(ગતાંકથી ચાલું)

પાઠક : અમે રામકૃષ્ણદેવની મહાસમાધિ વિશે સાંભળ્યું છે. જે દિવસે તેમનાં અસ્થિને કળશમાં મૂકીને સમાધિ આપવા માટે રામબાબુના કાંકુડગાચ્છીના બગીચામાં લાવવામાં આવ્યાં હતાં તે દિવસે અમે પણ ત્યાં હતાં, હવે શ્રીઠાકુરનું શરીર તો નથી રહ્યું; તો પછી અમે એમને કેવી રીતે જોઈ શકીએ?

ભક્ત : ભાઈ, તમે રામકૃષ્ણદેવને મનુષ્ય માનીને વાતો કરી રહ્યા છો. મેં તમને વારંવાર કહ્યું છે કે તેઓ ઈશ્વર છે. રામકૃષ્ણરૂપ એમનું સાકાર રૂપ છે. એમનું શરીર પંચભૌતિક હોવા છતાં પણ પંચભૌતિક નથી. રામકૃષ્ણદેવનું શરીર ચિન્મય છે. એમનું શરીર ચૈતન્યથી સઘન છે. એમના શરીરના અણુ-પરમાણુ ચૈતન્યમય છે. એ અમે અમારી આંખે જોયું છે. એમની નરલીલાની સમાપ્તિ જરૂર થઈ છે. પણ દેહની સમાપ્તિ નથી થઈ. ભગવાનનાં લીલાવિલાસનો દેહ ક્યારેય નાશ થનારો નથી. ભગવાન ભક્તોની ઇચ્છાપૂર્ણ કરનારા કલ્પતરુ છે. ભક્તોની ઇચ્છાપૂર્ણ કરવા માટે સાકાર રૂપ ધારણ કરે છે. તેઓ એ સાકાર સ્વરૂપ ક્યારેય નષ્ટ કરતા નથી. એમને એ નષ્ટ કરવાનો અધિકાર પણ નથી. ભગવાનનું સાકાર સ્વરૂપ ભગવાનનું નથી, ભક્તોનું છે.

તમારી શંકાઓના નિવારણ માટે પરમહંસદેવના એક ભક્તની વાત કહું છું, સાંભળો : ભક્તનું નામ છે, દુર્ગાચરણ નાગ. તેઓ ઠાકુરના લીલાસંવરણ પછી ખૂબ વ્યાકુળ બની ગયા હતા. તેમણે ખાવા-પીવાનું પણ છોડી દીધું હતું. તેમના ઉપવાસના ત્રણ-ચાર દિવસ બાદ નરેન્દ્રને આ ખબર મળ્યા. નરેન્દ્ર તો અત્યંત કોમળ હૃદયના છે. નરેન્દ્ર તો દુર્ગાચરણના ઘેર પહોંચી ગયા અને જઈને જોયું તો તેઓ મરેલા જેવા પડ્યા હતા. નરેન્દ્રે તેમને ખવડાવવાનો પ્રયત્ન કર્યો પણ તેઓ તેમાં નિષ્ફળ ગયા. પછી નરેન્દ્રે કહ્યું, ‘મને કંઈક ખાવા આપો.’ એટલે દુકાનમાંથી નાસ્તાનો પડિયો મગાવવામાં આવ્યો. નરેન્દ્રે તેમાંથી કચોરી ને મિઠાઈ થોડીક ચાખી, કેમ કે તેનું પેટ તો ભરેલું હતું. પછી એમણે આખો પડિયો દુર્ગાચરણને ખાવા માટે તેના હાથમાં મૂકી દીધો અને દુર્ગાચરણે એ નાસ્તો, હાય! રે, હું બદનસીબ, આમ કહેતાં કહેતાં ઝડપથી જઈને એ પડિયો આખો ગંગામાં પધરાવી દીધો. બીજે દિવસે પડોશીઓએ ખૂબ આગ્રહ કરીને, બળજબરીથી એમની પાસે ચોખા રંધાવ્યા. ભાત જ્યારે ચડવા આવ્યો હતો, ત્યારે દુર્ગાચરણે એક લાકડી લઈને ભાતની હાંડી પર મારી, હાંડી ફોડી નાખી અને ‘હાય રે! મારા આવા ઠાકુર ચાલ્યા ગયા, ને શું ભાત ખાઉં?’ આવા જિદ્દી બાળકને જોઈને ઠાકુરે એમને દર્શન આપ્યાં એ પછી એમણે ચોખા પકાવીને ખાધા.

