સ્વામી વિવેકાનંદના મૂળભૂત આદર્શો
વિશેષ કરીને ભારત માટે આ સદી એ ઘણા મહાન પરિવર્તનની સદી રહી છે. પરંતુ આ બધાં પરિવર્તનો સ્વામી વિવેકાનંદે પ્રસ્થાપિત કરેલ કેટલાક પાયાના આદર્શો કે વિચારોને અવગણીને આવ્યાં છે. રોમાં રોલાંએ ‘આજના વર્તમાન યુગની આવશ્યકતા માટે ચાલકબળ અને માર્ગદર્શક બળ જેવા’ સ્વામી વિવેકાનંદના આ આદર્શોને આ ઉદ્ગારોમાં પ્રશંસ્યા છે.
દા.ત. સ્વામી વિવેકાનંદે કહ્યું છે… ‘ધર્મ અને ધર્મ જ ભારતનો જીવનપ્રાણ છે અને જ્યારે એ જ ચાલ્યો જાય તો ભારતનો વિનાશ ચોક્કસ છે. પછી ભલે એમાં રાજનીતિના ખેલ ખેલાતા હોય, સામાજિક સુધારણાઓ થતી હોય અને એનાં દરેક સંતાન પર કુબેરનો ભંડાર વરસતો હોય..’
સાથે ને સાથે સ્વામીજીએ આ શબ્દો ઉચ્ચારીને આપણને ચેતવણી પણ આપી છે: ‘જગન્માતાના મૂર્તિમંત રૂપ નારીઓને જ્યાં સુધી આપણે ઉન્નત ન કરીએ ત્યાં સુધી આપણી ઉન્નતિનો બીજો કોઈ ઉપાય છે, એમ તમે મનમાં ધારતા નહિ.’ ભારતનો મજૂર વર્ગ રાષ્ટ્રની કરોડરજ્જુ છે, એટલે જ સ્વામીજીએ એમને અંત:કરણપૂર્વક સ્વીકારવાનું કહ્યું છે. એમણે કહ્યું છે: ‘જો ગરીબ માણસ શિક્ષણ લેવા ન આવી શકે તો શિક્ષણે એટલે કે શિક્ષકોએ એમના ખેતરમાં, એમના કલ-કારખાનામાં વગેરે દરેક સ્થળે જવું પડે.’
રાષ્ટ્ર માટે સ્વામી વિવેકાનંદે આપેલ સ્પષ્ટ આદેશોને સમૃદ્ધ કરવાને બદલે આપણે એક અણગમતી વાસ્તવિકતાને સ્વીકારવી પડે કે વિશેષ કરીને આઝાદી પછી આપણે સ્વામીજીને માત્ર હોઠ એટલે કે વાણી વિલાસની સેવાઓ જ આપી છે. સ્વામી વિવેકાનંદ તરફ આપણે આક્ષેપભરી આંગળી ચિંધવી ન જોઈએ; માત્ર ક્ષણિક પરિવર્તન લાવ્યા છે- તેમણે આપણને નિષ્ફળ બનાવ્યા છે એ કારણે એમના સંદેશને નકારવો પણ ન જોઈએ, આવું બધું બોલી પોતાની નિષ્ફળતાનો ટોપલો તેના પર ન નાખતાં, ચાલો આપણે આટલું તો કબૂલી લઈએ કે આપણે સ્વામી વિવેકાનંદના સંદેશને નિષ્ઠાથી, તપોધનની જેમ અને ખંતથી આચરણમાં મૂક્યા નથી. એટલે જ ‘અમે વિવેકાનંદને ચાહીએ છીએ’, ‘અમે વિવેકાનંદને પથે પથે ચાલીએ છીએ’ કે ‘અમને વિવેકાનંદની વાણીમાં વિશ્વાસ છે’ આવા આપણા ઊંચા દાવા સત્યની ખરેખર મોટી ઠેકડી ઉડાવે છે.
જો આપણે સ્વામીજીના આ શબ્દોને યાદ કરીએ તો આપણાં દંભ, અનિષ્ઠા અને આપણી પોતાની જાતને છેતરવાની વૃત્તિ – એ બધાં પારદર્શી થયાં વગર રહેતાં નથી. તેઓ કહે છે : ‘પૂજ્યતાનો ભાવ પ્રેમમાંથી જ વિકસે છે; આપણામાંથી કોઈ પણ એમના પ્રત્યે પૂજ્યતાની લાગણી ધરાવી ન શકીએ કે જેમને આપણે ચાહતા ન હોઈએ.’ આ પ્રશ્નો સામે આ બાબત ઠરીને ઠીકરું થઈ જાય છે – ‘શું આપણે એ વિવેકાનંદને ચાહીએ છીએ કે જે પોતાની જાતને દેહધારી રૂપે નહિ પણ બ્રહ્મના નાદ તરીકે આપણી સમક્ષ મૂકે છે? શું આપણે એમના સંદેશને સાચી રીતે ગ્રહણ કર્યો છે ખરો? અને વળી તેઓ આપણી પાસે જે કરાવવા ઇચ્છતા હતા તેવું આપણે કર્યું છે ખરું?’
