(રામકૃષ્ણ મઠ અને મિશનના જનરલ સેક્રેટરી શ્રીમત્‌ સ્વામી પ્રભાનંદજી મહારાજના જાન્યુઆરી ૨૦૧૦ના ‘બુલેટિન ઓફ ધ રામકૃષ્ણ મિશન ઈન્સ્ટિટ્યૂટ ઓફ કલ્ચર’માં મૂળ અંગ્રેજીમાં પ્રકાશિત ‘હેવ વી એક્સેપ્ટેડ વિવેકાનંદ’નો શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ વાચકોના લાભાર્થે અહીં પ્રસ્તુત છે. – સં.)

શેરીના મહત્ત્વના ખૂણે ઉપવનમાં સ્વામી વિવેકાનંદની પ્રતિમાની શોભામાં અભિવૃદ્ધિ થઈ છે. કેટલાંય શહેરોનાં માર્ગ કે મુખ્ય માર્ગ અને જાહેર સ્થળોને ગૌરવગરિમા સાથે એમનું નામ આપવામાં આવ્યું છે. ઘણાં છોકરા-છોકરીઓને વિવેકાનંદનું ઘેલું લાગ્યું છે. સ્વામી વિવેકાનંદનાં ભાષણો અને લેખોમાંથી નિષ્ણાતોએ ઘણું ઘણું વાંચ્યું છે. એમની વાણીને વારંવાર ઉદ્ધૃત કરવામાં આવે છે. સાથે ને સાથે વિવિધ હેતુઓ માટે સૌ કોઈ એમના ઉદ્‌ગારોને જુદા અને ખોટા અર્થમાં પણ ટાંકે છે.

વર્તમાનપત્રો કે સામયિકોમાં તેમજ જાહેર જગ્યાએ વિશાળ ફલક પર ઊડીને આંખે વળગે એ રીતે લખાયેલ એમના ઉદ્‌ગારો અને સંદેશ અવારનવાર ચમકી ઊઠે છે અને આપણું ધ્યાન પણ ખેંચે છે. એમની વાણીમાં કંઈક ચમત્કારિક શક્તિ છે ખરી. એમના શબ્દો, આદર્શ વિચારો, ઉમદા લાગણીઓ- પ્રેરણા, પ્રબળ પ્રભાવ અને ઉત્તેજનાથી ભરપૂર છે. સ્વામી વિવેકાનંદના શિકાગો વિશ્વધર્મ પરિષદના સંબોધનના શતાબ્દી મહોત્સવ પ્રસંગે રાષ્ટ્રિય કક્ષાની એક સમિતિ રચવામાં આવી હતી. એ સમિતિમાં વિવિધ ક્ષેત્રના પ્રતિભાવાન લોકો એકબીજાની સ્પર્ધા કરતા હોય તેમ સભા ગજવતી ભાષામાં ભારતના આ મહાન સપૂતને માટે પ્રશંસાનાં પુષ્પો વેરી રહ્યાં હતાં.

સ્વામી વિવેકાનંદ રાષ્ટ્રનાં મનપ્રાણમાં ઊંડે સુધી ઊતરી ગયા છે; તેઓ આપણાં વાણી અને કર્મમાં આજે પણ જીવતા છે; તેઓ આપણી પાસે જે કંઈ કરાવવા માગતા હતા એ જ કરીએ છીએ. પરંતુ આવાં નિષ્કર્ષ કે તારણ ખરેખર ખોટાં જ હોવાનાં.

દેખાય છે તે વાસ્તવિકતાથી ઘણું ઘણું દૂર છે. ખરેખર તો આપણે સ્વામીજીનાં વિચાર અને વાણી-વર્તનથી ઘણા દૂર ખસી ગયા છીએ. આપણા દેશબંધુઓએ થોડા દસકાઓ પહેલાં એમનાથી અંતર રાખી દીધું છે એના કરતાં આપણે સ્વામીજીથી વધારે દૂર ખસી ગયા છીએ.

