બાળ ગદાધર, પ્રભુ પરમ ઈશ્વર,
જય જય સર્વે ભક્તજન;
ભક્તો સૌને પગે પડી, માગું હરઘડી,
પદરજ પતિતપાવન.
ક્રમે પ્રભુ વયે વધે, આંક ભણતર મળે,
અને મૂળાક્ષર – પરિચય;
હાથના કિંતુ અક્ષર, મોટા ને પદ્ધતિસર,
સ્વચ્છ ને સુંદર અતિશય.
પાઠશાળે ભણતર, સંપૂરણ અહીં પર,
ઉચ્ચ ન શિક્ષણ કોઈ કાળે;
વંશની જે રીત હતી, ભણે કર્મકાંડ, સ્મૃતિ,
એ તો પ્રભુ કદી નવ ભાળે.
સુણો પછીના ખબર, શું કરે છે ગદાધર?
પાઠશાળા તણો કરી ત્યાગ;
પોથી ‘રામકૃષ્ણાયન’માંથી કરવા લેખન,
અંતરે જનમે અનુરાગ.
પ્રભુ હાથે લખાયેલી, સાચવીને રખાયેલી,
જોઈ પોથી એક મેં નયને;
સુબાહુ-ચરિત્ર પ્રીતે, લખ્યું અતિ સાફ રીતે,
ઉકેલી શકે તે અંધજને.
પૂરી કરી બંગ સને બારસો અને છપન્ને,
ઓગણી’મો દી, અષાઢ માસ;
કરી રામ પ્રાર્થના, કલ્યાણ-અભ્યર્થના,
પ્રભુની સહી છે તેમાં ખાસ.
ક્યારેક ભક્તિભરે, રઘુવીર-પૂજા કરે,
ગૂંથી માળા ફૂલની મધુર;
કદી ગાય રામનામ, ઊંચે સ્વરે અવિરામ,
સાધનાનો પ્રથમ અંકુર.
રંગરસભરી હાંસી, કરે સાથે પ્રતિવાસી,
હાસિરાશિ પ્રકાશ વદને;
સુણવા કીર્તન-લીલા, સંગી સાથે આનંદીલા,
જાય કોઈ પણને સદને.
અરુણ-ઉદય આગે, થાય જેમ પૂર્વ ભાગે,
ખુલાલી ને ગુલાલી વરણ
જગત-લોચન રવિ, ફેલાવે કિરણ-છબી,
આવવાનું પ્રકાશ લક્ષણ.
જેવું બાલ સૂર્યરૂપ, તેવું જ પ્રભુનું રૂપ,
વધુ વધુ સુંદર નીકળે;
સંગીગણ સુચતુર, મર્મગ્રાહી પ્રેમપૂર,
સમય થતાં જ આવી મળે.
થાય વાતો ઈશારાથી, કળાય ન બીજાનાથી,
મૂગાઓની મૂગા સાથે ભાષા;
લીલાસંગી ગણ ભેળો, ધરામાં વૈકુંઠ મેળો,
કથામાં ન થાય એ પ્રકાશા.
નાનાં ગામે આસપાસ, હવે ગદાઈને ખાસ,
ઓળખવા લાગે બહુ જણ;
ગદાઈ ઓળખી ઠામ, જાય ગામ થકી ગામ,
ઘણા લોકો આપે આમંત્રણ.
વય તેનું સુકુમાર, રૂપનો તો નહિ પાર,
ચહેરો તેજસ્વી ને સુંદર;
વાંકાં સ્હેજ બે નયન, જાણે ખેંચ્યાં બાણાસન,
ત્રિભુવન-જન -મનહર.
નાસિકાય શી સોહાય, હોઠ લાલ બે દેખાય.
છાતી વિશાળ ને મનોહર;
ભુજ બેય સુલલિત, ઘૂંટી સુધી છે લંબિત,
કટિદેશ પાતળો સુંદર,
શોભીતાં ચરણદ્વય, ઇચ્છાપૂર્તિનું આલય,
હૃદ-રત્ન સેવ્ય કમલાથી;
સૌંદર્યની જાણે ખાણી, કંઠે ફૂટે મીઠી વાણી,
મોહકત્વ પર વર્ણનાથી.
શ્યામ-શ્યામા-ગીતો થાય, મધુરું ગદાઈ ગાય,
જનો મુગ્ધ થાય જેઓ સુણે;
કદી નવ ભૂલી શકે, યાદ આવે હર તકે,
ગીતો એવાં ભર્યાં રસગુણે.
ગામની રમણીજન, ગદાઈમાં મુગ્ધ મન,
રૂપગુણે તન્મય સકળ;
જોવા તેને સદા ચ્હાય, ન દેખે તો દુ:ખ થાય,
સ્નેહ પૂર્ણ અંતરે અકળ.
પ્રભુ સાથે સર્વે તણો, સ્નેહભાવ હતો ઘણો,
બોલવાની વાત નહિ મન;
અંદર સુંદર કાંડ, કાચું મન હોય દાંડ,
એ હેતુથી રાખીયું ગોપન.
સંકેત આભાસ કહું, દહીંમાં સાકર દઉં;
પ્રભુ વીણ તે ન સમજતી;
કોઈ નારી ચોરી કરી, મઢાવી દેવા બાંસરી,
નિજ અલંકારેય ભાંગતી.
મુખ ઢાંકી વધૂબાળા, ગૂંથી દેતી ફૂલમાળા,
આદરથી ગદાઈને દેવા,
કોઈ પુત્ર સમ જાણે, ગદુ પર પ્રેમ આણે,
કરે મીઠાઈથી મુખે સેવા.
ભગવત-ભક્તો જેઓ, મહાનંદ પામે તેઓ,
સુણે બેસી ઈશ્વર પ્રસંગ;
હાસ્યરસ ને કૌતુક, કશાથી ન પરાઙ્-મુખ,
ઊઠે રસરંગના તરંગ.
બાળવયથી પ્રભુની, સાંભળી છે વાતો જૂની,
હતી આવ-જાવ ઘણે સ્થળે.
ખાસ તો શિયડ ગામે, હૃદયરામને ધામે,
સંબંધે ભાણેજ એ નીકળે.
હૃદુ સાથેનું મિલન, થવાની જે શુભ ક્ષણ,
ઘટનાઓ તથા જે અપાર;
પ્રીતિ પરસ્પર પ્રતિ, હૃદુ ભાગ્યવાન અતિ,
આવશે આગળ સમાચાર.

Total Views: 293

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.