ઘાસ ખાતું વાઘનું બચ્ચું
એક વખત એક વાઘણે બકરાનાં ટોળા પર હુમલો કર્યો. જેવી તે શિકાર પર કૂદી કે તેણે એક બચ્ચાને જન્મ આપ્યો અને તે મરી ગઈ. બકરાની સોબતમાં ઘાસ ખાતાં ખાતાં અને બેં..બેં કરતાં કરતાં બચ્ચું મોટું થયું, એક મોટો વાઘ બની ગયું. એક વખત બીજા વાઘે આ જ ટોળા પર હુમલો કર્યો. ઘાસ ખાતા વાઘને જોઈને તે નવાઈ પામ્યો. તેનો પીછો કરીને તેને પકડી લીધો એટલે એણે બેં..બેં કરવાનું શરૂ કર્યું. જંગલી વાઘ એને પાણી પાસે લઈ ગયો અને કહ્યું: ‘આ પાણીમાં તારું મોઢું જો. મારા મોઢા જેવું જ લાગે છે ને? લે આ માંસ ખા.’ એમ કહીને તેના મોઢામાં માંસ ખોસ્યું પણ ઘાસ ખાતો વાઘ તે ખાઈ ન શક્યો. એ તો ફરીથી બેં બેં કરવા લાગ્યો. ધીમે ધીમે તેણે લોહીનો સ્વાદ ચાખ્યો અને તેને માંસ ભાવ્યું. પછી જંગલી વાઘે કહ્યું: ‘હવે જો મારી અને તારી વચ્ચે કોઈ ભેદ છે? ચાલ, મારી સાથે જંગલમાં.’
જો કોઈ પર ગુરુની કૃપા ઊતરે તો કોઈ ભય રહેતો નથી. તમે કોણ છો અને તમારું સાચું સ્વરૂપ શું છે, તે તેઓ જ તમને જણાવી દે છે. શિષ્ય થોડીક પણ સાધના કરે તો ગુરુ તેને બધું જ સમજાવી દે છે.
દેનાર તો પ્રભુ પોતે જ છે
એક વખત એક ફકીર અકબર બાદશાહ પાસે ધન માગવા ગયો. એ વખતે બાદશાહ નમાજ પઢી રહ્યા હતા અને પ્રાર્થના કરતા હતા, ‘હે ખુદા, મને ધન આપો, મને દોલત આપો.’ આ સાંભળીને ફકીર મહેલ છોડીને જવા લાગ્યા. પરંતુ બાદશાહે તેમને રાહ જોવા માટે ઈશારો કર્યો, નમાજ પૂરી કર્યા પછી અકબર ફકીર પાસે આવ્યા અને પૂછ્યું: ‘સાંઈ, તમે શા માટે ચાલ્યા જતા હતા?’ ફકીરે જવાબ આપ્યો: ‘આપ પોતે જ ધન અને દોલત માટે ભીખ માગી રહ્યા હતા; એટલે મને થયું કે જો માગવું હોય તો, ખુદા પાસે જ માગવું; નહિ કે એક ભિખારી પાસે.’
એ જ પાણી, નામ જુદાં
ઈશ્વર એક જ છે. પરંતુ તેમનાં નામ જુદાં જુદાં છે. જુદા જુદા લોકો એમને અલગ અલગ નામથી બોલાવે છે. કોઈ અલ્લાહ કહે છે, તો વળી કોઈ ઈશ્વર. કોઈ કૃષ્ણ કે શિવ કે બ્રહ્મરૂપે એને ભજે છે. એક તળાવના પાણી જેવું છે. કોઈ તળાવને એક ઘાટેથી પાણી પીએ છે અને એને ‘જળ’ કહે છે. બીજા ઘાટેથી પીનાર વળી એને ‘પાની’ કહે છે. ત્રીજા ઘાટેથી પીનારો વળી એને ‘વોટર’ કહે છે. હિંદુઓ તેને ‘જળ’ કહે છે, ખ્રિસ્તીઓ ‘વોટર’ અને મુસલમાનો ‘પાની’ કહે છે. પણ વસ્તુ તો એક જ છે.
વિવિધ મતો કેવળ માર્ગો છે. દરેક ધર્મ ઈશ્વર તરફ લઈ જવાનો માર્ગ માત્ર છે; જેવી રીતે જુદી જુદી દિશાઓમાંથી નદીઓ આવે છે અને છેવટે સાગરમાં એક થઈ જાય છે.
