(ગતાંકથી આગળ)
બહુ જીદ્દ અને હઠ તેઓ કરે ત્યારે;
ઉત્તર વિષાદભર્યો આપે મુખે ભારે.
વૃથા કામોમાં જ દિન આજ સુધી ગયા;
સુંદર હરિનાં દરશન નવ થયાં.
ગમાર ને જડબુદ્ધિ રહ્યા અલ્યા તમે;
મધુરી શ્રીહરિકથા કરવી ન ગમે!
સકળ સંતાપ હરે હરિનું કથન;
સ્મરણ, મનન, તથા સાધન ભજન.
તેમાં નહિ રુચિ, ગમે માત્ર હસવાનું;
એમ કાઢયે કાળ અંતકાળે શું થવાનું?
અનિત્ય સંસાર આ, એ વિચારો જરાય.
હરિના ભજન વિના આયું વ્યર્થ જાય.
હરિકથા પ્રભુ જ્યારે કહે સાથીઓને;
જોઈ રહે સામે, વાત ગમે નહિ કો’ને.
ભાગ્યવાન સંગીઓ એ, હરિ માગે નાહિ;
બહુ રાજી અંતરથી મળે જો ગદાઈ.
સમાધિમાં બ્રહ્માનંદ મળે ભલે બોલે;
ગદાઈના સંગસુખ સાથે નાંવે તોલે.
વાહ શી મધુરી નરલીલા ધરા ધામે;
દેહ ધરી ખેલે હરિ માયાને મુકામે.
ખેલકર સહચર, સદા સંગે વાસ;
તેઓ પણ તલમાત્ર પામે ન આભાસ.
અમૃત સમાન પય, માતૃવક્ષે ધામ;
પીએ શિશુ, થાય પુષ્ટ, નવ જાણે નામ.
એવી રીતે શ્રીપ્રભુના સર્વ સહચર;
જાણે નહિ પરાનંદ, ભોગે નિરંતર.
પ્રભુ સંગ — આનંદનું કરે આસ્વાદન;
રુક્ષ હરિકથા શાને કરે એ શ્રવણ!
પ્રભુ સંગ સુખ ભોગી પ્રભુને જ ચ્હાય;
પ્રભુ સંગ સુખાનંદમાં જ લીન થાય.
ભોગવ્યું એ સુખ જાણે, મર્મ તે જ જાણે;
પુષ્પ મધુરસ જેમ ભ્રમર પિછાણે.
મધુ મળે તો જ ખાય, બીજું નવ ખાય;
ભૂખે મરી જઈ પછી ભલે જીવ જાય.
ચાતક પિપાસી જળ સ્વાતિનું જ પીએ;
જાય પ્રાણ તો ય પાણી બીજું નવ લીએ.
એ પ્રમાણે કર્યો જેણે પ્રભુ સહવાસ;
કરે નવ કદી અન્ય સુખ-અભિલાષ.
ભક્તવાંછાકલ્પતરુ પ્રભુ ગદાધર;
ભક્ત જે જે માગે, આપે તેથી યે ઉપર.
સંગે ખેલવાનું ચાહે, સર્વસંગી ગણ;
કરવાને તે સહુની વાસના પૂરણ.
સમયાનુસારે ખેલ નવિન રચિત;
પ્રભુ ગદાધરનું ચરિત હરે ચિત્ત.
મોહિત ને મુગ્ધચિત્ત સર્વે સંગીજન;
પ્રભુનો નવિન ખેલ કરી દરશન.
યોગાસનો ચોરાશી જે યોગીઓ જ જાણે;
પ્રભુ સર્વે બતાવે તે યોગીઓ પ્રમાણે.
બહુ દીર્ઘ આયુ યુક્ત, ઋષિમુનિ જન;
આસન—અભ્યાસે આખું કાઢે જે જીવન.
સરવે સંસાર કેરાં સુખો પરિહરી;
ફળ, મૂળ, જળ કિંવા વાતાહાર કરી.
