ગીત વાદ્ય નૃત્ય તેને એવાં કંઠે પાઠ;
વચ્ચે વચ્ચે સ્વર તાલ બોલી દે અઘાટ.
હસી હસી ઢળી પડે ગુરુ છાત્રગણ;
એ આનંદ કેરું નવ થાય નિરૂપણ.
સુણી હાસ્ય છોળો જેઓ રહેતા નિકટ;
છોડી કામકાજ, આવી સુણે ધીમીકટ.
પાઠશાળા થઈ જાણે બીજી નાટ્યશાળા;
ગદાઈની લીલા એક જોવા જેવી કળા.
શિક્ષક ને શિષ્યો વચ્ચે બીજી વાત નાંઈ;
વાટ જુએ ક્યારે આવે શાળામાં ગદાઈ.
બાળક ગદાઈ સારુ સહુએ આતુર;
પ્રણમું એ છાત્રો અને શિક્ષક ઠાકુર.
ગદાઈનું ચિંતવન કરે જેહ જન;
ધારું શિર પરે તેના યુગલ ચરણ.
મળે ન જે ધન, કર્યે તપ માથું દઈ;
કામારપુકુરવાસી ખેલે એ જ લઈ.
ગોપબાળો પણ રહે કામારપુકુરે;
એ સર્વેમાં નરબુદ્ધિ હીનબુદ્ધિ કરે.
કહું તને વાત મન, બીજું નહિ કાંઈ;
રંગ કરે ભગવાન બાળક ગદાઈ.
સાધારણ વાત નથી, કહું અતિ પ્રીતે;
વર્ણનથી પર, એ જ ખેદ રહ્યો ચિત્તે.
અદ્‌ભુત તાજુબી અતિવિસ્મય વિચાર;
જય શિશુરૂપી પ્રભુ ભવકર્ણધાર.
જય જય ચંદ્રમણિ જનની મધુર;
જય પિતા ખુદીરામ ચેટર્જી ઠાકુર.
શ્રીરામકુમાર જય જ્યેષ્ઠ સહોદર;
જય જય મધ્યભાઈ નામે રામેશ્વર.
જય ધની લુહારણ પૂજું હું ચરણ;
જય ગદાઈના સહચર બાલગણ.
જય જય બેનર્જી માણેક ઠાકુર;
જય જય પુણ્યભૂમિ કામારપુકુર.
જય જય ગામવાસી નર અને નારી;
જય જય બાલક-બાલિકા ખેલકારી.
જય જય પશુ-પંખી વૃક્ષ લતા વન;
જય પુણ્યભૂમિ રજ કલુષનાશન.
ગુરુ મહાશય કરે વિશેષ જતન;
જેથી ગદાધર શીખે લેખન-પઠન.
કિંતુ વિદ્યામાં ઉદાસ, થાય ન ઉન્નતિ;
બોલે નવ કંઈ ગુરુ દેખીને પ્રકૃતિ.
આંક પાડા એકુ સુધી, લોકમુખે સુણું;
કરે સ્હેલી જોડણીઓ, એથી નહિ ઊણું.
સાદા સરવાળા શીખ્યો, જેને કહે યોગ;
બાદબાકી આવડી ન, કારણ વિયોગ.
સ્વાભાવિક યોગે મન, તેથી યોગ થયો;
વિયોગ ખરાબથી મગજ વાંકી ગયો.
પૂર્ણ થકી પૂર્ણ જતાં પૂર્ણ રહે જેને;
કેમ કરી આવડે વિયોગ બુદ્ધિ તેને.
આ તો બહુ ગૂઢ અંક, અંકશાસ્ત્રે નહિ;
જાણવા એ તત્ત્વ, જોઈએ સત્બુદ્ધિ સહિ.
બાદ જતા પૂર્ણ બ્રહ્મ, પૂર્ણ બ્રહ્મ થકી;
તોય બાકી રહે એ જ પૂર્ણ બ્રહ્મ નક્કી.
મહાવ્યય પુદૃષ્ટિ સૃદૃષ્ટિ વિશ્વ ચરાચર;
જમા ખર્ચ માંહે તો એકરૂપ દર.
જમારૂપે પૂર્ણ બ્રહ્મ વિભુ સનાતન;
વ્યયરૂપે વિરાટમૂરતિ અગણન.
શેષરૂપે એ જ મળે, જેહ જમા થાય;
એથી ન વિયોગબુદ્ધિ ભેજામાં સમાય.
લોકો સમજી ન શકે આ બધા ખબર;
જાણે માત્ર એટલું, ન ભણે ગદાધર.
હિસાબ કિતાબ કેરી બુદ્ધિ નહિ ભાઈ;
પાટી માથે નાખી ધૂળ ખેલતો ગદાઈ.
અંક આપ્યે ભૂંસી નાખે પ્રભુ ગુણધામ;
તાડપત્ર પર લખે પ્રભું કેરું નામ.
ગામડાની પાઠશાળા જૂની ત્યાંની રીત;
દાતા કર્ણ પોથી અને પ્રહ્‌લાદ-ચરિત.
