(રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના પૂર્વ ઉપાધ્યક્ષ બ્રહ્મલીન શ્રીમત્ સ્વામી ગીતાનંદજી મહારાજનો લેખ અહીં પ્રસ્તુત કરીએ છીએ. – સં.)
વૈદિક યુગમાં પ્રથમ સંહિતામાં ઇંદ્ર, મિત્ર, વરુણ વગેરે દેવતાઓની સ્તુતિ કરવામાં આવી છે. પરંતુ તેમાં પણ જોવા મળે છે કે, બધા જ દેવતાઓમાં એક જ સત્તાનો વિભિન્ન પ્રકારે પ્રકાશ રહેલો છે. एकम् सत् विप्राः बहुधा वदन्ति—સત્ય એક જ છે. બ્રાહ્મણો તેને વિવિધપણે વર્ણવે છે. એ ઉપદેશ પણ ત્યારે પ્રચલિત હતો. ત્યાર પછી બ્રાહ્મણ-સાહિત્યમાં યાગયજ્ઞ સ્વરૂપ ક્રિયાકાંડ અથવા કર્મકાંડનાં અનુષ્ઠાનનો આરંભ થયો. બ્રાહ્મણ-સાહિત્યને વેદનો કર્મકાંડ કહેવાય છે.
પરંતુ પછીથી કર્મકાંડના અનુષ્ઠાનકારોમાંના કેટલાક એવા લોકો આવ્યા કે જેમણે અનુભવ્યું કે, એ બધા યાગયજ્ઞો મનુષ્યને કોઈ અનંત સુખ, અનંત જીવન, અનંત શાંતિ આપી શકે નહિ, મનુષ્યને જન્મ-મૃત્યુના પંજામાંથી બચાવી શકે નહિ. કઠોપનિષદમાં કહ્યું છે:
जानाम्यहं शेवधिरित्यनित्यं न
ह्यध्रुवैः प्राप्यते हि ध्रुवं तत्।
ततो मया नाचिकेतश्चितोऽग्निरनित्यैर्द्रव्यैः प्राप्तवानस्मि नित्यम्॥ (१.२.१०)
હું જાણું છું કે, ભોગઐશ્વર્યની એક સીમા છે. તે બધું અનંત સમય માટે નથી. આત્મા તો અનંત છે. તેને ક્યારેય સીમિત વસ્તુ દ્વારા, યાગયજ્ઞ દ્વારા મેળવી શકાય નહિ. આ રીતે વિચારતા કેટલાક લોકો ઉપનિષદોની બ્રહ્મવિદ્યા, જ્ઞાનમાર્ગનું વિશેષપણે અનુસરણ કરવા લાગ્યા. એ સિવાય બીજી એક શ્રેણીના લોકો કે જેઓ અદ્વૈત તત્ત્વને પરમ સત્ય સ્વરૂપે હૃદયંગમ કરી શક્યા નહિ, તેઓ ભક્તિમાર્ગના વિશ્વાસુ બનીને એક અનંત શક્તિશાળી અનંત ગુણમય, અનંત કરુણાસંપન્ન ભગવાન ઉપર નિર્ભર થયા. જો કે વેદોમાં ઇંદ્ર, અગ્નિ, વરુણ વગેરે દેવતાઓને ઉદ્દેશીને આ બધાં સ્તવનો જોવા મળે છે, તે બધાંમાં પણ ભક્તિનું બીજ રોપાયેલું છે. પરંતુ કોઈ કોઈ કહે છે કે વેદના પરમ સત્યને જ ઇંદ્ર, અગ્નિ, વરુણ વગેરે સ્વરૂપે કલ્પવામાં આવ્યું છે.
સંહિતામાં દેવતાઓ માટે સ્તવનો અને સ્તુતિ કરવામાં આવ્યાં છે. બ્રાહ્મણોની યાગયજ્ઞમૂલક વૈદિક સાધના અને જ્ઞાનબોધક ઉપનિષદના વિચારો સાથે સાથે પ્રાયઃ એક જ સમયે બીજી એક સાધના ભક્તિ અંગેની સાધનાનો ઉદ્ભવ થયો હતો. વિભિન્ન ભાવ અને અધિકારી ભેદ મુજબ ભારતમાં આધ્યાત્મિક સાધકો પોતાની રુચિ અનુસાર સાધનામાં આત્મરત થતા અને સુસંગતપણે એક પૂર્ણ ઐક્યમાં પહોંચવા વિશેષપણે પ્રયત્નશીલ હતા. યાદ રાખવું જોઈએ કે, આ મુખ્ય ત્રણ સાધનાના માર્ગ ઈશુ ખ્રિસ્તના જન્મનાં હજારો વર્ષ પૂર્વે ભારતમાં પ્રચલિત હતા.
