(શ્રી અક્ષયકુમાર સેન શ્રીરામકૃષ્ણના ગૃહસ્થ શિષ્ય હતા. પદ્યમાં લખાયેલ તેમના બંગાળી ગ્રંથ ‘શ્રીરામકૃષ્ણ પૂંથી’ ઘણો પ્રસિદ્ધિ પામ્યો છે. સ્વામી વિવેકાનંદજીએ આ ગ્રંથ વાંચીને ૧૮૯૫માં પેાતાના ગુરુભાઈઓને લખ્યું હતું, “હમણાં જ મેં અક્ષયનું પુસ્તક વાંચ્યું, તેને મારા તરફથી પ્રેમપૂર્વકના લાખો આલિંગના આપજો. તેની કલમ દ્વારા શ્રીરામકૃષ્ણ પાતાને વ્યક્ત કરે છે.” આ ગ્રંથનું રૂપાંતર બ્રહ્મલીન સ્વામી ચૈતન્યાનંદજીએ કર્યું હતું, જે હજુ અપ્રકાશિત છે. તેના થોડા અંશા શ્રીરામકૃષ્ણદેવની જન્મતિથિ પ્રસંગે રજૂ કરીએ છીએ.)

જય જય રામકૃષ્ણ વાંછા કલ્પતરુ;
જય જય ભગવાન જગતના ગુરુ,

જય જય રામકૃષ્ણ તણા ભક્તગણ,
યાચું રજ ચોંટેલી એ સહુને ચરણ.

દેખો રે પ્રભુનો રંગ કેવો છે ગોપન;
રંગભૂમિ પર પ્હેલું આવે કોણ જન,

મહાન કરમકાંડ માગે ખર્ચ ભારી;
તેથી ગૂપ ચૂપ આવ્યા બે જણ ભંડારી;

શિરે ધારું તેઓના હું યુગલ ચરણ,
જેને લઈ થયા ખેલ તણા પગરણ.

ભંડારી પ્રભુના બેય ભાગ્યે ભરપૂર;
રાણી રાસમિણ અને જમાઈ મથુર.

આવે રંગભૂમિ પરે, સુણો રે વચન;
આંધળોય સુણી પામે સુંદર નયન;

રાણી રાસમિણ જાન બજારે બસતિ;
ગુણો વડે ખ્યાતિ આખા બંગાળમાં હતી.

અતૂટ સંપત્તિ મોટો મહેલ ને અટારી;
તિજોરીમાં વસે જાણે કુબેર ભંડારી.

વાત એના ભાગ્ય કેરી જાય ના વખાણી;
ધનવતી જેવી તેવી ભક્તિમતી રાણી.

કાશી વિશ્વનાથ અને અન્નપૂર્ણા માને;
દેખવાની ઇચ્છા જાગી રાણી તણે જાને.

કર્યાં મોટા વ્હાણ ચાર, ભરીને તૈયાર;
કાશીએ જવાને લીધી સંપત્તિ અપાર.

લાંગર્યા હતાં એ વ્હાણો ભાગરથી ઘાટ;
જુએ માંના ચાલવાના હુકમની વાટ,

એટલામાં દેખે રાણી રાતનાં સ્વપ્ન;
દઈ દરશન દેવી બોલીયાં વચન.

કાશી જવું છોડી દઈ અહીં મને સ્થાપ;
એથી થશે પુણ્ય અને કીર્તિ અમાપ.

દેવીનો આદેશ સુણી રાણી જાગી ગયાં;
જમાઈને કહી વ્હાણો પરત વાળીયાં.

શ્યામા પ૨ પ્રીતિ અતિ શ્યામા પદે મન;
તેથી નક્કી થયું એણે કહીને મનન,

કરવાનું દેવાલય સુરધુની તીરે;
દક્ષિણ શહરે જગા ખરીદી સત્ત્વરે.

