જૂનાગઢમાં સ્વામી વિવેકાનંદની કાંસ્યપ્રતિમા (૧૯૯૫)
જૂનાગઢના સ્વામી વિવેકાનંદ કેન્દ્રની સહાયથી વિવેકાનંદ ઉદ્યાન, તળાવ ગેટમાં ૧૧મી સપ્ટેમ્બર, ૧૯૯૫ના રોજ ૯ ફૂટ ઊંચી સ્વામી વિવેકાનંદની કાંસ્ય પ્રતિમાનું વિમોચન રામકૃષ્ણ મઠ-મિશનના ઉપાધ્યક્ષ શ્રીમત્ સ્વામી ગહનાનંદજી મહારાજના વરદ હસ્તે થયું હતું. આ પ્રસંગે સ્થાનિક સાંસદ, અગ્રણી નાગરિકો અને ભાવિકજનો તેમજ વિદ્યાર્થીઓનો વિશાળ સમૂહ એકઠો થયો હતો. સવારમાં સમગ્ર શહેરમાં વિદ્યાર્થીઓની વિશેષ રેલી પણ યોજાઈ હતી.
લીંબડીમાં નવા આરોગ્યભવનનું મંગળ ઉદ્ઘાટન (૧૯૯૬)
રામકૃષ્ણ મિશન, લીંબડીમાં નવનિર્મિત આરોગ્ય ભવનનું મંગળ ઉદ્ઘાટન તા. ૪ સપ્ટેમ્બર, ૧૯૯૬ના રોજ રામકૃષ્ણ મઠ-મિશનના તત્કાલીન ઉપાધ્યક્ષ શ્રીમત્ સ્વામી રંગનાથાનંદજી મહારાજના વરદ હસ્તે થયું હતું.
ભૂજમાં શ્રીરામકૃષ્ણ સેવા ભવન મંદિરસંકુલનો શિલાન્યાસવિધિ
૧૯ ડિસેમ્બર, ૧૯૯૬ના રોજ શ્રીરામકૃષ્ણ સેવા ભવન મંદિરસંકુલનો શિલાન્યાસવિધિ પ્રસાદી પ્લોટ, ભૂજમાં શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના અધ્યક્ષ સ્વામી જિતાત્માનંદજીના વરદ હસ્તે થયો હતો.
પોરબદરમાં રામકૃષ્ણ મિશનના નવા કેન્દ્રનો મંગળ પ્રારંભ
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના માર્ગદર્શન હેઠળ પોરબંદરના શ્રીરતિભાઈ છાયા, શ્રીદ્વારકાદાસ વિઠ્ઠલાણી, શ્રીપી.એમ.જોષી, શ્રી જ્યોતિબહેન થાનકી, શ્રીમતી મિન્ટુબહેન દાસાણી અને અન્ય અગ્રણી નાગરિકોની સમિતિની રચના ૧૯૯૦માં થઈ હતી. સ્વામી વિવેકાનંદ જ્યાં શંકર પાંડુરંગ પંડિતના મહેમાન તરીકે પોરબંદરમાં કેટલાક માસ સુધી રહ્યા હતા એ ભોજેશ્વર બંગલામાં આ સમિતિ દર અઠવાડિયે યુથ સ્ટડી સર્કલ અને બીજી પ્રવૃત્તિઓનું સંચાલન કરતી. રાજકોટના સાંસદ શ્રી ચિમનભાઈ શુક્લ, ગુજરાત રાજ્યના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શ્રી સુરેશભાઈ મહેતા અને તત્કાલીન મુખ્યમંત્રીશ્રી શંકરસિંહ વાઘેલાના સંનિષ્ઠ અને સક્રિય પ્રયાસોને લીધે ૧૨મી જાન્યુઆરી ૧૯૯૭ના રોજ યોજાયેલી જાહેર સભામાં તત્કાલીન મુખ્યમંત્રીશ્રીએ રામકૃષ્ણ મઠ-મિશનના જનરલ સેક્રેટરી શ્રીમત્ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજને આ ભોજેશ્વર બંગલાનો હવાલો અને એ અંગેના વિધિવત્ કાગળો વગેરેની સોંપણી કરી હતી. આ પ્રસંગે શ્રી ચિમનભાઈ શુક્લ અને ગુજરાત રાજ્યના આ બે મંત્રીઓ તેમજ બીજા અગ્રણી નાગરિકો ઉપસ્થિત હતા.
