે; જાણે કે બળ વાપરીને એ સ્વર્ગનું રાજ્ય જીતી લેતી હોય તેમ, એ સીધી દિવ્ય સાક્ષાત્કાર તરફ દોટ મૂકે છે; પછી એક પછી બીજી યોગ પદ્ધતિ, કદાપિ ન માની શકાય તેટલી ઝડપથી તેનો સાર તારવી, મૂળ વસ્તુના હાર્દ પર ફરી ફરી આવે છે. એ વસ્તુ છે ઈશ્વરને પામવાની ને પ્રેમશક્તિ વડે તેને પોતાની પાસે રાખવાની. એ અપ્રગટ અધ્યાત્મશક્તિ વિભિન્ન અનુભૂતિઓમાં વિચરે છે અને આંતરસૂઝ સહજ ક્રીડા કરે છે. આવા દૃષ્ટાંતનું સાધારણીકરણ ન કરી શકાય. એનો હેતુ પણ વિશિષ્ટ અને કાલાનુસારી હતો; બધા સંપ્રદાયો અને પ્રકારો એક અભંગ સત્યના અંશો છે અને, એક જ પરમ અનુભૂતિ ભણી જવા બધી સાધનાઓ મથે છે એ માનવજાત માટે આજે સૌથી અગત્યના સત્યનું એક મહાત્માની મહાન અને નિર્ણાયક અનુભૂતિનું દૃષ્ટાંત પૂરું પાડવાનું. ભિન્ન-ભિન્ન અને આપસમાં ઝઘડતાં સંપ્રદાયોમાં યુગોથી વિભક્ત જગત આજે એ દિશામાં જવા મથી રહ્યું છે.૧૩

ભાષાંતર : શ્રી દુષ્યન્ત પંડ્યા

 

સંદર્ભ:

૧. ‘ધ લાઈફ ઑફ શ્રી અરવિંદ’, લે. એ.બી.પુરાણી, આવૃત્તિ ૪, પૃ. ૫૭.
૨. ‘શ્રી અરવિંદ ઑન હિમસેલ્ફ’, પૃ. ૫૯.
૩. ‘શ્રી અરવિંદ બર્થ સેન્ટીનરી લાયબ્રેરી, વૉ.૨૭, પૃ. ૪૩૫.
૪. ‘એ.બી.સી.એલ.’ વૉ. ૧ પૃ. ૭૯૯-૮૦૦.
૫. એજન, વૉ. ૧ પૃ. ૮૦૦-૮૦૧.
૬. એજન, વૉ. ૨ પૃ. ૭૭.
૭. એજન, વૉ. ૩ પૃ. ૩૨૭.
૮. એજન, પૃ. ૩૩૮.
૯. એજન, પૃ. ૩૪૪.
૧૦. એજન, પૃ. ૪૬૨ -૪૬૩.
૧૧. એજન, વૉ. ૧૬, પૃ. ૨૩-૨૪.
૧૨. એજન, વૉ. ૭. પૃ. ૯૮.
૧૩. એજન, વૉ. ૨૦. પૃ. ૩૬.

Total Views: 275

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.