પાઠક : આહા! ઠાકુરની વાત તો જેવી મધુર છે, તેવી જ એમના ભક્તોની વાતો પણ મધુર છે. મહાશય, રામકૃષ્ણદેવના ભક્તો વિશે કંઈક જણાવોને?

ભક્ત : તમારી જિજ્ઞાસા જોઈને મને પણ ખૂબ જ આનંદ થયો. રામકૃષ્ણદેવની એવી કૃપા છે કે તમારી પાસે એમની લીલાની વાત કરતાં કરતાં મારા હૃદયમાં આનંદની છોળો ઊઠી રહી છે. જે હું જાણતો ન હતો, તે પણ ઠાકુર જણાવી દે છે. તમારા જેવા લીલાતત્ત્વના જિજ્ઞાસુનો સંગ મેળવી હું પણ ધન્ય થઈ ગયો. રામકૃષ્ણદેવના ભક્તોની વાતો અત્યંત મધુર છે અને એમને સાથે રાખીને ઠાકુરે જીવમાત્રના શિક્ષણ માટે જે સઘળી લીલા કરી તે તો એનાથી પણ વધારે મધુર છે. એ સાંભળીને પથ્થર પીગળી જાય છે. સૂકાં વૃક્ષો લીલાછમ થઈ જાય છે. ઘોર બંધનમાં સપડાયેલા જીવોને પણ ચૈતન્યલાભ થાય છે, ભક્તિ થાય છે અને તેમને ભવસાગર પાર કરવાનો સહારો મળે છે. ‘શ્રીરામકૃષ્ણ પુરાણ’ અને એની સાથે સંકળાયેલાં જુદાં જુદાં પુસ્તકોમાં એની ચર્ચા છે. આ બધાં પુસ્તકો વાંચવાથી બધી જ હકીકત જાણી શકશો.

પાઠક : ભલે મહાશય, તો પછી આપ અહીંની વાત જ કરો. આપે જે કહ્યું કે, રામકૃષ્ણદેવના રામકૃષ્ણરૂપ સિવાય પણ બીજા રૂપો છે, એ કેવી વાત છે? તેઓ કેવી રીતે રૂપોના સાગર બન્યા?

ભક્ત : રામકૃષ્ણ રૂપ – આપણાં બધાંનું પ્રિય રૂપ છે. આ એમનું સાકાર રૂપ છે. વળી એમનું એક વિરાટ્‌ રૂપ છે. એમનો નિરાકાર – ભાવ પણ છે. પાછું તેમણે જેમ કહ્યું છે, સાકાર – નિરાકાર સિવાય ભગવાનની એક બીજી પણ અવસ્થા છે. ભક્તો એમના સાકાર સ્વરૂપને છોડીને બીજું રૂપ જોવા ઇચ્છતા નથી. પણ તેઓ એ ઓછું – વત્તું બતાવ્યા વગર રહેતા નથી.

પાઠક : રામકૃષ્ણ – રૂપ સાકાર છે, એ વાત તો સમજમાં આવી અને અમે એમને જ જોયા છે. પણ આ વિરાટ્‌ રૂપ કેવું છે?

ભક્ત : આ જીવ-જગતને લઈને જે રૂપ છે, એ રામકૃષ્ણદેવનું વિરાટ્‌ રૂપ છે. સાકાર રૂપ ધરી જગદ્‌ગુરુ રામકૃષ્ણદેવ, વિરાટ્‌ના રૂપે અનેક બન્યા છે. સ્થાવર-જંગમ, વૃક્ષ, લતા, પર્વત-નદી, વાયુ-અગ્નિ અને જે કંઈ પણ પ્રાણીને જુઓ છો કે સાંભળો છો, બધું તેઓ જ બન્યા છે. તેઓ જ બધાંની અંદર અને બહાર રહેલાં છે. એમના સિવાય બીજું કંઈ છે જ નહીં. જે કંઈ છે, તે તેઓ જ છે.

પાઠક : અદ્‌ભુત વાત છે! આપ શાસ્ત્રોની વાત કરી રહ્યા છો અથવા ઈશ્વરની જગ્યાએ રામકૃષ્ણ – નામને મૂકીને પછી એમના મહિમાની પ્રશંસા કરી રહ્યા છો કે પછી આપે જે જોયું છે તે કહી રહ્યા છો?

