હવે આવ્યા ભક્ત એક મહેન્દ્ર માસ્ટર,
સારે કુળે જન્મ, શાખે ગુપ્ત કહેવાય;
ઉંમરે અઠ્ઠાવી’ સાલ પાર કરી જાય.
શોભીતી સુંદર આંખો તેજે પ્રકાશિત;
ગુલાબી વદને લાગે અતિ સુશોભિત.
મીઠી મીઠી કોમળતા વિકસી સર્વાંગે;
નારી જ પધારી જાણે નર કેરા સ્વાંગે.
ગૌર વર્ણો દેહ તેનો બહુ શોભમાન;
કંઠ મીઠો એવો જાણે વીણા સાથે ગાન.
રૂપે, ગુણે નહિ તેની તુલ્ય કો’ અપર;
અંગ્રેજી પર કાબૂ ખૂબ ધરાવે માસ્ટર.
પ્રખર, ગંભીર બુદ્ધિ શીરમાં વિરાજે;
વિશ્વ વિદ્યાલયમાં છે શિક્ષકને કાજે.
મૂકી દઈ પ્રાણ, મન પ્રભુને ચરણે;
પાછા આવ્યા માસ્ટરજી સ્થાને વાસ તણે.
પ્રભુને અંતરે અહીં સુખ ન સમાય;
પામી અંતરંગ ભક્ત ‘માસ્ટર મા’શય.’
રાખાલ, નરેન્દ્ર આદિ ભક્તો અનેકને;
તેઓ બધા આવ્યે, પ્રભુદેવ નિજ કને.
પ્રત્યેકને કહ્યા કરે ઉલ્લાસિત મન;
આદિ અંત માસ્ટરનું બધું વરણન.
આ બાજુ માસ્ટર ઘરે બહુ જ ચંચળ;
ફરી દર્શન – ઇચ્છા અતીવ પ્રબળ.
ઘરે ટકે નહિ મનન, ઊડું ઊડું કરે;
બીજે દિન વળી આવ્યા દક્ષિણશહરે.
દેખી તેને, બોલીયા ભક્તોને પ્રભુ પણ;
‘‘વળી પાછો આવીયો છે કાલવાળો જણ;
‘‘જુઓ, એક મયૂરને કીધું’તું અફીણ;
‘‘બીજે દિ’ હાજર, એ જ ટાઈમે, એ પ્રવિણ.’’
પલાંઠી વાળી, ધોતીથી પગ ઢાંકી ખાસ;
બેસી ગયા માસ્ટર શ્રીપ્રભુ – પદ પાસ.
પ્રભુ તો ભક્તોનાં મન મુગ્ધ કરનાર;
ખોલી દીધા નિજ તત્ત્વકથાના ભંડાર.
નિજ ભાવમાં જ પ્રભુ નિજે જ મોહિત;
અવશેષે ઉપાડયું મધુર એક ગીત.
મોહક એ ગીતથી ઝરે જે મધુરાઈ;
તેથી અજાણતાં મન જાય જ ચોરાઈ.
જેમ સુણો તેમ સુણવાની વધે આશ;
ભાવભર્યું ગીત ચિત્ત ખેંચવાનો પાશ.
માસ્ટરનાં મન બુદ્ધિ એકદમ હાર્યાં;
દેહ માત્ર ચાલે, ચિત્ત ખોઈ પરવાર્યા.
પછી નીકળીયા બ્હાર, જવા પાછા ઘરે;
જવા ઇચ્છે, છતાં પગ ડગ નવ ભરે.
આ શું જોયું, આ શું સુણ્યું વિચાર જ કરે;
મોહિત થઈને બગીચાની માંહે ફરે.
શ્રીપ્રભુનું ગીત એવું મીઠું, ચિત્ત ગળે;
ઇચ્છા થાય, ફરી વાર સુણવા જો મળે.
પ્રભુની નિકટ ધીરે ધીરે ફરી વાર;
પાછા આવ્યા મુગ્ધ – મન મહેન્દ્ર માસ્ટર.
ભક્તિભાવે પૂછે શ્રીપ્રભુને ધરી પ્રીત;
‘આજે શું થવાનું ફરી આપનું સંગીત?’
‘અહીં તો થશે ન આજ’, પ્રભુનો ઉત્તર;
‘કાલે જવાનો છું કલકત્તાની ભીતર.
પ્રભુના કે’વા મુજબ મળ્યા બીજે દને;
મહાભક્ત બલરામ બસુને ભવને.
નિહાળી શ્રીપ્રભુને અપૂર્વ પ્રીતિકર;
પ્રભુ-પાદ – પદમે મગન થયા એ માસ્ટર.
મંત્ર, તંત્ર પ્રભુ વાકય, પ્રભુ ધ્યાન, જ્ઞાન;
શ્રુતિ – રુચિકર અતિ પ્રભુનું આખ્યાન.
પ્રભુ – સંગ – સુખ – આશા હૈયામાં જબ્બર;
ક્યારે, કયાં શ્રીપ્રભુ જાય, રાખે એ ખબર.
ક્યાંહાં, શું શું કરે પ્રભુ, કરે શું કથન;
એકાગ્ર ચિત્તે એ યાદ રાખે પ્રવચન.
પ્રભુ મુખે નીકળેલો પ્રત્યેક અક્ષર;
માને એ શ્રદ્ધાથી વેદથી ય ગુરુતર.
મોઢાનાં કમાડ બંધ કરી મહામના;
‘‘કથામૃત’’ રૂપે કર્યે જાય એ રચના.
અતિ પ્રિય શ્રીપ્રભુના અંતરંગ જન;
‘મુગ્ધાકૃતિ ભક્ત’ એવું પ્રભુનું વચન.
વિશેષ શક્તિ તેનામાં પામી’તી પ્રકાશ;
કરવા પ્રભુનો મહિમા પ્રચાર ખાસ.

Total Views: 277

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.