સ્વામીજી પ્રત્યેનો ઉપરછલ્લો ભક્તિભાવ

એમના જીવન-કવન વિશેનું આપણું બહુ અલ્પ પ્રમાણનું નિરીક્ષણ એ બતાવે છે કે સ્વામીજીના રાષ્ટ્રને આપેલ મહાન આહ્‌વાન વિશેની આપણી પ્રશંસા, સ્વામીજીના અત્યંત વિપુલ અને ઉદાત્ત પ્રદાન વિશેનાં આપણાં પ્રશંસાનાં પુષ્પો, ભારતના ભાવિ વિશેની એમની આગવી દૃષ્ટિ વિશેની આપણી સંમતિ, આ બધાં ઉપરછલ્લાં છે. એટલું જ નહિ, સ્વામીજી માટેનું આપણું માન-સન્માન કે ભક્તિભાવ પણ ઉપરછલ્લાં છે.

આપણી નિમ્નકક્ષાની પ્રશંસા અને સ્વામી વિવેકાનંદની પૂજા પણ કૃત્રિમતાની જાહેર પ્રેમવર્ષા જેવું છે. જન્મજાત શંકા કરવાની પ્રકૃતિવાળા થોમસની જેમ આ વિધાનો કોઈ કૃત્રિમ વલણવાળાં નથી. આ અવલોકનો કેટલાં સાચાં છે એ સમજવા માટે ચાલો આપણે સ્વામી વિવેકાનંદ પરનાં લેખો અને સંભાષણોની વિવેચના કરીએ. સાથે ને સાથે સ્વામીજીના ગુરુદેવ શ્રીરામકૃષ્ણે આપેલ માપદંડથી વિરુદ્ધ આપણી સ્વામીજીની પારંપરિક પૂજા અને જન્મતિથિ મહોત્સવની પણ સમાલોચના કરીએ.

તેમણે કહ્યું છે: ‘કોઈ એક આદર્શ પર ધ્યાન ધરો તો તમને એનું અસલ સ્વરૂપ મળી રહેશે.’ આ જ ભાષામાં એમણે વળી કહ્યું છે: ‘ધ્યાન ધરતાંની સાથે કોઈપણ વ્યક્તિને પદાર્થનું મૂળ રૂપ મળી રહે છે.’

જો આપણે ખરેખર સ્વામીજીને હૃદયપૂર્વક સ્વીકાર્યા હોત તો એમના હૃદયમાં બળતા અગ્નિના જેવા થોડાક અગ્નિકણ તો આપણામાં હોવા જોઈતા હતા. એમની છબિ પર પુષ્પહાર કે સુંદર પુષ્પો રાખીને માત્ર શણગારીને પૂજા કરવાને બદલે જો આપણે એમને નિષ્ઠાપૂર્વક પૂજ્યા હોત તો એમના વિશુદ્ધ ચારિત્ર્યનો એક છંટકાર તો આપણામાં હોવો જ જોઈતો હતો.

આપણા ઇતિહાસમાં સેંકડો યુવાનોએ ‘જાગો હે ભારત, અને આગળ ધપો’ સ્વામીજીના આહ્‌વાનથી અંગ્રેજ સામંતશાહી શાસનમાંથી મુક્ત થવા પોતાના જીવનનું બલિદાન આપીને ફાંસીને માચડે ચડી ગયા.

આવા અનન્ય સાહસ માટે રવીન્દ્રનાથ ટાગોરે આવું અવલોકન કર્યું હતું: ‘આજના બંગાળના યુવાનોની આ હિંમતભરી પ્રવૃત્તિઓનું મૂળ સ્રોત સ્વામી વિવેકાનંદનો સંદેશ છે. એ સંદેશ સીધેસીધા માનવના આત્માને આહ્‌વાન આપે છે, એનાં હાડ-ચામને નહિ.’