ભક્ત : રામકૃષ્ણદેવનો મહિમા અપાર છે. રામકૃષ્ણદેવ ઈશ્વર છે. સર્વેશ્વર છે. રાજરાજેશ્વર છે. તમે વિચારતા હશો કે આ શાસ્ત્રોની વાતો છે. પણ શાસ્ત્ર કોને કહે છે? હું તેનું નામ-ઠામ પણ નથી જાણતો. ત્યાં સુધી કે રામાયણ, મહાભારત કે જેના વિષે દુકાનદાર – સંસારી પણ જાણે છે અને તે વાંચે છે. એ પણ મેં મારી આટલી ઉંમરમાં નથી ક્યારેય જાણ્યું કે નથી ક્યારેય વાંચ્યું. મારી ત્રીસ વર્ષની ઉંમરે મેં રામકૃષ્ણદેવનાં દર્શન કર્યાં હતાં. ત્યાં સુધી તો મને ખબર નહોતી કે કૌરવ-પાંડવની વાત રામાયણમાં આવે છે કે મહાભારતમાં, એક દિવસ રામકૃષ્ણદેવે મને કહ્યું : ‘કેમ રે? શું તું બ્રાહ્મો છો?’ હું આનો કોઈ જવાબ આપી શક્યો નહીં. કેમકે ત્યારે મને ખબર નહોતી કે બ્રાહ્મ કોને કહે છે? શાક્ત કોને કહે છે કે શૈવ કોને કહે છે કે ભગવાન કોને કહે છે? આ બધામાં કશાયની મને ખબર નહોતી. તે છે કે નહીં – એ પણ ખબર નહોતી અને આ વિષયમાં ક્યારેય કશું વિચાર્યું પણ નહોતું. પરંતુ પરમહંસદેવનાં દર્શનના એક વર્ષ પહેલાં ગામડા-ગામના એક ગુરુએ કાનમાં કૃષ્ણમંત્ર આપ્યો હતો. જ્યારે તેમણે મને મંત્ર આપ્યો, ત્યારે મેં તેમને કહ્યું : ‘મેં તો વારંવાર મંત્રજાપ કર્યો છે, પણ કૃષ્ણને તો હું જોઈ શકતો નથી. તેમણે કહ્યું : ‘શું તું તે કરી શકીશ? એના માટે તો પુરશ્ચરણ કરવું પડે. અને બીજું પણ ઘણું બધું કરવું પડે. તું ગંગાકિનારે રહે અને સ્નાન પછી ફક્ત બાર વખત જપ કર.’ આ સાંભળીને ખબર નથી કે મને શું થઈ ગયું! તે દિવસથી, હું ક્યારે કૃષ્ણને જોઉં? ક્યારે એની સાથે રમું? ક્યારે એની સાથે બેસીને ગોળ-રોટી ખાઉં? એ માટે પ્રાણ વ્યાકુળ બની ગયા. કંઈ એવું વિચારીને નહીં કે કૃષ્ણ ભગવાન છે. એવું પણ વિચારીને નહીં કે કૃષ્ણ ભવસાગર પાર કરાવનાર ખેવૈયા છે. પણ એમ વિચારીને કે કૃષ્ણ, કૃષ્ણ છે, એમ વિચારીને કે તેમના હાથમાંથી બંસી ઝટીને તેને રોવડાવીશ, એમ વિચારીને કે એમના માખણ સમા મુલાયમ શરીરને સ્પર્શીશ, એમ વિચારીને કે એમને તેડીને ફરીશ, એમ વિચારીને કે ફૂલોથી એમને સજાવીશ, એમ વિચારીને કે મને સહુથી વધારે ભાવતી ગોળ-રોટી, એમની સાથે બેસીને ખાઈશ. હજુ પણ વધારે ઘણી વાતો છે, તમને કેટલુંક કહું? ત્યારે હું મનોમન મારી જાતને ગોવાળિયો માનતો. જો કોઈ મને કહેતું કે હું વૃંદાવનથી આવું છું, વ્રજવાસી છું, તો હું તરત જ તેમને પૂછતો – ‘કનૈયો કેમ છે? ક્યારેક – ક્યારેક હું પણ મનોમન વ્રજવાસીની જેમ હિન્દી અને બંગાળી ભાષાની મેળવણી કરીને વાતો કરતો, ત્યારે કનૈયાનાં ગીતો બનાવતો. વ્રજભાષામાં પણ ગીતો બનાવતો. હવે તો હું રામકૃષ્ણદેવ પાસે આવી ગયો છું. રામકૃષ્ણદેવ પાસે આવ્યા પછી આ ધૂન વધારે ચઢી. ત્રણ દિવસ સુધી રામકૃષ્ણદેવનું દર્શન કરીને મને પૂરેપૂરી ખાતરી થઈ ગઈ કે જો કોઈ મને કૃષ્ણદર્શન કરાવી શકે તેમ હોય તો આ જ મહાત્મા કરાવી શકશે. બીજું કોઈ નહીં કરાવી શકે. એ વખતે હું સહેજ પણ જાણતો નહોતો કે જે કૃષ્ણ છે, તે જ રામકૃષ્ણદેવ છે. અને કૃષ્ણ વિશેનું મારું જ્ઞાન કેવું હતું તે તમે જાણો છો? મને જાણ નહોતી કે કૃષ્ણ મધુરરસના રસિક છે. હું જાણતો નહોતો કે કૃષ્ણ અર્જુનના રથના સારથિ હતા. મને ખબર નહોતી કે કૃષ્ણે કંસનો વધ કર્યો હતો, એ પણ ખબર નહોતી કે પ્રભાસ યજ્ઞના કર્તા કૃષ્ણ હતા. વળી એ પણ જાણતો નહોતો કે કૃષ્ણે દ્વારકા લીલા કરી હતી. માત્ર હું એટલું જ જાણતો હતો કે કૃષ્ણ યશોદા મૈયાના લાડલા પુત્ર છે, ગોવાળિયાઓના સખા છે. જે વાંસળી વગાડે છે, માખણ ચોરે છે, અને ગાયો ચરાવે છે. ગોકુળના બધા જ લોકો એમને પ્રાણથી પણ વધારે પ્રેમ કરે છે. રાધાના તો તેઓ વિશેષ પ્યારા છે. તેઓ અતિ સુંદર છે – આ બધું હું જાણતો હતો. સાંભળો, હું એક ગીત સંભળાવું છું એ દ્વારા તમે ભાવને અનુભવી શકશો.

