સ્વામી વિવેકાનંદ ગુજરાતમાં

સ્વામી વિવેકાનંદ અને એમના ઘણાખરા ગુરુબંધુઓએ પોતાના ભારતભ્રમણના કાળ દરમિયાન ભારતના પશ્ચિમ ભાગમાં પણ પ્રવાસ કર્યો હતો. સને ૧૮૯૧ થી ૧૮૯૨ સુધીમાં સ્વામીજી ગુજરાતમાં અમદાવાદ, વઢવાણ, લીંબડી, ભાવનગર, શિહોર, ગિરનાર, જૂનાગઢ, ભુજ, પોરબંદર, માંડવી, નારાયણ સરોવર, પાલિતાણા, વડોદરા, વગેરે અનેક સ્થળોની મુલાકાત લઈ ચૂક્યા હતા. જૂનાગઢના દીવાન શ્રી હરિદાસ બિહારીદાસ દેસાઈ, પોરબંદરના દીવાન શ્રી શંકર પાંડુરંગ, અમદાવાદના વિખ્યાત આગેવાન નાગરિક શ્રી લાલશંકર ઉમિયાશંકર, વડોદરાના દીવાન શ્રી મણિભાઈ, વગેરે મહાનુભાવોના તેઓ અતિથિ બન્યા હતા. પોરબંદરમાં એમણે વેદોનું તેમ જ પાણિની વ્યાકરણ અને પતંજલિના મહાભાષ્યનું અધ્યયન અને અધ્યાપન કર્યું.

પોરબંદર રાજ્યના એડમિનિસ્ટ્રેટર શ્રી શંકર પાંડુરંગ પંડિતની સૂચનાથી એમણે ફ્રેંચ ભાષા પણ શીખી લીધી. સ્વામીજીના આ વિદ્વાન યજમાનનો અભિપ્રાય એવો થયો કે સ્વામીજીના જ્ઞાનની કદર પશ્ચિમના દેશોમાં થશે, એટલે એમણે ત્યાંના પ્રવાસે જવું જોઈએ. દેખીતું છે કે સૌરાષ્ટ્રના આ દીર્ઘ નિવાસ દરમિયાન સ્વામીજીએ અન્ય અનેક સ્થળોની પણ મુલાકાત અવશ્ય લીધી હશે. લીંબડીના મહારાજા અને કચ્છના મહારાજા એમના શિષ્યો હતા.

કાર્યનો આરંભ

સને ૧૯૨૬માં સંસ્થાના વડા મથકના મુખ્ય વ્યવસ્થાપકોમાંના એક જે પછીથી શ્રીરામકૃષ્ણ મઠ અને મિશનના નવમા પરમાધ્યક્ષપદે આવ્યા હતા તે સ્વામી માધવાનંદજી મહારાજે રાજકોટની મુલાકાત લીધી. એ વખતે અહીંના અગ્રણી નાગરિકો એમને મળ્યા અને રાજકોટ ખાતે એક કેન્દ્રની સ્થાપના કરવાની વાત એમની સમક્ષ મૂકી. પરિણામે સને ૧૯૨૭માં મોરબીના મહારાજ શ્રી લખધીરજીની ઉદાર સખાવતના પ્રતાપે રાજકોટમાં આવેલા મોરબી ઉતારાના મકાનમાં શ્રીરામકૃષ્ણ આશ્રમનો પ્રારંભ થયો. સમય જતાં રાજકોટના ઠાકોરસાહેબ શ્રી ધર્મેન્દ્રસિંહજીએ પ્રતીક મૂલ્ય લઈને આશ્રમનું કાયમી નિવાસસ્થાન બનાવવા માટે જમીનનો પ્લોટ આપવાનું સૌજન્ય દાખવ્યું. આજે આ પ્લોટ ઉપર આશ્રમનાં મકાનો ઊભાં છે. સને ૧૯૩૪માં અત્યારના મકાનમાં આશ્રમનું સ્થળાંતર કરવામાં આવ્યું.