લોકવાયકા છે કે, મહામુનિ વ્યાસદેવે બ્રહ્મસૂત્ર, વિરાટ મહાભારત અને પુરાણોની રચના કર્યા પછી અનુભવ્યું કે, તેઓ પોતાના સમગ્ર જીવનની રચનાઓમાં એવો મહાન ભાવ કે મહાન આદર્શ આપી શક્યા નહિ, જેનું અવલંબન કરીને મનુષ્ય યુગો યુગો સુધી પોતાના જીવનને મહિમામંડિત કરી શકે. આ વિચારમાં તેઓ અત્યંત ઊંડા ગરકાવ થઈ ગયા અને સત્ય સ્વરૂપ પરબ્રહ્મના ધ્યાનમાં મગ્ન થઈ ગયા ત્યારે એ ધ્યાનમાં જ તેમના હૃદયાકાશમાં શ્રીમદ્ ભાગવતની રૂપરેખા પ્રસ્ફુટ થઈ. આમ શ્રીમદ્ ભાગવત તો ધ્યાન-પ્રાપ્ય છે. તેથી તેનો વિષય ધ્યાન કરવા યોગ્ય છે અને ધ્યાન દ્વારા જ શ્રીમદ્ ભાગવત તત્ત્વ ઉપલબ્ધ થાય. તેથી શ્રીમદ્ ભાગવત ધ્યાનગમ્ય છે.
પ્રશ્ન કરી શકાય કે, બ્રહ્મસૂત્ર, મહાભારત અને પુરાણોની રચના કર્યા પછી પણ વ્યાસદેવના મનમાં વિષાદ થયો એમાં શું યથાર્થ સત્ય છે? કે પછી કેવળ શ્રીમદ્ ભાગવતનું મહત્ત્વ વધારવા માટે લેખકની કલ્પનામાત્ર છે?
ભારતમાં ઈશુની સાતમી સદી સુધી તો બૌદ્ધ ધર્મનો પ્રચંડ પ્રતાપ હતો. ત્યાર પછી આચાર્ય શંકરે તેમની અલૌકિક બુદ્ધિમત્તા અને અનુપમ શાસ્ત્રવિચાર દ્વારા ભારતમાંથી બૌદ્ધ ધર્મને લગભગ નિર્મૂળ કરી દીધો. શંકરાચાર્યનાં દર્શનથી-જ્ઞાનથી બધા જ પ્રકારની દુર્બળતા છોડીને મનુષ્ય ત્યાગના માર્ગે વળ્યો. એ સર્વસ્વનો ત્યાગ કરીને સાધકને નિર્ગુણ, નિરાકાર પરબ્રહ્મના સાક્ષાત્કાર માટે ઉત્સાહિત કરે છે. બુદ્ધદેવનું સુપરિકલ્પિત તર્કજ્ઞાનનું ખંડન કરવા માટે અને હિંદુઓના જાત જાતના સંપ્રદાયોમાં રહેલાં શ્રેષ્ઠ તત્ત્વજ્ઞાનને પ્રકાશિત કરવા શંકરાચાર્યે જ્ઞાનમાર્ગ પર વિશેષ ભાર મૂક્યો હતો. પરિણામે શંકરાચાર્યનું શાસ્ત્ર-દર્શન સામાન્ય મનુષ્યની બુદ્ધિ-સમજણની બહાર હતું. તદુપરાંત શંકરાચાર્યના અનુગામીઓમાં પણ આવો જ ભાવ હતો. હૃદયના ભાવ કરતાં ધર્મ સૂક્ષ્મ વિચારો પર પ્રતિષ્ઠિત બુદ્ધિની સૂક્ષ્મતાના આધારે સ્વીકારાય એમ તેઓ માનતા. શંકરાચાર્યે ભિન્ન