સ્વામી પૂર્ણાત્માનંદ દ્વારા સંકલિત મૂળ બંગાળી પુસ્તક ‘યુગજનની સારદા’માંથી કેટલાક અંશો શ્રીમા સારદાદેવી જન્મજયંતી મહોત્સવના ઉપક્રમે પ્રાસંગિક લેખ રૂપે પ્રસ્તુત છે. – સં.
સ્વામી બ્રહ્માનંદ
માતા ઠાકુરાણી (શ્રીમા સારદાદેવી) ગયા ધામ માટે સત્વરે જવાનાં છે, એવું લખ્યું છે. અને ગયા ધામથી પાછા આવીને તેઓ બેલૂર મઠમાં રહેશે. શ્રીશ્રીમા પ્રત્યે નિરંજનની અત્યંત ભક્તિ અને શ્રદ્ધા; અને આપણે બધાએ પણ એમની સેવા કરવી, શ્રી શ્રીમાને ક્યાંય મુશ્કેલી ન પડે તે જોવું. મારું એટલું દુર્ભાગ્ય છે કે એમની હું કંઈ સેવા ચાકરી કરી ન શક્યો. તેમનો આપણા પર સ્વાભાવિક સ્નેહ છે. માતા ઠાકુરાણી ગંગાસ્નાન કરશે અને ગંગાતીરે રહેશે એવી મારી અત્યંત ઇચ્છા છે. નિરંજન આમાં કંઈ પોતાની અતિભક્તિને લીધે કંઈ આડુંઅવડું ન કરે, એવું હું ઇચ્છું છું. કારણ કે શ્રીશ્રીમાને આવું પસંદ નથી. એમનાં શ્રીચરણે મારા અનેક પ્રમાણ પાઠવજો અને કહેજો કે એમનાં શ્રીચરણમાં મારી અચલ ભક્તિ થાય એવા મને તેઓ આશીર્વાદ પાઠવે.
(બલરામ બસુને લખેલ પત્ર : ૨૯ માર્ચ, ૧૮૯૦)
ગોલાપ મા : રાખાલ, મા પૂછે છે કે પહેલાં શક્તિપૂજા શા માટે કરે છે?
રાખાલ મહારાજ : મા પાસે તો બ્રહ્મજ્ઞાનની ચાવી છે. મા કૃપા કરીને ચાવીથી દરવાજો ન ખોલે તો બીજો કોઈ ઉપાય રહેતો નથી.
(શ્રીમા સારદાદેવી, ચતુર્થ સંકલન, પૃ.૩૪૮-૪૯)
સ્વામી પ્રેમાનંદ
તમે શ્રીશ્રી માતા ઠાકુરાણીના ચરિત્રનું અનુકરણ કરો. તેઓ તો અત્યારે જ જીવંત છે. તમને પણ એમની કૃપા મળી છે, એમનાં દર્શન થયાં છે આ શું કંઈ ઓછા નસીબની વાત કહેવાય! આ તો સાક્ષાત્ જગદંબાની કૃપા. છબિમાં તો મા કેટકેટલાં સ્થાને ભોગ-નૈવેદ્ય આરોગી રહ્યાં છે, પરંતુ પોતાના અસ્વસ્થ દેહ માટે પણ કોઈની સેવા નથી લેતાં. પરિચિત હોય કે અપરિચિત હોય, એવા કોઈ પણ જયરામવાટી એમની પાસે જાય તેની કેટકેટલા જતનથી કેવી સેવા કરે છે! જયરામવાટીમાં પોતે જ રાંધે છે, પાણી ભરે છે; અને વળી ભક્તલોકોને ક્યાંથી સારું દૂધ, સારું અનાજ મળી રહે તે માટે ફરે! એક એક માઈલ સુધી શોધીને મા પોતે જ લઈને આવે છે! ભક્તો તો પ્રસાદ લઈને ચાલ્યા જાય, અને જયરામવાટીમાં વાસણ માંજવા માટે કોઈ નોકર-ચાકર નથી. પણ શ્રી શ્રીમાને એની કંઈ ચિંતા નથી, શ્રીમા એ બધું છાનાંમાનાં કોઈને ખબર ન પડે એ રીતે એંઠુંજૂઠું સાફસૂફ કરે છે.