કલકત્તાથી ત્રણ ગાઉ દૂરે ઉચ્ચ ભાગે;
ભાગીરથી કાંઠે સાવ લળી લળી લાગે.

દેવાલયો બાંધવામાં ઘણો ખર્ચ થાય;
છુટ્ટે હાથે આપે રાણી જરી ન ખંચાય.

જાતિએ ભલેને રાણી માછીમાર નાર;
સ્વભાવે તો રાણી રાજરાણીથી ઉદાર.

બંધાવ્યાં બે મંદિરો એ જગ્યામાં સુંદર;
એક કાલીનું અને રાધાકૃષ્ણનું ઉપર.

પશ્ચિમ બાજુએ બાર જ્યોતિલિંગ બેસે;
વચ્ચે ગંગાઘાટ તણો મંડપ પ્રવેશે.

કર્યા ઘણા ઓરડાઓ સ્થાપત્ય પ્રવિણે;
નોબતખાનાં બે બાંધ્યા ઉત્તર-દક્ષિણે.

ગંગા કાંઠે બાંધ્યો ઘાટ, બાગ ને તળાવ;
ઈંદ્રપુરી સમ કર્યો સુંદર દેખાવ.

દિવાન ખજાનચી અને શ્વેતાજીઓ ફરે;
ગેટે શસ્ત્ર બંધ દરવાનો ચોકી કરે.

દેવીની સખીઓમાંથી રાણી એક જણી;
પ્રભુ-અવતારે લીએ કાયા નારી તણી.

દેવી પદે મતિ અતિ તેમાં ચિત્ત રતિ;
શ્યામા-નામ-મગ્ન શ્યામામાં જ પ્રીતિ હતી.

શ્યામા નામ જપે, શ્યામાતણું ધ્યાન ધરે;
વ્હેવારમાં હાથ માત્ર શ્યામા છે ભીતરે.

આભવત સેવા થાય, માતા શ્યામા તણી;
રાણીને અંતરે ઉઠી એવી ઇચ્છા ઘણી.

અંતરની ઇચ્છા વ્યક્ત કરી સહુ પાસ;
બોલાવીને શાસ્ત્રવેત્તા બ્રાહ્મણોને ખાસ.

શાસ્ત્રનું વિધાન કાઢી આપો બ્રહ્મ દેવા;
દેવીને દેવાને ઇચ્છુ અન્નભોગ – સેવા.

શાસ્ત્રજ્ઞ પંડિત વર્ગ થયો એકચિત્ત;
શાસ્ત્રો તણી આલોચના કરી દઈ ચિત્ત;

શાસ્ત્રના શબ્દોનો જડ અર્થ શો કરીઓ.
લાંબી વાટાઘાટો પછી ન્યાય શો આપીયો!

બોલીયા પંડિતો સર્વે મળી એક સ્વરે;
શૂદ્રનાં સ્થાપિત છે આ દેવતાઓ ખરે.

અન્નભોગ દેવાની ન શાસ્ત્રોની સંમતિ;
ફળ ફૂલે પૂજા કરો રાખી નિષ્ઠા અતિ.

સુણીને વિધાન રાણી મર્મરહિત થાય;
નિરાશા-આધાતે તેની છાતી ફાટી જાય.

આંખોમાંથી ધારા બિંદુ વહ્યે જાય જળ;
માને અન્નભોગ વિના બધું નિષ્ફળ.

વિધિમાં ને ભક્તિમાં છે કેટલો પ્રભેદ;
કહ્યું જડશાસ્ત્ર વિધિશાસ્ત્રને સખેદ.

કૈવર્ત જાતિની રાણી હીન જાતિ કહે;
પંડિતો પ્રમાણ રૂપે વિધિશાસ્ત્ર લહે.

આ બેનો છે ભેદ મોટો, બોલ્યે નવસરે;
રહો વિધવિદ્ વિપ્રો વિધિ લઈ ઘરે,

રાણીને એ હીન ગણે જેને ભક્તિસાર;
બલિહારી વિધિ તથા લોક દેશાચાર.