ભિન્ન દેવ-દેવીઓનાં ઘણાં ભક્તિસભર સુંદર સ્તવનો રચ્યાં છે. તેમ છતાંય શંકરાચાર્યના અનુયાયીઓ ભક્તિભાવ અને હૃદયના આવેગને અવગણે છે. પરિણામે સામાન્ય મનુષ્ય એક વિષમ સ્થિતિમાં પડી ગયો. શંકરાચાર્યના અનુગામીઓ એક તરફ શંકરાચાર્યના જ્ઞાનને જીવનમાં ગ્રહણ કરવા અસમર્થ બન્યા. તેમજ બીજી બાજુ ભક્તિભાવ અથવા સાધારણ લોકોના ધર્મનું વહન પણ ન કરી શક્યા. સાધારણ મનુષ્યની આવી અવસ્થાની વિષાદરૂપે વ્યાસદેવે રૂપક સ્વરૂપે કલ્પના કરી છે. સાધારણ મનુષ્યની નિરાશા અને આકાંક્ષાનું તે સમયના એક શ્રેષ્ઠ પંડિતના હૃદયમાં આંદોલન ઊઠ્યું, તેના જ ફળ સ્વરૂપે શ્રીમદ્ ભાગવતની રચના થઈ. શ્રીમદ્ ભાગવતની રચના પછી વ્યાસદેવના મનમાં જે આનંદ થયો તે જ રૂપક સ્વરૂપે શ્રીમદ્ ભાગવત-ધર્મરૂપે પ્રચલિત થયો તેમ કહી શકાય.
ભાગવતની રચના કર્યા બાદ વ્યાસદેવે પોતાના પુત્ર શુકદેવ કે જેઓ જન્મથી જ બ્રહ્મજ્ઞાની અને પરમ ઈશ્વર પ્રેમી હતા, તેમને શ્રીમદ્ ભાગવત શીખવ્યું. શુકદેવજીએ એ જ શ્રીમદ્ ભાગવત મૃત્યુની અવધિ જાણતા રાજા પરીક્ષિતને સંભળાવ્યું. રાજાએ સંસારનો ત્યાગ કરીને શ્રીભગવાનના સ્મરણમાં જીવન-ધારણ કર્યું અને શ્રીમદ્ ભાગવતકથા પ્રસંગે ત્યાં ઘણા વૈરાગી, સર્વસ્વ-ત્યાગી ઋષિ-મુનિઓ પણ ઉપસ્થિત હતા. આ રીતે જોતાં એમ લાગે છે કે, શ્રીમદ્ ભાગવત મુખ્યતઃ સાધુ-સંન્યાસીઓ માટેનો ગ્રંથ છે. કારણ કે, એક સંન્યાસી જ ગ્રંથની કથા સાધુઓને કહે છે. પરંતુ પાછળથી વૈષ્ણવોએ શ્રીમદ્ ભાગવતના ભક્તિભાવ ઉપર વિશેષ ભાર મૂક્યો અને ક્રમશઃ શ્રીમદ્ ભાગવત ગૃહસ્થનો મૂળ ધર્મગ્રંથ બની ગયો.
ભાગવતના પ્રત્યેક અધ્યાયના અંતે કહેવામાં આવે છે – इति श्रीमद्भागवते महापुराणे परमहंस्यां संहितायां वैयासिक्याम् – વ્યાસદેવકૃત શ્રીમદ્ભાગવત જે શ્રીમદ્ ભાગવતને મહાપુરાણ કહેવાય તે પરમહંસદેવના ગ્રંથનો અધ્યાય અહીં સમાપ્ત થયો. શ્રીમદ્ ભાગવત સંન્યાસી અને પરમહંસદેવ માટેનો ગ્રંથ છે તેમ સમજાય છે.