(‘પ્રેમાનંદ’, પ્રથમ ભાગ, દ્વિતીય સંકલન, પૃ.૭૯-૮૦)
શ્રી શ્રીમાને કોણ સમજ્યું છે અને કોણ સમજી શકે? તમે તો સીતા, સાવિત્રી, વિષ્ણુપ્રિયા, શ્રીમતી રાધારાણી આ બધાંની કથાવાર્તા સાંભળી છે. માનું સ્થાન તો આ બધાં કરતાં પણ ઊંચું. ઐશ્વર્ય તો લેશમાત્ર નહિ. શ્રીઠાકુરની પાસે તો ઓછામાં ઓછું વિદ્યાનું ઐશ્વર્ય તો હતું ને! એમના ભાવસમાધિ વગેરે અમે લોકોએ કેટલું બધું જોયું છે! અને બીજા લોકોએ પણ જોયું છે. પરંતુ માનું વિદ્યાનું ઐશ્વર્ય ગુપ્ત! આ શી મહાશક્તિ! જય મા! જય મા!! જય શક્તિમયી મા!!! જુઓ છો ને કેટલા લોકો દોડતા આવે છે! જે વિષ અમે પચાવી શકતા નથી, એ બધાને (દીક્ષાર્થીને) તો અમે મા પાસે મોકલી દઈએ છીએ. મા તો બધાંને પોતાની ગોદમાં લે છે – અનંત શક્તિ. અપાર કરુણા! જય મા! અમારી વાત શું કરો છો? સ્વયં ઠાકુરને પણ અમે આવું કરતાં જોયા નથી. ઠાકુરજી તો કેટલા ટકોરા મારીને, તારવીને લોકોને આશ્રય દેતા હતા અને માને ત્યાં તો આપણે શું જોઈએ છીએ! અદ્ભુત! અદ્ભુત! બધાંને આશ્રય આપે છે અને બધું પચાવી પણ લે છે. મા, મા! જય મા!! (સ્વામી પ્રેમાનંદેર પત્રાવલિ, પૃ.૧૩૧-૩૨)
શ્રીશ્રીમાના આદેશનું પાલન એ જ અમારું ધર્મકાર્ય. અમે તો યંત્ર, તેઓ યંત્રી. જેને જેને જે કહે તે તે કરવા બંધાયેલ છે.
(સ્વામી પ્રેમાનંદેર પત્રાવલિ, પૃ.૧૦૪)
તમને જે અમારાં પરમ આરાધ્યા શ્રીશ્રી માતા ઠાકુરાણીની કૃપા મળી છે, એ કંઈ સામાન્ય સદ્ભાગ્યની વાત નથી. આટલું ચોક્કસ જાણજો કે તમારા કોટિ કોટિ જન્મની તપશ્ચર્યાના ફળ રૂપે શ્રી શ્રીમાનાં દર્શન તમને થયાં છે. લોઢું તો એક જ વખત પારસમણિને સ્પર્શીને સોનું થઈ જાય. તમને ખબર હોય કે ન હોય, પારસમણિ રૂપ શ્રીશ્રીમાનાં ચરણકમળના સ્પર્શથી તમારાં દેહમન રૂપ લોઢું સોનું (બને છે) એટલે કે ભોગ-આસક્તિનો ત્યાગ કરીને યોગભક્તિ પ્રાપ્ત કરવા માટેના તમે અનુરાગી બની ગયા છો. મનુષ્ય જન્મ સફળ કર્યો છે. વિશ્વાસ કરો કે ન કરો, શ્રીશ્રીમા મનુષ્યદેહધારિણી હોવા છતાં પણ એમનો દેહ અપ્રાકૃત ભાગવતીતનુ છે. જીવના કલ્યાણ માટે મનુષ્યની જેમ લીલા કરે છે. જ્યારે તમારા પર એમની કૃપા દૃષ્ટિ થઈ ત્યારે જ તમારી શિક્ષાદીક્ષા બધું થઈ ગયું છે, એવું મારા મનમાં થાય છે. (સ્વામી પ્રેમાનંદેર પત્રાવલિ, પૃ.૭૩)
તમે તો એમનાં દર્શન કરીને પાછા આવ્યા છો. રાજરાજેશ્વરી સ્વયં ઇચ્છા કરીને એક નોકરાણીની જેમ ઘર સાફ કરે છે, વાસણ માંજે છે, ચોખા વગેરે સાફ કરે છે, અરે! ભક્તોનું એંઠુંજૂઠું પણ સાફ કરે છે! મા જયરામવાટીમાં રહીને આટલું કષ્ટ સહન કરે છે તે બધું ગૃહસ્થીઓને ગૃહસ્થધર્મ શીખવવા માટે. અસીમ ધૈર્ય, અમાપ કરુણા, સર્વોપરિ અને સાવ અભિમાનરહિત.