સરલ જોડણીવાળાં વાક્યસમુદાય;
વાંચતાં વાંચતાં વર્ણપરિચય થાય.
વર્ણપરિચય માટે ગુરુ પાઠશાળે;
પ્રહ્‌લાદ-ચરિત્ર પોથી ભણાવે એ કાળે.
ગદાધર કરે વાંચવાનો એ સ્વીકાર;
પોથી આખી મોઢે થઈ વાંચી વારવાર.
પ્રહ્‌લાદનો અનુરાગ ભગવાન પ્રતિ;
વાંચવામાં પ્રીતિ અતિશય તેને થતી.
એ કારણે પોથી પાઠ થતો અન્ય સ્થળેય;
મધુ યુગી પિંજારાના છાપરાની તળેય.
પાઠશાળા છૂટી ગયેલ, નાનો ગદાધર;
વાંચતો પ્રહ્‌લાદ-કથા રાખીને આદર.
સુંદર આખ્યાન, મન સુણો એક ચિત્તે;
છાત્ર ગદાધર વાંચે પોથી કેવી રીતે.
અતિ અનુરાગે પોથી વાંચે એક દિન;
બહુ લોકો નર-નારી યુવાન પ્રાચીન.
ચારે બાજુ ઘેરી તેને સુણે બેસી પાસે;
ગદાઈનો પોથીપાઠ પરમ ઉલ્લાસે.
જનમન આકર્ષક અતિ મીઠો સ્વર;
તેમાંયે સહુને પ્રિય બાળ ગદાધર.
છુપાઈ વાનર એ કુતુહલે ભાળે;
નિટક આંબાનું ઝાડ, બેસી તેની ડાળે.
શ્રવણમાં મગ્ન થતાં ભાવને આવેશે;
ઝાડેથી વાનર નીચે આવે અવશેષે.
નહિ તેનો ત્રાસ કંઈ, ઊંચાં ગ્રીવા કર્ણ;
નિકટ બેસતો અડી ગદાઈના ચર્ણ.
જ્યાંહાં સુધી પાઠ તણો આવે નહિ પાર;
વાનરજી સુણે પોથી આનંદે અપાર.
પાઠ પૂરો થયે, પોથી નાનો ગદાધર;
સ્પર્શ કરી દેતો વાંદરાના શિરપર.
પ્રણમી શ્રીપદે વાંદરોય કર જોડે;
જવા આંબા પર પાછો છલાંગે એ દોડે.
કોણ હશે પશુદેહધારી ભક્તિમાન;
શું જાણું? ચરણે તેને અનેક પ્રણામ.
જેહ કાંઈ કામારપુકુરે દેહ ધારે;
સ્થાવર જંગમ કિંવા જીવને આકારે.
પ્રભુ અવતારે દેવીદેવતા આગત;
પ્રભુની આજ્ઞાથી સર્વે સાથે સમાગત.
જો જો જો જો ખબરદાર ખબરદાર મન;
મરતાંય અન્યભાવ ના’વે કદાચન.
ભગવાન! તારી લીલા મૂર્ખ હું શું લખું;
ભક્તિહીન, બદ્ધનેત્ર ગાઈ તે શું શકું!
હોત અંતરમાં લગારેકે ભક્તિધન;
ગાયે જાત બાળલીલા પેટ ભરી, મન!
યજ્ઞોપવીત-ગ્રહણ
મધુર પ્રભુની બહુ બાળલીલા કથા;
ગાયે જાઉં દેવ, તમે આપી શક્તિ યથા.
સર્વજ્ઞ હે પ્રભુ, તમે સર્વતત્ત્વજ્ઞાતા;
ધારી નરરૂપ ખેલો નરવત્, ત્રાતા!
રૂપ નર જેવું ભલે, કાર્યો કિંતુ ન્હોય;
અમાનુષી લોકોત્તર ખેલ આ બધોય.
નરબુદ્ધિગમ્ય નથી પ્રભુ કોઈ કાળે;
ક્ષુદ્ર બુદ્ધિ વડે કેવી રીતે એને ભાળે?
જો કે તમે આપ્યાં ચક્ષુદ્વય જ્યોતિષ્માન્;
પરદો પ્રગાઢ સામે મૂક્યો લંબમાન.
બન્યો જાણે પરદો એ પત્થરનો ખાસ;
ભેદ કરી જોવા શક્તિ નહિ મુજ પાસ.
કેમ કરી જોઉં પ્રભુ તવ કારભાર;
બ્રહ્મા જ્યાં દૃષ્ટિહીન, મારો તે શું ભાર?
અવિદ્યાથી મેલું મન, મોહે ભરપૂર ;
કૃપા કરો બાળ રૂપી દયાળુ ઠાકુર.

(ક્રમશ:)

Total Views: 292

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.