ભાગવતને મહાપુરાણ કહેવામાં આવે છે. ‘શ્રીમદ્ ભાગવતે મહાપુરાણે’. ભારતમાં અતિ પ્રાચીન વાર્તાઓ પુરાણોમાં લખાયેલી છે. પ્રાચીન સમયે ભારતવર્ષ ખૂબ જ નાનાં નાનાં રાજ્યોમાં વહેંચાયેલો હતો અને પ્રત્યેક રાજસભામાં એક માગધ, રાજ્યનો ઇતિહાસકાર રહેતો. આ લોકો રાજાના વંશનો પરિચય અને કીર્તિ અંગે ગુણગાન કરતા. એ સિવાય ‘સૂત’ નામની એક જાતિ હતી. તેઓ શ્રુતિધર અને સત્યપરાયણ હતા. તેઓ કંઈ પણ એક વાર સાંભળે તો બધું યાદ રાખી શકતા. એ સૂત જુદાં જુદાં રાજ્યના ઇતિહાસકાર પાસેથી રાજાની અને તેના વંશવેલા અંગે માહિતી એકઠી કરતા અને પ્રસંગોપાત્ત પંડિતોની સભામાં આ બધી વાતો અને માહિતી સંભળાવતા. આપણા સમાજમાં ચારણ, ભાટ જેવી આ જાતિની વાતો પરથી પુરાણોની રચના થઈ હતી. તેથી પુરાણો ભારતનો અતિ પ્રાચીન સમયનો ઇતિહાસ છે. પુરાણોનું વિષયવસ્તુ શું છે?
सर्गश्च प्रतिसर्गश्च वंशो मन्वन्तरानि च।
वंशानुचरितम् चेति पुरानम् पंचलक्षणम्॥
(पुरान प्रवेश-२)
સર્ગ એટલે વિશ્વની સૃષ્ટિ, પ્રતિસર્ગ એટલે પ્રલય; વંશ શબ્દમાં રાજા, ઋષિ, મુખ્ય મુખ્ય વ્યક્તિઓ, દેવતાઓ વગેરે વંશની ઉત્પત્તિ, સ્થિતિ અને નાશ એવું સમજાય. મન્વન્તર દ્વારા સમય નિશ્ચિત કરવામાં આવે છે. એટલે કે કઈ ઘટના કયા સમયે ઘટી હતી તે સૂચવે છે. અત્યારે જેમ ઈ.સ., બંગાબ્દ, શતાબ્દી, વગેરેની સહાયથી સમય નક્કી કરીએ છીએ; તેમ પુરાણકારો પણ એવી રીતે મનુકાળ, યુગ વગેરે દ્વારા વિશેષ વિશેષ ઘટનાઓનો ઉલ્લેખ કરે છે. વંશાનુચરિત એટલે વિખ્યાત રાજા અને વિશેષ મહાન વ્યક્તિનું જીવનચરિત્ર એવું સમજાય. આમ સમજી શકાય કે પુરાણોમાં સૃષ્ટિ, પ્રલય, રાજાઓનો વંશ કે જીવનચરિત્ર અને કયા સમયે આ બધી ઘટના બની છે, તે અંગેના સમય વિ.નો નિર્દેશ હોય છે.
પુરાણકારો માનતા કે કોઈ દેશનું પુરાણ અથવા પૂર્ણ ઇતિહાસ લખવો હોય તો તે દેશની પ્રથમ સૃષ્ટિ ક્યારે સર્જાઈ, આરંભથી માંડીને જ્યાં સુધી તેનો વિનાશ ન થાય ત્યાં સુધીની તમામ ઘટનાઓનો કાળક્રમ ગોઠવીને વિવરણ કરવું જોઈએ. તેથી પુરાણકારો ઇચ્છતા કે તેમના પૂર્વ વૃત્તાંતના લખાણમાં નવીન નવીન ઘટનાઓ યુગો સુધી લખાય અને પ્રલયકાળ સુધી તે અકબંધ જળવાઈ રહે. પુરાણોને અવિનાશી બનાવવા માટે પુરાણકારોએ ધર્મનો આશ્રય લીધો કારણ કે, જેટલા દિવસ મનુષ્ય રહેશે તેટલા દિવસ તે કોઈ ને કોઈ ધર્મનો આશ્રય લઈને જીવશે. પરિણામે પૌરાણિક વૃત્તાંત પરિવર્ધિત અને પરિવર્તિત થઈને ધર્મશાસ્ત્રોમાં રૂપાંતરિત થયું. વેદ અને ઉપનિષદના આધ્યાત્મિક ભાવને સામાન્ય લોકોની ભાષામાં વાર્તાના બહાને પુરાણોમાં જોડી દેવામાં આવ્યો. આ રીતે આમજનતા પુરાણો દ્વારા દેશના ઇતિહાસ અને ઉચ્ચ આધ્યાત્મિક ભાવથી પરિચિત થઈ.