ભક્તિ જોરે ભક્ત કેરી વિચિત્ર જ ચાલ;
વેદ વિધિ વ્યાધિ કેરો હોય નહિ ખ્યાલ;

હોય જો અભક્ત, દ્વિજ શાનો તે કહેવાય.
નીચ જાતિ ભક્તિ હોતાં ઉચ્ચ કહેવાય;

ભક્તિનો આવેગ કેવો, સુણો સમાચાર;
જોકે ધન રત્ને પરિપૂર્ણ છે આગાર,

અતૂટ સંપત્તિ ઉચ્ચ આલય ત્રિતલ;
અને ભવ્ય એવો, જાણે ઈન્દ્રનો મહલ.

કિંતું એ કશુંય ગમે નહિ, ગાત્રો ગળે;
શાસ્ત્રનું વિધાન-બાણ હૈયે એવું બળે.

રાણીએ ઉપાય સારુ છોડ્યા પટાવાળા;
શોધી વળો શહેરની બધી પાઠશાળા.

અન્ય સ્થળે હોય ક્યાંય શાસ્ત્રી કે બ્રાહ્મણ;
તેડી લાવો આદરથી આપી આમંત્રણ.

આજ્ઞા થતાં ભૃત્યગણ અગણિત છૂટે;
શાસ્ત્રનાં વિધાન સારુ બધું કરી ખૂટે.

દેશનાં પંડિતો આશા કોઈ નવ પૂરે;
આખરે આવીયા તેઓ ઝામાઆ પુકુરે.

શાસ્ત્રી હતા દેવી ભક્ત શ્રીરામકુમાર;
વિધિશાસ્ત્ર, ભક્તિશાસ્ત્ર વિદ્વાન અપાર.

હાજરા હજૂર દેવીતણો છે આધાર;
દીએ દરશન તેને સ્મરતાંને વાર.

શાસ્ત્રજ્ઞ ને ભક્તિમાન તથા જાણે તંત્ર;
લખ્યો’તો દેવીએ જીભે જ્યોતિષનો મંત્ર.

એ કારણે સિદ્ધિવાણી શ્રી રામકુમાર;
બોલ્યું તેનું કદી નહીં નિષ્ફળ થનાર.

તેની સિદ્ધિવાણી તણી સુની જે ઘટના;
સુણો મન આપું જરા તેની આલોચના.

એક દીન ગંગાજીમાં કરવાને સ્નાન;
આવી એક નારી રૂપે અપ્સરા સમાન.

દાસદાસી સાથે હતી પાલખીની માંહી;
શરીર એવું કે રોગ નખમાંય નાંહી.

દેખી રમણીને બોલ્યા શ્રી રામકુમાર;
‘રૂપનો અવતાર ભલે સંપત્તિ અપાર,

ખમા ખમા કરે દાસદાસીઓ હજાર;
કિંતુ આનું આયું કાલે જ પૂરું થનાર.

સુણીને બ્રાહ્મણનું એ વચન અહિત;
પકડીને લીધો સાથે કરવા સાબિત.

બલીયસી ઈશ્વરેચ્છા જેને કહેવાય;
બીજે દિ’જ સાંજ ટાણે સ્ત્રીનું મૃત્યુ થાય,

દેખીને ભવિષ્યવાણી લોકો દંગ થાય;
ક્ષમા માગી વિપ્રને તુરત કર્યા મુક્ત

વિધાન આપ્યું તેણે દેખી વિધિશાસ્ત્ર;
આપી દો મંદિર આખું દાન ૫ને લેખી.

બ્રાહ્મણને નામે કોઈ ઉચ્ચવંશ જાત;
તો અપાશે અન્નભોગ શાસ્ત્રવિધિ સાથ.