આ બંગલો અત્યંત બિસ્માર હાલતમાં હતો. તેનું સમારકાર શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા કરવામાં આવ્યું હતું. આ બંગલાની સંલગ્ન ૧૯૭૫ ચો. મિટર જમીન ગુજરાત સરકાર દ્વારા રામકૃષ્ણ મિશન, પોરબંદરને અર્પણ કરવામાં આવી. ૧૨ જાન્યુઆરી, ૧૯૯૮ના રોજ રામકૃષ્ણ મિશનના પ્રાંગણમાં સ્વામી વિવેકાનંદની નવ ફૂટ છ ઈંચ ઊંચી વિશાળ કાંસ્યપ્રતિમાનો અનાવરણવિધિ સ્વામી શ્રીધરાનંદજી મહારાજના વરદ હસ્તે થયો હતો. તે જ દિવસે સુખ્યાત પોલિસ અધિકારી ડો. કિરણ બેદીના વરદ્ હસ્તે એક સ્મરણિકાનું વિમોચન પણ થયું હતું. ૧૦ જૂન, ૧૯૯૮ થી પોરબંદરનું કેન્દ્ર રામકૃષ્ણ મિશનનું સ્વતંત્ર કેન્દ્ર બન્યું છે. સ્વામીજીની પૂર્ણ કદની લેમિનેટેડ છબિઓ અને એમના જીવન અને સંદેશ વિશેના ચિત્રોનું એક પ્રદર્શન રામકૃષ્ણ મિશન, વિવેકાનંદ મેમોરિયલમાં રાખવામાં આવ્યું છે.
રામકૃષ્ણ મિશન, શતાબ્દી મહોત્સવ (૧૯૯૭-૯૮)
રામકૃષ્ણ મિશનના સ્થાપના વર્ષનો શતાબ્દી વર્ષના મહોત્સવનું આયોજન શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા ૧૩મી જાન્યુઆરી, ૧૯૯૭ના રોજ થયું હતું. પ્રથમ તબક્કાના આ મહોત્સવની તા.૧૩મી જાન્યુઆરી ૧૯૯૭ના રોજ યોજાયેલ જાહેરસભામાં રામકૃષ્ણ મઠ-મિશનના જનરલ સેક્રેટરી શ્રીમત્ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજે સંબોધન કર્યું હતું. ૩૦મી એપ્રિલ, ૧૯૯૭ના રોજ રામકૃષ્ણ સેવાસંસ્થાન, વલસાડની સહાયથી વલસાડમાં સ્વામી વિવેકાનંદની ૭.૫ ફૂટ ઊંચી કાંસ્યપ્રતિમાનો અનાવરણવિધિ રામકૃષ્ણ મઠ, મુંબઈના અધ્યક્ષ સ્વામી વાગીશાનંદજી મહારાજના વરદ હસ્તે થયો હતો.
બીજા તબક્કાનો આ શતાબ્દિ મહોત્સવ ૧લી મેથી ૩જી મે, ૧૯૯૮ના રોજ યોજાયો હતો. આ પ્રસંગે આધ્યાત્મિક શિબિર, મેનેજમેન્ટ સેમિનાર અને જાહેર સભાઓનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભૂજમાં રામકૃષ્ણ મંદિરસંકુલનો પ્રતિષ્ઠામહોત્સવ (૧૯૯૯)
રામકૃષ્ણ યુવકમંડળ ભૂજ દ્વારા શ્રીરામકૃષ્ણ મંદિરનો પ્રતિષ્ઠામહોત્સવ ૧૮મી જાન્યુઆરી, ૧૯૯૯ના રોજ યોજાયો હતો. આ મંદિરની પ્રતિષ્ઠા સ્વામી જિતાત્માનંદજીના વરદ હસ્તે રામકૃષ્ણ સંઘના ઘણા સંન્યાસીઓની નિશ્રામાં અને ભક્તજનોની ઉપસ્થિતિમાં થઈ હતી. આ મંગલ પ્રસંગે ગુજરાત ધારાસભાના અધ્યક્ષ શ્રીધીરુભાઈ શાહ, સાંસદ શ્રી અનંતભાઈ દવે અને બીજા અગ્રણી નાગરિકો પણ ઉપસ્થિત હતા. તે દિવસે સવારે સમગ્ર ભૂજ શહેરમાં એક વિશાળ શોભાયાત્રા પણ નીકળી હતી. ૧૨મી ફેબ્રુઆરી, ૨૦૦૦ના રોજ રામકૃષ્ણ મઠ-મિશનના ઉપાધ્યક્ષ શ્રીમત્ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજના વરદ હસ્તે ‘શ્રીશારદાદેવી ચિકિત્સાલય’ અને ‘સાધુનિવાસ’નું મંગલ ઉદ્ઘાટન રામકૃષ્ણ સેવા ભવન સંકુલ, ભૂજના પરિસરમાં થયું હતું.