પુરાણોમાં પાંચ લક્ષણોની વાત કહેવામાં આવી છે. પરંતુ સમય જતાં પાંચ લક્ષણવાળા પુરાણમાં સાધારણ મનુષ્યનું આચરણ, વ્યવહાર, આશા, આકાંક્ષા, દેશનો ઇતિહાસ, રાજ્યશાસન, ચિકિત્સાવિજ્ઞાન, ધર્મસાધના વગેરે વિષય પર પણ લખવામાં આવતું. આ રીતે કોઈ કોઈ પુરાણ મહાપુરાણમાં રૂપાંતરિત થયેલું.
પુરાણના મત પ્રમાણે ભારતીય હિંદુ સભ્યતા લગભગ ઈ.સ. પૂર્વે ૬૦૦૦માં શરૂ થયેલ તેથી ઈ.સ. પૂર્વે ૬૦૦૦ વર્ષથી ખ્રિસ્તી ૧૪ શતાબ્દી સુધી પુરાણકાળ કહી શકાય.
પુરાણકાર વ્યાસદેવે બધા જ સૂત, રાજા અને ધાર્મિક નેતાઓની વાર્તા અને દેશની પ્રચલિત લોકવાયકાઓ વગેરે એકઠી કરેલ અને સંપાદિત કરીને ૧૮ પુરાણોની રચના કરી હતી. તેથી શ્રીમદ્ ભાગવતમાં શ્રીકૃષ્ણ અને અન્યાન્ય અવતાર અને રાજાઓની વાતો રહેલી છે. તે બધું વ્યાસદેવની કલ્પનામાત્ર નથી. આ બધી વાતો વ્યાસના અગાઉના સમયથી કિંવદન્તી રૂપે પ્રચલિત હતી. વ્યાસદેવ એ બધી વાતોને ગંભીર-ચિંતન દ્વારા સુસંગતપણે એકત્ર કરીને શ્રીમદ્ ભાગવતરૂપી અમૂલ્ય રત્ન દ્વારા મનુષ્યના શ્રેષ્ઠ કલ્યાણ માટે રજૂ કરી હતી. આ અમૂલ્ય રત્ન મેળવીને જગતવાસીઓએ પોતાના મનુષ્યત્વનો પૂર્ણભાવે વિકાસ કરવાની તક મેળવી છે. તેથી બધા જ વ્યાસદેવના ખૂબ જ ઋણી છે. એટલું જ નહિ મહામના વ્યાસદેવ સહુના પ્રણામને પાત્ર છે.
વેદાંત સૂત્ર અને શ્રીમદ્ ભાગવત બંને વ્યાસદેવની રચના છે. શ્રીમદ્ ભાગવત ગ્રંથની રચના તેમણે સહુ છેલ્લે કરી હતી. ઘણા લોકો માને છે કે, શ્રીમદ્ ભાગવત એ વેદાંત સૂત્રનું ભાષ્ય છે—સર્વ વેદાંતસાર જ શ્રીમદ્ ભાગવત છે. શ્રીમદ્ ભાગવતમાં જ્ઞાન અને ભક્તિ અતિ સુંદરભાવે સંકળાયેલાં છે. શ્રીમદ્ ભાગવતનો પ્રત્યેક શ્લોક ભક્તિભાવપૂર્ણ છે. તેથી સામાન્ય મનુષ્ય પોતાની આશા-આકાંક્ષાનું પૂર્ણ રૂપ શ્રીમદ્ ભાગવતમાંથી શોધી કાઢે છે.