તોય નવ સિદ્ધ થાય, શ્રમ વૃથા જાય;
પ્રભુ કરી બતાવે એ વાત વાત માંય.
યોગીને દુ:સાધ્ય, જેનું અસાધ્ય વિજ્ઞાન;
સ્વત:સિદ્ધ શ્રીપ્રભુને તેનું પૂર્ણ જ્ઞાન.
અંતરમાં રહ્યા સર્વે સિદ્ધિના ભંડાર;
ઈચ્છા થતાં વેંત તેઓ આવતા બહાર.
પ્રભુદેહ રત્નાગાર, જાણજો ચતુર;
દેવોને ય દુર્લભ જે ભર્યું ત્યાં પ્રચૂર.
ગામડાંનાં ભોથાં તે, આસન શું પિછાને!
બળદોનાં પૂંછ તાણી ખેડ કરી જાણે.
શાસ્ત્રો ભણવામાં બુદ્ધિ સાવ વિપરીત;
વ્યાકરણ સંધિ સુધી જાણે તે પંડિત.
આસન કો’ને કે’વાય, શું થાય આસને;
જ્ઞાન વિપ્ર, વૈષ્ણવોમાં નવ કોઈ કને.
આસનોથી થાય દેહ ખૂબ બળવાન;
કરવાનું સાધન એ કુસ્તી કે કમાન.
એવી રીતે બતાવવા આસનો ગુંસાઈ;
દેખી થતું જાણે અંગે હાડકાં જ નાંઈ.
દેખનારા બુદ્ધિહારા ભેચક સમાન;
બોલે, ‘ગદાઈમાં આવું આવ્યું ક્યાંથી જ્ઞાન!’
આજુબાજુ ગામેગામ ફેલી ગઈ વાત;
કુસ્તીમાં ગદાઈ થાય કોઈથી ન મ્હાત.
સર્વ તત્ત્વ સમજતો પેલો ચિનુ ખાસ;
કહેતો શ્રીપ્રભુજીને કરીને સંભાષ.
જાણું છું હું, જાણું છું હું તને ગદાધર;
ઊઠ્યું છે તોફાન તારા હૃદય ભીતર.
જવા લીલાસ્થળે તારો થયો છે નિર્ધાર;
એથી છોડી ખેલ, કરે વૈરાગ્ય વિચાર.
આપ્ત ભક્ત ચિનુભાઈ, દૃષ્ટિ તેની દૂર;
જાણતો કે ગદાઈ છે વિશ્વના ઠાકુર.
કામારપુકુરે જે જે દેખાડ્યું પ્રભુએ;
ખેલ વિના બીજું તેમાં કોઈ કૈં ન જુએ.
જાણવા, ન જાણવામાં જેઓ શક્તિમંત;
પ્રભુમુખ દેખી ભૂલ ખાતા એ તુરંત.
એ જ ઈશ્વરીય માયા, જે માયાને બળે;
બ્રહ્મા વિષ્ણુ મહેશની બુદ્ધિ પણ ચળે.
એવી માયા લઈ ખેલ કરે ગદાધર;
માયાપતિ માયાતીત પરમ ઈશ્વર.
ધરી નર—કલેવર માયાથી મોહિત;
પ્રભુ રામકૃષ્ણ તણું વિચિત્ર ચરિત.
શ્રવણે—કીર્તને જાય માયાનું બંધન;
સ્મરણે, મનને થાય ત્રિતાપ મોચન.
અંતરે ઉજાસ આવે, મટે અંધકાર;
ભવસિંધુ અપાર આ થઈ જાય પાર.
કાંઠે બેસી દેખે ભવતરંગ તોફાન;
રામકૃષ્ણ—પુરાણ આ મંગલ—નિધાન.
પૂરી કરી બાળ—લીલા, આપી બુદ્ધિ યથા;
ગાઈશું પ્રભુની હવે સાધનાની કથા.
(ક્રમશ:)
Your Content Goes Here