જૂનાગઢમાં રામકૃષ્ણ મંદિરસંકુલનો પ્રતિષ્ઠા મહોત્સવ (૨૦૦૦)
૩જી ડિસેમ્બર, ૨૦૦૦ના રોજ સ્વામી વિવેકાનંદ સેવાકેન્દ્ર જૂનાગઢ દ્વારા રામકૃષ્ણ આશ્રમ, રાજકોટના માર્ગદર્શન હેઠળ નવનિર્મિત શ્રીરામકૃષ્ણ પ્રાર્થનામંદિરનું મંગલ ઉદ્ઘાટન રામકૃષ્ણ મઠ-મિશનના ઉપાધ્યક્ષ શ્રીમત્ સ્વામી ગહનાનંદજી મહારાજના વરદ હસ્તે થયું હતું. આ પાવનકારી પ્રસંગે રામકૃષ્ણ સંઘના સંન્યાસીઓ, જૂનાગઢના અગ્રણી નાગરિકો અને ભાવિકજનોની વિશાળ સંખ્યા ઉપસ્થિત રહી હતી.
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટનો પ્લેટિનમ જ્યુબિલી મહોત્સવ (૨૦૦૧-૨૦૦૨)
શ્રીરામકૃષ્ણ આશ્રમના પ્લેટિનમ જ્યુબિલી મહોત્સવ (૭૫ વર્ષ)નો પ્રથમ તબક્કો ૯મી ડિસેમ્બર, ૨૦૦૧ના રોજ ઉજવાયો હતો. શ્રીરામકૃષ્ણ મઠ-મિશનના જનરલ સેક્રેટરી શ્રીમત્ સ્વામી સ્મરણાનંદજી મહારાજના અધ્યક્ષ સ્થાને તે દિવસે સાંજે વિશાળ સંખ્યામાં ઉપસ્થિત ભાવિકજનોની જાહેરસભા યોજાઈ હતી. આ જાહેરસભાના અતિથિવિશેષ સ્થાને કેન્દ્ર સરકારના ભારે ઉદ્યોગ વિભાગના રાજ્યકક્ષાના મંત્રીશ્રી ડો. વલ્લભભાઈ કથીરિયા હતા. આ પ્રસંગે શ્રીમત્ સ્વામી સ્મરણાનંદજી મહારાજના વરદ હસ્તે ‘સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા-સંચયન’ એ ગ્રંથની સસ્તા દરની આવૃત્તિનો વિમોચનવિધિ થયો હતો. આ પાવનકારી પ્રસંગે રામકૃષ્ણ મઠ-મિશનના આસિ. સેક્રેટરી શ્રીમત્ સ્વામી શ્રીકરાનંદજી મહારાજના વરદ હસ્તે શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટની ૧૯૨૭ – ૨૦૦૨ સુધીની વિવિધ રાહતસેવા પ્રવૃત્તિઓની સચિત્ર પુસ્તિકાનું વિમોચન થયું હતું. આ શુભ પ્રસંગે રામકૃષ્ણ વિવેકાનંદ સાહિત્યના ગુજરાતી પ્રકાશનમાં મહત્ત્વનું પ્રદાન કરનાર વિદ્વજ્જનોનું સન્માન શ્રીમત્ સ્વામી સ્મરણાનંદજી મહારાજના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.
