(છંદ : વસંતતિલકા)

જગદંબ! હે વિનવણી સુણજો તમે આ,
હું તો સમર્પિત સદા તુજને જ મૈયા!
આધાર છે તુજ કૃપા-નજરો તણો મા!
તારાં સદા સતત હું સ્મરણે રહું મા!
ના ઈંદ્રિયો – સુખ તણી મુજને જ સ્પૃહા,
હું તો તને જ જનની! બસ ઇચ્છતો હ્યાં. (૧)

ના કીર્તિ હું ચરમ આ જગમાં જ ઇચ્છું,
ના શક્તિ કૈં અતિ અલૌકિક માત! માગું,
ના લૌકિકે ચિત ધરું ચીજ દુન્વયી હું,
તારો જ પ્રેમ બસ માત્ર સદૈવ ઝંખું,
નિ:સ્પૃહ જે શુચિ સદા નિરપેક્ષ એવો,
નિર્ભેળ એ પુનિત પ્રેમ જ મા તું! તારો. (૨)

મૈયા! શિશુ તુજ તણો મતિ અલ્પ હું છું,
આસક્તિમાં જગ ફસી તુજને ન ભૂલું,
માયા અને મમતમાં કદી હું ન ખૂચું,
ના વાસના વપુ તણી, વસુ- મોહ ડૂબું,
ખેંચાઉં ના વમળમાં વસુ ને વપુના,
તું રક્ષજે હૃદયથી કરું પ્રાર્થના આ. (૩)

તારા વિના નવ જગે મુજ કોઈ અન્ય,
જાણું નહીં તવ પૂજા ગુણગાન ધન્ય,
ભક્તિ શુભા તુજ નહીં તવ કીર્તનો મા!
જાણું ન હું નવ કર્યાં યશગાન તારાં,
હું ઝંખતો અતિ વિશુદ્ધ જ પ્રેમ-ધારા,
જે દોરતાં તુજ ભણી લઈ જાય મૈયા! (૪)

વર્ષા કરો મુજ પરે તમ પ્રેમ વારિ,
જે સ્નાનથી પુનિત હું થઈ જાઉં માડી!
આ વાંછના સતત છે તુજ પાસ મૈયા!
પૂરી કરો હૃદયની મુજ પ્રાર્થના આ. (૫)

શ્રીરામકૃષ્ણ પરમહંસની પ્રાર્થના જે,
ભાવાર્દ્ર તો હૃદયથી જગદંબ ને છે,
ભાવાનુવાદ કવિ આ કુસુમાયુધે તે,
ભાવે વસંતતિલકા શુચિ છંદમાં એ,
આવો કર્યો કવિતમાં ગુજરાતીમાં છે,
‘શ્રીરામકૃષ્ણ શુભ જ્યોત’ દિ. અંક કાજે. (૬)

(ભાવાનુવાદ : ‘કુસુમાયુધ’)

Total Views: 188

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.