(સ્વામી પ્રેમાનંદેર પત્રાવલિ, પૃ.૧૩૨-૩૩)
સ્વામી સારદાનંદ
અમને તો તમે જુઓ છો ને! પાનમાં ચૂનો ઓછો થાય ત્યાં તો આપણે લાલચોળ! પરંતુ મા તરફ જુઓ. એમના ભાઈઓ કેવાં કેવાં કર્મ કરે છે! છતાં પણ તેઓ તો જેવાં છે એવાં જ ધીર સ્થિર.
(શ્રીમા સારદાદેવી, ચતુર્થ સંસ્કરણ, પૃ.૨૯૮)
સ્વામી સારદાનંદ (એક ભક્તને) : આટલા મોટા પ્રણામ કરો છો, એનો અર્થ શું છે એ કહો તો?
ભક્ત : આ શું મહારાજ! આપને પ્રણામ ન કરીએ તો કોને કરીએ?
સ્વામી સારદાનંદ : તમે જેમની કૃપા મેળવી છે, હું પણ એમનું (શ્રીશ્રીમાનું) મુખ જોઈને બેઠો છું. તેઓ ધારે તો અત્યારે જ તમને મારા આસને બેસાડી શકે.
(શ્રીમા સારદાદેવી, ચતુર્થ સંસ્કરણ, પૃ.૩૦૪)
એક ભાઈ : મહારાજ, આટલા દિવસ મા અને તમારી સાથે રહ્યો, પણ માને હું કંઈ સમજી જાણી શક્યો નહિ, એમ કેમ?
સ્વામી સારદાનંદ : માને આપણે કેવી રીતે સમજી શકીએ! પણ હું એક વાત કહી શકું કે મેં આટલું બધું વિશાળ મન ક્યાંય જોયું નથી અને જોઈશ પણ નહિ. માનો મહિમા અને માની શક્તિ કેટલી! અમારી એવી કઈ શક્તિ છે કે એમને સમજી શકીએ! આવી આસક્તિયે જોઈ નથી અને આવો વૈરાગ્ય પણ જોયો નથી! એક બાજુ ‘રાધુ, રાધુ’ કરીને સાવ ચંચળ! પરંતુ અંતકાળે કહ્યું – ‘આને મોકલી દો!’ મેં માને કહ્યું: ‘મા, હમણાં તો તમે રાધુને મોકલી દેવાની વાત કરો છો, પરંતુ પછી એને જોવા ઇચ્છશો ત્યારે શું થશે?’ માએ કહ્યું: ‘ના, હવે મારું એના પર જરાય મન નથી.’
આવી રીતે શ્રીશ્રીમાની વાત કહેતાં કહેતાં મહારાજ જાણે કે તન્મય બની ગયા અને મનમાં ને મનમાં એક ગીત ઉપાડ્યું:
તારો રંગ જોઈને ઓ રંગમયી બન્યા અવાક્ અમે!
હસશું કે રડશું એ બધું બેસીને વિચારીએ છીએ અમે!
વિચિત્ર ભવની રમતમાં તું ભાંગે અને ઘડે બે વેળા!
અમે સમજ્યા જાણે કે આ તો છે છોકરાના ખેલા!
આટલા સમય સુધી અમે હતા તવ પાસ,
આટલું ભમ્યા પાછળ પાછળ તારી,
કંઈ જાણ્યા વિના હાથ જોડી તવ સામે ગયા હારી.