જાય વૃંદાવન ચન્દ્ર, જાય ગોકુલવિહારી,
જાય પ્યારા મોહન, જાય વનવિહારી
અલકાવલિથી શોભિત ભાલ,
કંઠે શોભે વનમાળ
જાણે રમંતી વિજળી
ગોપીજન ચિત્તહારી…
શિર પર શોભે મયુરપંખ,
ડોલે ધીરે ધીરે પવનસંગ
અનિમિષ નયને જોતી
બહાવરી બનીને ગોપનારી…
રુમઝુમ ઝણકે પગનાં ઝાંઝર,
નામે કનૈયો ગોપબાલ સંગ
તારા મધ્યે જાણે પ્રગટી
ચંદ્રાવલિ તેજવાળી…
ગાયો આગળ, કનૈયો ચલત પાછળ,
મધુર બંસી બજાવે
ક્યાં છૂપાયો મારો વાલો કનૈયો,
શોધું મોહન મુરલીધારી….

અરે, શાસ્ત્રજ્ઞાનની વાતો કરતાં કરતાં હું ક્યાં પહોંચી ગયો!

પાઠક : અરે, આ તો ખૂબ આનંદની વાત છે. કહો, કહો, મને તો એમાં રામકૃષ્ણદેવનો ઉજ્જવળ મહિમા જણાય છે.