આ સંદર્ભમાં સ્વામી વિવેકાનંદના સંન્યાસી ગુરુબંધુઓના અનુભવોને ફરીથી યાદ કરવા સૌથી વધુ સુયોગ્ય નીવડશે. એમના ગુરુબંધુઓમાંના એક હતા સ્વામી સારદાનંદ. એમણે પોતાનું જીવન સ્વામીજીના કેટલાક ભવ્ય આદર્શો અને વિચારોને આચરણમાં મૂકવા અર્પી દીધું. એક વખત એમને સ્વામીજીના તરકટી પ્રશંસકોની મનપ્રાણ વિહોણી તકલાદી પ્રેમભક્તિને ખુલ્લી પાડવાની આવશ્યકતા પણ જણાઈ હતી. ૧૯૧૨માં તેઓ બેલુર મઠમાં સ્વામીજીના જન્મજયંતી મહોત્સવમાં હાજરી આપવા આવ્યા હતા. ત્યાંના સમૂહને તેમણે કહ્યું હતું: ‘કેટલાક લોકો એમની વાતચીત-વાર્તાલાપોમાં એવો દાવો કરે છે કે તેમને સ્વામીજી પ્રત્યે ઘણી પૂજ્યતાની લાગણી છે. હું અવાર-નવાર એમના એ સૂચિતાર્થને સમજવા નિષ્ફળ નિવડ્યો છું. એનો અર્થ એવો હોય કે તેઓ સ્વામીજીની છબિ કે મૂર્તિમાં પૂજા કરે છે, સારું; આ પણ એમને એક પ્રકારે માન આપવા જેવું છે, એમાં કંઈ શંકા નથી. પણ એમને માન-સન્માન આપવાનો શ્રેષ્ઠ માર્ગ તો એ છે કે જે આદર્શો સ્વામીજીએ ઉપદેશ્યા છે એને જીવનમાં જીવી બતાવવા, અને એમના ઉપદેશોને હંમેશાંને માટે અટલ બનીને નીભાવવા.
યાદ રાખવા જેવા મુદ્દાઓ
સ્વામીજીએ પોતે આપેલ ઉપદેશ અને એના આચરણનો વ્યવહારુ કે વાસ્તવિક પડઘો સ્વામી સારદાનંદે પાડ્યો છે. સ્વામીજીની દૃષ્ટિએ આચરણનો એક તોલો એ સિદ્ધાંતના એક હજાર રતલ કરતાં પણ વધારે છે. આ વિશેનાં કેટલાંક પાસાં છે જેનાં તરફ આપણું ધ્યાન જવું આવશ્યક છે :
* સ્વામીજી આપણા જીવનમાં બને તેટલા સંગઠિત-એકમના થવાનું ઇચ્છતા હતા. સ્વામીજીની આપણી પાસે આ જ એક માત્ર અપેક્ષા હતી. એટલે જ આપણે સ્વામી વિવેકાનંદના વફાદાર અને નિષ્ઠાવાન અનુયાયીઓ છીએ, એવી ઉદ્ઘોષણાઓ કરવા માત્રથી નહિ ચાલે. પરંતુ તેઓ ‘આપણે શું બનીએ’ એમ ઇચ્છતા હતા ‘તેવા બનીને’ આપણે એમના પ્રત્યેનો સાચો આદરભાવ બતાવીએ. આ હકીકત સાથે ઈશુ ખ્રિસ્તનું એક વિધાન યાદ આવે છે. તેમણે કહ્યું છે: ‘મને માત્ર ‘પ્રભુ, પ્રભુ’ કહેનાર દરેક માનવ સ્વર્ગની દુનિયામાં પ્રવેશ પામશે નહિ; પરંતુ સ્વર્ગમાં રહેલ મારા પ્રભુ પિતાની ઇચ્છા પ્રમાણે જેણે આચરણ કર્યું છે તે સ્વર્ગમાં હશે.’
* સ્વામીજીએ આપણને આપેલ ‘આપણે કેવા થવાના છીએ તે આપણું આચરણ જ કહી બતાવે છે’ને યાદ રાખીને જે જે બાબતો આપણી પાસે સ્વામીજી કરાવવા ઇચ્છતા હતા એમને આપણે ફરી ફરીને કરવી જોઈએ. એને કારણે એ આપણી એક સુટેવ બની જશે અને એ ટેવના બળથી આપણે આપણા ધ્યેય તરફ સરળતાથી આગળ વધીશું.
* પોતાના ગુરુદેવના મિશનને પરિપૂર્ણ કરવા માટે તેઓ કટિબદ્ધ હતા. સ્વામીજી પોતાના અનુયાયીઓ અને પ્રશંસકોને એવી જ સંનિષ્ઠાભરેલી સમર્પણ ભાવના દાખવવાનો આગ્રહ રાખતા હતા. એટલે જ એમણે પોતાના સંન્યાસી બંધુઓને સીધેસીધું સંભળાવી દીધું હતું: ‘જે મારા આદર્શ માટે કામ કરશે એમનો હું ઋણી રહીશ. જે લોકો એમ કરતા નથી એમનામાં મને જરાય રસ નથી અને એમણે મારી પાસેથી બીજી કોઈ અપેક્ષા પણ ન રાખવી જોઈએ.’ અહીં એમનું માર્ગદર્શન સ્પષ્ટ છે. એમાં કોઈ સુધારણા કે સંસ્કરણની આવશ્યકતા નથી.
