(શ્રીડોંગરેજી મહારાજના શ્રીમુખેથી વહેતી શ્રીમદ્ ભાગવતની અમૃતમયી કથામાંથી મનનીય અંશોનું શ્રીમતી માલતી નરેશ જોષી દ્વારા કરવામાં આવેલ સંકલન.)
ભગવાન વેદવ્યાસે શ્રીમદ્ ભાગવત પુરાણની રચના કરી છે. શુકદેવજીએ પરીક્ષિતરાજાને આ કથા સંભળાવેલી, તે વખતે સૂતજી ત્યાં હાજર હતા, તેથી આ કથા તેઓ શૌનકજીને સંભળાવે છે.
ત્યારે શૌનકજી સૂતજીને કહે છે : ‘વ્યાસજીએ શ્રીમદ્ ભાગવત પુરાણની રચના શા માટે કરી? રચના કર્યા પછી તેનો પ્રચાર-પ્રસાર કેવી રીતે કર્યો? આ બધું મને સંભળાવવા કૃપા કરશો.’
સૂતજી કહે છે : ‘દ્વાપરની સમાપ્તિનો સમય હતો. વ્યાસ ભગવાન સરસ્વતીને કિનારે બિરાજતા હતા. એક વખત તેઓને પાંચ હજાર વર્ષ પછી દુનિયામાં શું થશે તેનાં દર્શન થાય છે. વ્યાસજીએ વિચાર્યું કે, કલિયુગમાં લોકો વિલાસી થશે, મનુષ્યો બુદ્ધિહીન થશે, વેદશાસ્ત્રનું અધ્યયન કરી શકશે નહિ, તેથી વેદના ચાર વિભાગ કર્યા. પછી સત્તર પુરાણોની રચના કરી; પછી મહાભારતની રચના કરી. આટલા ગ્રંથોની રચના કરી, છતાં વ્યાસજીના મનને શાંતિ મળતી નથી. નારદજી તેમની અશાંતિનું કારણ જણાવતાં કહે છે:
‘કલિયુગમાં ભોગી જીવો તમારાં બ્રહ્મસૂત્ર આદિ સમજી શકશે નહિ, પણ શ્રીકૃષ્ણની , લીલાકથાઓની રચનાથી તમારા મનને શાંતિ મળશે. તમે એવી કથા લખો કે તમને શાંતિ મળે અને જગતના સર્વ જીવોને પણ શાંતિ મળે.’ વ્યાસજીને ખાતરી થાય એ હેતુથી નારદજી પોતાના પૂર્વજન્મની કથા વ્યાસજીને કહે છે. તે જણાવે છે : ‘દાસીપુત્ર હતો છતાં સત્સંગમાં મેં શ્રીમદ્ ભાગવતકથા સાંભળી, શ્રીકૃષ્ણકથા સાંભળવાથી મારું જીવન સુધર્યું. પછી મેં શ્રીકૃષ્ણકીર્તન કર્યું. કલિયુગમાં નામ-સંકીર્તન એ ઉગરવાનો ઉપાય છે.’ વ્યાસજી નારદજીને આ શ્રીકૃષ્ણકથા સંભળાવવા કહે છે. ત્યારે નારદજી કહે છે કે, તમે સમાધિમાં બેસો અને સમાધિમાં જે દેખાય તે લખજો. પછી વ્યાસજીએ ૧૮૦૦૦ શ્લોકોનો આ શ્રીમદ્ ભાગવત ગ્રંથ રચ્યો.
શ્રીમદ્ ભાગવત એ પરમહંસોની સંહિતા છે. શ્રીમદ્ ભાગવત એ મોક્ષ-પ્રાપ્તિ કરવાનું સરળ સાધન છે. શ્રીમદ્ ભાગવત એ ભગવાન નારાયણનું સ્વરૂપ છે. શ્રીમદ્ ભાગવતનો મનથી આશ્રય કરશો તો તે તમને પરમાત્માની ગોદમાં બેસાડશે.