ભક્ત : મેં એક દિવસ પણ પરમહંસદેવ સાથે વાત નથી કરી. અને કંઈ પૂછ્યું પણ નથી. પણ હું એ જરૂર જાણતો હતો કે તેઓ જેમની છાતી ઉપર હાથ મૂકે તે બેહોશ બની જાય છે અને એ સ્થિતિમાં તે કૃષ્ણને જોઈ શકે છે. એ આશાથી હું એમની પાસે જવા લાગ્યો. પણ એકમાત્ર આ જ આશા હતી, એવું પણ નથી. એમને જોતાં જ મને શું નું શું થઈ જતું. એટલે હું એમની પાસે જતો અને મનોમન વિચારતો કે ક્યારે તેઓ કૃપા કરીને તેમનો હાથ મારી છાતી પર મૂકશે! કેટલાય દિવસો વીતી ગયા. પણ એમણે મારી છાતી ઉપર હાથ ન મૂક્યો. હું આશાભર્યો જતો અને નિરાશ બની રડતો રડતો પાછો આવતો. મેં જીવનમાં ફક્ત બે જ વાત તેમને કહી હતી. એક દિવસ એમની સાથે એકાંતમાં મેં કહ્યું હતું : ‘ઠાકુર હું તો આંધળો છું.’ ત્યારે એમણે મને કહ્યું હતું : ‘ઈશ્વર છે.’ અને એક દિવસ મેં એમને કહ્યું હતું : ‘ઠાકુર આપે મારી લાવેલી કુલ્ફી ન ખાધી. હું મોટો અપરાધી છું.’ આ સાંભળીને તેમણે હસતાં હસતાં કહ્યું : ‘જો તમે બપોરે ફુલ્ફી લાવ્યા હોત તો હું જરૂર ખાત. રાત્રે ઠંડી વસ્તુ ખાવાથી માંદા પડાય એટલે ન ખાધી.’ મારી સાથે ઠાકુર જેવો વ્યવહાર કરતા, તેવો જો કોઈ બીજાની સાથે થયો હોત તો તે મરવાનું પસંદ કરત પણ એમની પાસે ન જાત. કેટલાય લોકો એમના પગ પર હાથ ફેરવતા, પણ જ્યારે હું હાથ લંબાવતો તો તેઓ ‘થઈ ગયું – થઈ ગયું,’ એમ કહીને પગ વાળી લેતા. ક્યારેક ક્યારેક ચરણરજ લેવા માટે જતો તો તેઓ પાછળ હટી જઈને કહેતા – થઈ ગયું, થઈ ગયું. તેઓ આટલાં તત્ત્વોની વાતો કરતા, પણ મારા મનમાં કંઈ ઊતરતું નહીં. હું ચૂપચાપ એકબાજુ બેસી રહેતો અને ફક્ત એમના તરફ જોયા કરતો. જેવો મારા પિતાનો મને ડર લાગતો, તેવો જ ઠાકુરનો પણ મને ડર લાગતો. મારા પિતાના ચહેરા અને ઠાકુરના ચહેરામાં મને સામ્ય જોવા મળતું, હજુ પણ જોઉં છું. તમને કેટલુંક કહું? ઘણી ઘણી વાતો છે! રામકૃષ્ણદેવ જ મારું શાસ્ત્ર છે અને તેઓ જ છે મારું જ્ઞાન. મારાં શાસ્ત્ર જોવાનો અર્થ છે; રામકૃષ્ણને જોવા. હું જે કંઈ બોલી રહ્યો છું, તે તેઓ જેટલું બતાવે છે, તે જ બોલી રહ્યો છું. મેં રામકૃષ્ણદેવને કોઈના સ્થાને બેસાડ્યા નથી. મેં રામકૃષ્ણદેવને રામકૃષ્ણના સ્થાને જ બેસાડ્યા છે. હું જે જોઉં છું, તે જ બોલું છું.

પાઠક : આપ રામકૃષ્ણદેવને બધાંની અંદર જુઓ છો – અદ્‌ભુત વાત છે! જો તેઓ જ પ્રત્યેક પદાર્થ અને પ્રત્યેક જીવ બન્યા છે, તો પછી એ પ્રત્યેક પદાર્થમાં અને પ્રત્યેક જીવમાં રામકૃષ્ણદેવ કેવી રીતે છે? આંશિક રૂપમાં કે પૂર્ણરૂપમાં.

ભક્ત : પહેલાં, મોટા અક્ષર વાંચતાં શીખ્યા પહેલાં જેમ નાનાં અક્ષરો વાંચી શકાતા નથી એવી રીતે પહેલાં સાકાર સ્વરૂપને સમજ્યા વગર વિરાટ રૂપ સમજાતું નથી. હું જે રીતે જોઉં છું તે તમને જણાવું છું – સાંભળો.

જેમકે અનેક પ્રકારનાં નાનાં-મોટાં પાત્રોને સમુદ્રમાં ડૂબાડીને રાખવામાં આવે તો જેવી રીતે દરેક પાત્રમાં સમુદ્રનું પાણી રહે છે. રામકૃષ્ણદેવને હું એવી રીતે દરેક વસ્તુની અંદર જોઉં છું. આનાથી સમજી લો કે તેઓ પૂર્ણ છે કે અંશ. પણ આ જે નાનાં-મોટાં પાત્રો જુઓ છો, તો તેમાં કોઈમાં ઓછું જળ સમાય છે તો કોઈમાં વધારે. એ તો ફક્ત શક્તિનો તફાવત માત્ર છે!