સુણી સુખે મુનિને એ શાસ્ત્રનું વિધાન;
લેખી પત્ર લઈ કર્યું તરત પ્રમાણ.

આવી કહ્યું રાણીને છે શુભ સમાચાર;
વિધાન આપે છે શાસ્ત્રી શ્રીરામકુમાર.

રાણીને તુરંત કુળગુરુને તેડાવી;
દાન પત્રે સંપત્તિ એ આખીએ ચડાવી.

અન્નભોગે ધરાવવા પૂજારી બ્રાહ્મણ;
કેરું લાગી કરાવવા બહુ અન્વેષણ.

મોઢે માગ્યો મળશે પૂજારીને પગાર;
વધારામાં દક્ષિણા ને વસ્ત્રોનો સત્કાર.

રાણીનો સત્કાર દક્ષિણાનો ઓછો ન્હોય;
સાવ થોડો કરે તોય પાંચસોનો હોય.

તો યે ચુસ્ત બ્રાહ્મણો પૂજારી નવ થાય;
માછણ – મંદિરે સેવા દેવા કોણ જાય.

શાસ્ત્ર છે વિધાન તોય આપે નહીં મત;
શાસ્ત્રોથી એ દેશાચાર એવો બળવત્.

લોટ-દાળ-સિધાં-લોભી, કળિના બ્રાહ્મણ;
સર્વ કાંઈ કરી શકે દક્ષિણા કારણ.

શરીરથી જન્મી કન્યા બાલિકાકુમારી;
બકરીની પેઠે વેચે પૈસાના પૂજારી.

વર્ણાનાં બ્રાહ્મણો ગુરુ: હતું પૂર્વે નામ;
કન્યાના વેપારી એવું અત્યાચારનું નામ.

છાપ માળા તિલકવાળા ધારતા જનોઈ;
ધન જોઈએ ચેલાનાં, ચેલીનાં તન જોઈ.

એવા એ બ્રાહ્મણો જેનો અર્થલોભી જાત;
અહીં પૂજા કરવામાં દીએ નહીં કાન.

વિચિત્ર પ્રભુનો ખેલ, બુદ્ધિ પાણી ભરે;
રહ્યું ક્યાં ઝરણું અને જળ ક્યાંથી ઝરે.

વિષમ આંતરખેદે રાણી લોટે ધૂળે;
બોલે ‘શ્યામા, જન્મ દીધો આવે નીચ કૂળે!’

મારો જ સંપર્ક થયો એક જ કારણ;
અન્નભોગ દેવા જેથી ન મળે બ્રાહ્મણ;

ભક્તિમતી રાણી અંતે વિચારી ઉપાય;
મોકલે માણસ રામકુમારને ત્યાંય.

કહાવે સંદેશો, આપે આપીયું વિધાન;
તોય દેવી સેવા સારું ના’વે કો વિદ્વાન.

શાસ્ત્ર અનુસારે જ્યારે રહી છે કોઈ પદ્ધતિ;
કૃપા કરી આપ જ પધારી થાઓ વ્રતી.

દેવી પદે મગ્નમન શ્રી રામકુમાર;
દેવીની થશે ન સેવા સુણી સમાચાર.

સ્વીકાર કર્યું સેવા કરવાનું પોતે;
શાસ્ત્ર મને શુદ્ધ, લોકાચાર દોષ ગોતે.

કહી તેણે કરી શી, ને સુણો સગવડ;
કે’વાયું પૂર્વે કે એક ગામ છે શિયડ.

જ્યાં વસે રદયરામ પ્રભુનો ભાણેજ;
કામારપુકુર થકી પશ્ચિમમાં સહેજ.

હતા ત્યાંના બ્રાહ્મણો શહેરમાં જે કોઈ;
નીમી દીધા જુદે-જુદે કામે પાત્રો જોઈ.

મળ્યા પૂજા સારુ સારા કુલીન બ્રાહ્મણ;
મળતો હતો ન જ્યાં હાં પૂર્વે એક પણ.