શ્રીમદ્ ભાગવત મુમુક્ષુઓ માટે અતિ ઉત્તમ ગ્રંથ છે કે જેમાં જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્યનું અનુપમ સંમિશ્રણ છે. શ્રીમદ્ ભાગવત ભવરોગની દવા છે. યોગીઓને વનમાં તપશ્ચર્યા કરતાં કરતાં સમાધિમાં જેટલો આનંદ મળે છે તેટલો જ આનંદ ગૃહસ્થને પોતાના ઘરમાં જ શ્રીમદ્ ભાગવતનું નિયમિત અધ્યયન કરવાથી મળે છે. મનના મેલને દૂર કરવાનું સાધન શ્રીમદ્ ભાગવત શાસ્ત્ર છે. શ્રીમદ્ ભાગવત કદી એમ નથી કહેતું કે ઘર છોડવાથી જ ભગવાન મળે છે. શ્રીમદ્ ભાગવત તો ઘરમાં પણ વિવેકથી રહી ભક્તિ કરવાનું કહે છે. ઘર અને ઘરમાં જે કંઈ છે એ બધું પરમાત્માનું જ છે, એ પ્રકારના સમર્પણ ભાવથી રહો. જ્યાં આપણે આ તનના પણ માલિક નથી, તો ધનના અને ઘરના માલિક કઈ રીતે થઈ શકવાના છીએ? તમે ઘરના માલિક નહીં પણ સેવક થઈને રહેજો. માલિક તો શ્રીકૃષ્ણ છે, તમે તો એનો ઉપયોગ કરનારા સેવક છો. માનવીને પ્રાપ્ત ધન-ઘરનો માત્ર ઉપયોગ કરવાનો જ અધિકાર છે, ઉપભોગ કરવાનો નહીં. લક્ષ્મીના માલિક તો શ્રીકૃષ્ણ છે. શ્રીકૃષ્ણ સિવાય કોઈ લક્ષ્મીપતિ નથી. શ્રીમદ્ ભાગવતની કથા એ યજ્ઞ નથી પણ જ્ઞાનસત્ર છે. જે શ્રીમદ્ ભાગવત કથાનો એક એક પ્રસંગ જીવનમાં ઉતારે એનું જીવન સુધરશે, તે સુખી થશે. સંતનો આશ્રય કરનાર સંત બને છે. શ્રીમદ્ ભાગવતનો આશ્રય કરનાર ભગવાન જેવો બને છે. પરમાત્માનો સાક્ષાત્ અનુભવ થાય એ જ શ્રીમદ્ ભાગવતનું ફળ છે.
પરમાત્મા શ્રીકૃષ્ણનું ‘નામ’ અને ‘ધામ’ મંગલમય છે. જપ કરવાથી બધાં પાપ બળે છે. ધ્યાન સાથે જપ કરવાથી મન સુધરે છે. ધ્યાન સાથે જપ ન કરવામાં આવે ત્યાં સુધી પાપ કરવાની આદત છૂટતી નથી. બહુ પુસ્તકો વાંચવાથી વાસના છૂટતી નથી પણ સત્સંગ કરવાથી પાપ કરવાની વૃત્તિ નાબૂદ થાય છે. જપથી જીવન સુધરે છે, સ્વભાવ સુધરે છે. ખૂબ જપ કરવાથી ધીરે ધીરે વાસના છૂટે છે. અનેક જન્મનાં પાપના સંસ્કાર જપ કરવાથી જ દૂર થાય છે. બોલવાનું ઓછું કરો તો જપ કરવાનો વધુ અવસર મળશે. ધન કમાવવું અને વાપરવું એ તો સહેલું કામ છે. પણ એકાંતમાં બેસીને ભગવાનના નામનો જપ કરવો બહુ મુશ્કેલ છે. જપ કરવાથી મન શુદ્ધ થાય છે, સંસારમાં રહીને સતત ભક્તિ કરવી કઠિન છે. વર્ષમાં એકાદ મહિનો પવિત્ર તીર્થમાં જાઓ, ત્યાં મનથી એકાગ્ર ચિત્તે સંસારને ભૂલીને જપ-ધ્યાન-કીર્તન કરો તો મનખા-દેહ, જન્મારો સુધરી જશે.
પ્રભુનું ધ્યાન કરતાં કરતાં જે દેહભાન ભૂલે છે એની પાછળ પાછળ પ્રભુ ફરે છે. ધ્યાન કરતાં કરતાં મનુષ્ય જેમ જેમ જગતને ભૂલે છે, તેમ તેમ આનંદ મળતો જાય છે, ઠાકોરજીના જે સ્વરૂપમાં (ધ્યાનમાં) આપણને ખૂબ આનંદ આવે છે તે આપણા માટે ઇષ્ટ છે. જે દેવનું ધ્યાન કરવું હોય એ દેવના ધામનું પ્રથમ ધ્યાન કરો, તો જ તમે ધ્યાનમાં તમારા ઘરને અને ગામને ભૂલી શકશો. ઘર, ગામ અને જગતનો સંબંધ છૂટ્યા વગર ધ્યાનનો આનંદ આવતો નથી. કારણ કે ધ્યાન જગતનો સંબંધ છોડવા માટે છે.
દરરોજ પ્રાતઃકાળમાં વહેલા ઊઠી અડધો કલાક ધ્યાન કરો, ઈશ્વરનું નામ-સ્મરણ કરો. બાર વર્ષ સુધી નિયમપૂર્વક આ પ્રમાણે કરો તો તમને અજબ અનુભવ થશે. તમે પ્રાતઃકાળમાં જપ, ધ્યાન, તપ કર્યાં હશે તો આખો દિવસ પરમાત્મા તમને પાપ કરતાં અટકાવશે. પ્રાતઃકાળમાં હૃદય થોડું પીગળી જાય તો તમારો આખો દિવસ આનંદમાં જાય છે. પરમાત્માનું એકાગ્રપણે ધ્યાન કરવાથી જીવ-ઈશ્વરનું મિલન થાય છે.
Your Content Goes Here