આટલું ધ્યાનમાં રાખો કે ભારતવર્ષ એ અદ્ભુત વિચારો અને આદર્શોનો ખજાનો છે, પણ તે એનાં ફળ મેળવવા શક્તિમાન નથી. સ્વામીજીએ એ અદ્ભુત આદર્શો અને વિચારોને આચરણમાં ઉતારવા અને કાર્યાન્વિત કરવા પર ઘણો ભાર દીધો હતો. ‘લાઈટ ઓફ ધ ઈસ્ટ’ના તંત્રી સમક્ષ એમણે આ દૃષ્ટિબિંદુ સ્પષ્ટ કરતાં લખ્યું છે: ‘કોઈ પણ પ્રજાને પુરુષત્વવાળી બનાવવા પાછળ વિચારોની શક્તિ અને તાજગી હોવાં જોઈએ. સમગ્ર જગતને તાકાતવાન બનાવવા માટેની વિપુલ સામગ્રી ઉપનિષદોમાં છે. અદ્વૈત તો શક્તિની શાશ્વત ખાણ છે; પણ એના આચરણની જરૂર છે. સૌ પ્રથમ તો એમાંથી વિદ્વત્તાપૂર્ણ અલંકૃત ભાષાને દૂર કરવી જોઈએ. અને પછી તે પોતાની બધી સહજસરળતા સુંદરતા સર્વોત્કૃષ્ટતા સાથે આ દેશના ખૂણે ખૂણે ઉપદેશવી જોઈએ અને દૈનંદિન જીવનની નાનામાં નાની બાબતમાં પણ તેને કાર્યાન્વિત કરવી જોઈએ. આ એક ઘણું ભગીરથ કાર્ય છે અને ત્વરિત પૂરું થાય ત્યાં સુધી આપણે કાર્ય કરવું જોઈએ.’ અને આ ધ્યેયની પ્રાપ્તિ માટે સ્વામીજીએ આહ્વાન આપતાં કહ્યું હતું: ‘મારી ભવિષ્યની આશા બુદ્ધિમાન, બીજાઓની સેવા માટે સર્વસ્વનો ત્યાગ કરનારા, આજ્ઞાપાલક, ચારિત્ર્યવાન યુવકો ઉપર નિર્ભર છે. મારે એવા યુવકો જોઈએ છીએ જેઓ મારા વિચારોને મૂર્તિમંત બનાવવા માટે પોતાનું જીવન સમર્પણ કરે, અને તેમ કરીને તેઓ પોતાનું તથા દેશનું ભલું કરે!’
જે લોકો એમના આ આહ્વાનને સાચો અને પ્રામાણિકતાપૂર્વક પ્રતિસાદ આપી શકે તેઓ જ માત્ર ‘સ્વામીજીને પોતે ચાહે છે’ એવો દાવો કરી શકે, અને તેમણે જ ખરેખર સ્વામીજીને મનપ્રાણથી સ્વીકાર્યા છે.
આપણે સ્વામી વિવેકાનંદ અને એમના સંદેશને આજના સંદર્ભમાં એક અન્વેષકની દૃષ્ટિએ વાંચવા સમજવા જોઈએ. એટલા માટે વર્તમાન પરિસ્થિતિઓમાં મૂંઝવણોના ઝાળામાંથી સર્વત્ર પ્રસરી રહેલ સંભ્રમ અને સંદિગ્ધતામાંથી સૌ પ્રથમ મુક્ત થવું પડે. એટલા જ માટે સ્વામીજીની માનવ વિશેની પરિકલ્પના, તેના ભાવિ વિશેની આગવી દૃષ્ટિને શીખવી પડે અને એની કદર પણ કરવી પડે. સાથે ને સાથે ભારતની સમસ્યાઓની એમની સૂઝબૂઝ તેમજ એમના પુનરુત્થાન માટેનાં સાધનો તથા ઉપાયો અને સમગ્ર માનવજાતનાં ક્ષેમકલ્યાણ માટે ભારતના અનન્ય પ્રદાનના ભવ્ય આદર્શ કે વિચારને પણ આપણે શીખવા પડે અને સમજવા પડે. આવી સ્પષ્ટ સમજણ અને અટલ શ્રદ્ધા સાથે જ જો આપણે આ કાર્ય અને કારણ માટે સંપૂર્ણપણે સમર્પિત ભાવે અસરકારક યંત્ર બની શકીએ તો અને તો જ ‘આપણે સ્વામી વિવેકાનંદને સ્વીકાર્યા છે’ એવો દાવો કરી શકીએ, એ પહેલાં આવું કહેવું શક્ય નથી.
Your Content Goes Here