સામાન્ય રીતે જોવા મળે છે કે, શાસ્ત્રગ્રંથની રચનામાં કોઈ ને કોઈ દુઃખદ ઘટના કારણરૂપ હોય છે. જેમ કે, સારસ યુગલમાંના એક પક્ષીનો વધ થતાં વાલ્મીકિના મનમાં દુઃખ થયું અને અતિ દુઃખમાં, અજાણતાં જ તેમના મુખમાંથી શિકારીને શાપ આપતો સુલલિત છંદબદ્ધ શ્લોક નીકળી પડ્યો. આ શ્લોકથી રામાયણનો પ્રારંભ થયો. ફરી કુરુક્ષેત્રના યુદ્ધ મેદાનમાં આત્મીય સ્વજન ભાઈ-ભાંડુઓને જોઈને અર્જુનને ઊંડું દુઃખ થયું. તે વિષાદગ્રસ્ત થઈને વિચારવા લાગ્યો કે, આ લોકોની હત્યા કરીને સિંહાસન મેળવવું પડશે—આવું યુદ્ધ મારે નથી કરવું. અર્જુનનો આ પ્રકારનો વિષાદ તો ગીતાની રચનાનો મૂળ સ્રોત બન્યો. વળી સુરથ રાજાને પોતાના જ મંત્રીઓએ રાજ્યચ્યુત કરીને હાંકી કાઢ્યા હતા. સમાધિ નામના વણિકનો તેનાં સ્ત્રી-પુત્રોએ તિરસ્કાર કર્યો હતો. અને તે વનમાં ચાલ્યા ગયા. સુરથ અને સમાધિ વનમાં મેધસ મુનિ પાસે આવ્યા અને વાતચીત કરી અને તે રીતે ચંડી સપ્તશતીનો આરંભ થયો. તે જ રીતે વ્યાસમુનિએ વેદોનું વિભાજન કર્યું. કેટલાંય શાસ્ત્રો લખ્યાં તોપણ તેમના મનમાં શાંતિ ન થઈ. કળિયુગમાં મનુષ્યનું આયુષ્ય ટૂંકું તેથી યાગયજ્ઞ, અષ્ટાંગ સાધન, સાંખ્ય, યોગ વગેરે બધા જ પ્રકારની સાધના સિદ્ધ કરવા માટે તો લાંબો સમય લાગે, ઉપરાંત વેદના વિભાજન અને શાસ્ત્રરચનાઓથી શું વળ્યું? જીવનું કંઈ કલ્યાણ તો ન થયું, આ વિષાદથી જ શ્રીમદ્ ભાગવતની ઉત્પત્તિ થઈ.
વેદવ્યાસે સૌ પ્રથમ પદ્મપુરાણની રચના કરી ત્યાર બાદ બીજાં સોળ પુરાણોની રચના કરી. ત્યાર બાદ બધાં જ પુરાણોનો સાર ગ્રહણ કરીને તેમણે શ્રીમદ્ ભાગવતની રચના કરી અને તે પોતાના પુત્ર શુકદેવને સંભળાવ્યું. શ્રીહરિનાં નામ અને ગુણગાન શ્રીમદ્ ભાગવતનો મુખ્ય વિષય રહ્યો.
પ્રશ્ન કરી શકાય કે, જો પદ્મપુરાણ સૌ પ્રથમ રચાયું હોય અને બીજાં બધાં પુરાણો પછીથી રચાયાં હોય તો પછી પદ્મપુરાણમાં શ્રીમદ્ ભાગવતનો પરિચય કઈ રીતે હોઈ શકે? તેના જવાબમાં કહી શકાય કે, વ્યાસદેવે જે ક્રમમાં પુરાણોની રચના કરી તે પુરાણોના વક્તા તરીકે સૂતનો ઉલ્લેખ કર્યો છે. સૂતજી જ્યારે પુરાણની કથા કરે છે ત્યારે વ્યાસદેવે, સમસ્ત પુરાણોની રચના કરી લીધી હતી.
જગતમાં જીવ જન્મ-મૃત્યુના પ્રવાહથી મુક્ત થવા ઇચ્છે છે. આ તો સમગ્ર દર્શનશાસ્ત્રનું ચરમ તત્ત્વ છે. પરંતુ તેનાથીય ચડિયાતું ભક્તિનું સ્થાન છે. આ વાત શ્રીમદ્ ભાગવતમાં કહી છે:
सालोक्यसार्ष्टिसामीप्यसारूप्यैकत्वमप्युत।
दीयमानं न गृह्णन्ति विना मत्सेवनं जनाः॥ (३.२९.१३)
ભગવાનની સાથે એક જ લોકમાં વાસ, સમાન ઐશ્વર્ય, સમીપમાં વસવાટ, સમાનરૂપ અને ભગવાન સાથે તાદાત્મ્ય અર્થાત્ એકરૂપતા હોવા છતાંય ભક્ત આ બધું ગ્રહણ કરે નહિ, કેવળ ભગવાનની સેવા કરવા જ ઇચ્છે. આ અપૂર્વ ભક્તિતત્ત્વ વિશે જ શ્રીમદ્ ભાગવતમાં સવિસ્તાર કહેવામાં આવ્યું છે.