આને પરિણામે આપણા દેશને આઝાદી મળી. સૌના સહિયારા સંવેગે આપણને એક રાષ્ટ્રરૂપે સુદૃઢ બનવા સહાય કરી, ભારતની વિવિધતાને વિરલ સિદ્ધિઓ આપી અને વિશ્વની સૌથી મોટી લોકશાહીને ચલાવવામાં પણ સહાય કરી. માત્ર એ વખતના યુવાનો જ નહિ પરંતુ સ્વાતંત્ર્ય પૂર્વેની મહાન વ્યક્તિઓ પણ એ સમય દરમિયાન સ્વામી વિવેકાનંદના શુભ પ્રભાવ હેઠળ આવી હતી.

આ વિશે ફ્રાંસના સુપ્રસિદ્ધ વિદ્વાન રોમાં રોલાંએ આ શબ્દોમાં નોંધ લીધી હતી: ‘હંસ (રામકૃષ્ણ) અને ગરુડ (વિવેકાનંદ) જેવા મહાન તેજપુંજના પ્રભાવ હેઠળ  ભારતના વર્તમાન મહાન નેતાઓ – વિચારોના સમ્રાટો, કવિ શિરોમણિઓ અને મહાત્મા અરવિંદ ઘોષ, ટાગોર અને ગાંધીજી – આ બધા અંકુરિત થયા છે, પુષ્પિત થયા છે અને તેમણે ફળ પણ અર્પ્યાં છે.’ ફ્રાંસના મનીષીના આ શબ્દો આપણા ધ્યાનમાં આવવા જોઈએ.

આમ છતાં પણ આઝાદી પછીના સમયકાળમાં ભારત પશ્ચિમની પ્રતિકૂળ અને વિષમ વિચારસરણીના પ્રવાહમાં તણાઈ રહ્યું છે. નવાઈની વાત તો એ છે કે પશ્ચિમની આ વિચારસરણીથી આજના આપણા નેતાઓની પણ આંખો અંજાઈ ગઈ છે.

જેમણે ભારતના મહાન વારસાને પુનર્જિવિત કરવા માટે તેમજ એને વિસ્મૃતિની ખાણમાંથી બહાર કાઢીને બચાવવા માટે કાર્ય કર્યું છે એવા સ્વામી વિવેકાનંદથી આવા લોકો ધીમે ધીમે દૂર ભાગી રહ્યા છે. આમાંના કેટલાકે તો તેમના પર ધર્મના માનવની છાપ મારી દીધી છે, વળી ભારત તો સેક્યુલર (બિનસાંપ્રદાયિક) છે, અને કેટલાક રાજનૈતિક સમૂહે તો સ્વામી વિવેકાનંદનું કદ વેતરી નાખવાના પ્રયત્નો પણ કર્યા છે. એટલે એમણે શાળા, કોલેજનાં પાઠ્યપુસ્તકોમાંથી સ્વામી વિવેકાનંદનાં લેખો અને સંભાષણોને દૂર કરી દીધાં છે. અને વિનોદની વાત તો એ છે કે આજના સમયનાં રાજનૈતિક અને સામાજિક દબાણોએ સ્વામી વિવેકાનંદને પાછા લાવી દીધા છે. સરકારે સ્વામીજીને રાષ્ટ્રનાયક જાહેર કર્યા છે; એમની સિદ્ધિઓ અને જીવનસંદેશને દેશના યુવાનોએ પોતાના જીવનમાં ઉતારવાં જોઈએ એમ પણ જાહેર કર્યું છે.