(શ્રીશ્રીસારદાનંદ પ્રસંગ, પૃ.૨૮-૩૦)
ભક્ત : મહારાજ, ઠાકુર અવતાર છે એ તો એમનો દિવ્યભાવ જોઈને અમે વિશ્વાસ કરી શકીએ. પરંતુ મા સાક્ષાત્ ભગવતી છે એ વાત મનમાં કેમ આવતી નથી?
સ્વામી સારદાનંદ : ઠાકુરને ભગવાન માનીને વિશ્વાસ કરી શકો છો તો આ સંદેહ તમારા મનમાં આવ્યો ક્યાંથી?
ભક્ત : મારો આ સંદેહ કેમેય દૂર થતો નથી.
સ્વામી સારદાનંદ : તો એનો અર્થ એવો થયો કે ઠાકુરને અવતાર ગણો છો એવી તમારી ધારણા સાચી નથી થઈ.
ભક્ત (વિનીતભાવે) : ના, મહારાજ. ઠાકુર પર તો અમારી શ્રદ્ધા છે જ.
સ્વામી સારદાનંદ (દૃઢતાથી) : એટલે કે તમારો વિશ્વાસ છે કે ભગવાને કોઈ છાણાં વીણનારની છોકરી સાથે લગ્ન કરી લીધાં છે?
(ઉદ્બોધનમાં એક દિવસની વાત, ૧૯૨૨)
સ્વામી શિવાનંદ
તેઓ કોણ હતાં એ વિશે તો માત્ર ઠાકુર જ જાણતા હતા, અને સ્વામીજી થોડુંઘણું જાણતા હતા. સ્વામીજી ક્યારેક ક્યારેક આમ કહેતા: ‘મા તો ઠાકુરથી પણ મહાન.’ આટલી ગહન શ્રદ્ધા હતી એમની શ્રીશ્રી મા પર. ઠાકુરે કહ્યું હતું: ‘નોબતખાનામાં છે, તે કોઈ પણ કારણે કોઈના પર પણ નારાજ થાય તો તેની રક્ષા કરવી મારા માટે પણ શક્ય નથી.’ મા તો બધાંનાં મા હતાં. એમનામાં કેટલી દયા, કેટલી ક્ષમા! અને કેટલી અદ્ભુત સહિષ્ણુતા! શ્રીશ્રીમાને અમે લોકો પણ કેટલું સમજ્યા છીએ? એટલે જ એમણે કૃપા કરીને આટલું સમજાવી દીધું છે કે તેઓ સાક્ષાત્ જગન્માતા. એમનું સ્વરૂપ કેવું છે એ પોતે કૃપા કરીને ન સમજાવે તો એ સમજવાનો કોઈ ઉપાય નથી.
(મહાપુરુષ શિવાનંદ, ચતુર્થ સંસ્કરણ,પૃ.૧૩૪)
મા, મા, મહામાયા! જય મા, જય મા! અમને બધાને ભક્તિ, વિશ્વાસ, જ્ઞાન, વિવેક, અનુરાગ, ધ્યાન, સમાધિ વગેરે આપો. શ્રીઠાકુરના આ સંઘનું કલ્યાણ કરો. સમગ્ર જગતનું પણ કલ્યાણ કરો, જગતમાં શાંતિ સ્થાપો. અમારામાં ભક્તિ નથી, એટલે આ પુણ્યદિનનું સાચું અને પૂરેપૂરું માહાત્મ્ય અમે જાણતા નથી.
આજે શું કંઈ જેવો તેવો દિવસ છે! મહામાયાનો જન્મદિવસ! જીવજગતનું કલ્યાણ કરવા સ્વયં મહામાયાએ આજે જન્મ લીધો હતો. માનવલીલા સમજવી ઘણી કઠિન. તેઓ કૃપા કરીને જો ન સમજાવે તો કેવી રીતે સમજાય? કેવા સાધારણભાવે તેઓ રહેતાં હતાં! અમે લોકો એમને કેવી રીતે સમજી શકીએ? એકમાત્ર ઠાકુર જ માને ઠીક ઠીક જાણી શક્યા હતા. અમારાં માનું નામ સારદા. એ મા પોતે જ સરસ્વતી, તેઓ કૃપા કરીને જ્ઞાન આપે – જ્ઞાન એટલે ઈશ્વરને જાણવા, એ જ્ઞાન થાય પછી પાકી ભક્તિ સંભવ બને. જ્ઞાન ન હોય તો ભક્તિ ન થાય. શુદ્ધ જ્ઞાન અને શુદ્ધાભક્તિ એક જ વસ્તુ, માની કૃપા થાય તો જ એ થવાનો સંભવ. મા જ જ્ઞાનદાતા.