પ્રયોજન પૂરું થતાં રાણી આનંદિત;
દેવતા-પ્રતિષ્ઠા-દિન કર્યો નિર્ધારિત.

વિક્રમ સવંત ઓગણીસો ને આઠ;
સ્નાન યાત્રા દિન અને મહિનો અષાડ.

મંદિર-પ્રતિષ્ઠા-દિન જેમ આવે પાસ;
ચારે બાજુ નરનારી હરખાય ખાસ.

જબરો ઉત્સવ થયે દેખવાની આશ;
ઉત્સવ વર્ણન કરી શકું ન પ્રકાશ.

મંદિર પ્રાંગણ તણો ખૂબ પરિસર;
અધ લખ લોક માંય ચોગાન ભીતર;

સુંદર શોભીતી કાલીવાડીની સમાન,
કોઈ સ્થળ ગંગાતટે નહિ વિદ્યમાન:

દિવ્યભાવે ભરપૂર શાંતિપૂર્ણ સ્થળ;
મિતાપિત ચિત્ત થાય, દેખતા શીતળ,

આવવા લાગ્યા શતશત શાસ્ત્રવિત્;
છાત્રગણો સાથે પાઠશાળાના પંડિત.

મહા ભાગ્યવતી રાણી ભુવન મોઝાર;
શુભ ક્ષણે સમાગત શ્રી રામકુમાર.

સહોદર ગદાધર આવીયા સંગતી;
ભુવન-પાવન માતા, અખિલના પતિ.

જોવા આવ્યા લોકો તણી સંખ્યા કોણ ગણે;
સમાય નહિ એ મોટે મંદિર આંગણે.

કરી શકે સંખ્યા કોણ, ન્હોતી કાંઈ સીમા;
જે દિ’ શણગારી કૃષ્ણ કાલીની પ્રતિમા.

રજત – કાંચનમય બહુ આભરણ;
પહેરાવે શ્યામાને સર્વે પૂજારી બ્રાહ્મણ.

રજત – સહસ્રદલ કમલ ઉપર;
બિરાજ ઉભેલા માતા, પદતળે હર.

અતીવ સુડોળ, આવી નહીં કોઈ ગામે;
શ્યામ કે શ્યામાની મૂર્તિ બીજે કોઈ ઠામે.

અતુલ પ્રતિમારૂપ, કાંતિનો અંબાર;
શ્યામ-અંગે સોહે જાણે શ્યામા અલંકાર.

એ સમયે બહુ કષ્ટે પ્રભુ ગદાધર;
ઠેલી જનતાને, જાય મંદિર અંદર.

પ્રતિમા પ્રતિમા જેવી જરી ન દેખાય
દેખીમાં માતાજી શ્યામા પોતે ઊભાં ત્યાંય.

કૈલાસ છોડીને માતા બિરાજે અંદરે
દિવ્ય રૂપે સ્થાન આખું પ્રકાશિત કરે.

અન્નપૂર્ણા ક્ષેત્રે નહિ કશાનો અભાવ
ચર્વ્ય, ચોષ્ય, લેહ્ય, પેય, ખાવું હોય તે ખાવ.

તેડ્યા કે વગર તેડ્યા દુ:ખી ક્ષુધાતુ૨;
સમભાવે ખાય સર્વે પ્રચુર પ્રચુર.

પરંતુ તે દિને પ્રભુ ભવકર્ણધાર;
કૈવર્ત રાણીનું અન્ન કરે નનસ્વીકાર.

એક દોઢીયામાં માત્ર મમરા લાવીને;
દિન આખો કાઢીયો એ ચવાણું ચાવીને.

આવીયા ચાલીને પાછા, દિન અવસાને;
ભાઈની એ પાઠશાળા હતા જેહ સ્થાને.