પાઠક : જો પ્રત્યેક વાસણમાં અર્થાત્‌ જીવમાં એ જ સમુદ્રનું જળ હોય તો પછી જીવોમાં સારા-નરસા, સત્‌ – અસત્‌ વગેરેનો ભેદ શા માટે હોય છે!

ભક્ત : તે છે ગુણોને કારણે. રામકૃષ્ણદેવનો ઉપદેશ છે – સઘળું જળ નારાયણ જ છે. પરંતુ આ જળ જુદા જુદા પ્રકારનું હોય છે. કોઈ જળ ફક્ત હાથ-પગ ધોવાના કામમાં જ આવે છે. કોઈ જળ એવું પવિત્ર હોય છે કે તેના એક બિન્દુ માત્રના પાનથી કે તેના સ્પર્શથી જન્મ-જન્માન્તરનાં પાપ નષ્ટ થઈ જાય છે. વળી એવું પણ હોય છે કે જેનો સ્પર્શ પણ થઈ શકતો નથી. એ જ રીતે રામ ઘટ ઘટમાં રહેલા છે. ક્યાંય સાધુ-રામ, તો ક્યાંય લંપટ-રામ, તો ક્યાંય ચોર-રામ. કોઈ રામને પ્રેમ કરવાનો હોય છે, તો કોઈ રામથી દૂર રહેવાનું હોય છે.

રામકૃષ્ણનું બીજું દૃષ્ટાંત છે; એ જ શ્યામા હાથમાં ખડગ લઈને ક્યાંક મંદિરમાં વિરાજે છે. તો ક્યાંક ઘૂંઘટ કાઢીને વહુ બનીને ખૂણામાં બેઠી છે, તો ક્યાંક હાથમાં હુક્કો લઈને વરંડામાં બેઠેલી છે.

ઇચ્છામયી પોતાની ઇચ્છા પ્રમાણે બધાં ઘરમાં વિરાજમાન છે. જ્યાં સુધી રામકૃષ્ણદેવની કૃપા નથી થઈ ત્યાં સુધી શક્તિનો આ ખેલ, – આ બધું કંઈ સમજમાં આવતું નથી.

પાઠક : ભગવાન જો બધું જ બન્યા છે અને તેઓ ચૈતન્ય સ્વરૂપ છે તો પછી પહાડ, પથ્થર વગેરે જડ પદાર્થોમાં ચૈતન્યની ક્રીડા ક્યાં છે? જીવનું શરીર ભલે જડ છે, પણ કાર્યના રૂપમાં એમાં ચૈતન્યની ક્રીડા જોઈ શકાય છે.

ભક્ત : દૂધને દહીં, ખીર, માખણ, ઘી, વગેરે કોઈપણ રૂપમાં ભલે રાખો પણ બધાંની અંદર દૂધ તો છે જ. અથવા તો આ પ્રત્યેક વસ્તુ દૂધની જ જુદી જુદી બનાવટ છે. એ જ રીતે એક જ ચૈતન્યસ્વરૂપ ભગવાનમાંથી જે કંઈ પ્રગટ થયું છે, તે બધાંની અંદર તેઓ જ છે. અથવા તો એમ કહો કે પ્રત્યેક વસ્તુ એ જ ચૈતન્યનો જુદો જુદો આવિર્ભાવ માત્ર છે. તેઓ જ આધાર છે. પાછા આધાર મેળવનાર પાત્ર પણ તેઓ જ છે. તેઓ જ સ્થૂલ ભૂમિકામાં શરીરને સાધન બનાવીને દેહ બન્યા અને સૂક્ષ્માવસ્થામાં તેઓ દેહી એટલે કે આત્મા બન્યા. બીજી બાજુ સૃષ્ટિમાં ચૈતન્યની અત્યંત સૂક્ષ્માવસ્થા છે, મહાકાશ. મહાકાશનું સ્થૂલ છે આકાશ, આકાશનું સ્થૂલ છે તેજ, તેજનું સ્થૂલ છે વાયુ, વાયુનું સ્થૂલ છે જળ અને જળનું સ્થૂલ છે પૃથ્વી. એ જ રીતે જીવના સંદર્ભમાં પરમાત્મા છે, સૂક્ષ્માવસ્થા, એનું સ્થૂલ રૂપ છે જીવાત્મા, જીવાત્માનું સ્થૂલ સ્વરૂપ છે – મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર, અને તેનું સ્થૂલ સ્વરૂપ છે. પંચભૂતનો દેહ, માયાનો ખેલ, અદ્‌ભુત છે.

(ક્રમશ:)

Total Views: 157

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.