ભવ્યોદાત્ત પ્રતિભાનું વિકૃતીકરણ

દુર્ભાગ્યે છેલ્લા કેટલાક દસકાઓથી કેટલાંક સ્થાપિત હિતોએ પોતપોતાના સ્વાર્થ અને હેતુ સાધવા વિવેકાનંદનું શોષણ પણ કર્યું છે અને એમની ભવ્યોદાત્ત પ્રતિભાને વિકૃત બનાવી છે. આવાં કુકર્મો સામે આપણે રક્ષક બનવું પડશે. એટલા માટે આપણે સ્વામી વિવેકાનંદને એના મૂળ સ્વરૂપમાં રજૂ કરવા જોઈએ. આપણે જરૂર છે ભગવાન શ્રીરામકૃષ્ણના ‘પ્રેમપાત્ર નરેન્દ્ર’ની. આપણને ‘ગુરુદેવના હાથના યંત્ર’ એવા નરેન્દ્રની જરૂર છે.

વિવિધ પરિબળોને એક સાથે જોડનારા, પશ્ચિમ અને પૂર્વના મિલન સ્થાન સમા, વિશેષાધિકારોને નિર્મૂલ કરીને સૌને સમાન બનાવનાર, અને આ બધાથી પણ સૌથી મહત્ત્વના એવા આત્માને જગાડનારા, ‘બંધનવિહોણા માનવ’ – વિવેકાનંદની આપણને આવશ્યકતા છે. આઝાદી પછી આપણે સૌએ અનેક ક્ષેત્રોમાં પ્રગતિ સાધી છે. આપણે અનાજ ઉત્પાદનમાં સ્વાવલંબી બન્યા છીએ. આપણા જીવનનાં પરિમાણોમાં વૃદ્ધિ થઈ છે. ઔદ્યોગિક ક્ષેત્રે મેળવેલી આપણી સિદ્ધિ ખરેખર સ્તુત્ય છે. આપણા વૈજ્ઞાનિકો અને પ્રૌદ્યોગિકી ક્ષેત્રના નિષ્ણાતોએ આંતરરાષ્ટ્રિય ક્ષેત્રે પોતાનું પ્રદાન કર્યું છે.

પરંતુ આ જ સમયગાળા દરમિયાન ધર્મ, સંપ્રદાય, રાજ્ય, પ્રાંત, જ્ઞાતિ-જાતિ, અને ભાષાના ભૂતને વળગનારાં વિભાજક પરિબળોએ પોતાનું વિઘાતક માથું ઊંચક્યું છે. આ ઉપરાંત સર્વત્ર પ્રસરેલી નિરક્ષરતા, સાવ નીચલી કક્ષાની અપૂરતી પોષણક્ષમ આહાર વ્યવસ્થા, સામાજિક અને આર્થિક વિષમતાઓ, જાતીય શોષણ વગેરેએ વિવિધ ક્ષેત્રમાં મળેલી આપણી સિદ્ધિઓને હતી ન હતી કરી દીધી છે. અને વધારે દૂષણભરેલ હકીકત તો એ છે ભારતનું નામ સૌથી વધારે ભ્રષ્ટ રાષ્ટ્રોમાં આવે છે.

વળી, બદતર પરિસ્થિતિ તો એ છે કે અનેક વિસ્તારોમાં આતંકવાદીઓને સલામત આશરો મળી રહે છે. સાથે ને સાથે કર્મરત રહેવાની આપણી સંસ્કૃતિ તો અહીંથી ઊડીને ક્યાંક ચાલી ગઈ. વળી, વસતી તો કૂદકે ને ભૂસકે વધતી રહે છે અને પ્રાકૃતિક માનવસંસાધનો ઝડપથી ખૂટતાં જાય છે. વળી, આપણે મેળવેલી સિદ્ધિઓ અને અપેક્ષાઓના ફાટતા રાફડાની વચ્ચેની ખાઈ વધુ ને વધુ વધી ગઈ છે. સાથે ને સાથે સૌથી વધારે મહત્ત્વની કટોકટીનો સામનો આ દેશ કરી રહ્યો છે તે છે ચારિત્ર્યની કટોકટી. એની સાથે વળી, પાડોશી દેશોની દબાણ અને ધમકી ભરેલી પરિસ્થિતિઓ કેટલાક વિકસિત દેશો દ્વારા થતા રાજનૈતિક દબાણો, બજારની મનસ્વી માગો આપણા દેશની સંસ્કૃતિને માટે ભયજનક બની રહ્યાં છે.