આપણા દેશનો આ ભાગ સ્વામી બ્રહ્માનંદજી, સ્વામી તુરીયાનંદજી, સ્વામી શારદાનંદજી, સ્વામી અભેદાનંદજી, સ્વામી અદ્વૈતાનંદજી, સ્વામી ત્રિગુણાતીતાનંદજી, સ્વામી સુબોધાનંદજી, સ્વામી અખંડાનંદજી, સ્વામી વિજ્ઞાનાનંદજી – એ સૌ વિવેકાનંદના ગુરુભાઈઓનાં પગલાંથી ધન્ય થયો છે. ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વ્યાપકપણે ભ્રમણ કરવા ઉપરાંત સ્વામી અખંડાનંદજી મહારાજ તો જામનગરમાં લગભગ એક વર્ષ સુધી રોકાયા હતા.

સંચાલન

શ્રીરામકૃષ્ણ મઠ, પો. બેલુર મઠ (જિ. હાવડા) પશ્ચિમ બંગાળની મુખ્ય શાખાના ટ્રસ્ટીઓ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટની શાખાના ટ્રસ્ટીઓ છે અને મઠના વડા મથકની સલાહસૂચના પ્રમાણે રાજકોટની શાખાનાં કારભાર, વ્યવસ્થા અને સંચાલન થાય છે. બેલુર મઠના ટ્રસ્ટીઓની એક સમિતિ આ સંસ્થાના અધ્યક્ષની નિમણૂક કરે છે અને તે કેન્દ્રની બધી પ્રવૃત્તિઓનું સંચાલન કરે છે. બેલુર મઠના વડા મથકના ટ્રસ્ટીઓ એક સ્થાનિક સલાહકાર સમિતિ નીમે છે. રાજકોટ કેન્દ્રના વાર્ષિક અહેવાલો યોગ્ય લાયકાત ધરાવતા ઑડિટર પાસે ઑડિટ કરાવીને દર વર્ષે શ્રીરામકૃષ્ણ મઠના વડા મથકે મોકલવામાં આવે છે. મુખ્ય મથકમાં બધી શાખાઓના એકત્રિત કરેલા હિસાબો સાથે રાજકોટ આશ્રમના હિસાબો રાખવામાં આવે છે.

પ્રવૃત્તિઓની આજ

(૧) શ્રીમંદિરમાં સેવાઓ : ૧૯૭૯માં બંધાયેલા આશ્રમના મંદિરમાં નિયમિત પૂજા, પાઠ, આરતી, પ્રાર્થના, પ્રસંગોપાત વિશેષ પૂજાઓ અને હવનો – આ બધું થાય છે. ધ્યાન, ભજન, ધાર્મિક ચર્ચા-પ્રવચન, પ્રાર્થના અને ભિન્ન-ભિન્ન ધર્મના સ્થાપકોની જન્મજયંતીની ઉજવણી દ્વારા આ રામકૃષ્ણ મંદિર સર્વ ધર્મના ભાવિકો માટે, સત્યશોધકો માટે પ્રેરણાસ્રોત બની ગયું છે.

(૨) ધર્મપ્રચાર : દર શનિવારે અને રવિવારે પ્રવચનોનો ક્રમ પણ અહીં નિયમિત રીતે જાળવવામાં આવે છે. ઉત્સવોની ખાસ ઉજવણીઓમાં મોટી સંખ્યામાં લોકો ભાગ લે છે અને આમંત્રિત વ્યાખ્યાનકારોનાં ભક્તિ અને જ્ઞાનરસથી છલકતાં વ્યાખ્યાનો સાંભળીને કૃતાર્થ થાય છે. આ આશ્રમના સાધુઓ લોકોને રાષ્ટ્રના સાંસ્કૃતિક, ધાર્મિક અને આધ્યાત્મિક આદર્શોનો બોધ આપવા માટે અનેક વાર દૂર દૂરના ગ્રામપ્રદેશમાં ભ્રમણ કરે છે. અમદાવાદ, ગાંધીનગર, આણંદ, વડોદરા, ઝઘડીઆ, જામનગર, જૂનાગઢ, ભાવનગર, પોરબંદર, મીઠાપુર, ભૂજ, ડભઉ, દાહોદ, લીંબડી, આદિપુર, વગેરે વિસ્તારો અને શહેરો આ પ્રવચનકાર્યમાં આવરી લેવાયાં છે.