(એજન, શ્રીશ્રીમા જન્મદિને ઉક્તિ, પૃ.૧૩૫)
તમે મહાભાગ્યશાળી કે શ્રીશ્રીમાની કૃપા પામ્યા. તમારે હવે ચિંતા કરવાની શી જરૂર! શ્રીશ્રીમા એ કંઈ સાવ સાધારણ મા? જગતના કલ્યાણાર્થે, જીવોને મુક્તિ આપવા સ્વયં જગજ્જનની લીલાદેહ ધારણ કરીને આવ્યાં હતાં. જરૂર છે ભાઈ, આંતરિકભાવની.
મા અંતર્યામિની, તેઓ તો કંઈ સમય-બમય જોતાં નથી, તેઓ તો પ્રાણ જુએ છે.
(શિવાનંદવાણી,ભાગ-૧, પૃ.૧૫૧-૫૨)
તેઓ આપણાં સૌનાં મા, સાક્ષાત્ જગજ્જનની! ઠાકુરજીની લીલાની પુષ્ટિ કરવા માટે માનવદેહ ધારણ કર્યો હતો. એમની ઉપસ્થિતિથી જ જગત ધન્ય થઈ રહ્યું છે. અમે કોઈ માને સમજી ન શક્યા! એમનો ભાવ એટલો અંતર્ગામી, એમને કોણ સમજે? તેઓ પોતે જ પોતાનું સ્વરૂપ કોઈને જાણવા નથી દેતાં. સાધારણ ગૃહસ્થની કન્યાની જેમ રહે છે. બધાં કામકાજ કરે છે, ભક્તસેવા પણ કરે છે. કોણ એમને સાક્ષાત્ ભગવતી કહેશે! શ્રીશ્રીમાને પ્રણામ કરીને એમની પાસે ખૂબ ભક્તિ અને શ્રદ્ધાની પ્રાર્થના કરવી. તેઓ પ્રસન્ન થાય તો જીવની ભક્તિ અને મુક્તિ એ બધું થઈ જાય.
(શિવાનંદવાણી,ભાગ-૨, પૃ.૭-૮)
માતા ઠાકુરાણીનું જીવન વાંચ્યું છે! આ યુગમાં સમગ્ર નારી જાતિનો આદર્શ બન્યાં છે તેઓ. તેમનું જીવન અત્યંત અદ્ભુત! માનવદેહ ધારણ કરીને સાધારણ ગૃહસ્થની વધૂની જેમ રહેતાં હતાં. પરંતુ તેઓ તો હતાં સાક્ષાત્ આદ્યાશક્તિ, જગજ્જનની.
ઠાકુરના યુગધર્મની સંસ્થાપનરૂપ નરલીલાને પૂર્ણ કરવા માટે તેઓ જગતમાં અવતર્યાં છે. એમને સામાન્ય માણસ કેવી રીતે સમજી શકે? અમે પણ પહેલાં પહેલાં તો એમને કંઈ સમજ્યા ન હતા. પોતાના ઈશભાવને એટલો ગોપવીને રાખતાં કે એમને સમજવાની એકેય તક ન મળતી.
જગતના અખિલ નારીજાતિને જગાડવા માટે મા માનવદેહે અવતર્યાં હતાં. જુઓ તો ખરા! એમના આગમન પછીથી બધા દેશોમાં નારી જાતિની ભીતર કેવું અદ્ભુત જાગરણ શરૂ થઈ ગયું હતું!
