* સંસારમાં સત્સંગ પામવો કઠિન છે અને ક્યાંય સત્ય અભિવ્યક્તરૂપે દેખાતું નથી. મન અજ્ઞાનના અંધકારથી ભરેલું છે અને બંધુત્વ અને આનંદ-હર્ષ જેવા ગુણોનું અસ્તિત્વ ક્યાંય દેખાતું નથી. આ સંસારની ધરતી કેવળ દુરાચાર માટે જ અત્યંત ઉપજાઉ છે.
* આ સંસારમાં વ્યક્તિ મરવા માટે જન્મે છે અને તેઓ પુનર્જન્મ લઈને ફરી મૃત્યુ પામે છે. સુખોપભોગના બધા પદાર્થો ક્ષણજીવી છે અને એ બધા પાપ અને વિપત્તિઓનું મૂળ છે. ઈંદ્રિયવિષયોના પારસ્પરિક સંબંધ માત્ર કલ્પનાની સૃષ્ટિઓ જ છે. સંસાર જેવો એ મનમાં છે બરાબર એવો જ લાગે છે અને મનની કોઈ સત્તા છે જ નહિ.
* મારું હૃદય દુ:ખનાં આ કારણોને દૂર કરવાનાં વિધિ અને સાધનો પર વિચાર કરતાં ખિન્નતાથી ભરાઈ જાય છે. આ સંસારનાં દુ:ખોના વિચારોએ મારા હૃદયને સ્મશાનભૂમિ જેવું નિર્જન અને વિષાદમય બનાવી દીધું છે. સંસારની નશ્વરતા અને બીજા દોષો પર વિચાર કરતાં હું જાણે કે સાંકળે બંધાયેલા જંગલી હાથીની જેમ તરફડું છું.
* શું સત્યનો સાધક ઈંદ્રિયસુખોની આ ગુફામાં પૂર્ણરૂપે સંતોષ મેળવી શકે ખરો? જે લોકો આવા સંસારમાં આનંદ પ્રાપ્ત કરવાના વિચાર કરે છે તેમને કાળ ગળી જાય છે.
* જે સંસાર આપણી સામે છે એ તો એક સ્વપ્ન સમો ક્ષણભંગુર છે. જે પર્વતશ્રેણીઓ આજે વાદળોનું ચુંબન કરે છે, એ થોડી વાર પછી સમતલ ભૂમિમાં પરિણત થઈ શકે છે.
* સંસારના પ્રત્યેક પદાર્થને-દેહધારીનાં બાળપણ, યૌવન અને વૃદ્ધાવસ્થાને પણ-પરિવર્તિત થવું પડે છે. પ્રત્યેક પદાર્થ જળતરંગોની જેમ એક દશામાંથી બીજી દશામાં ચલાયમાન થાય છે.
* પ્રત્યેક દિન પદાર્થો અને તેમની શ્રેણીઓનો વિનાશ પ્રત્યક્ષ થઈ રહ્યો છે; પરંતુ આ અભિશાપિત સંસાર ક્યારેય સમાપ્ત થતો નથી. માનવ પશુઓના રૂપે ફરીથી જન્મ લે છે, નિમ્નતર પશુ પુન: માનવરૂપે અવતરે છે, દેવો પણ પદની અવનતિ પામે છે. એટલે આપણે આ સંસારમાં નિત્યતાનું દર્શન ક્યાં કરીએ?
* પ્રકૃતિની સુંદરતા વીજળીના ચમકારા જેવી ક્ષણજીવી છે. બધાં પ્રાણીઓ-બ્રહ્મા, વિષ્ણુ અને રુદ્ર સુધ્ધાં- મરુભૂમિમાં વહેતી જલધારાની જેમ વિનાશને પંથે સરી જાય છે.
* સંપત્તિ અને સુખોપભોગ બધી જાતની ચિંતાઓનું મૂળ છે. એના કરતાં તો એકાંતવાસ સાધીને કોઈ પણ પ્રકારના વિચારોથી વિચલિત થયા વિના સમત્વબુદ્ધિનો વિકાસ કરવો વધારે સારો.
* ઈંદ્રિયસુખોના પદાર્થો વાસ્તવિક રીતે હળાહળ છે. તે સામાન્ય રૂપે જાણીતા વિષ જેવા નથી; કારણ કે પેલું વિષ તો એક જ જન્મમાં શરીરનો નાશ કરે છે, જ્યારે ઈંદ્રિયભોગનું હળાહળ માનવને જન્મજન્માંતરોથી માંડીને અસંખ્ય યોનિઓમાં ત્રાસ આપતું રહે છે.
* સંસાર ક્ષણભંગુર છે તથા એમાં આનંદનો એક કણ પણ નથી. હું તો નથી મૃત્યુની કામના કરતો કે નથી મને જીવનનો લોભ; હું રાજ્ય, ધન, સુખ અને આકાંક્ષાઓ માટે વ્યગ્ર પણ નથી, કારણ કે મેં આ બધાંના મૂળ સમા અહંકારનો પરિત્યાગ કરી દીધો છે.
* એ સાચું છે કે આ સંસાર બહારથી સુંદર છે પરંતુ પોતાના અસલીરૂપમાં તે અત્યંત બિભત્સ છે. આ સંસારમાં બધા પદાર્થોનો અંત દુ:ખદાયી છે. આ સંસારની કોઈ પણ વસ્તુ મનની સાચી શાંતિ આપી શકતી નથી.
Your Content Goes Here