(૩) સાહિત્ય પ્રકાશન : પ્રકાશન વિભાગ દ્વાશ ગુજરાતીભાષી વાંચકો માટે શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ સાહિત્ય વિષેનાં પ્રકાશનો પ્રગટ થયાં છે. એપ્રિલ ‘૮૯થી ગુજરાતી માસિક ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’નું પ્રકાશન શરૂ થયું છે.

પ્રકાશનવિભાગ તરફથી પુસ્તકોનાં વેચાણનું નિયમિત આયોજન કરવામાં આવ્યું છે. તેમાં ગુજરાતી, હિન્દી તેમ જ અંગ્રેજીમાં પ્રસિદ્ધ થયેલાં શ્રીરામકૃષ્ણદેવ, શ્રીમા શારદાદેવી, સ્વામી વિવેકાનંદ તેમ જ વેદાંતને લગતાં પુસ્તકો તથા ચિત્રો, છબીઓ વગેરેનું વેચાણ થાય છે. વિદ્યાર્થીઓ, શાળાઓ, કૉલેજ તેમ જ પુસ્તકાલયોને વિશેષ વળતરથી ગુજરાતી પ્રકાશનો આપવામાં આવે છે, આશ્રમના પ્રકાશન વિભાગ તરફથી સ્થાનિક મેળાઓમાં જનતા માટે ખાસ ઘટાડેલા દરે પુસ્તકોનું વેચાણ કરવામાં આવે છે.

(૪) તબીબી સેવા : આશ્રમની પ્રગતિનો એ એક અગત્યનો વિભાગ છે. હોમિયોપથી અને આયુર્વેદિક દવાખાનામાં આઉટડોર વિભાગો સાર્વજનિક રીતે સૌને વિનામૂલ્યે સેવા આપે છે અને એ દ્વારા ગરીબ વર્ગની મોટી સેવા થાય છે.

(૫) વિદ્યાર્થીમંદિર : લગભગ ૭૫ વિદ્યાર્થીઓની સગવડ સાચવતું એક વિદ્યાર્થીમંદિર ગુરુકુળપ્રથા પ્રમાણે ચલાવવામાં આવે છે. નાતજાત કે સંપ્રદાયના ભેદભાવ વિના એમાં પ્રવેશ અપાય છે. સ્વચ્છ, સુઘડ ગણવેશ પહેરીને બધા વિદ્યાર્થીઓ ભ્રાતૃભાવનાથી અહીં રહે છે. વિદ્યાર્થીઓનો મોટો ભાગ ગ્રામવિસ્તારમાંથી આવે છે. આશ્રમજીવન જીવતા આ વિદ્યાર્થીઓના સર્વાંગી શારીરિક, માનસિક, નૈતિક અને આધ્યાત્મિક વિકાસ માટે ખાસ કાળજી લેવામાં આવે છે. સ્વાશ્રયની કેળવણી અને શિસ્ત એ વિદ્યાર્થીમંદિરનાં આગવાં લક્ષણો છે. અભ્યાસમાં તેજસ્વી પરંતુ આર્થિક રીતે અસમર્થ એવા કેટલાક વિદ્યાર્થીઓને અહીં કશી ફી લીધા વિના અથવા ઓછી ફી લઈને રાખવામાં આવે છે. કોઈ પણ પ્રકારનો જાતિભેદ રાખ્યા વિના કેવળ ગુણવત્તા પ્રમાણે વિદ્યાર્થીને અહીં લઘુવેતન આપવાની પણ વ્યવસ્થા છે.