હવે નારીઓ પોતાના જીવનને સર્વાંગ સુંદર બનાવવા માટે અને બધા વિષયોમાં ઉન્નત બનવા માટે મક્કમ મનની બની છે. અત્યારે તો શું થયું છે – હજી તો શરૂઆત થઈ છે. વૈદિક અને પૌરાણિક યુગની જેમ ગાર્ગી, મૈત્રેયી, સીતા, સાવિત્રી, વગેરે અદ્ભુત નારી ચરિત્રનો વિકાસ થયો હતો, આ યુગમાં પણ નારીઓમાં એના કરતાં પણ વધારે મહાન ચારિત્ર્યનો વિકાસ થશે. નારીઓમાં આધ્યાત્મિકતા, રાજનીતિ, વિજ્ઞાન, શિલ્પકલા, સાહિત્ય વગેરે બધા વિષયોમાં અત્યંત આશ્ચર્યજનક જાગૃતિ આવી છે, અને હજુ વધુ જાગૃતિ આવશે. આ બધી ઈશશક્તિની જ લીલા. સામાન્ય માણસ આ બધાનો ગૂઢ મર્મ સમજી ન શકે.
(શિવાનંદવાણી,ભાગ-૨, પૃ.૭૯-૮૧)
સ્વામી અભેદાનંદ
જે ભાવે સાધના કરો, મા દ્વાર ખોલે નહિ ત્યાં સુધી કોઈ ઉપાય નથી. ઠાકુરને પકડવાથી માને પણ ચોક્કસ પકડી શકાય, જેમ કે શિવ અને શક્તિ, અભેદ.
(કથાપ્રસંગે સ્વામી અભેદાનંદ, ૨ ફેબ્રુઆરી, ૧૯૩૭)
જ્ઞાનરૂપિણી સરસ્વતી આજે પૃથ્વી પર આવ્યાં છે. તમને પણ અમે આશીર્વાદ પાઠવીએ છીએ કે તમને પણ જ્ઞાન થાઓ, વિવેક વૈરાગ્ય થાઓ. શ્રીશ્રીમા છે સરસ્વતી, જ્ઞાનદાયિની, અને મુક્તિદાત્રી પણ, મહામાયા!.
(કથાપ્રસંગે સ્વામી અભેદાનંદ, ૧૫ ફેબ્રુઆરી, ૧૯૩૭)
મા અમને પોતાના પુત્રની જેમ જોતાં. ગુરુબંધુઓ એકએક પછી દેહ છોડીને ચાલ્યા ગયા અને મા રડી રડીને વ્યાકુળ થઈ ગયાં હતાં. ઠાકુરને વળી શું શોકતાપ સહન કરવાં પડ્યાં! માએ તો અનેક શોકતાપ સહન કર્યાં છે.
(કથાપ્રસંગે સ્વામી અભેદાનંદ, ૪ એપ્રિલ, ૧૯૩૭)
સ્વામી તુરીયાનંદ
શ્રીશ્રીમા હમણાં જ કોલકાતામાં આવે છે, આ તો મહા આનંદની વાત. કેટલા લોકો એમનાં ચરણકમળમાં આવીને પોતપોતાના શોકસંતાપને સમાવશે, એની કંઈ ગણતરી કરી ન શકાય. ધન્ય છે માતાજીની કૃપા! અને કેવી સહનશીલતા! અણગમાનો તો ક્યાંયે અણસારેય નહિ. દિવસરાત નિરંતર લોકો આવજા કરી રહ્યા છે, અને નિર્મોહી રહીને સૌનું કલ્યાણ કરી રહ્યાં છે.
(સ્વામી તુરીયાનંદેર પત્ર, પંચમ સંસ્કરણ, પૃ.૧૭૨-૭૩)
શ્રીશ્રીમાનાં ચરણકમળમાં તમારા પુત્રને કેટલીક ક્ષણો માટે રાખીને તમે એક અત્યંત સુંદર ભાવ પ્રગટ કર્યો છે.
આ જ રૂપે સ્ત્રી, ધન, જન, અને પોતાની જાતને સુધ્ધાં એમનાં ચરણકમળમાં અર્પણ કરી શકાય તો જીવન ધન્ય બની જાય. ભક્તોની વાંછના તેઓ પોતે જ પૂર્ણ કરી દે છે.
(સ્વામી તુરીયાનંદેર પત્ર, પંચમ સંસ્કરણ, પૃ.૧૭૫)
Your Content Goes Here