ભાઈ કરે ચિંતા, હશે ક્યાં રે ગદાધર;
કોઈ પાસે કાંઈ તેના ન મળે ખબર.

શોધવા સમય મળ્યો નહીં સાત દિન
શ્યામાની સેવામાં હવે થયા પરાધીન

જાણી મનમાં કે ચિંતા થશે ભ્રાતરને
પ્રભુ પોતે આવ્યા સાત દિને ભાઈ કને

એ સમયે સિધું લઈ શ્રી રામકુમાર;
કરી સ્વયં પાઠ પછી ખાવા બેસનાર.

દેખતા ગદાઈ, પૂછે ભાઈ સમાચાર;
ચાલ જમીલે ગદુ તું, રસોઈ તૈયાર,

સુણી કહે ગદાધર, અરે મોટાભાઈ;
માછણનું સિધું, કહો કેમ કરી ખાઈ?

જવાબમાં સમજાવે શ્રી રામકુમાર,
ગંગાજળે રાંધ્યું અન્ન કરાય આહાર.

ગંગાજળ શુદ્ધ થાય, નવ રહે દોષ;
એમ કહી કરે નાનાભાઈનો સંતોષ.

વળી પૂછે ગદાધર, તમે શા કારણ
શૂદ્રે આપ્યું દાન દ્રવ્ય કરો છો ગ્રહણ?

ઉત્તર વચન કહે મોટાભાઈ, ‘અરે;
શાસ્ત્ર જેમ કહે તેમ ભાઈ તારો કરે.

લૌકિક આચારે દોષ, શાસ્ત્રમતે નંઈ;
કાઢીને બતાવ્યું શાસ્ત્ર પોથી હાથે લઈ.

શાસ્ત્ર દેખી ખૂબ ખુશી પ્રભુ ગદાધર
થયું એથી શંકાહીન સુસ્થિર અંતર.

દેખો રે પ્રભુનો ખેલ આશ્ચર્યના જેવો;
બાહ્યદૃષ્ટિમાં એ ગુપ્ત રાખીયો છે કેવો!

જગત જીવન આમ શોધતાં ન મળે;
છતાં સમ ભાવે ખેલે જળે અને સ્થળે.

કૌશલથી ગૂંથે પ્રભુ કેવો લીલાહાર;
માનવી શું જાણે તેની વચ્ચે રહ્યો તાર!

હરડે આચારી વંશે પ્રભુનો જનમ;
શૂદ્રનું લેવાય નહીં, એવો જ્યાં નિયમ.
ચેટર્જી શ્રી ખુદીરામ કુળમાં કડક.

સર્વ તણા પિતામાતા પ્રભુ ભગવાન;
ભક્તવાંછા કલ્પતરુ કરુણાનિધાન.

સરવે સમાન તેને જે કોઈ બોલાવે;
જાતિ પાંતિ કેરા ભેદ લક્ષમાં ન લાવે.

ભાંગવા લાગ્યા પ્રભુ કુળનાં બંધન;
પ્રથમ દેખાડ્યું ખાઈ ધનીનું રંધન.

પછી યુક્તિ કરી ભાઈ શ્રી રામકુમાર;
પાસે શૂદ્ર-દેવ-પૂજા કરાવી સ્વીકાર.

ભક્ત પ્રિય પ્રભુ તમે ભક્તના રસિક;
ભક્તને હંમેશ દેખો પ્રાણથી અધિક.

પુરવાને ભક્ત-આશ ત્યજી સર્વ ડર.
યુક્તિ કરી લાવ્યા કેવી રીતે સહોદર.

ગુપ્ત રીતે મુક્ત કર્યો પોતાનોય પથ;
કરવા સફળ ભક્ત-રાણી મનોરથ.

ધન્ય ધન્ય ભક્તમતી રાણી રાસમણિ;
ભક્તિ જોરે પામી ઘેર અખિલના ધણી.

જન્મભેર તપ કરી ધ્યાને યોગી જન;
પામે નહિ, એ પ્રભુને લાવી તું ભવન.