પરિસ્થિતિ એવી છે કે આપણને ઇતિહાસકાર પર્સીવલ સ્પિયર્સનું આ મહત્ત્વનું તારણ યાદ આવી જાય છે: ‘બાહ્ય સપાટી ઉપર દેખાતા મોજા જેવા આંદોલનો ભારતની ગહનતાને હચમચાવી શકતાં નથી.’ સ્વામી વિવેકાનંદે પણ ભારતીય સંસ્કૃતિની આ અત્યંત મહત્ત્વની એક વિલક્ષણતાની વાત કરી હતી. તે છે: ‘સૌને સમાવી લેવાની, સંમિશ્રિત થઈ જવાની અને સમારાધન સાથે સ્વીકારી લેવાની આપણી સંસ્કૃતિની ક્ષમતા.’ છેલ્લાં પાંચ હજાર વર્ષોથી આપણને આવેગમય અને ખળભળાવી મૂકનાર પરિસ્થિતિઓની વચ્ચે આ જ બાબત આપણી ભારતીય સંસ્કૃતિના સાતત્ય અને સ્થિરતાની વાત આપણને સમજાવી દે છે. પોતાની સુસંગતિને સર્વપ્રકારે વિનાશક બનાવીને આ અત્યંત નોંધનીય ક્ષમતા પોતે જ આજે જાણે કે ઘણા દબાણ હેઠળ આવી ગઈ લાગે છે.

સ્વામી વિવેકાનંદના મૂળભૂત આદર્શો

વિશેષ કરીને ભારત માટે આ સદી એ ઘણા મહાન પરિવર્તનની સદી રહી છે. પરંતુ આ બધાં પરિવર્તનો સ્વામી વિવેકાનંદે પ્રસ્થાપિત કરેલ કેટલાક પાયાના આદર્શો કે વિચારોને અવગણીને આવ્યાં છે. રોમાં રોલાંએ ‘આજના વર્તમાન યુગની આવશ્યકતા માટે ચાલકબળ અને માર્ગદર્શક બળ જેવા’ સ્વામી વિવેકાનંદના આ આદર્શોને આ ઉદ્‌ગારોમાં પ્રશંસ્યા છે.

દા.ત. સ્વામી વિવેકાનંદે કહ્યું છે… ‘ધર્મ અને ધર્મ જ ભારતનો જીવનપ્રાણ છે અને જ્યારે એ જ ચાલ્યો જાય તો ભારતનો વિનાશ ચોક્કસ છે. પછી ભલે એમાં રાજનીતિના ખેલ ખેલાતા હોય, સામાજિક સુધારણાઓ થતી હોય અને એનાં દરેક સંતાન પર કુબેરનો ભંડાર વરસતો હોય..’

સાથે ને સાથે સ્વામીજીએ આ શબ્દો ઉચ્ચારીને આપણને ચેતવણી પણ આપી છે: ‘જગન્માતાના મૂર્તિમંત રૂપ નારીઓને જ્યાં સુધી આપણે ઉન્નત ન કરીએ ત્યાં સુધી આપણી ઉન્નતિનો બીજો કોઈ ઉપાય છે, એમ તમે મનમાં ધારતા નહિ.’  ભારતનો મજૂર વર્ગ રાષ્ટ્રની કરોડરજ્જુ છે, એટલે જ સ્વામીજીએ એમને અંત:કરણપૂર્વક સ્વીકારવાનું કહ્યું છે. એમણે કહ્યું છે: ‘જો ગરીબ માણસ શિક્ષણ લેવા ન આવી શકે તો શિક્ષણે એટલે કે શિક્ષકોએ એમના ખેતરમાં, એમના કલ-કારખાનામાં વગેરે દરેક સ્થળે જવું પડે.’

(ક્રમશ:)

Total Views: 125

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.