ભાગવતની મુખ્ય વિશિષ્ટતા છે: ભગવત્ ઉપાસનાની રસસ્વરૂપતા. ઉપનિષદ પ્રમાણે ‘रसो वै सः रसम् ह्येवायम् लब्ध्वानन्दी भवति’ અર્થાત્ તે બ્રહ્મ જ રસસ્વરૂપ છે, અને જીવ એ રસસ્વરૂપને પ્રાપ્ત કરીને પરમ આનંદ પામે છે. શ્રીમદ્ ભાગવતમાં તે આનંદ સ્વરૂપ ભગવાનની જ કથા કહેવામાં આવી છે.
ભાગવતમાં અન્યાન્ય અવતારની કથા કહીને શ્રીકૃષ્ણ વિશે કહેવામાં આવ્યું છે एते चांशकलाः पुंसः कृष्णस्तु भगवान् स्वयम्। (१.३.२८) અવતારોમાં કોઈ કોઈ ભગવાનના અંશ તો કોઈ વળી તેમની કલા; એકમાત્ર શ્રીકૃષ્ણ જ સ્વયં ભગવાન. શ્રીમદ્ ભાગવતમાં શ્રીકૃષ્ણતત્ત્વ જ વિશેષ ભાવે પ્રકાશિત થયેલ છે અને શ્રીકૃષ્ણતત્ત્વની સાથે શ્રુતિના સિદ્ધાંતોનો અપૂર્વ મેળ જોવા મળે છે.
શ્રીમદ્ ભાગવત એક રીતે વેદાંત-સિદ્ધાંત-કણિકા છે, વળી એ જ વેદાંતવેદ્ય તત્ત્વનું કઈ રીતે રસસ્વરૂપે આસ્વાદન કરી શકાય તે માટેનું માર્ગદર્શક પણ છે. શ્રીમદ્ ભાગવતનો સર્વશ્રેષ્ઠ દાર્શનિક સિદ્ધાંત પરમ મધુર શ્રીકૃષ્ણલીલામાં પ્રસ્ફુરિત થયેલ છે.
મધુસૂદન સરસ્વતી જેવા મોટા અદ્વૈતવાદીએ ગીતાની વ્યાખ્યા કરતાં કહ્યું છે:
बंशीविभूषित करान्नवनीरदाभात्
पीताम्बरोदरुण विश्वफलाधरौष्ठात्।
पूर्णेन्दु सुंदर मुखारविन्द नेत्रात्
कृष्णात् परम् किमपि तत्त्वमहं न जाने।
અર્થાત્ જેમના શરીરનો વર્ણ તાજા જળથી ભરેલ મેઘ જેવો શ્યામ છે, જેમના હાથ બંસી વડે શોભાયમાન છે, જેમણે પીતાંબર ધારણ કર્યાં છે, જેમના હોઠ લાલાશ પડતા છે, જેમનું મુખ પૂર્ણચંદ્ર જેવું સુંદર છે, જેમની આંખો કમળ જેવી મનોહર છે, એવા શ્રીકૃષ્ણથી ચડિયાતું બીજું કોઈ પરમ તત્ત્વ હોઈ શકે તેવું મને લાગતું નથી.
શ્રીમદ્ ભાગવતના ટીકાકાર શ્રીધર સ્વામી પ્રારંભમાં શ્રીકૃષ્ણની વંદના કરતાં કહે છે, ‘જેમનાં ચરણકમળ રૂપી જ્ઞાનમય મધુ પરમહંસગણ દ્વારા આસ્વાદિત, જેઓ ભક્તજનોના માનસના અધિષ્ઠિતા છે તેવા શ્રીકૃષ્ણને હું પ્રણામ કરું છું.’
Your Content Goes Here