તમ સમ ભાગ્યવતી નહિ ધરાતળે;
તમારી ચરણરેણું બહુ ભાગ્યે મળે.

તવ જેવી કોઈ ક્યાંય કાને નવ સુણી;
પાખંડી જ તને કહે માછણ – રમણી

આપું ક્યું નામ તને, એકે નવ મળે.
યાચું રજ ચોંટી તવ ચરણોને તળે.

રેશમી વસન દ્રવ્ય સુવર્ણ પ્રચુર;
દક્ષિણામાં પૂજારીને આપ્યું ભરપૂર.

‘મોટા ભટ્ટાચાર્ય’ એવી પદવી અપાય;
આદરથી રાખ્યા શ્યામા માની સેવામાંય.

કરે રાણી અહીં દેવપુરીની અંદર
પૂજા ભોગ રાગ તણો મહા આડંબર.

આશા રાખી અંતરમાં પડાવે એ સાદ;
આવે તે સરવે લોક જમે પરસાદ.

કૃષ્ણ અને કાલીનાં રસોડાં જુદાં કીધાં;
વૈષ્ણવો ને શાકતો જેથી નવ કરે દ્વિધા.

કિંતુ રાણી હીણી જાતિ એ માત્ર કારણે;
ઉચ્ચ જાતિ નવ રાજી પ્રસાદ-ગ્રહણે.

નિયમ પ્રમાણે ભોગ દેવોને ધરાય;
વધે તે બધોય લઈ ગંગામાં ફેંકાય.

દેવોનો પ્રસાદ ઉચ્ચ જાતિ નવ ખાય;
રાણીનું હ્રદય એ વિરોધે ફાટી જાય.

અરે રાસમણિ, જાણે નહિં હજી પણ;
ખાય તારા દેવનો પ્રસાદ નારાયણ!

કર્તા હર્તા માતા પિતા ૫૨મ ઈશ્વર;
બહ્મા વિષ્ણુ મહેશાદિ થકીયે જે પર.

ખોલીયા ભંડાર જાણે અન્ન તણી ખાણ;
જેના સારુ કર્યું દેવપુરીનું નિર્માણ.

તે પોતે હાજર રહ્યા પ્રતિષ્ઠાને દિને;
જુઓ તો, તેને છે દુ:ખ કારણ વિહીન;

ધન્ય ધન્ય પંચભૂતો જાઉ બલિહારી;
તમે પૂરી દીઓ જોરે ખોલીમાં અંધારી.

ભલે હોય બદ્ધ જીવ, કિંવા ભક્તિમાન;
બ્રહ્મા વિષ્ણુ મહેશ ન પામે તેથી ત્રાણ;

કરો ભગવાન દયા આ સેવક પ્રતિ;
જાણું કે ન જાણું પણ પદે રહે મતિ.

લઈ રજા ભાઈ પાસે, પતી ગયે કામ;
ગયા થોડા દિન પછી પ્રભુ નિજ ગામ.

દેશમાં ફેલાઈ ગઈ વાત બહુ દૂર;
શ્રી રામકુમાર સેવે શૂદ્રના ઠાકુર.

ઉઠાવે નિંદાનું આંદોલન બધા જણ;
કુળને કલંક જેવું કરે એ બ્રાહ્મણ.

નિંદાને ન કાન દીએ પ્રભુ ગદાધર;
ખૂબ જ આનંદ તેને ભીતર ભીતર.

ખેલને તો જાણે કોણ તેમના સિવાય;
રાત દિન હાસ્ય ખુશી આનંદમાં જાય.

બાળવય જઈ પ્રભુ મોટા થતા આવે;
તોય તફાવત નવ પડ્યો બાળ ભાવે.

વયની સહિત બાળભાવ જાય વધ્યે;
સમજવા જોઈએ શુદ્ધ બુદ્ધિ શિર મધ્યે.