અનેકવિધ રચનાત્મક પ્રવૃત્તિઓનું આયોજન કરીને આશ્રમ યુવાન વિદ્યાર્થીઓના ઊછળતા શક્તિસ્રોતને સુયોગ્ય દિશામાં વાળવાનો વિનમ્ર પ્રયાસ કરે છે. આ વિદ્યાર્થીઓનું ચારિત્ર્યઘડતર થાય, તેઓ સાચા અર્થમાં મનુષ્ય બને, ભારતીય સંસ્કૃતિના આદર્શોને જીવનમાં ઉતારે અને સમય જતાં સમજુ-શાણા નાગરિકો તરીકે દેશની શાન જાળવે, તેવી રીતે તેમને કેળવવાનો પ્રયાસ અહીં કરવામાં આવે છે.

(૬) ગ્રંથાલય અને વાચનાલય : સ્થાનિક જનતાના લાભાર્થે એક સુસજ્જ ગ્રંથાલય અને નિ:શુલ્ક વાંચનાલય ચાલે છે. બંનેની સુવિધાઓમાં પ્રતિવર્ષ વૃદ્ધિ થતી રહે છે. અત્યારે લગભગ ૨૫૦૦ સભ્યો આ સેવાનો લાભ ઉઠાવી રહ્યા છે. પુસ્તકાલયમાં લગભગ ૩૧,૦૦૦ પુસ્તકો ઉપલબ્ધ છે. ૧૧૩ સામયિકો અને ૧૮ દૈનિકપત્રો વાચનાલયમાં નિયમિત આવે છે.

શહેરનાં બાળકો માટે એક સુંદર અને સુઘડ બાળવાચનાલયે પણ સારું આકર્ષણ જમાવ્યું છે. પુસ્તકાલયમાં સંદર્ભગ્રંથોનો એક મૂલ્યવાન વિભાગ રાખવામાં આવેલ છે.

(૭) યુવાનો તથા વિદ્યાર્થીઓ માટે અન્ય શૈક્ષણિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ :

(અ) સ્વામી વિવેકાનંદ શતાબ્દી સ્મારક નિબંધસ્પર્ધા તેમ જ વકતૃત્વ સ્પર્ધાઓ :

યુવા વિદ્યાર્થીઓ માટે એક વિશિષ્ટ પ્રવૃત્તિરૂપે ગુજરાત રાજ્યની તમામ યુનિવર્સિટીઓ, કૉલેજ, શાળાના વિદ્યાર્થીઓ માટે નિબંધસ્પર્ધાનું આયોજન દર વર્ષે થાય છે. આ ઉપરાંત મુખપાઠ અને વકતૃત્વસ્પર્ધાઓ પણ યોજાય છે. આ સ્પર્ધાઓમાં વિવિધ કક્ષાના વિદ્યાર્થીઓ માટે તેમની કક્ષાનુરૂપ વિષયો પસંદ કરવામાં આવે છે. આ સ્પર્ધાઓ દ્વારા નીતિધર્મનાં મૂલ્યો તરફ વિદ્યાર્થીઓની સાચી દૃષ્ટિ કેળવવામાં આવે છે. પારિતોષિક વિજેતાઓને આકર્ષક ઈનામો આપવામાં આવે છે.

૭ (બ) રાષ્ટ્રીય યુવા – દિન, ૧૨મી જાન્યુઆરી : સ્વામી વિવેકાનંદ જયંતી

૧૯૮૫થી ભારત સરકારે સ્વામી વિવેકાનંદના જન્મદિન ૧૨મી જાન્યુઆરીને ‘રાષ્ટ્રીય યુવાદિન’ તરીકે ઊજવવાની ઘોષણા કરી છે ત્યારથી આ દિવસને રાષ્ટ્રીય યુવાદિન તરીકે સમગ્ર રાષ્ટ્ર ઊજવે છે. કારણ કે સ્વામી વિવેકાનંદનો જીવનસંદેશ અને જે આદર્શ માટે તેઓ જીવ્યા અને તે પ્રમાણે કાર્ય કર્યું તે આદર્શો અને સંદેશ ભારતીય યુવાનો માટે પ્રેરણાસ્રોત બની રહે તેમ છે. આ પ્રસંગને અનુરૂપ આ યુવાદિનની ઉજવણી દર વર્ષે થાય છે.

Total Views: 390

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.