પ્લેટિનમ જ્યુબિલીના મહોત્સવના બીજા તબક્કાનો ઉત્સવ ૧ થી ૫ મે, ૨૦૦૨ સુધી ઉજવવામાં આવ્યો હતો. ૧લી મેના રોજ વિવિધ ધર્મોની ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ ધર્મોના ધર્મગુરુઓ અને તજ્જ્ઞોનાં ‘ધર્મની વૈશ્વિકતા’ પર વક્તવ્યો હતાં. ૨જી મેના રોજ ‘વ્યક્તિત્વ વિકાસ’ પર એક યુવશિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. ૩જી અને ૪થી મેના રોજ ‘આવતીકાલના ઊભરતા ભાવિ ભારતનું નેતૃત્વ’ એ વિષય પર એક વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. પાંચેય દિવસ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ૨જી મેના રોજ નિકુંજ વિહારી રાસલીલા મંડળ ટ્રસ્ટ, વૃંદાવનના કલાકારોએ ‘કૃષ્ણલીલા’નું ભક્તિભાવભર્યું નિદર્શન કર્યું હતું. ૩જી મેના રોજ બાલ કલાકાર રજત પ્રસન્નાનો બાંસુરીવાદનનો કાર્યક્રમ ભાવિકજનોએ માણ્યો હતો. ૪થી મેના રોજ સ્થાનિક સ્કૂલોના બાળકો માટેની નાટ્યસ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. ૫ મેના રોજ ગુજરાતના શ્રેષ્ઠ ગાયક શ્રીહેમંત ચૌહાણના ભજનોનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટનું નવું મૂલ્યનિષ્ઠ કેળવણીનું કેન્દ્ર (૨૦૦૧)
૧૧મી ડિસેમ્બર, ૨૦૦૧ના રોજ રામકૃષ્ણ મઠ-મિશનના જનરલ સેક્રેટરી શ્રીમત્ સ્વામી સ્મરણાનંદજી મહારાજના વરદ હસ્તે સ્વામી વિવેકાનંદ ગુજરાત પરિભ્રમણ સ્મૃતિભવનમાં ઉપર્યુક્ત કેન્દ્રનું ઉદ્ઘાટન થયું હતું. ૧૯મી ડિસેમ્બર,૨૦૦૧ સુધીમાં ૧૫ શાળાઓના ૨૦૮૭ બાળકોએ આ કેન્દ્રની સેવાનો લાભ લીધો છે. સપ્તાહમાં બે વાર મૂલ્યનિષ્ઠ કેળવણીનું આયોજન થાય છે. ૧૬મી સપ્ટેમ્બર, ૨૦૦૨થી રામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા સ્વામી વિવેકાનંદના જીવનસંદેશની માહિતી આપતું ૪૦ પેનલવાળું ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં ‘ઊઠો! જાગો!’નું પ્રદર્શન શરૂ થયું છે. નવેમ્બર ૨૦૦૨ સુધીમાં ૧૬ શાળા-મહાશાળાનાં ૧૨,૫૦૦ વિદ્યાર્થી ભાઈ-બહેનોએ આ પ્રદર્શનનો લાભ લીધો છે.
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટનાં વિવિધ પ્રકાશનો (૧૯૯૫-૨૦૦૨)
૧૯૯૫ થી ૨૦૦૨ સુધીના આઠ વર્ષના સમયગાળામાં શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના પ્રકાશન વિભાગ દ્વારા અનેક નવા શીર્ષક હેઠળ ગ્રંથો બહાર પડ્યા છે. આવા સદ્ગ્રંથોમાં શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી, સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા-સંચયન, વ્યક્તિત્વ વિકાસ, ઊઠો! જાગો!, આધ્યાત્મિક સાધના, ઇચ્છાશક્તિ અને તેનો વિકાસ, ચરિત્રનિર્માણ કેવી રીતે કરવું?, સ્વામી વિવેકાનંદના અગ્નિમંત્ર, આધ્યાત્મિક જીવનનો મર્મ, ભારતમાં શક્તિપૂજા, વેદાંત અને માનવજાતિનું ભાવિ મનની શક્તિ, આત્મવિકાસ, વિદ્યાર્થીને પત્ર, અમૃતના પંથે, વિજ્ઞાન અને આધ્યાત્મિકતા, હિંદુધર્મ વિશે પ્રશ્નોત્તરી, ઉપનિષદોનાં આકર્ષણ અને શક્તિ, વ્યવહારુ વેદાંત અને મૂલ્યોનું વિજ્ઞાન, શ્રી શ્રીમાતૃચરણે, પથદર્શક પયગંબર સ્વામી વિવેકાનંદ, સહુના સ્વામી વિવેકાનંદ, અમરભારત, શ્રીકૃષ્ણની વાણી, શ્રીબુદ્ધની વાણી, શ્રીરામની વાણી, શ્રીઈશુની વાણી, શ્રીમહાવીરની વાણી, શ્રીશંકરાચાર્યની વાણી, શ્રીરામકૃષ્ણ સચિત્ર જીવનકથા, શ્રીમા શારદાદેવી સચિત્ર જીવનકથા, સ્વામી વિવેકાનંદ સચિત્ર જીવનકથા, વગેરેનો સમાવેશ થાય છે. અંગ્રેજી પ્રકાશનોમાં ‘Swami Vivekananda – Prophet and Path-finder, Indian Ethos for Management, Value Education, Swami Vivekananda Epoch-maker Spiritual Leader’ જેવાં પુસ્તકો ઉલ્લેખનીય છે. ડિસેમ્બર ૨૦૦૨ સુધીમાં ૧૩૦ જેટલાં શીર્ષકવાળાં નવાં પ્રકાશનો બહાર પડી ચૂક્યાં છે.
Your Content Goes Here