કળા ચંદ્રકિરણોની રોજ વધે જેમ;
શ્રી પ્રભુનો બાળભાવેય વધ્યા કરે તેમ.

વય થયું દેખી બોલે પાડોશનાં જન;
હવે ગદાધર તારાં કરશું લગન.

લગનની વાત સુણી પ્રભુ ભારે રાજી;
જવાબમાં મંદ મંદ હસી બોલે “હાજી”.

મન માની મળે કન્યા કરો વાટાઘાટ;
થાય જેથી ઝાડ છાંયો, બેસવાનો ખાટ.

કહીશું વિવાહ તણી વાત પછી મન;
હાલ તો શ્રી પ્રભુ જાય હિંદુને ભવન.

બંગાળી સંગીત પ્રિય સૌ કોઈ જાણે;
શિયડનાં ગામ એક જણો સાંજ ટાણે.

ગાયકનો કંઠ મીઠો જેને કાને જાય;
નરનારી સહુ સુણવાને ભેળાં થાય.

બેઠેલા ભાણેજ સાથે પ્રભુ જેહ છેડે;
આવી એક રમણી ત્યાં લઈ કન્યા કેડે.

કન્યા કેરી વય અલ્પ, માત્ર ત્રણ વર્ષ;
કરું તેને ચરણે હું પ્રણામ સહર્ષ.

ગામની દીકરી બાઈ, તેનું ત્યાં પીયર;
હાદુરામ તથા તે પાડોશી પરસ્પર.

કેવળ પાડોશી નહિ, સંબંધીએ હતી;
એક જાતિ દ્વિજ સગી નિકટની થતી.

ગાયકનું ગીત પૂરું થઈ રહ્યા બાદ;
લઈ નાની બાળા લોકો કરે છે આહ્લાદ.

બાળકીને તેઓમાંથી કહે એક ભાઈ,
થયો અહીં લોક સમાગમ દેખ, બાઈ.

ઇચ્છા કોની સાથે તારી કરવાની વિવાહ;
દેખાડ લંબાવી તારા કરકેરા દીવા.

સુણીને વચન, બાળા કરી લાંબો કર;
બતાવે સામેજ ઊભા પ્રભુ ગદાધર.

ખડખડ હસી પડ્યા લોકો તત્કાળ;
દેખીને પસંદગી કરે જે નાની બાળ.

કોણ એ બાલિકા, અને કોણ તેની માત;
કરીશું એ સમાચાર તણી પછી વાત.

બહુ ગમે શ્રી પ્રભુને રદયનું ગામ;
આવે ત્યારે થાય ત્યાં હાં બહુ દિ મુકામ

હરિભક્તો હતા અહીં બહુ જ વિરલ;
સંસાર વ્હેવારે રચ્યાપચ્યા જ સકલ.

એ સકળમાંથી માત્ર એકાદ બે જણ;
કરે ભગવત્ – કથા સાધન, ભજન.

પ્રભુ સાથે હરિ-કથા-આલોચના કરી;
અંતરે સહુને ઊઠે આનંદ લહરી.

જેની પ્રભુ સાથે વાતચીત એકવાર;
થાય તે જીવનભર નહિ ભૂલનાર.

રહી થોડા દિન પાછા પધારિયા ઘરે;
પ્રભુદેવ ગદાધર કામારપુકુરે.

ગામમાં ન ગમે વાસ હવે, જેવો આગે;
ગંગાતીરે દક્ષિણ શહર ચિત્ત જાગે.

જેહ સ્થાન શ્રી પ્રભુનું આદિ લીલા સ્થળ;
ત્યાં જવાની ઇચ્છા ઊઠી અંતરે પ્રબળ.

તેથી થયું શ્રી પ્રભુનું આવવું તુરંત;
રામકૃષ્ણ-પુરાણ આ સુધા મૂર્તિમંત.

Total Views: 274

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.