ડાંગર છડતી સ્ત્રી
કામારપુકુરમાં ભાડભૂંજાની સ્ત્રીઓને મેં પૌઆ વેંચતી જોઈ છે. તેમનું કામ કરતી વખતે તેઓ કેટલી ચપળ હોય છે, તે મને કહેવા દો. પૌઆ બનાવવા સાંબેલું ખાંડણિયામાં એકધારી રીતે પડે છે. સ્ત્રી એક હાથથી ડાંગરને ફેરવતી જાય છે, અને બીજા હાથથી પોતાના ખોળામાં પોતાના બાળકને પકડીને ધવરાવે છે. દરમિયાનમાં ગ્રાહકો સાથે સોદો કરવાનું ચાલુ રાખે છે. તે તેમને કહે છે, ‘તો પછી આગલા પૈસા જે બાકી છે, તે ચૂકતે કરી જાઓ. અને પછી તમે વધારે માલ લઈ જાઓ.’
તમે જુઓ, આ બધાં કામ તેને એક જ સમયે કરવાનાં છે – બાળકને ધવરાવવું, ડાંગરને સંકોરવી, છડાયેલા પૌઆ ખાંડણિયામાંથી કાઢી લેવા અને ગ્રાહકો સાથે વાતો કરવી. આને અભ્યાસયોગ કહેવાય. પોતાના હાથમાં વાગી ન જાય તે માટે તેનું મન સોળમાંથી પંદર આના તો સાંબેલામાં રહે છે. ફક્ત એક આના મનથી જ તે ડાંગર સંકોરે છે, બાળકને ધવરાવે છે અને ગ્રાહકો સાથે વાતો કરે છે.
આ જ રીતે જેઓ ગૃહસ્થ જીવન જીવે છે તેમણે પોતાના મનનો પંદર આના ભાગ ભગવાનને આપવો જોઈએ. નહિતર સર્વનાશ થશે, કાળના પંજામાં સપડાઈ જશે. તેમણે મનના ફક્ત એક આના ભાગથી જ સંસારની ફરજો બજાવવી જોઈએ.
આંધળાઓ અને હાથી
કેટલાક કહે છે કે, ઈશ્વર સાકાર જ, નિરાકાર નહિ. એમ કહી ઝઘડવાનું શરૂ કરે છે. વૈષ્ણવો વેદાંતી સાથે ઝઘડે છે.
માણસ ઈશ્વર વિશે સાચું ત્યારે જ કહી શકે કે જ્યારે તેણે ઈશ્વરને જોયા હોય. જેણે ઈશ્વરને જોયા છે તે જ બરાબર સાચી રીતે જાણે છે કે ઈશ્વર સાકાર પણ છે અને નિરાકાર પણ છે. તેમનાં બીજાં ઘણાં રૂપ પણ છે જે વર્ણવી શકાતાં નથી.
એક વખત કેટલાક આંધળા માણસો એક પ્રાણી પાસે આવી ચડ્યા. કોઈએ તેમને કહ્યું કે આ પ્રાણી હાથી છે. ‘હાથી કેવો છે?’ એમ તેમને પૂછવામાં આવ્યું. એટલે એ આંધળાઓ એના શરીર ઉપર હાથ ફેરવીને જોવા લાગ્યા. તેમાંના એકે કહ્યું, ‘હાથી થાંભલા જેવો છે.’ તે ફક્ત તેના પગને સ્પર્શ્યો હતો. બીજાએ કહ્યું, ‘હાથી સૂપડા જેવો છે.’ તે કેવળ તેના કાનને સ્પર્શ્યો હતો. આ રીતે બીજા પણ તેની પૂંછડી કે પેટને સ્પર્શ્યા. તેમણે હાથીની જુદી જુદી વ્યાખ્યા આપી.
આ જ રીતે જેણે ઈશ્વરનું એક જ રૂપ જોયું છે તે ઈશ્વરને તેમાં જ બાંધી દે છે.
ફણસ કાપતાં
ભગવાન માટેનો પ્રેમ કેળવતાં પહેલાં જો તમે સંસારમાં પ્રવેશશો તો તમે જાળમાં વધુ ફસાશો. સંસારમાં ભય, દુ:ખ, અને વિપત્તિઓથી ઘેરાઈ જશો. દુન્યવી વસ્તુઓનો તમે જેમ જેમ વધુ વિચાર કરશો, તેમ તેમ તમે તેનાથી વધારે ને વધારે બંધાતા જશો.
પહેલાં તો તમારા હાથમાં તેલ ચોપડો અને પછી ફણસ કાપો, નહિતર તેના ચીકણા દૂધથી તેના ડાઘ પડશે.
સહુથી પહેલાં પ્રભુના દિવ્ય પ્રેમના તેલથી તમારા હાથ સુરક્ષિત કરો અને પછી તે હાથથી દુન્યવી ફરજ બજાવો.
Your Content Goes Here




